નિરંજન/૩૦. છોકરીઓ પર દયા


૩૦. છોકરીઓ પર દયા

સુનીલાએ ઘેર આવીને દુ:ખદ મામલો દીઠો: બાપુનું ત્રિરંગી તૈલચિત્ર ભાંગી-ચોળાઈને ભૂકો થયું છે: પુસ્તકાલયના ઓરડામાં પુસ્તકો વેરણછેરણ પડ્યાં છે: પિતાની નિશાની કરેલી ચોપડીઓનાં પાનાં જીવતા શરીરમાંથી છેદાઈને રોળાતાં અંગો જેવાં ફડફડ ઊડે છે. ``આ બધું રમખાણ કોણે મચાવ્યું? સુનીલાએ ફાળભરી છાતીએ નોકરને પૂછ્યું. ``બાએ. ``બાએ! શા માટે? ``કોને ખબર શા માટે? એ તો બધી ભાંગફોડ કરતાં કરતાં બાપુને માટે બેમરજાદ શબ્દો બોલતાં હતાં. સુનીલાએ સમજી લીધું: માતાના હૃદયમાં આજે જે શૂન્યતા વ્યાપી છે, તેમાં જૂની ભૂતાવળ જાગી ઊઠી હશે – બાપુ પ્રત્યે ઈર્ષ્યાની, હિંસાની ને સંશયોની ભૂતાવળ. માતાને એણે કશું ન કહ્યું. આંસુભરી આંખે એણે પુસ્તકોને સુવ્યવસ્થિત કર્યાં. પિતાની તસવીરને એણે કપડામાં લપેટી સંકેલી લીધી. છબીમાં ખરડાયેલ પિતાનું મોં પુત્રીને જાણે કહી રહ્યું હતું કે, `મારા વસિયતનામામાં મેં મારી તમામ વિદ્યાની વારસદાર તને નક્કી કરી છે, બેટા સુનીલા!' `હુંય પણ, બાપુ,' સુનીલા છાની છાની છબીને કહેતી હતી, `બીજા વિચારોને તાળું દઈ રહી છું. માતાની સ્નેહ-ઈર્ષ્યાએ મને સાવધ કરી દીધી છે. હું તમારા જ્ઞાનને ખોળે જ લોટવા માગું છું.' પોતાનો ખંડ પોતે બંધ કરીને ગઈ હતી. ખોલીને પોતે જ એ પંદર-વીસ દિવસની ચડેલી રજને ખંખેરી નાખી. બે કલાકમાં તો ઓરડો જીવતો બની હસવા લાગ્યો. વહાલભરી પત્ની પિયરથી પાછી આવીને જે વહાલથી પતિનાં આંખ-મોં લૂછે, તેવા કોઈ પ્રેમથી સુનીલાએ પોતાના ખંડને ખૂણેખાંચરે સાફસૂફી કરી. વળતા પ્રભાતથી અભિનંદનો આપનારાઓની મુલાકાતો શરૂ થઈ ગઈ. સ્નેહીઓ અને સ્વજનો વણમાગી સલાહ આપવા લાગી પડ્યાં. લગ્નનો પ્રસ્તાવ મૂકનારા અનેક હતા. કોઈને પોતાના બૅરિસ્ટર-પુત્ર તો કોઈને સિવિલિયન-ભત્રીજો, કોઈનો ભાણેજ પ્રોફેસર, તો કોઈનો લક્ષાધિપતિ સાળો – એમ સહુ કોઈ આપ્તજનોના ગજવામાં સુનીલાને માટે અકેક આકર્ષક રમકડું ભરેલું હતું. દરેકની સામે સુનીલાએ નરમ હાસ્ય વેર્યું. પ્રત્યેક જણ આશાને હીંડોળે હીંચતો ઘેર ગયો. પ્રોફેસરો પણ એક પછી એક આવ્યા. સહુએ ઠપકો આપ્યો કે, ``તેં પહેલા નંબરનાં પારિતોષિકો જતાં શા માટે કર્યાં? ``કંઈ નહીં, મારે યુનિવર્સિટીના ક્ષેત્રમાં આગળ નથી વધવું એટલા સારુ. ``પણ તમે મને મોટો અન્યાય કર્યો તેનું શું? એક પ્રોફેસરના આવા શબ્દોએ સુનીલાને ચમકાવી. ``તમને અન્યાય? ``નહીં ત્યારે? મારા વિષયમાં મેં તમને ઇરાદાપૂર્વક વધુ દોકડા આપ્યા છે. ખરી રીતે નિરંજનનો પેપર તમારાથી ચડિયાતો હતો! આ વાત સાંભળીને સુનીલાના ડોળા ધસી આવ્યા. એણે પૂછ્યું: ``એમ કરવાનું કારણ? ``કારણ કે તમે સ્ત્રી છો. ઉત્તેજનને પાત્ર છો. ``મેં તમારું ઉત્તેજન યાચ્યું હતું? ``એમાં યાચવાનું શું છે? એટલુંય અમે ન સમજીએ? અમારો ધર્મ છે. ``એવો અધર્મ કરવાનો તમારો ધર્મ? ``શાનો અધર્મ? ``એક વિદ્યાર્થી પુરુષ છે તેટલા ખાતર એની કારકિર્દી પર કુહાડો મારીને તમે મને હું સ્ત્રી છું તેવી દયાને કારણે ઊંચે બેસારી? ``નહીં તો શું છોકરીઓ પોતાની તાકાતને જોરે આટલી પાસ થાય છે દર વર્ષે? સુનીલાને આ શબ્દોનું અપમાન હૈયે ભોંકાયું. એ કકળી ઊઠી: ``હું આ વાતને એક્સપોઝ કરીશ. ``ઘેલાં થતાં ના, જોજો હાં કે? ``જોઉં તે શું? તમારી આ દયા તો અસહ્ય છે. ``બધા જ એમ કરે છે. ``તો એ બધાને ઉઘાડા પાડીશ. ``ઘેલી! ઘેલી! આ વખતે તો કશું જ ન કરતાં, હાં! આ વખતે હું એકલો જ ઝપાટે ચડી જવાનો. ``શા માટે? ``મારે ને એને તલવારો અફળાયેલી છે. ``શાની તલવારો? ``પેલો મેગેઝીનમાં એની વાર્તા છાપવાનો મામલો યાદ હશે. ``હાં હાં. ત્યારે તો એ વાતનું વેર તમે આમ વસૂલ કર્યું, નહીં? કહીને સુનીલા ઊભી થઈને બીજા ઓરડામાં ચાલી ગઈ. તે જ દિવસે એણે રજિસ્ટ્રાર પર આ બાબતનો કાગળ લખ્યો ને નિરંજનને તાર કર્યો.