નીરખ ને/આત્મનિરીક્ષણ અને સ્ત્રી


‘ઇન્ટ્રિંગ ઍન્ડ લવ’ નાટકનું ઉત્તમ તત્ત્વ હોય તો એ છે કે એ પ્રથમ જર્મન ઉદ્દેશલક્ષી રાજકીય નાટકનું પ્રતિનિધિત્વ કરે છે. આધુનિક રશિયન અને નોર્વેજિયન લેખકોએ જે ઉત્તમ નવલકથાઓ આપી છે એ બધી સપ્રયોજન છે. છતાં મને લાગે છે કે પ્રશ્નનો ઉકેલ સ્પષ્ટ રીતે આંગળી ચીંધીને બતાવવાને બદલે પરિસ્થિતિ અને ક્રિયા દ્વારા જ પ્રગટીકરણ પામવો જોઈએ અને લેખક જે સામાજિક સંઘર્ષો વર્ણવે છે. એનો ભાવિ ઐતિહાસિક ઉકેલ વાચકને હથેળીમાં ધરી દેવો જોઈએ એવી કોઈ ફરજ લેખકની નથી હોતી. ...વાસ્તવવાદ મારે મન વિગતોનું તથ્ય તો ખરું, પણ એ વધુ તો વિશિષ્ટ સંજોગોથી ઊભાં થયેલાં વિશિષ્ટ પાત્રોના અનુસર્જનમાં રહ્યું છે. ...લેખકના અભિપ્રાયો જેટલા ગર્ભિત રહે એટલો કળાકૃતિને લાભ થાય. મેં જે વાસ્તવવાદની વાત કરી તે લેખકના અભિપ્રાયો હોવા છતાં ફૂટી નીકળે એમ બને... બાલ્ઝાક રાજકીય રીતે લેજિટિમિસ્ટ હતો... એની બધી સહાનુભૂતિ જે વર્ગ નેસ્તનાબૂદ થઈ જવાનો છે એ સાથે હતી. તેમ છતાં જ્યારે એ ઉમરાવો – જેમને માટે એને ઘેરી અનુકંપા હતી – પાત્રો તરીકે એની કૃતિઓમાં દેખા દે છે ત્યારે એનો કટાક્ષ અને વક્રોક્તિ જે વેધકતા પ્રાપ્ત કરે છે એ અપ્રતિમ છે... હું આ વાસ્તવવાદનો ખૂબ મોટો વિજય માનું છું.

ફ્રેડરિક એંગલ્સ



આત્મનિરીક્ષણ અને સ્ત્રી

માર્ક્સે જ્યારે કૉમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં સઘળી સંપત્તિના રાષ્ટ્રીયકરણની વાત કરી ત્યારે કોઈકે માર્ક્સને પૂછ્યું કે આનો અર્થ તો એવો થાય કે સ્ત્રીઓનું પણ રાષ્ટ્રીયકરણ થવું જોઈએ. માર્ક્સે માત્ર આટલો જ જવાબ આપ્યો કે તમારી જેમ હું સ્ત્રીને સંપત્તિ ગણતો નથી. સ્ત્રીઓના રાષ્ટ્રીયકરણની વાત જે વ્યક્તિએ કરી એ એક અભાન, સદીઓથી મનમાં દૃઢીભૂત થયેલા સંસ્કારોમાંથી ઊઠેલો પ્રતિભાવ હતો. પુરુષપ્રધાન સમાજમાં અને ખાસ કરીને આપણા દેશમાં સ્ત્રીઓનું શોષણ ખૂબ ભયાનક મોટા પાયા ઉપર થયું છે, એ વાત સૈદ્ધાન્તિક રીતે સર્વસ્વીકૃત બની છે. સ્ત્રીઓ અને પુરુષો – બંને વર્ગમાં એ શોષણ પ્રત્યે સભાનતા વધી છે એટલે જુલ્મો પણ કદાચ વધુ બહાર આવે છે. સ્ત્રીઓએ હજી ઘણા મોરચા ઉપર લડવાનું છે. આપણા દેશમાં ખાસ કરીને દહેજ અને બળાત્કાર એ મોટા સામાજિક મુદ્દાઓ છે. ઉપરાંત નાના-મોટા મુદ્દાઓ વ્યક્તિગત અને સામાજિક સ્તર પર સંઘર્ષ માંગી રહે. આ અંગે ઊહાપોહ પણ મોટાં શહેરોમાં વર્તમાનપત્રો અને સામયિકોની કતારો દ્વારા સારા પ્રમાણમાં થવા લાગ્યો છે. મુંબઈના ‘પ્રવાસી’માં શ્રીમતી સોનલ શુક્લની દર અઠવાડિયે પ્રસિદ્ધ થતી કટાર ‘ઘટના અને અર્થઘટન – સ્ત્રીનીં આંખે’માંના મેધાવી અને કંઈક આત્યંતિક નારીવાદી અભિગમથી આપણે મુંબઈગરાઓ સારી રીતે પરિચિત છીએ. દિલ્હીથી બહાર પડતું ‘માનુષી’ જેવું શુદ્ધ વૈચારિક અને ક્રિયાશીલ અભિગમ ધરાવતું બીજું નારીવાદી સામયિક જડવું મુશ્કેલ. ‘નારી અત્યાચાર મંચ’ અને ‘મહિલા દક્ષતા સમિતિ’ જેવી અનેક સંસ્થાઓ દેશમાં સક્રિય બની છે. આ પૃષ્ઠભૂમિમાં મને લાગે છે કે સ્ત્રીઓ માટે હવે અંતર્મુખ થવાની ઘડી પણ આવી પહોંચી છે. સ્ત્રી-વર્ગની પાયાની વિશિષ્ટતા એ છે કે સ્ત્રી પોતે શોષિત છે અને શોષક પણ છે; અને એક જ સ્ત્રી ઘણી વાર વહુ તરીકે શોષિત હોય છે તો સાસુ તરીકે શોષકની ભૂમિકા ભજવતી થઈ જાય છે. એનું મુખ્ય કારણ એ છે કે સ્ત્રીઓ પણ પિતૃપ્રધાન સમાજનાં મૂલ્યોથી દોરાતી હોય છે. અને કેટલીક વાર પુરુષો કરતાં પણ આ મૂલ્યોનું વધારે ઝનૂનપૂર્વક રક્ષણ કરતી સ્ત્રીઓ નજરે પડે છે. આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે આપણી આંખ સમક્ષ મહદ્અંશે શહેરી ગુજરાતી મધ્યમ વર્ગ છે એ પણ યાદ રાખવું જરૂરી છે. સાસુ તરીકે શોષણકર્તા સ્ત્રીની પાછળ પિતૃપ્રધાન સમાજનાં મૂલ્યો ઉપરાંત બીજાં પણ નાનાં-મોટાં કારણો કામ કરતાં હોઈ શકે. અત્યાર સુધી પુત્ર એનો હતો એ વહુનો બની ગયો એથી એને એનું સ્થાન ચ્યુત થતું લાગે કે પછી પોતાની સાસુ પાસેથી ઘણું સહન કર્યું હોવાને કારણે ઉદારતા ન દાખવી શકે એવું પણ બની શકે. સદીઓથી સ્ત્રીઓનું આખા જીવનનું કેન્દ્ર ઘર અને બાળકો હોવાને કારણે એનું વિશ્વ સંકુચિત થઈ ગયું છે, અને એની માનવતા પણ એ વિશ્વની આસપાસ ફરતી હોય છે. વિશાળ વિશ્વના પ્રશ્નો કે આધ્યાત્મિક હવાનો સંસ્પર્શ મોટે ભાગે એની અનુભૂતિ બહાર રહી જાય છે. પરિણામે ઘણી વાર એના મનની ક્ષુદ્રતાનો અનુભવ થાય, અને એથી એવું પ્રસંગોપાત્ત જોવા મળતું હોય છે કે વિદગ્ધ-મુક્ત સ્ત્રીને સ્ત્રીમિત્રો કરતાં વધુ પુરુષમિત્રો હોય છે. આ ક્ષુદ્રતાને પરિણામે અને વિશેષ તો શોષક સ્ત્રી અને શોષક પુરુષ સામે આત્મરક્ષણની જરૂરિયાતને કારણે સ્ત્રી કંઈક અંશે સંવેદનશીલતા ગુમાવી બેઠી હોય એવો અનુભવ ખચિત થાય. સ્ત્રીઓ એકબીજા પ્રત્યે મહેણાં-ટોણાં મારવાનું જે શસ્ત્ર ઉગામે છે અને પછી બીજી જ પળે કંઈ ન બન્યું હોય એમ એક્બીજા સાથે ભળી જઈ શકે છે એ જોઈને તાજ્જુબ થઈ જવાય. તો આ બધાં કારણે સ્ત્રીમાં અપાર સહનશીલતા આવી છે. પત્નીના મૃત્યુ પછી ઘણી વાર પુરુષો ભાંગી પડે છે, પણ સ્ત્રી ગમે તેવી આર્થિક વિષમ પરિસ્થિતિમાં પણ બાળકનો વિચાર કરી ટકી જાય છે. સ્ત્રીઓ વિશે ઘણા મિથિક ખ્યાલો પુરુષોએ વહેતા કર્યા છે એમાં એક ખ્યાલ એની કોમળતાનો છે. અલબત્ત કોમળ સ્ત્રીઓ ન મળી આવે એવું મારું કહેવું નથી, પણ સ્ત્રી ઘણી ક્રૂર અને આક્રમક પણ થઈ શકે છે. હું માનું છું કે લોકશાહી વૃત્તિ પણ એનામાં ઓછી નજરે પડે છે. ઘરના એના દોરમાં એકહથ્થુ રાજ એ ચલાવતી હોય છે. અત્યાર સુધીની જગતની સ્ત્રી-વડાપ્રધાનોને સરમુખત્યાર થવાનું વિશેષ ફાવ્યું છે. જેમ સ્ત્રીની કોમળતાનું એક મિથ છે એમ પુરુષોએ પોતાને વિશે એક મિથ જમાનાઓથી ઊભું કર્યું છે. પુરુષ એટલે સાક્ષાત્ પરાક્રમ, વીરતાનું પ્રતીક. એ જેમ સ્ત્રીનું શિયળ લૂંટનાર છે, એમ સ્ત્રીના શિયળનું રક્ષણ પણ કરનાર છે. સ્ત્રી આવા રંગદર્શી પરાક્રમી પુરુષની કલ્પના કરતી પરણતી હોય છે, અને પછી ઘણી વાર બાહ્ય દેખાવ પાછળ ગભરુ ડરપોક પુરુષનાં દર્શન થાય છે ત્યારે એને ભ્રમનિરસન થાય છે. આ મિથ આજે યુવાનોને ભારે પડવા માંડ્યું છે. મુક્તિનો સંસ્પર્શ થતાં સ્ત્રીઓ સદીઓની સહનશીલતાને કારણે અને પરિશ્રમ કરવાને ટેવાઈ હોવાને કારણે અનેક ક્ષેત્રોમાં યુવાનોને ટપી જાય છે. પરિણામે ઘણા યુવકો આવી યુવતીઓને પરણવાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠા છે. એ શોધે છે ઘરરખુ અને સાથે હમણાંની હવાને અનુકૂળ સમાજમાં સ્માર્ટ રીતે હરીફરી શકે એવી સ્ત્રી. સ્ત્રીઓ આજે આર્થિક રીતે પગભર થવા માંડી છે, પણ જૂના સંસ્કારોને કારણે હજી પુરુષ એ એના વિશ્વનું એકમેવ કેન્દ્ર રહ્યો છે. આવું આછુંપાતળું ચિત્ર આંતરખોજ કરતાં હાથ લાગ્યું છે. એ અલબત્ત વધુ વસ્તુનિષ્ઠ અભ્યાસ માંગી લે છે. સ્ત્રીઓ જ્યારે પોતાની શોષિતની જ માત્ર નહીં, પણ શોષકની ભૂમિકા સમજશે ત્યારે કોઈ પુરુષની તાકાત નથી કે સ્ત્રી-મુક્તિની પ્રક્રિયાને આગળ વધતી અટકાવી શકે. કુન્દનિકા કાપડિયાની નારીવાદી અભિનિવેશથી લખાયેલી ‘સાત પગલાં આકાશમાં વાંચી ત્યારે થયું કે હિંદી ફિલ્મોએ આપણી રુચિ શું એટલી બધી બગાડી નાખી છે કે અવાસ્તવિકતા આપણને કોઠે પડી જાય છે? ૫૦૬ પાનાંમાં વિસ્તરતી આ નવલકથાનો પ્રસ્તાર લેખિકાને જાણે અપૂરતો લાગ્યો હોય એમ આ નવલકથામાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ મેળવવા માટે લેખિકાએ ૪૦-૪૧ પાનાંની પ્રસ્તાવના વાંચી જવાની ખાસ ભલામણ કરી છે! લેખિકાએ નારીવાદી કૉઝ માટે જાણે આવશ્યક સાહિત્યિક મૂલ્યોને અભરાઈએ ચડાવી દીધાં છે. પણ એથી તો કૉઝને કુસેવા જ થાય. પ્રતિબદ્ધતા તો પ્રતીતિકરતા લાવવા માટે, એક સાહિત્યકૃતિ બનવા માટે વધુ સૂક્ષ્મ કલાસૂઝ માંગી લે છે. આ લેખની શરૂઆતમાં આપેલું એંગલ્સનું અવતરણ આ સંદર્ભમાં જોઈ જવું આવશ્યક છે. અહીં આખી નવલકથાને તપાસવાનો અવકાશ નથી અને હામ પણ નથી. આ લેખનો એ ઉદ્દેશ પણ નથી.. પણ થોડાક પ્રસંગો જોઈએ અને મુદ્દાઓ તપાસીએ. વ્યોમેશે એક જુવાન અધિકારીના લગ્નના માનમાં ૨૫-૩૦ જણાની ઘેરે પાર્ટી આપી છે. સંગીત અને ખાણી-પીણીનો કાર્યક્રમ છે. પાર્ટી ચાલતી હોય છે ત્યાં વ્યોમેશનાં ફૈબાના મૃત્યુનો તાર આવે છે. વ્યોમેશ પાર્ટીમાં ખલેલ ન પહોંચે માટે આ સમાચાર જાહેર કરતો નથી. પાર્ટી પૂરી થયા પછી પત્ની વસુધાને આ સમાચાર આપે છે. વસુધાને આઘાત લાગે છે. ફૈબાના મૃત્યુનો નહીં, કારણ કે ફૈબાએ તો એને ત્રાસ જ આપ્યો છે. પણ ફૈબાએ વ્યોમેશને તો માની જેમ ઉછેર્યો છે. એને શું કંઈ લાગણી જ નથી? પાર્ટી આગળ ચલાવી શી રીતે શક્યો? વાચકને આ ફૈબાના મૃત્યુ સાથે સહાનુભૂતિ નથી, કારણ કે જાણે છે કે નાયિકા ફૈબાના ત્રાસનો ભોગ બનવાની છે. વ્યોમેશનો આમાં કંઈ ખાસ મોટો ગુનો આપણા મનમાં વસતો નથી. હવે લેખિકાએ આ પ્રસંગમાં શી રીતે બતાવવું કે પતિનો એક પુરુષ તરીકે પત્ની ઉપર જુલમ છે? એટલે લેખિકાએ વસુધાને વિચાર કરતી બતાવી છે કે ‘એ પોતે મૃત્યુ પામશે ત્યારે પણ વ્યોમેશ આ જ રીતે કશું ન બન્યું હોય એમ તાર ગડી કરી ખિસ્સામાં મૂકી દેશે?’ ખરેખર શું પત્નીને આવો વિચાર આવે? ફૈબા તો શું, મા-બાપને પણ વિસારે પાડી દેવાતાં હોય છે અથવા તો એમના પ્રત્યેનો શોક એટલો તીવ્રપણે નથી લાગતો. મોટી ઉંમરની વ્યક્તિના મૃત્યુમાં એક પ્રકારનું સમાધાન પણ હોય છે. છતાં પતિ પોતાની પત્ની અને બાળકોની દરકાર કરતો જ હોય છે અને એમનો વિયોગ વસમો લાગતો હોય છે. આ જ શું સંસારની ગતિ નથી? સાંસારિક સંબંધોની મર્યાદા નથી? આ પછી આ મહાન ઘટના લેખિકાએ સર્જેલી યુટોપિયન જગ્યા - આનંદગ્રામમાં ચર્ચાનો વિષય બને છે. વિષય છે : વ્યોમેશે પાર્ટી ચાલુ રાખી એટલે ફૈબાના મૃત્યુનું દુઃખ એને થયું હતું કે નહોતું થયું? અત્યંત સ્થૂળ સ્તર પર હવાઈ ચર્ચા ચાલે છે. વ્યોમેશ જ્યારે ઑફિસેથી ઘેર આવે ત્યારે વસુધાને આકાશ અને આકાશમાં વિસ્તરતા રંગ જોવાની ઝંખના હોય છે, પણ એ ઝંખના ક્યારેય પૂરી થતી નથી કારણ કે ત્યારે ક્ષુલ્લક વસ્તુઓ જેવી કે વ્યોમેશને ચાનો કપ ધરવો કે એની ઑફિસની વાતો સાંભળવી પડે વગેરે કરવી પડતી હોય છે. ઘણી વાર થાય છે કે આ વ્યોમેશ ઑફિસમાં ટાઇપિસ્ટ કન્યા સાથે ગપ્પા મારતો બેઠો હોત તો વસુધાને આકાશ તો જોવા મળત. પણ લેખિકા એવી કોઈ રાહત વસુધાને આપવા તૈયાર નથી. વસુધાને એ ઘરનું વૈતરું કરે છે એના બદલામાં વ્યોમેશનો પ્રેમ જોઈએ છે. પણ એ કદી વ્યોમેશને ચાહી શકી છે ખરી? – એવું લેખિકાએ બતાવ્યું નથી. વાર્તા એક સ્તરેથી બીજે સ્તરે જાય છે, પણ શોષિત નારીનું સ્પષ્ટ ચિત્ર વસુધામાં ઊપસતું નથી. વસુધા પહેલી વાર સગર્ભા બને છે ત્યારે લેખિકાનાં વિધાનો આશ્ચર્યમાં ડુબાડી દે છે. લેખિકા લખે છે, કોઈ પણ પુરુષ ગમે તેટલો કલ્પનાશીલ, ગમે તેટલો સંવેદનશીલ કેમ ન હોય તેને કદી ખ્યાલ નહીં આવે કે સગર્ભાવસ્થા એટલે શું? પ્રત્યેક ક્ષણે વધતા જતા બીજની, સતત બદલાયે જતા શરીરના આકારની, સતત પ્રતીક્ષાની અવસ્થા એટલે શું? આ બોજને ક્ષણવાર બાજુએ મૂકી દઈ શકાય નહીં. એક મજૂર માથે ઊંચકેલો ભારો બાજુ પર ઉતારી ઘડી વાર પોરો ખાઈ ફરી તાજો થઈ શકે, પણ આ બોજો પળ વાર પણ અળગી કરી શકાતો નથી.’ પુરુષોને તો કલ્પના છે કે નહીં એની ખબર નથી, પણ શું સ્ત્રીઓને પણ નથી? આ કહેવાતા લાગતા બીજ માટે સ્ત્રી શું નથી કરતી? પહેલી વાર બાળક જ્યારે માના ઉદરમાં ફરકે છે એ આનંદ અવર્ણનીય હોય છે. એ બળાત્કારનું ફરજંદ હોય તો પણ સ્ત્રીમાં પુરુષનિરપેક્ષ રોમાંચ ઊભો કરે. સગર્ભાવસ્થા બોજ ત્યારે બની જતી હોય છે જ્યારે ઘણી પ્રસૂતિઓ થઈ હોય અને ક્યારેક ખૂબ આર્થિક સંકડામણ હોય. બાકી સગર્ભા સ્ત્રીને સૌન્દર્ય તો નિરખી ઊઠતું હોય છે. ફ્રાન્સમાં એક વખત થોડા વખત માટે સ્ત્રીઓની સંગમાં – મોટા ઉદરવાળી દેખાવાની ફેશન હતી. સગર્ભાવસ્થા એ પણ નિરપેક્ષ પુરુષના શોષણ તરીકે તો લેખિકા ઘટાવતી નથી ને? આધુનિક નર્તિકા સોનલ માનસિંગે ત્રણ ત્રણ લગ્નવિચ્છેદ પછી લગ્નબહાર સંતાનની ઇચ્છા રાખી છે. લેખિકાએ નવલકથાનો વિષય નારીના વિષમ-શોષિત જીવનને પસંદ કર્યો એ સામે વાંધો નથી, પણ લેખની આવશ્યક દૂરતા અને પ્રતીતિકરતાનો અભાવ સાલે છે. વસુધા અને વ્યોમેશની કથાની જેમ નવલકથામાં આવતી ઘણીબધી ઉપકથાઓમાં ચિત્ર ધૂંધળું રહે છે, અને શોષક પુરુષ સ્પષ્ટ રીતે બહાર નથી આવતો. એક-બે કિસ્સામાં તો પતિ સાથે વધુ સહાનુભૂતિ થાય એમ બન્યું છે. પતિઓમાં એકેય ગુણ શોધવો મુશ્કેલ તો પત્નીઓમાં એકેય અવગુણ નહીં. સ્વરૂપ એ બીજા અંતિમે આદર્શીકરણ તરફ ઢળતું પાત્ર, એકદમ ભાવનાશાળી. એક ચોક્કસ ઉદ્દેશ તરફ નવલકથા ગતિ કરતી નથી. લેખિકા માટે બે માર્ગો હતા. એક તો એ કે લેખિકાએ એવા કિસ્સાઓ પસંદ કર્યાં હોત કે જેથી એક જડબેસલાક શોષિત નારીનું ચિત્ર વિધાનો દ્વારા નહીં, પણ ક્રિયા અને પરિસ્થિતિ દ્વારા આપણી આંખ સામે ખડું થાય. અથવા તો સર્વાંગી સત્યના પરિપ્રેક્ષ્યમાં નારીકથા નાણી જોવાઈ હોત. જેમાં શોષક પુરુષનું સંકુલ ચિત્ર ઊભું થયું હોત – જેમાં પુરુષ મુક્ત કે સર્વસત્તાધીશ નથી એવી પ્રતીતિ થાત અને છતાં શોષિત નારીની કથા ઓછી કરુણ ન બની હોત. પણ આવી કોઈ વિશદતાથી નવલકથા લખાઈ નથી. આ નવલકથા આત્મદયાથી ભરપૂર છે, અને ઘણી સ્ત્રીઓને આમાં પોતાના અનુભવોની વાત લાગી હોય એ સંભવ છે. અથવા તો કેટલીક સ્ત્રીઓની વીતકકથાઓ જ સીધી લેખિકાએ લીધી હોય. પણ આ બધી સામગ્રી, દીવાસ્વપ્નો, યુટોપિયાની કલ્પના વગેરે એમ ને એમ ચોસલાની જેમ રહી જાય છે. સાહિત્યકૃતિમાં જે રીતે રૂપાંતરિત થવી જોઈએ એમ થતી નથી. અલબત્ત અહીં ત્યાં flashes જરૂર છે. કોઈક ઉપકથા ઊંચાઈ સર કરતી પણ દેખાય છે – પણ એ જવલ્લે જ. વળી સાહિત્યકૃતિમાં જે સત્ય આવે છે એ સહજસ્ફૂર્ત હોય છે, આપણને અંદર ક્યાંય સ્પર્શી જાય છે. એ બુદ્ધિના સ્તર ઉપર રહેતું નથી. જો કે અહીં કહેવાતી બૌદ્ધિક ચર્ચાઓ પણ અતિરંજક ઉપરછલ્લી લાગણીશીલતામાં સરી પડતી દેખાય છે. કદાચ નારીવાદી ઉદ્દેશને ધ્યાનમાં રાખી સભાનતાપૂર્વક લખાયેલી આ પહેલી નવલકથા છે. અને એટલે જ લેખિકાને અહીં ચેતવવાની જરૂર લાગી કે એક લોકપ્રિય કૉઝનો લાભ ઉઠાવી સુગ્રથિત સાહિત્યકૃતિ આપવામાંથી એમણે ચ્યુત નહોતું થવું જોઈતું. આજે સ્ત્રી એવા તબક્કે પહોંચી છે જ્યારે પુરુષની શોષણકર્તાની ભૂમિકા સૈદ્ધાન્તિક તોર પર નિર્વિવાદ પુરવાર થઈ છે. અન્યાયો સામે લડતાં રહીને પણ સ્ત્રી માટે આત્માભિમુખ થવું અત્યંત જરૂરી બન્યું છે જેથી એ પુરુષની હરીફ મટી એક તંદુરસ્ત વિકલ્પ સમાજ સમક્ષ ધરી શકે.

[ઑગસ્ટ ૧૯૮૪