નીતિન મહેતાનાં કાવ્યો/શાપિત માણસ

શાપિત માણસ




પડછાયાનાં વહાણ મને શકે ના તાણી
પૃથ્વીનો હું શાપ માણસ નામે મારી એંધાણી

મને માણસ થવાની ચીડ ચઢે છે
આર્ટ ગૅલેરીની ભૂખરી દીવાલમાં
તાંબાના સૂરજ હેઠે
કે ક્ષય જેવા લૅન્ડસ્કેપમાં
ચિત્રિત મારી ઇચ્છા મારા હોવાપણાના
બિન્દુની બહાર ગતિ કરી ગઈ છે
કદાચ શબ્દો ગળતાં હાડપિંજર બની
મને વળગી રહ્યા છે
માણસ જ માણસનો રોગ છે
લાગે છે માણસથી ઇતર તે જ માણસ છે

પૃથ્વીનો હું શાપ માણસ નામે મારી એંધાણી
પડછાયાનાં પૂર મને શકે ના તાણી

બિથોવનની નવમી સિમ્ફનીમાં
ટોળાં બની વહી જાય મારો અવાજ
રેતીની જેમ અડધી રાતે ઊડી જાય
પંખીઓ નદીની શોધમાં
તૂટી ગયેલી ખોપરીના સૂકા આકાશમાં
લોહી બની દદડ્યા કરે છે બિલોરી પવન



ભૂસ્તરશાસ્ત્રની શોધ બની સંગ્રહસ્થાનની
દીવાલોમાં સચવાઈ પડી છે જે મારી સ્થિતિ
તે પણ આજે ફરતા રક્તમાં
શ્વાસનાં જાળાં બની ગોળાયા કરે છે
અને મારી આજુબાજુની પરિસ્થિતિ
અજગરની જેમ મને વીંટતી જાય છે
આ પરિસ્થિતિની ભીંસમાંથી
કોઈ પારધી નહીં બચાવી શકે
તેથી તો
હું માણસ થવાનો બોજો વહન કર્યા કરું છું વર્ષોથી

પડછાયાનાં ખાલી ખાલી વહાણ મને શકે છે તાણી
પૃથ્વીનો હું શાપ માણસ નામે મારી એંધાણી

તીણા ખીલા બની
ત્વચાની આરપાર નીકળી જતી દોસ્તી
પથ્થરના પૂતળામાં ઠરી ગયેલો પ્રેમ
દીવાલની જેમ ચોપાસથી ગબડી પડતા સમ્બન્ધો
રણનો વંટોળ બનાવી છોડી દે છે મને
હું તરસ બની ચિત્રિત થઈ ગયેલો રંગ છું
હજારો વર્ષોનો અંધકાર બિલાડીના નખની
જેમ મારામાં વધ્યા કરે છે રોજ રોજ વૃક્ષ બની
મને માણસ થવાની હવે તો
બીક લાગે છે
ફોટાની ફ્રેમની બહાર વહી શકે ના પડછાયાનાં પાણી
હું માણસ નામે નેગેટિવ શોધું મારી ચિત્રિત ઠંડી વાણી
મને માણસ થવાનો થાક લાગે છે.