નારીસંપદા : ટૂંકી વાર્તા/મેટ્રો

મેટ્રો

સમીરા પાત્રાવાલા

મારે એક વાત કહેવી છે. પણ એ વાત શરૂ કરું એ પહેલા બીજી વાત કરું. તમે ક્યારેય મિત્રતા કરી છે? એટલે કે પાક્કી દોસ્તી? એવો દોસ્ત જેની સાથે મનનો મેળ હોય અને ગમે ત્યારે એની પાસે જઈ શકાય, જેને મળવા કોઈ અપોઈન્ટમેન્ટ પણ ન લેવી પડે. મારે દુર્ભાગ્યવશ એવો કોઈ મિત્ર નથી અથવા એમ કહું કે હવે રહ્યો નથી. ના, એવું નથી કે કોઈ છે નહીં; છે પણ, ભૌગોલિક રીતે દૂર, બહુ જ દૂર. ને બાકીના આટલા બધા ઇન્ટરનેટ નામના દેશમાં વસે છે. જરૂર પડ્યે વાત તો થાય પણ માણસ જેવો માણસ સામે હોય એની તો વાત જ કંઈક અલગ હોય ને! મળવાનાં કારણો હોય અને ન મળવાનાં કારણો પણ. તમે ક્યારેય મેટ્રોમાં મુસાફરી કરી છે? હું આમ તો ઘણી વાર દહાનુકરવાડીથી ડીંડોશી સુધીની મુસાફરી કરું છું. પણ આજે મને ખબર નથી મારે ક્યાં જવું છે. બસ મન થયું કે મેટ્રોમાં બેસી જાઉં અને લાંબી મુસાફરી કરતી રહું. મેટ્રો સ્ટેશન પર સ્ટેશન બદલ્યા કરે અને એનો કોઈ અંત જ ન આવે ને અંત આવે તોપણ મનમાં જે જગ્યા વિચારી હોય ત્યાં જ પહોંચી જવાય. આમ તો દરેક પ્રકારની મુસાફરીની આદત હોવી જોઈએ એવું મારું માનવું છે ને જીવનના દરેક સારા અનુભવો તો જાતે જ કરી લેવા. નરસા અનુભવો તો આમેય જિંદગી પોતે જ કરાવી લે છે. હું પણ ફરી શું લઈને બેસી ગઈ! મેટ્રોની ભવ્યતા તો અનુભવવા જેવી. ટ્રેનમાં બેઠા હોય તો લાગે કે બાકી જિંદગીમાં ટેસડા પડી ગયા છે. ના ના, આને કોઈ મિડલ ક્લાસ મેન્ટાલિટીમાં ન ખપાવવી, પણ સાચે જ મેટ્રોની ભવ્યતા એક અલગ જ ખુશી અર્પે છે. એવું લાગે કે જાણે પ્લેનમાં ઊડી રહ્યા છીએ. ફુલ એસીવાળા ડબ્બામાં કાચવાળી બારીઓ પાસે બેસ્યા હોય તો એક અલગ જ શિસ્ત આવી જાય માણસમાં. ને એય ને કોઈ જાતના અવરોધો વગર ગાડી સ્ટેશન પર સરસરાટ દોડતી જાય. થોડી ક્ષણો તો જાહોજલાલીનો આનંદ આવે. પાંચ મિનિટ જે-તે સ્ટેશન પર ગાડી રોકાય ને ફરી આગળ વધી જવાનું. જોકે, લોકલની પણ પોતાની જ મજા છે. મેટ્રો અને લોકલમાં એટલો જ ફરક છે જેટલો રૂબરૂ મુલાકાત અને વર્ચ્યુઅલ મીટિંગનો. લોકલમાં માણસો પાસે બેસે, લગોલગ હોય અને એની સાથે એકબીજાની જિંદગી પણ થોડીઘણી આપણને સ્પર્શ્યા વગર ન રહે. મેટ્રોમાં તો જગ્યા જ એટલી વધારે કે માણસો વચ્ચે અંતર અને અંતરાય બંનેય આરામથી બેસી શકે. છતાંય મેટ્રોની મૂંગા મોઢે સ્પીડમાં ચાલવાની તાસીર મને બહુ ગમે છે. જિંદગી પણ આવી હોત તો કેટલું સારું હોત! આટલા બધા રસ્તાઓમાં એકાદ ટ્રેક પર ચડી જવાનું ને સડસડાટ આગળ વધી જવાનું. પણ એવું ભાગ્યે જ બને છે કે ધારી મંજિલે ફટાફટ પહોંચી શકાયું હોય. જિંદગીની જંજાળ જ કેટલી બધી હોય છે! એમાંય બદકિસ્મતીના તો આપણે ખાંસા'બ કે લોકોને જે ક્ષણો કૂદકો મારી ઝોળીમાં પડે એ ઘડીને ઝડપતાં આપણે માનતાઓ માનવી પડે. માનતા પણ પાછી કુદરતની મરજી હોય તો જ ફળે. સાલું એમ લાગે કે જિંદગીમાં પણ એકાદ મેટ્રો લાઈન સેંક્શન થઈ જવી જોઈએ. સમય ક્યારેક તો એવો રોકાઈ જાય છે કે જિંદગી આગળ વધવાનું નામ નથી લેતી. એવામાં આવી એકાદ મેટ્રો બદકિસ્મતીને જે તે સ્ટેશન પર પટકીને જિંદગીને સરસરાટ આગળ ધપાવતી રહેવી જોઈએ. વળી ક્યારેક મને એવુંય લાગે કે મારી અંદર જ એક ભ્રષ્ટ સિસ્ટમ બેઠેલી છે, જે મારું એક પણ કામ સમયસર પતવા નથી દેતી.

તમે ક્યારેય ભાગતા લોકોને ધારીને જોયા છે? લોકો હેતુસર અને વગર હેતુસર ભાગી શકે છે. મારી આંખોને લોકોની ગતિ અને પ્રગતિ નોંધવાની આદત છે. મોબાઇલ સ્ક્રીનમાં સતત ભાગતી અને સતત પોતાને વેચતી રહેતી જિંદગીઓને જોઈને લાગ્યા કરે કે દુનિયા તો ફાસ્ટ જઈ રહી છે, હું જ સ્થગિત છું. મારા સ્થાને માર ઘરના સોફા પર બેઠી બેઠી એક મૂક પ્રેક્ષક બની ગઈ છું. આ મેટ્રોમાં પણ અત્યારે એવું જ લાગે છે. ક્યારનું થાય છે કે આ સામેની બાજુએ જમણેથી ત્રીજા નંબરે બેસેલી છોકરી થોડી નિશી જેવી લાગે છે. એમ થાય છે કે એની સાથે વાતો કરવા લાગું. મિત્રતા કરી લઉં પણ વગર કારણની શરૂઆત ક્યાંથી કરું એનો અંદાજો નથી મળતો. મારી સામે એ ક્યારની મોબાઈલમાં મોઢું નાંખી સ્થિર થઈ છે ને પાછળ દૃશ્યો બદલાતાં રહે છે, સ્ટેશનો બદલાતાં રહે છે, બિલકુલ મોબાઈલની એ ઝડપી જિંદગીની જેમ જ! આટલી સહુલિયતવાળી મેટ્રોને જીવનમાં આવતાં તોપણ મોડું થયું છે. કાશ, એક મેટ્રો અહીંથી સીધી બુરહાનપુર જતી હોત તો કેટલું સારું હોત ને! આ અહીં બેઠા ને આ બુરહાનપુર પહોંચ્યા એવું કશુંક. મેટ્રોમાં એકાદ મૅજિકલ શક્તિ ભળી ગઈ હોત તો કેવું સારું? હેરી પોટરની પેલી હરમાઈનીની જેમ જે સ્થળે ધાર્યું હોય ત્યાં મૅજિકલ પાવરથી પહોંચી જવાય, સ્ટેશનમાં બેઠા ને એને ખબર પડી જાય કે મનને જે સ્થળે જાવું છે એ જ સ્થળે બરાબર ઊભી રહે, નહીં કે શારીરિક રીતે જ્યાં જવું છે ત્યાં! આ દહાનુકરવાડી જતી મેટ્રોને જો આ ખબર પડત તો એ સીધી પહોંચી જાત નિશીના ઘરે અને સ્ટેશન તો સીધું એનો હિંડોળો જ હોત. એય ને મજાના હિંડોળા ઉપર હું ને નિશલી કેટલીયે વાતો કરત. મારે તો કેટલુંય કહેવાનું છે એને વરસોવરસની વાતો. એનાં લગ્ન પછીની વાતો, નવી-જૂની, જાણી-અજાણી, જાત-જાતની અને ભાત—ભાતની અઢળક વાતો. જોકે અત્યારે તાત્કાલિક તો એ ત્યાં મળશે જ નહીં. નિશલીને કેનેડાથી ઊડીને અહીં આવવું પડે. હવામાં રીતસરના ઓગાળી દે એવી સ્પીડે આવે તો જ એ મારી મેટ્રોના સમયે મારા ધાર્યા સ્થળે મળી શકે. નિશલી સામે આવત તો પહેલાં જ એને ભેટી પડત. ભેટીને ખૂબ રડત, ખૂબ રડત. ને શાંત પડતાં નિશલી પહેલો સવાલ એ જ પૂછત આબીદ ક્યાં ગયો? કેમ આવ્યો નહીં જોવા? ને એનો જવાબ આપતાં હું પાછી રડી પડત. ફરી અમે બંને ખૂબ જ રડત. ને ઊભા થઈને પાછા બીજા સ્ટેશને જવા ઉપડત. ને બીજું સ્ટેશન ક્યાં ઉઘડત? આબીદના ઘર પાસે, એના પ્રાંગણમાં ઊભેલા લીમડાના ઝાડ નીચે. હું અને નિશી એકદમથી નાના થઈ જાત ને કૂંડાળાં રમવા લાગી જાત. આબીદ ઘરમાંથી શતરંજની રમત લઈને આવત અને અમને ચેલેન્જ કરીને કહેત બહુ રમ્યા હવે કૂંડાળાં, મને કોઈ શતરંજમાં હરાવો તો જાણું. ને ક્યાંય સુધી નિશી અને હું. આબીદ સામે પાટલી બદલી બદલીને એને હરાવવાની કોશિશ કરતાં રહીએ. હું- આબીદ, આબીદ-નિશી, નિશી—આબીદ; આબીદ, નિશી ને હું. ને અંતે હારથી કંટાળીને હું એકાદ ગશ કરીને રમત આખી વિખેરી નાંખત. રમવાનો થોડો વધુ સમય બચત તો આબીદ કેરમનું પણ કહેત ને એમાંય અમે આમ જ હારી જાત, પણ ત્યાં તો આબીદના ઘરથી એક મેટ્રો એવી નીકળી ને ખબર નહીં કેટલીય ચાલી પછી સીધું સ્ટેશન ખૂલ્યું એક પથારી પાસે. મારે નથી જોવું એ દૃશ્ય. મારે નથી કહેવું કશું. બસ અહીંથી આગળ જ વધી જવું છે. સાચું કહું તો અહીંથી બહુ જ પાછળ જતા રહેવું છે. પાછળ ખૂબ જ પાછળ. પણ એવું થયું નહીં ને આબીદ જોઈ રહ્યો છે મને અને નિશીને. આ વખતે વીડિયો કોલમાં, મોબાઈલની સ્ક્રીનમાં નહીં, પણ રૂબરૂ. સાવ જ આંખની લગોલગ. સીધું જ કહી રહ્યો કે શતરંજની રમતમાં ભલે જીત્યો, પણ જિંદગીની રમતમાં આ બીમારીએ માત આપી દીધી. ને મારા મોઢે પહેલાં તો ફક્ત ગાળ જ આવે છે—હલકટ—નફ્ફટ-હરામી—હરામજાદું કૅન્સર! પછી કહું છું “નિશીનાં લગ્ન પછી છેલ્લે આપણે તારાં લગ્નમાં મળેલાં. મેં તો પછી તને જોયો જ નહીં. તું તારી જિંદગીમાં ખોવાઈ ગયો અથવા એમ કહું બુરહાનપુરથી દૂર હું પણ અહીં આ મેટ્રોના નગરમાં ખોવાઈ ગઈ. તું પતિ કેવો રહ્યો ને પછી તું પિતા કેવો બન્યો એની મને ખબર જ ન રહી. તું કેવું જીવી ગયો એની મને ખબર જ ન રહી. તું અહીં સુધી આવી ગયો એની પણ. કોઈ કહેતું હતું કે કાયમના ઝગડાઓએ એને અહીં સુધી લાવી દીધો, એ કોઈને કહી ન શક્યો. અમને પણ કેમ ન કહી શક્યો? ઝડપથી જીવી ગયો એ કરતાં ઝડપભેર જીવતો રહ્યો હોત! કાશ, જે સમયે બીમારી આબીદને ઝડપવા આવી એ જ ઘડીએ એણે આવી કોઈ મેટ્રો પકડી લીધી હોત ને થોડી મિનિટોમાં તો એ દૂર મારી પાસે અહીં આવી ગયો હોત. ને કમીનું-જલ્લાદ—હરામખોર કૅન્સર એને જોઈને નિષ્ફળ—નાકામ ઊભું રહ્યું હોત! ને પછી એ ફરતો રહ્યો હોત જિંદગીભર આવી જ કોઈ મેટ્રોમાં. ને ક્યારેક હું પણ એની સાથે ભળી જાત, એને સાંભળ્યા જ કરત, એની સામે હાર્યા કરત. ને વળી ક્યારેક નિશલી પણ આવી જાત, એ પણ જાણી લેત એની પળેપળની ખબરને અને એ હળવો ફૂલ થઈ જાત. એના નમણા ચહેરા પર ઝીણા દાંતની બત્રીસી દેખાડતો હસ્યા કરત. ને ગુલતાન કરતાં અમે સાથે મુસાફરી કરતાં રહ્યાં હોત આવી જ કોઈ મેટ્રોમાં.

વાર્તા અને વાર્તાકાર :

સમીરા દેખૈયા પાત્રાવાલા (¬૧૪-૦૭-૧૯૮૩)

નોંધપાત્ર વાર્તાઓ :

દરવાજે કોઈક આવ્યું હતું, કોણ એ ખબર નહીં.