નીરખ ને/અસ્તિત્વ અને આપણે


મહારાજ મને પૂછતા હતા કે તમને શાસ્ત્રવચનો આટલાં બધાં કેવી રીતે યાદ રહે છે? મને એટલા માટે યાદ રહે છે કે મેં બીજો બધો બોજો ઉપાડેલો નથી અને તેથી સ્મરણશક્તિ આ બોજો ઉપાડે છે. કેટલાકને સ્મરણશક્તિમાં કયું સ્મરણ રાખવું ને કયું ન રાખવું તેનો વિવેક જ નથી હોતો. તે વિવેકની વાત મને સદી ગઈ છે. બીજાના દોષો તો હું ભૂલી જ જાઉં છું, પણ મારા દોષો પણ હું ભૂલી જાઉં છું. ભૂતકાળને ભૂલી જવાની કળા સાધીશું તો પ્રત્યેક માણસ આપણને માટે નવો થશે. તાજું, નવું દર્શન. નહીંતર પેલી વાસી રોટલી હોય છે ને? તે વાસી જ હોય છે, તેને તાજી નથી કહેતા. તેવી રીતે આપણે ઓળખવામાં ૨૦ વર્ષનો પરિચય, ૩૦ વર્ષનો પરિચય એ રીતે ઓળખીએ છીએ; પરંતુ એને બદલે જે છેલ્લું છે તે જ સ્વીકારવું જોઈએ. નિતનવીન પરિચય, નિતનવીન વાતો અને તાજી જ રોટી... મનની ભૂમિકાથી અલગ રહેવું એ આજના જમાનાની માંગ છે, કારણ કે એના વિના નિર્ણયશક્તિ નહીં આવે. આજે સ્વતંત્ર નિર્ણયશક્તિની જરૂર છે... માનસશાસ્ત્રની પ્રક્રિયા એનેલિટિકલ (પૃથક્કરણાત્મક) હોય છે, સિન્થેટિકલ (સમન્વયાત્મક) નહીં. કદાચ આ શબ્દો પણ યોગ્ય નથી. માનસશાસ્ત્રનો મેં ઊંડો અભ્યાસ તો નથી કર્યો, પણ જેટલો કર્યો છે એના ઉપરથી લાગે છે કે એ લોકો હજી પોતાને પોતાના મનથી અળગા કરવાની જરૂરિયાત સમજ્યા નથી. જે સ્વયં માનસિક સ્તર પર રહીને વિચારે તે બીજાના માનસનો અભ્યાસ ન કરી શકે... માનસશાસ્ત્રમાં ઉપરથી નીચે સુધી આવશે એટલે ઉપરના સ્તર કરતાં કંઈક વિશેષ તો જાણશે... પરંતુ યોગશાસ્ત્રમાં, સંતસાહિત્યમાં મનથી જે અલગ થવાની વાત છે તે માનસશાસ્ત્રમાં નથી. બીજાને સુધારવા માટે જો સ્વયં મનથી અળગા નહીં થઈએ તો મન મનની સાથે ટકરાય એટલું જ થશે. એ ઉપાય નહીં શોધી શકે.


વિનોબા ભાવે



અસ્તિત્વ અને આપણે

આપણે જાઈએ છીએ કે સારી કહી શકાય એવી સંખ્યામાં લોકો છે જેમણે માબાપની સાંપ્રદાયિક માન્યતાઓ, રૂઢિ-રિવાજો વિના પ્રશ્ને સ્વીકાર્યા છે. અને મૃત્યુ પર્યંત એ સાથે જીવી જાય છે. એવા છે જે પ્રકૃતિએ નાના નાના સામાજિક – રાજકીય કાર્યોમાં રત છે જેમને આવા આધ્યાત્મિક પ્રશ્નો ફિઝૂલ જ નહીં, પણ પ્રત્યાઘાતી લાગે છે. અને કેટલાક આપણા આધુનિક વિદગ્ધ સાહિત્યકારો-કળાકારો છે જેમને માટે સાહિત્યકલા પરમ સત્ય છે અથવા તો સત્યની ખોજ એમને સાહિત્ય કે કલા દ્વારા કરવી છે. આધ્યાત્મિક કુતૂહલને એ પણ કંઈક પ્રત્યાઘાતી માને છે. કેટલાક એવા બૌદ્ધિકો છે જે પહેલેથી જ સભાનતાપૂર્વક અસ્તિત્વ વિશે એક ઠોસ સુસંગત અભિગમ ધરાવે છે; જે દેખાય છે એ જ રિયાલિટી છે અને મૃત્યુ એ આપણો સંપૂર્ણ અંત છે. આ પણ એક પ્રકારનો, ભલે નકારાત્મક આધ્યાત્મિક અભિગમ જ છે. આમાંના કેટલાકમાં અનુભવે કે ચિંતને બીજા વળાંકો પણ આવે છે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જીવન જ્યાં સુધી ભર્યું ભર્યું હોય છે ત્યાં સુધી જીવંતપણે જીવી જાય છે. પણ જ્યારે સાંસારિક કટોકટી ઊભી થઈ જાય છે – દુઃખ – વેદના તૂટી પડે છે ત્યારે આમ કેમ એ પ્રશ્ન પૂછતા થઈ જાય છે. આવા જ કોઈકે બુદ્ધને પ્રશ્ન પૂછ્યો હશે ત્યારે એમણે કહ્યું હતું ને કે જીવન દુઃખમય જ છે અને એનું કારણ તૃષ્ણા છે. તો કેટલાક એવા છે જેમને સત્ને પામવાની પરમ ઝંખના છે અને એ માટે એમની સતત મથામણ છે. એમની મથામણ બે સ્તરે ચાલે છે – એક વાસ્તવને જેવું છે એ જોવાની અને એ રીતે ક્રમે ક્રમે આગળ જવાની અને બીજી મથામણ એમના ચારિત્ર્યના સ્તરે છે – જે ગ્રંથિઓ એમને પીડે છે, જે વાસ્તવની પહેચાનમાં પણ આવરણરૂપ બની રહે છે એથી મુક્ત થવાની ધડપડ. યુંગે સામૂહિક અચેતનના આર્કિટાઇપના અભ્યાસ પછી જણાવ્યું કે માણસ ધાર્મિક કાર્ય (રિલિજ્યસ ફંકશન) ધરાવે છે અને એનો પ્રભાવ જાતીયવૃત્તિ અને આક્રમકવૃત્તિ જેટલો જ પ્રબળ રહ્યો છે. આદિમ જાતિના માણસ માટે તો ધાર્મિક કાર્ય એટલે કે પ્રતીકો નિર્માણ કરવા, ધર્મ રચવો વગેરે ખેતર ખેડવું, શિકારે જવું, માછલી પકડવી એ કાર્યો જેટલું જ સ્વાભાવિક હતું અને આજના બદનામીના યુગમાં પણ પુરુષ અને સ્ત્રી એટલા જ સ્વાભાવિક રીતે ધાર્મિક છે જેટલા પહેલાં હતાં. માત્ર પહેલાં જે શક્તિ ક્રિયાકાંડો અને ધાર્મિક વ્રતોમાં ખર્ચાતી તે હવે રાજકીય પંથોમાં વ્યક્ત થાય છે કે વિશિષ્ટ સંપ્રદાયોમાં કે જ્ઞાનપ્રાપ્તિ પાછળ વેડફાય છે. યુંગે જોયું કે કેટલાક દરદીઓ સારા થઈ ગયા પછી પણ વિશ્લેષીય ઉપચાર ચાલુ રાખતા અથવા પોતાની રીતે આગળ જવા મથતા. આ લોકો પૂરા પ્રગલ્ભ હતા, અને જીવનની ભીતિને કારણે મનોચિકિત્સકને વળગી રહે કે ચિકિત્સક પ્રત્યેની આસક્તિ(ટ્રાન્સફરન્સ)ને કારણે આવતા રહે એ પ્રકારના નહોતા. અસંપ્રજ્ઞપણે એ લોકો એક લક્ષ્ય પાછળ હતા; એ પાછળથી ‘અખિલાઈની શોધ’ તરીકે વ્યાખ્યાયિત થયું. આ રહસ્યમય ચીજ ‘અખિલ માણસ’ (હોલ મેન) સાયકી(Psyche)ના અચેતન અને ચેતન પાસાંઓ વચ્ચે સેતુ રચાય તો સંભવી શકે. આને અંદર ભગવાન શોધવો કે સેલ્ફના આર્કિટાઇપની પૂર્ણ અનુભૂતિ કરવી એમ પણ કહી શકાય. આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે વિશ્લેષણ એ જ એક માત્ર રસ્તો નથી; માત્ર આધુનિક દ્વિધાને એ વધુ અનુકૂળ છે. આ અખિલાઈ માટેની પ્રક્રિયાને યુગે ઇન્ડિવિજ્યુએશન નામ આપ્યું. આ ઇન્ડિવિજ્યુએશન પ્રક્રિયા વ્યક્તિના જીવનમાં ક્રમિક વિકાસ પામે છે – ખાસ કરી જીવનના બીજા તબક્કામાં. યુવાનીમાં પુરુષે પોતાની જાતને દુનિયામાં સ્થાપિત કરવાની છે, યોગ્ય પત્ની મેળવવાની છે, કુટુંબ રચવાનું છે; સ્ત્રીને યુવાનીમાં પરણવાનું છે, બાળકો કરવાનાં છે અને સામાજિક જવાબદારીઓ ઉઠાવવાની છે. દરેકને પોતાના વ્યક્તિત્વના એક પાસા ઉપર ધ્યાન એકાગ્ર કરવું પડે છે. બન્ને પાસેથી કાર્યક્ષમતા, ઉપયોગિતા અને સમાજાનુસારી વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે. આપણો સમાજ વૈજ્ઞાનિક જ્ઞાન અને તાંત્રિક કુનેહ ઉપર રચાયેલો છે, અને એથી આ જ્ઞાન અને કુનેહ પ્રાપ્ત કરવામાં અનિવાર્યપણે વ્યક્તિનું સંપ્રજ્ઞ મન તીક્ષ્ણતાને પામે છે – એટલે કે એક બાજુ જ વ્યક્તિની વિકસે છે. અને એની સહજવૃત્તિઓ દમન પામે છે. સામાન્ય રીતે તો યુવાવર્ગ આ કિંમત ચૂકવવા શક્તિમાન હોય છે. જોકે એમનામાં પણ કેટલાકને પોતાના સાચા સ્વરૂપને અવગણવાનું પરવડતું નથી. અને એમ કરવા જતાં એ લોકો ભાંગી પડે છે, અને બીમાર પડી જાય છે. જ્યારે પ્રૌઢાવસ્થા આવે છે ત્યારે ઘણીવાર કારકિર્દીમાં સફળતાને વરેલી વ્યક્તિઓ ખાલીપણું અને અર્થહીનતા અનુભવે છે. એમનો પ્રશ્ન જીવનમાં નવો અર્થ અને હેતુ શોધવાનો છે. કેટલાક એવા છે જે આવી સંભવિતતાનો સામનો નથી કરી શકતા, અને યુવાવસ્થાનાં મૂલ્યોને અનુસરે છે એટલું જ નહીં, પણ એને જોરશોરથી વળગી રહે છે. એમને માટે ઇન્ડિવિજ્યુએશનની સંકલ્પના અર્થહીન છે. ઇન્ડિવિજ્યુએશન પ્રક્રિયાને ક્યારેક મનોયાત્રા કહેવામાં આવી છે. આ યાત્રામાં યાત્રિકે પહેલા પોતાના પડછાયાને મળવાનું છે, અને પોતાની દુર્લંઘ્ય અને ભયજનક બાજુ સાથે જીવતા શીખવાનું છે; વિરોધી પાસાંઓને માન્યતા આપ્યા વગર અખિલાઈ સંભવતી નથી. અખિલ માણસ વ્યક્તિ (ઇન્ડિવિજ્યુઅલ) છે, પણ વ્યક્તિપ્રધાન (ઇન્ડિવિજ્યુઆલિસ્ટિક) નથી. વ્યક્તિપ્રધાન એટલે કે અહંકેન્દ્રી, બીજાને ભોગે પોતાની વિશિષ્ટતાઓ વિકસાવવી તે. અખિલ માણસને અચેતનના સ્વીકાર દ્વારા પોતાના વિશિષ્ટ વ્યક્તિત્વથી સચેત રહીને પણ બધી જીવંત વસ્તુઓ સાથે, જડ સાથે પણ – સ્વયં બ્રહ્માંડ સાથે બંધુત્વનો સાક્ષાત્કાર થાય છે. આપણે જોયું કે યુંગે વ્યક્તિ માટે આધ્યાત્મિકતાની જરૂરિયાત જાતીયતા જેટલી જ પ્રબળ ગણી છે. આ આખો પ્રશ્ન અલબત્ત યુંગે સામૂહિક અચેતનના આર્કિટાઇપના સંદર્ભમાં વિચાર્યો છે. આપણા ઋષિમુનિઓની આધ્યાત્મિક અનુભૂતિની સચ્ચાઈના પ્રશ્નને યુંગનું મંતવ્ય અડતું નથી એમ હું સમજું છું. બાળકને વાસ્તવને જોતા શીખવવું એ આપણી કેળવણીનો પાયો હોવો જોઈએ. માનસપલોટ (કંડિશનિંગ) તો ક્યાંક થતું રહેવાનું – કુટુંબમાં કે બીજે – પણ બાળકને પોતાનું કંડિશનિંગ પણ જોવાની તક અને સ્વતંત્રતા હોવી જોઈએ. આવું બાળક જ્યારે મોટું થશે ત્યારે બ્રહ્માંડનાં રહસ્યોને તાગવાં સજ્જ હશે. માર્ક્સ સામાજિક વાસ્તવનું વેધક વિશ્લેષણ કરી દુનિયામાં સૌથી વધુ પ્રભાવક વિચારધારાનો પ્રણેતા બની રહ્યો. આદિમ સામ્યવાદમાંથી સામંતવાદ અને એમાંથી મૂડીવાદ કેવી રીતે પરિણમ્યો – એનાં પરિવર્તનશીલ પરિબળોનો અભ્યાસ કરી માર્ક્સે ભવિષ્યના સામ્યવાદની આગાહી કરી. મૂડીવાદના પરિવર્તનશીલ પરિબળોને અનુરૂપ સંઘર્ષ કરવાથી કામદાર સરમુખત્યાર રાજ્ય અસ્તિત્વમાં આવી શકે. ભૂતકાળની માનવસભ્યતાઓનું એનું વિશ્લેષણ ખૂબ જ તર્કસંગત અને પ્રતીતિકર છે. મૂળે માર્ક્સવાદનું ન ખાળી શકાય એવું આકર્ષણ જ એની તર્કસંગતતા છે. જોકે માર્ક્સવાદને આધારે થયેલી ક્રાન્તિઓ ભયાનક વિકૃતિઓમાં પરિણમી. એનાં કારણોની ખોજ કરવાની તાતી જરૂર છે. સંકુલ વાસ્તવનું માર્ક્સવાદ મોટું સરલીકરણ છે – એમાં માણસ નામના તત્ત્વની અતાર્કિકતા(ઇર્રેશનાલિટી)ને પૂરા ધ્યાનમાં લેવાઈ નથી, અને માર્ક્સે કલ્પ્યા એ કરતાં અનેક પરિબળો કામ કરતાં હતાં. પણ એ આડ વાત થઈ. મૂળ એ વાત ઉપર ધ્યાન દોરવું છે કે વાસ્તવનાં પરિબળોને સમજીને એને અનુરૂપ ક્રિયાશીલ થવાની વાત માર્ક્સે કરી. ભાર વાસ્તવને સમજવાની વાત ઉપર છે. ભારતીય અધ્યાત્મક્ષેત્રે એક અત્યંત રસપ્રદ અને ઉત્તેજક ઘટના ઘટી. વસ્તુને એની સમગ્રતામાં ગ્રહવાનું એક અનોખું વિચાર-ઓજાર જૈનદર્શને વિકસાવ્યું જે અનેકાંતવાદ કે સ્યાદ્વાદ તરીકે ઓળખાયું. વસ્તુ માત્રને એક અંત હોતો નથી. એક જ વસ્તુને જુદી જુદી અનેકાન્ત અપેક્ષાએ જોતાં જુદી જુદી દેખાશે. શ્રીમતી રંજન નગરશેઠ લખે છે કે “મોટી લીટી બીજી મોટી લીટીની અપેક્ષાએ નાની અને નાની લીટી એનાથી નાની લીટીની અપેક્ષાએ મોટી છે. વિશાળ આકાશમાં ટપકાં જેવા તારા કરતાં વીજળીનો દીવો મોટો લાગે છે. કેવળ વિભિન્ન નહીં વિરોધી ગુણો પણ એક જ વસ્તુમાં અસ્તિત્વ ધરાવે છે. સૃષ્ટિને જળ દ્વારા જીવાડતી, જમીન ફળદ્રુપ બનાવતી નદી જીવાડનારી છે તો પૂરના પ્રલય દ્વારા વિનાશ સર્જતી સંહારનારી પણ છે. જ્ઞાન અમૃતમય છે, વિષમય બની શકે છે. આગિયાનો પ્રકાશ જીવાડે છે, મારે પણ છે. એક જ વ્યક્તિ ઉદાર અને કૃપણ પ્રેમાળ અને ક્રૂર હોઈ શકે. એક જ પુરુષ કોઈનો પિતા તો કોઈનો પુત્ર છે. ટૂંકમાં વસ્તુ અનેકધર્મી છે. જોનારની દૃષ્ટિ પરિમિત હોવાથી એને એકધર્મી લાગે છે.” જે લાગે છે તેને જ પૂર્ણ સત્ય તરીકે સ્વીકારવાથી સત્યની અન્ય બાજુનો અસ્વીકાર થાય છે. આપણી દૃષ્ટિએ સત્ય લાગ્યું તે સ્વીકારવું, પણ તેને એક માત્ર સત્ય ન માનવું. સત્યની અનંત સંભાવનાઓનો સ્વીકાર એ જ સ્યાદ્વાદની વિશિષ્ટતા. આવી સબળ વિચારધારા ધરાવનારું જૈન દર્શન સાંપ્રદાયિકતાની જે ખાઈમાં ઊતર્યું છે એનું વરવું સ્વરૂપ દરેક ઉત્તમ બાજુને વિકૃત કરતી માણસની ગજબની શક્તિ પ્રત્યે ફરી ફરી વિચાર કરતા કરે છે. આજે કેટલાક જૈન સાધુઓ કહે છે કે ગુરુત્વાકર્ષણ નથી. ચંદ્ર ઉપર કોઈ ગયું નથી. પૃથ્વી ફરતી નથી. પૃથ્વીની તસવીરો પણ એમને ખાતરી આપવા પૂરતી નથી! વિનોબા લખે છે કે ‘પક્ષી પૃથ્વી ઉપરથી ઊડી ફરી એ જ જગ્યાએ પાછું આવતું નિહાળી ઋષિમુનિઓ માનતા કે પૃથ્વી ફરતી નથી. એ વખતે એમને આકર્ષણની ખબર નહોતી.’ પણ આજે બધી વૈજ્ઞાનિક સાબિતિઓની વિરુદ્ધ જઈને માનવું. એ ઝનૂની અંધશ્રદ્ધાની કઈ ખાઈમાં ઊંડા ઊતરી જવું! વિનોબાએ શંકરાચાર્ય વિશે સરસ વાત કરી છે : “શંકરાચાર્યે હિંદુ ધર્મને મોટી જડતામાંથી બચાવી લીધો. જો શંકરાચાર્ય ન હોત તો પશ્ચિમમાં વિજ્ઞાનની સામે ખ્રિસ્તી ધર્મનો વિરોધ થયો તેમ અહીં પણ થાત. યુરોપમાં ચર્ય – ધર્મસંસ્થાએ વિજ્ઞાનની સામે કેટલો પ્રચંડ વિરોધ ઉઠાવ્યો તે જાણીતું છે. પણ શંકરાચાર્યે સ્પષ્ટ કહી દીધું કે ધર્મ વિજ્ઞાનનો કોઈ રીતે વિરોધ કરી શકે નહીં. વિજ્ઞાનનો વિષય જુદો છે, અને ધર્મનો વિષય જુદો છે. વિજ્ઞાનનો વિષય છે સૃષ્ટિજ્ઞાન અને ધર્મનો વિષય છે આત્મજ્ઞાન. તે બન્ને એકમેકને પૂરક છે, વિરોધી નથી. ઊલટું શંકરાચાર્યે તો એવું અદ્ભુુત લખ્યું છે કે ‘નહિ શ્રુતિશતં અપિ અગ્નિઃ અનુષ્ણઃ ઇતિ બ્રુવત્ પ્રામાણ્યં ઉપૈતિ |’ સેંકડો શ્રુતિ અગ્નિ ઠંડો છે એમ કહે તોપણ પ્રમાણભૂત થઈ શકતું નથી. કોઈ પણ રેશનાલિસ્ટ યુક્તિવાદી લખી શકે તેવું આ વાક્ય છે. કયો યુક્તિવાદી આનાથી વધારે સયુક્ત કાંઈ કહી શકે? તેમ છતાં એ ઘણા નમ્ર હતા. શ્રુતિને તેઓ તેમના માતા-પિતા સમાન માનતા હતા. એમનાં ભાષ્યો એટલે શ્રુતિવચનોની એકવાક્યતા. શ્રુતિમાં આટલી નિષ્ઠા હોવા છતાં વિજ્ઞાનની વિરુદ્ધ કંઈ કહે તો પ્રમાણભૂત નહીં માનવા કહ્યું. આને પરિણામે હિંદુધર્મ જડતામાંથી મુક્ત થયો અને ધર્મશ્રદ્ધા બુદ્ધિયુક્ત બની.” અસ્તિત્વ આપણા જીવન દરમ્યાન પમાય એવું તો છે નહીં. આ તો માણસ સભાનાવસ્થામાં આવ્યો ત્યારની એની મથામણ છે. છતાં આપણી દિશા તો પામવા તરફની હોવી ઘટે – જો આપણને એ પ્રકારનો રસ હોય તો. આ બાબતે કોઈનામાં ગુનાહિત ભાવ જગાડવાનો આપણને કોઈ હક્ક નથી. દરેકની સ્વતંત્રતા અબાધિત છે. જૈનદર્શનના અનેકાંતવાદની જેમ ઝેન બૌદ્ધધર્મ પણ અનેક રીતે રસપ્રદ છે. અહીં આપણે ઝેન બૌદ્ધધર્મ વિશે સવિસ્તર વાત નથી કરવી. પણ એ ઉપર લખતા ડૉ. સુઝુકીએ બુદ્ધિની ઉપયોગિતા અને એની મર્યાદા વિશે વિશિષ્ટ દૃષ્ટિકોણથી કહ્યું છે એનો અછડતો નિર્દેશ કરવો છે. સુઝુકી કહે છે કે ઝેન પુસ્તકજ્ઞાન માટે નહીં, સીધી અંગત અનુભૂતિ માટે અરજ કરે છે. આપણી અંદર જ્યાં સતત સાન્ત અને અનંત વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે છે તેના સ્વરૂપને ગ્રહવામાં બુદ્ધિ કરતા કોઈક વધુ શક્તિ(ફેકલ્ટી)ની જરૂર છે. બુદ્ધિએ જ આપણને પ્રશ્ન પૂછતા કર્યા. જેનો જવાબ પોતે આપી શકતી નથી. એટલે એને બાજુએ રાખી બીજી કોઈ પ્રકાશ પાડનારી ઉચ્ચ વસ્તુનો આશરો લેવો જોઈએ. કારણ બુદ્ધિમાં એક વિચિત્ર બેચેની ઊભી કરવાનો ગુણ છે. મનની સ્વસ્થતાને ખળભળાવી મૂકતા પ્રશ્નો બુદ્ધિ ઊભા કરે છે ખરી, પણ મોટેભાગે એના સંતોષકારક જવાબ આપી શકતી નથી. અજ્ઞાનતાની સુખમય શાંતિને હરી લે છે, પણ બીજા પ્રકારની સ્વસ્થતા એની જગ્યાએ લાવી શકતી નથી. અજ્ઞાનતા તરફ બુદ્ધિ નિર્દેશ કરે છે એટલે એને પ્રકાશ પાડનારી પણ ગણવામાં આવે છે. પણ ખરું પૂછો તો એ માર્ગ પ્રકાશિત કરે જ છે એવું નથી. પ્રશ્નો ઊભા કરે છે પરિણામોની દરકાર કર્યા વગર, પણ ઉકેલ માટે એ પોતાથી કોઈ ઊંચી વસ્તુની રાહ જુએ છે. બુદ્ધિ જો ખળભળાટમાં વ્યવસ્થા ઊભી કરી શકી હોત તો કોઈક એરિસ્ટોટલ કે કોઈક હેગલે ચિંતન પદ્ધતિબદ્ધ કર્યા પછી બીજા તત્ત્વજ્ઞાનની જરૂર રહેત નહીં. પણ ચિંતનના ઇતિહાસે પુરવાર કર્યું છે કે અસાધારણ બુદ્ધિએ ઊભી કરેલી દરેક નવી સંરચનાને પાછળથી આવેલો તત્ત્વજ્ઞાની નક્કી તોડી પાડવાનો છે. આ સતત તોડવાનું અને રચવાનું તત્ત્વજ્ઞાનને લાગે વળગે છે ત્યાં સુધી બરાબર છે. કારણ કે બુદ્ધિનું એ અંતર્ગત સ્વરૂપ છે, અને તત્ત્વજ્ઞાનીય પૃચ્છાઓનો વિકાસ શ્વાસોચ્છ્વાસ જેટલો જ સ્વાભાવિક છે; એને આપણે અટકાવી શકીએ નહીં. પણ જ્યારે સ્વયં જીવનનો પ્રશ્ન આવે ત્યારે બુદ્ધિ જે અંતિમ ઉકેલ આપવાનો હોય એની રાહ જોઈ શકીએ નહીં. તત્ત્વજ્ઞાન રહસ્યો ખુલ્લાં કરે ત્યાં સુધી એક ક્ષણ માટે પણ આપણી જીવન-ક્રિયા થંભાવી શકીએ નહીં. ભૂખ્યો માણસ ખોરાકના પૂર્ણ વિશ્લેષણની કે દરેક પોષક તત્ત્વના નિર્ણયની રાહ જોઈ શકે નહીં. ઝેન એટલે પોતાના અંતરતમ પ્રશ્નોના ઉકેલ માટે બુદ્ધિ ઉપર નિર્ભર થતું નથી. અંગત અનુભૂતિ આપણે થાય કે ન થાય. આપણી પાસે માત્ર એક સત્તા છે, અને તે ખૂબ મોટી સત્તા છે – જગતને અને આપણી પ્રકૃતિને અળગા રહીને જોતાં રહેવાની. બુદ્ધિના અંતિમ છેડેથી કૂદકો લઈ (to take a leap) શકીએ કે નહીં – વાસ્તવ જોતા રહેવાથી અનેક આશ્ચર્યો હાથ લાગે તો નવાઈ નહીં.

[નવેમ્બર, ૧૯૮૬