નીરખ ને/ગુરુ-શિષ્યપ્રણાલી કેટલે અંશે સ્વીકાર્ય?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મારી ઉપર ત્રણ પુરુષોએ ઊંડી છાપ પાડી છે : ટૉલ્સ્ટૉય, રસ્કિન અને રાયચંદભાઈ. ટૉલ્સ્ટૉયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી; રસ્કિનની તેના એક જ પુસ્તક ‘અન ટુ ધ લાસ્ટ’થી; અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી. હિંદુધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા... હિંદુધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે એવો મનને વિશ્વાસ આવ્યો. કેટલાક એમ કહે છે કે શ્રીમદ્ રાજચંદ્ર પચીસમા તીર્થંકર થઈ ગયા. કેટલાક એમ માને છે કે તેમણે મોક્ષ મેળવી લીધો. આ બન્ને માન્યતા અયોગ્ય છે એમ મને લાગે છે. એ માન્યતા ધરાવનારા શ્રીમદ્ને ઓળખતા નથી અથવા તીર્થંકરની અથવા મુક્ત પુરુષની વ્યાખ્યા બીજી કરે છે. આપણા પ્રિયતમને સારુ પણ આપણે સત્યને હળવું કે સસ્તું ન કરીએ... શ્રીમદ્ની વીતરાગતા અને વિભૂતિઓ ઘણી વધારે હતી... પણ મુક્ત પુરુષને સારુ કલ્પાયેલી વિતરાગતાને અને તીર્થંકરની વિભૂતિઓને શ્રીમદ્ નહોતા પહોંચી શક્યા એવો મારો દૃઢ અભિપ્રાય છે... આપણે સંસારી જીવો છીએ ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમદ્ને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થોડો પુરુષાર્થ નથી. શ્રીમદ્નાં લખાણોમાં સત્ નીતરી રહ્યું છે એવો મને હમેશાં ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારુ એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો... પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. એમ છતાં મેં એમને ધર્મગુરુ નથી માન્યા. ધર્મગુરુની તો શોધ જ કર્યા કરું છું, અને હજુ સુધી મને બધાને વિશે જવાબ ‘આ નહિ’ એમ જ મળ્યો છે. એવા સંપૂર્ણ ગુરુ મળવાને સારુ અધિકાર જોઈએ, તે ક્યાંથી કાઢું? હિંદુધર્મે ગુરુપદને જે મહત્ત્વ આપ્યું છે તેને હું માનનારો છું. ગુરુ વિના જ્ઞાન ન હોય એ વાક્ય ઘણે અંશે સાચું છે. અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય, પણ આત્મદર્શન કરાવનાર અપૂર્ણ શિક્ષકથી ન જ ચલાવાય. ગુરુપદ તો સંપૂર્ણ જ્ઞાનીને જ અપાય. ગુરુની શોધમાં જ સફળતા રહેલી છે, કેમ કે શિષ્યની યોગ્યતા પ્રમાણે જ ગુરુ મળે છે. યોગ્યતા પ્રાપ્તિને સારુ સંપૂર્ણ પ્રયત્નનો દરેક સાધકને અધિકાર છે, એ તેનો અર્થ છે. એ પ્રયત્નનું ફળ ઈશ્વરાધીન છે..

ગાંધીજી



ગુરુ-શિષ્ય પ્રણાલી કેટલે અંશે સ્વીકાર્ય?

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે,

પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં,
પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ્ય થયા વિના
ઊગે ન આત્મવિચાર.

પૌર્વાત્ય અને ખાસ કરીને ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ગુરુ-શિષ્ય-પ્રણાલી અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ગુરુ કેવા હોવા જોઈએ? રમણ મહર્ષિ કહે છે કે શાસ્ત્રાર્થ જાણતા હોય પણ મુક્ત હોય નહીં એવા ગુરુ પાસે સાધકે ન જવું. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે :

આત્મજ્ઞાન ત્યાં મુનિપણું
જે સાચા ગુરુ હોય.

શ્રી અંબાલાલ પટેલ ઉર્ફે દાદા ભગવાન પોતાની આગવી રીતે આ વાત સમજાવે છે : “આખા દુનિયાભરનાં શાસ્ત્રો લખાયાં છે તો આત્મા માટે, પણ શાસ્ત્રમાં આત્મા છે જ નહીં. શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા અવર્ણનીય છે, અવ્યક્ત છે, નિઃશબ્દ છે, અવાચ્ય છે. આ સૂચવે છે કે આત્મા શાસ્ત્રોમાં સમાવી શકાય તેવો નથી. વળી વેદાંતે પણ છેવટે કહ્યું જ છે નેતિ, નેતિ. નેતિ એટલે ન + ઇતિ – આ તે નથી – એટલે કે આ આત્મા નથી જે તું શોધે છે. છેવટે શાસ્ત્રોએ કહ્યું છે કે ‘જ્ઞાની પાસે જા.’ આગળ સ્પષ્ટતા કરતાં દાદાશ્રી કહે છે કે “જ્ઞાની પાસે જા એટલે કે શાસ્ત્રજ્ઞાની પાસે નહીં, કારણ કે શાસ્ત્રમાં આત્મા નથી તો શાસ્ત્રજ્ઞાની પાસે કેવી રીતે હોય? તું આત્મજ્ઞાની પાસે જા કે જેણે આત્મા જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે; એ આત્મા વાણીમાં ઊતરે એવો નથી એટલે આત્મજ્ઞાની તને સંજ્ઞાથી આત્માનું લક્ષ બેસાડી દેશે.” તો શું શાસ્ત્રનો કોઈ ઉદ્દેશ જ ન રહ્યો? આ પ્રશ્નના ઉત્તરમાં એઓ કહે છે કે “ના, એમ નથી. શાસ્ત્ર ઉપયોગી છે – એ આત્મા પ્રાપ્ત ન કરાવી શકે, પણ અંગુલિનિર્દેશ કરે. એટલે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની પ્રાપ્ત ન હોય ત્યાં સુધી શાસ્ત્રો ઉપયોગી છે જ.” જેમ ગુરુ શાસ્ત્રાર્થી નહીં પણ આત્મજ્ઞાની હોવા જોઈએ, એમ શિષ્યની પણ લાયકાત હોવી જોઈએ. એ શિષ્ય કેવો હોવો જોઈએ? રજનીશજી એમની વિશિષ્ટતાથી એ સમજાવે છે. એ કહે છે કે “સૌથી મોટી જો કોઈ કળા હોય તો એ શિષ્ય થવાની છે. જિસસે કહ્યું, ‘Ask and it shall be given to you. Knock and doors shall be opened to you.’ પણ આ કંઈ શ્રેષ્ઠ બોધ નથી. જિસસ શ્રેષ્ઠ બોધ આપી શક્યા નહીં, કારણ કે એમની આજુબાજુ જે લોકો હતા એમને શિષ્ય થતા આવડ્યું નહીં. યહુદી પ્રણાલીમાં શિક્ષકો, ઉત્તમ શિક્ષકો મળી આવશે; વિદ્યાર્થીઓ, નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ દેખા દેશે. પણ ગુરુ-શિષ્ય પરંપરા મૂળે પૌર્વાત્ય ઘટના છે. જિસસે માંગવાનું અને દ્વાર ખટખટાવવાનું કહ્યું, પણ માંગવાથી મળતું નથી અને દ્વાર ખટખટાવતા તમને ઠુકરાવી દેવામાં આવે છે. માંગવું, દરવાજો ખટખટાવવો એ આક્રમકતા છે – અહંમાંથી ઊભી થયેલી. To be a disciple, to be with a master is to move into the unknown. You cannot be very aggressive there. If You are aggressive the unknown will never be revealed to you. It cannot be revealed to an aggressive mind. The very nature of it is such that you have to be receptive, not aggressive. The search for truth is not an active search. It is a deep passivity. In yor deep passivity you will receive.” પછી એમણે ઝેન ગુરુ અને શિષ્યની વાત કરી છે. પણ અહીં એમાં જવાનો અવકાશ નથી. “જ્યારે શિષ્ય ગુરુના સાન્નિધ્યમાં બરાબર તૈયાર થઈ જાય છે ત્યારે અચાનક એને ખબર પડે છે કે જે રહસ્ય એ ગુુરુ પાસે જાણવાની ઇચ્છા રાખતો હતો એ એની પાસે જ હતું. જે એ સિદ્ધ કરવા ઇચ્છતો હતો એ અંદર જ પડેલું હતું. The master is just a catalytic agent; he sits silently, quietly, not doing anything. Spring comes and the grass grows by itself.’ ગાંધીજીને ગુરુ-શિષ્ય પ્રણાલીમાં વિશ્વાસ હતો. પણ એ કોઈને ધર્મગુરુ તરીકે સ્વીકારી શક્યા નહીં. અમુક અર્થમાં એમને જ સારા દેશના ગુરુ થવાનો વારો આવ્યો. રિચાર્ડ લેનોયે એના પુસ્તક ‘The Speaking Tree’માં ગુરુ-શિષ્ય-સંબંધ ઉપર લખતાં ગાંધીજી માટે લખ્યું છે કે ‘He inverted the role of the Indian holy man and gave it a socially constructive goal.’ જે. કૃષ્ણમૂર્તિ ગુરુ-શિષ્ય-પ્રણાલી સ્વીકારતા નથી. એ કહે છે કે “તમારા દેવોને ચાહો, તમારા ગુરુઓને ફૂલ-માળાઓથી વધાવો, એમના સાન્નિધ્યમાં મંત્રમુગ્ધ થાઓ કે આંસુઓ સારો – આવું આવું તમે હજારો વર્ષ સુધી કરશો છતાં પરમ સત્ય તમને લાઘશે નહીં. ધર્મશાસ્ત્રના સમગ્ર ઇતિહાસમાં આપણને ધર્મગુરુઓ દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે જો આપણે અમુક વિધિઓ કરીએ. અમુક પ્રાર્થના કે મંત્રોના પાઠ કરીએ, અમુક રૂઢિઓ પાળીએ, વાસનાઓનું દમન કરીએ, વિચારોને સંયમમાં રાખીએ, ઇચ્છાઓને ઊર્ધ્વગામી બનાવીએ, ભૂખને મર્યાદિત કરીએ અને જાતીય સંબંધોથી દૂર રહીએ તો મન અને શરીરના પૂરતા દમન પછી આપણે આ ક્ષુલ્લક જીવનથી આગળ જે કંઈ છે તે પામી શકીએ. લાખો કહેવાતા ધાર્મિક લોકો જે કરી રહ્યા છે તે આ છે. તેઓ એકાંતમાં ચાલ્યા જાય છે, ભિક્ષાપાત્ર લઈને એક ગામથી બીજે ગામ વિચરે છે. અથવા કોઈ સંઘમાં કે મઠમાં જોડાય છે અને સ્થાપિત પરંપરાને અનુસરવા પોતાના મનને ફરજ પાડે છે. પરંતુ જેનું દમન કરવામાં આવ્યું છે એવું ત્રાસિત, ભગ્ન મન – જે મન બધી અશાંતિઓમાંથી છટકવા માંગે છે, જે બહારની દુનિયાનો ત્યાગ કરે છે અને જે નિયમને અને અધીનતાને લીધે મૂઢ થઈ ગયું છે એવું મન – ગમે તેટલા સમય સુધી શોધ ચલાવશે તો પણ તેને જે મળશે તે પોતાની વિકૃતિઓ પ્રમાણેનું જ હશે.’ કૃષ્ણમૂર્તિની વાત સાથે સમ્મત થઈ શકાય. પણ આપણે ગુરુ કોને કહેવા માંગીએ છીએ એ બરાબર સમજી લેવું જોઈએ. પણ માણસ શૂન્યાવકાશમાં નથી રહેતો. એની આસપાસ જેમ શાસ્ત્રો અને ગુરુઓ છે એમ એની આજુબાજુ સંસારનાં સુખદુઃખો વીંટળાયેલાં છે. ઉપરાંત એ વિષમ તીવ્ર સાંસારિક આપત્તિઓનો ભોગ પણ બનતો રહે છે. આ પરિસ્થિતિમાં પોતાની મેળે સત્ય પામવાની સ્વસ્થતા એનામાં જવલ્લે જ હોય. ત્યારે ભલે ક્યારેક જ પણ એવી વ્યક્તિનો એને ભેટો થઈ જાય કે જેમનામાં પરમ સ્વસ્થતા છે, જે કરુણાસભર છે, તો એવી વ્યક્તિ રજનીશજી કહે છે એમ, એક catalytic agent તરીકે કામ કરી શકે. કૃષ્ણજીને પોતાને પણ લોકોનાં દુખદર્દો કેમ દૂર થાય અને પોતાને જે સહજ આનંદ પ્રાપ્ત થયો છે એ બીજા કેમ મેળવે એની એક માત્ર ઘડપડ છે. અલબત્ત માણસે અનેક ધુતારાઓથી, અર્ધદગ્ધોથી, ભ્રમિતોથી બચીને ચાલવાનું છે. પણ કોઈ વીતરાગી, અહંરહિત વ્યક્તિ સન્મુખ આવી ઊભી રહે ત્યારે આપણે મુખ ફેરવી લઈએ એટલી હદે શંકાશીલ રહેતા મનથી બચવું રહ્યું. કૃષ્ણમૂર્તિને એક જિજ્ઞાસુ પૂછે છે કે તમે આજે જે કક્ષાએ છો ત્યાં કેવી રીતે પહોંચ્યા? કૃષ્ણજી કહે છે કે એમની પાસે એનો ઉત્તર નથી. એમણે કોઈ યમનિયમ પાળ્યા નથી. એમનામાં પહેલેથી જ ઈર્ષા, મહેચ્છાઓ, પ્રતિસ્પર્ધાની ભાવના, સત્તા-પ્રતિષ્ઠા-કીર્તિ માટેની વાંછનાઓનો અભાવ હતો. એટલે કંઈ પણ ત્યાગવાની, એ માટે સાધના કરવાની, વાત જ નહોતી. શાસ્ત્રો બધાં નકામાં છે એમ માનીને ચાલવા કરતાં એમની પાછળ કોઈ અનુભૂતિઓ પડી છે કે કેમ, અને છે તો એ અનુભૂતિઓનો આપણા જીવનની અનુભૂતિઓ સાથે તાળો બેસે છે કે કેમ એનું પણ વિશ્લેષણ-સંશોધન થવું જરૂરી છે. આપણે, રખે ને ભ્રમમાં ન પડી જવાય એવી સાચી રીતે સાવધતા રાખનારા લોકો માટે શરાબની પ્યાલી, જુગાર ખેલતી વખતે તાશ ખેલતાં થતો રોમાંચ, દૂધની ઠંડી બાટલીને ગાલે અડાડતાં થતી શાતા એ જ સાચા નાના નાના ઇન્દ્રિયજન્ય આનંદ, એ જ જીવન, બીજાં બધાં પ્રપંચો, ભ્રમો. ભ્રમમાં ફસાવવાનો આ આત્યંતિક ડર આપણને બીજા ભ્રમમાં તો નથી મૂકી દેતો ને? સંસારના કયા વાવંટોળમાં આ ક્ષણિક આનંદો ગાયબ થઈ જશે એની ખબર નહીં પડે, અને ત્યારે શરાબની પ્યાલી નહીં, શરાબના હાંડામાં પણ હતાશા ડુબાડી નહીં શકાય. હા, કોઈ ગુરુ મળી આવે તો પણ આપણે એ વાત ભૂલવા જેવી નથી કે આખરે સત્ય તો આપણી વિશિષ્ટ દૃષ્ટિએ જ આપણે પામવાનું છે. જે તે વિષયોના ગુરુઓની તો આપણને આપણા અનુભવ-વિશ્વ અને જ્ઞાનને સમૃદ્ધ કરવા માટે આપણી સ્વકીય સૂઝ-સમજ, બુદ્ધિ અને નિરીક્ષણ સાથે સાથે તો ડગલે ને પગલે જરૂર પડતી હોય છે. પણ કોઈની પાસેથી કંઈ પણ પામવા માટે ખુલ્લા મનની અને બને એટલા રાગદ્વેષયુક્ત અહંવિગલનની જરૂર હોય છે. તો અહંવિગલનની સાથે ઉન્નત મસ્તકે એને પોતાના નિજી પ્રકૃતિ અને વ્યક્તિમત્તા ઉપર પણ ઊભા રહેવાનું છે અને પુરુષાર્થ આદરવાનો છે. અહંવિગલન અને પરમ પુરુષાર્થ સાથે સાથે પામવાનાં છે. દાદાશ્રીની આ વાત કે ‘હું લઘુમાં લઘુ છું. પણ મારો કોઈ ઉપરી નથી’ એ સચોટ સ્યાદ્વાદ વાણી છે. એકાંગીપણું નહીં, અનેકાંતવાદ આપણું પરમ લક્ષ્ય બની રહો.


[નવે., ૧૯૮૩