નીરખ ને/ગુજરાતી દલિત સાહિત્ય સાથે પહેલો સંપર્ક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

દલિત અસ્મિતા ઝુંબેશનું આ પ્રથમ સોપાન-‘આક્રોશ’-કવિતાના માધ્યમ દ્વારા વ્યક્ત થાય છે. કાવ્યશિલ્પ અને માતબર અભિવ્યક્તિ તો સાધના તથા પ્રતિભા માંગી લે છે. પણ અમને એની રાહ જોવી પાલવે તેમ નથી. દલિતોનાં દુઃખદર્દ, અપમાન, અન્યાય, અત્યાચાર, અનાચાર, તિરસ્કાર, ઘૃણા, જુગુપ્સા, વેઠ, વૈતરું, વસવાયાપણું, અસ્પૃશ્યતા, હિંસા, ગરીબી, નિરાશા, લાચારી, શોષણ, ભેદભાવ, ઓરમાયાપણું, પૂર્વગ્રહ, લઘુતાગ્રંથી, નવબ્રાહ્મણત્વ – ને એની સામે એમનું ભોળપણ, સરળતા, સાલસપણું, દિલાવરી, સામાજિકતા, સ્વમાન, કૌશલ્ય, સંસ્કાર અને અસ્મિતા – એ સઘળાને વર્ષોથી ઝીલતાં વ્યક્ત થતું મૂક આક્રંદ આજે વાચા પામે છે. ને સર્જાય છે ગુજરાતી દલિત સાહિત્યની પ્રથમ કવિતાઓ – નામે ‘આક્રોશ’, અમારે શાળ, સાવરણો કે આર-છરી ફગાવીને કવિ બનવું પડ્યું છે. અમારા શબ્દોમાં પ્રગટતો પ્રકોપ ખરેખર તો વેદનાનું બીજું નામ છે છતાં અમારે પક્ષે વિક્ટર હ્યુગોનું એક વિધાન જ અંતિમ શરણ છે : If the soul is left in darkness, sins will be committed. The guilty one is not he who commits the sin, but he who causes the darkness.

સંપાદકીય નોંધ : ‘આક્રોશ’ : ૧૪-૪-૭૮



ગુજરાતી દલિત સાહિત્ય સાથે પહેલો સંપર્ક

‘અરવરવ’માં દલિત કવિઓએ રચેલી પાંચ કવિતા જોઈ ત્યારે આશ્ચર્ય થયું. પહેલી જ વાર ખબર પડી કે ગુજરાતીમાં દલિત સાહિત્ય જેવું કંઈક છે. પછી તો પ્રો. મોહંમદ ઈ. શેખે ‘આક્રોશ’નો આખો અંક મોકલી આપ્યો ત્યારે ઓગણત્રીસે કવિતા જોવા મળી. વિરોધ, જાત-દયા આક્રોશ, દ્વિર્ભાવ આ કાવ્યોમાં ઘૂંટાઈને બહાર આવે છે. આ દલિત કવિઓ પાસે passion છે. એની સાથે જો સાધના ભળે તો રૂપબદ્ધ કવિતા, બળકટ અભિવ્યક્તિ ગુજરાતી દલિત સાહિત્યની વિશિષ્ટ દેણ બની ગુજરાતી સાહિત્યના સામાન્ય પ્રવાહમાં એકરૂપ બની સુગ્રથન (integration) સિદ્ધ કરે. ‘આક્રોશ’ના સંપાદકોની કદાચ એમની દૃષ્ટિએ વાત બરાબર છે કે ‘કાવ્યશિલ્પ અને માતબર અભિવ્યક્તિ તો સાધના તથા પ્રતિભા માંગી લે છે, પણ અમને એની રાહ જોવી પાલવે એમ નથી.’ પણ સાહિત્યસર્જન કે કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવા માટે ટૂંકા માર્ગો તો નથી જ હોતા. આક્રોશ અને જાત-દયાની જગ્યાએ જ્યારે એમનામાં પ્રખર આત્મવિશ્વાસનાં દર્શન થશે ત્યારે દલિત એલીટ અને પ્રબુદ્ધ સવર્ણો મારફતે એક વિધાયક બળ ઊભું થશે અને integrationની પ્રક્રિયાને વેગ મળશે. ડૉ. રામમનોહર લોહિયાએ એક પત્રમાં ડૉ. આંબેડકર વિશે ખૂબ વિચારઉદ્દીપક અભિપ્રાય વ્યક્ત કર્યો છે : ‘Dr. Ambedkar was learned, a man of integrity, courage and independence; he could be shown to the outside world as a symbol of upright India, but he was bitter and exclusive. He refused to become a leader of non-Harijans. I can well understand the agony of the last ૫૦૦૦ years and their continuing impact on the Harijans. But that is precisely the point. Such a great Indian as Dr. Ambedkar, I had hoped would some day be able to rise above the situation, but death came early.’ આ સંદર્ભમાં નિગ્રો વાર્તા-લેખક રાલ્ફ એલિસનનો પણ અભિગમ વિચારવા જેવો છે. એલિસન લખે છે તો એની સીદી વિશ્વની અનુભૂતિને કેન્દ્રમાં રાખીને પણ એ માપે છે પોતાનાં લખાણોને સિદ્ધહસ્ત લેખકોનાં લખાણો સાથે. સર્જકની સૌ પ્રથમ નિષ્ઠા કળા પ્રત્યે હોવી જોઈએ એનો એ હિમાયતી છે. ‘નવલકથાની કળા’ ઉપરની એની સાથેની પ્રશ્નોત્તરી એના અભિગમ ઉપર સારો પ્રકાશ નાખે છે. થોડુંક જોઈએ. એલિસન : મારી મુખ્ય નિસબત અન્યાય સાથે નથી, પણ કલા સાથે છે. પ્રશ્ન : ત્યારે તો તમારી નવલકથાને શુદ્ધ સાહિત્યિક કૃતિ તરીકે તમે જુઓ છો – સામાજિક વિરોધની પરંપરાથી વિરુદ્ધ. એલિસન : જુઓ, હું કલા અને પ્રોટેસ્ટ વચ્ચે કોઈ દ્વૈત સ્વીકારતો નથી. દોસ્તોએવ્સ્કીની ‘નોટ્સ ફ્રૉમ અન્ડરગ્રાઉન્ડ’ નવલકથા બીજી ઘણીબધી બાબતો ઉપરાંત ૧૯મી સદીના બુદ્ધિવાદની મર્યાદાઓ સામેના વિરોધની સાહિત્યિક કૃતિ છે. ડૉન કિહોટે, મેન્સ ફેટ, એડિપસ રેક્સ, ધ ટ્રાયલ – આ બધી પ્રોટેસ્ટ કૃતિઓ જ છે, ખુદ માનવીય જીવનની મર્યાદા સામેનો પ્રોટેસ્ટ. જો સામાજિક વિરોધ કલાને સામે છેડે છે તો આપણે ગોયા, ડિકન્સ અને ટ્વેઇનને શું કહીશું? કહેવાતી પ્રોટેસ્ટ નવલકથા સામે ઘણી ફરિયાદો સાંભળવા મળે છે – ખાસ કરીને લેખકોની વિરુદ્ધ. પણ મને લાગે છે કે વિવેચકોએ ખરેખર તો એમની કૃતિઓની પ્રાંતિયતા અને કસબના અભાવ અંગે ફરિયાદ કરવી જોઈએ. પ્રશ્ન : પણ નિગ્રો-લેખક માટે જ્યારે એનું સાહિત્ય લઘુમતી સાથે નિસબત ધરાવતું હોય ત્યારે પ્રાંતિયતાથી મુક્ત રહેવું મુશ્કેલ નથી? એલિસન : બધી નવલકથાઓ ચોક્કસ લઘુમતીઓ માટે હોય છે; એક વ્યક્તિ પણ લઘુમતી જ છે ને? નવલકથામાં સાધારણીકરણ – અને આજકાલ એને માટે જ શું આપણે બધા બૂમાબૂમ નથી કરતા? – વિશિષ્ટ વ્યક્તિનું વિશિષ્ટ સંજોગોમાં નિરૂપણ કરવાથી જ સિદ્ધ કરી શકાય. પ્રશ્ન : છતાં નિગ્રો-લેખક વાચકો અને વિવેચકો એની પાસેથી જે અપેક્ષા રાખતા હોય છે એ જોતાં એની સામાજિક વિરોધ માટેની વિશિષ્ટ જરૂરિયાતમાંથી કેવી રીતે છટકી જઈ તમે કહો છો એવું સાધારણીકરણ પ્રાપ્ત કરી શકે? એલિસન : નિગ્રો-લેખક હોય કે બીજું કોઈ, એ જો બીજાંની અપેક્ષા પ્રમાણે લખવાનો હોય તો યુદ્ધ-ક્ષેત્રે પહોંચ્યા પહેલાં જ એ લડત હારી ગયો છે. મને સંદેહ છે કે લેખક આટલી પીડા લખવામાં ઉઠાવી રહ્યો છે એનું કારણ એનો સ્વીકાર માટેનો તલસાટ છે – પણ એ સ્વીકાર એની શરતો ઉપર હોવો જોઈએ. આની બે બાજુ છે. નિગ્રો નવલકથાકાર લખવા બેસે છે ત્યારે કાળાશ પોતાની આજુબાજુ ખૂબ સખ્તાઈથી વીંટી દે છે – એવી પ્રોટેસ્ટવિરોધી વિવેચકોની માન્યતા છે. પણ કદાચ ગોરો વાચક પણ વાંચવા બેસે છે ત્યારે પોતાની સફેદાઈ પોતાની આસપાસ વીંટાળી લે છે. એને નિગ્રો-પાત્રો સાથે આપણી તાત્કાલિક સામાજિક અને જાતિભેદની પરિસ્થિતિ જોતાં એકરૂપ નથી થવું હોતું. જોકે ઊંડા માનવીય સ્તરે જ્યારે પરિસ્થિતિ કલાત્મક રીતે નિરૂપાઈ હોય ત્યારે એકરૂપતા અનિવાર્ય બની જાય.

[ઑગસ્ટ, ૧૯૭૯