નીરખ ને/ક્ષુબ્ધ કરતા પત્રો


...મોટી મોટી આંખો ઢાળીને મારે આંગણે ઈ (મેઘાણી) ઊભા’તા. જોતા જ આવકાર દેવાનું મન થાય એવો માણસ!... પછી તો એમને જે ગીતો જોતાં’તા તેની અર્ધી અર્ધી કડીઓ પોતે બોલે ને હું આખું ગીત પૂરું કરી દઉં... હું તો જેના જેવા રાગ તે મન મૂકીને હલકો કાઢીને ગાઉં... જમીને એમણે એક ગીત ગાયું – અસલ અમે ગાઈએ એ જ ઢાળમાં! અમે તો બધાં એના મોઢા સામું જોઈ જ રિયાં! ને પછી તો એક પછી એક રોંઢો ઢળ્યા સુધી એની પાસે ગવડાવ્યે રાખ્યું!... અમારી સંધાયની આંખમાં પાણી આવી ગ્યાં. પોતે ય જાણે કોઈ ભાર નો લગાડવો હોય એમ લૂગડાં સંકોરતા સંકોરતા સૌને હાથ જોડીને ચાલતા થ્યા. ઓહોહો! આવો માણસ મેં કોઈ દી’ જોયો નથી! એની હાજરીનો કોઈ કરતાં કોઈને ભાર જ નો લાગે.

ઢેલી આઈ



ક્ષુબ્ધ કરતા પત્રો

ચૌદ વર્ષની વયથી પચાસ વર્ષની વય સુધી લખાતા રહેતા પત્રો જે પ્રગટરૂપે મેઘાણીગ્રંથ ‘લિ. હું આવું છું’ દ્વારા આપણી સમક્ષ આવે છે એ આપણને બે સ્તરે ક્ષુબ્ધ કરતા રહે છે. અંતસ્તત્ત્વને વફાદાર રહેતું, સ્વધર્મ ટેકીલું, રસવૃત્તિ ધરાવતું ભાવનાશીલ મેઘાણીનું વ્યક્તિત્વ આ પત્રો જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ અલપઝલપ ધીરે ધીરે તીવ્રતા ધરતું જતું ઉદ્ઘાટિત થતું આવે છે. તો સાથે સાથે સંસારનું સ્વરૂપ અને મૃત્યુપર્યંતની માનવીની યાત્રાનું નગ્ન રૂપ તમારી સમક્ષ ખડું થાય છે. મકરન્દ દવેએ સાચું જ કહ્યું છે કે આ આત્મવૃત્તાંત નથી, પણ, આત્મચિત્રો છે. આત્મવૃત્તાંત જેવું ચુસ્ત કડીબંધ તમને કશું મળતું નથી. મેઘાણીના પહેલાં પત્ની દમયંતીબહેને શા માટે આત્મહત્યા કરી એ માટે મેઘાણી મૌન છે. સંપાદકોએ પણ એ ઉપર કોઈ પ્રકાશ કે વિશ્લેષણ આપવાનો યત્ન કર્યો નથી. કેટલીક જગ્યાઓએ ખાસ કરીને મેઘાણીનાં કેટલીક વ્યક્તિઓ માટેનાં ટીકાત્મક મંતવ્યો છે એમનાં નામો ટાળવામાં આવ્યાં છે. મકરન્દ દવેને તો અત્યંત અંગત ગણી શકાય એવા પત્રો પણ અહીં સામેલ કર્યા છે તે સંપાદકે જોખમ ખેડ્યું છે એમ લાગે છે. એ લખે છે, ‘મેઘાણી-કુટુંબે આ પત્રો મને સ્નેહથી, વિશ્વાસથી સોંપ્યા ત્યારે એનું વાચન કોઈ પૂજાગ્રહમાં કે શયનગૃહમાં હું પ્રવેશ કરતો હોઉં એવું મને લાગ્યા કરતું હતું. પણ સંપાદકને લાગ્યું છે કે જે માણસને લોકોએ પ્રાણ ભરી ચાહ્યો છે તેની ગોપનછબી પણ લોકો ભલે નિહાળે.’ મારા મતે આ ગ્રંથ બહાર પાડી સંપાદકોએ ઘણું મોટું કામ કર્યું છે – ગ્રંથની છેવટે કોઈ પણ રસિક વાચકને આમ લાગ્યા વગર નહીં રહે એમ ખસૂસ કહી શકાય. ગુજરાતી માનસને પશ્ચિમી કે આપણા દેશની અન્ય પ્રાદેશિક ચેતનાના જેવી આત્મકથનાત્મક અભિવ્યક્તિ સહજ નથી – કોઈક કારણે સામાન્યપણે સ્વીકાર્ય પણ નથી. મેઘાણી ધનસુખલાલ મહેતાને એક પત્રમાં લખે છે, ‘નાની વાતોને નાની જ રાખીને તમે જે રસ પેદા કરો છો તે બીજાઓ કેટલાક કરી શકશે? નાની વાતોને મોટી કરી બેસશે.’ આ પત્રોમાં નાની નાની વાતો કેટલી બધી આવે છે? પણ આ નાની વાતો જ પત્ર-લખનારની સંવેદનાની કેવી તો દ્યોતક બની રહે છે? આ માણસ સંત નથી છતાં સંસારમાં ડૂબેલા એક યોગી જેવો લાગે છે, મેઘાણી એમના એક પત્રમાં લખે છે, ‘પોતાની પરિસ્થિતિની વચ્ચે સમાધિસ્થ બનવું એ જ સાચું જોગીપણું હશે.’ ચૌદ વર્ષનો આ કિશોર મેઘાણી પ્રૌઢ અદાથી પોતાના મોટા ભાઈને લખે છે, ‘જે ધંધામાં પડ્યા છો તેમાં જોઈતું સાહસ તમારાથી થઈ શકતું હશે કે કેમ તે વિશે શંકા છે. ધીરજ રાખી મૂંઝાશો નહીં અને શરણે પડેલાંને મૂંઝવશો નહીં.’ ચાલો, આ પત્રયાત્રામાંથી પસંદગીપૂર્વકની નજર નાખતા પસાર થઈએ. શાળાનો અભ્યાસ પૂરો કરી મેઘાણી ભાવનગર કૉલેજમાં દાખલ થયા હતા; બાપને આર્થિક બોજારૂપ બનવા માગતા નહોતા. જુલાઈ, ૧૯૧૫માં મોટાભાઈ લાલચંદ મેઘાણીને પત્રમાં લખે છે, ‘પિતાશ્રીની હાલની અશાંતિ અને ઉપદ્રવનું કારણ મારો અભ્યાસ મુખ્યત્વે કરીને છે એ હું સારી રીતે સમજું છું... અને હવે હું તેને મારી તરફના ઉપદ્રવમાંથી તદ્દન મુક્ત કરવાના નિશ્ચય ઉપર આવ્યો છું. રાજકોટવાળા શેઠ મોતીચંદ ઓધવજી લોન-ફંડમાંથી મારા અભ્યાસખર્ચ પૂરતી લોન લેવા ધાર્યું છે.’ આની સહોપસ્થિતિમાં જ છેક ૧૯૪૫માં ધનસુખલાલ મહેતાને લખે છે એ સરખાવવા જેવું છે. એ લખે છે, ‘ગૃહકલહ સિવાય કોઈ અસલી પરંપરા જેની અંદર છે નહીં તેવા મેઘાણી કુટુંબનો હું વારસદાર છું એટલે પેઢીગત કોઈ સંસ્કારથી વંચિત, તદુપરાંત માનસિક ઘડતરે કરી વિષાદમૂંગો છું, તેમ છતાં તમે કહો છો તે વાતોડિયાપણાનો હું કેટલો મોટો આશક છું તે તમે મારી કૃતિઓમાંથી ક્યાં નથી જોતા?” વીસ વર્ષની વયે લખેલી કવિતામાં પંક્તિઓ છે – ‘ગયાં ચાલ્યાં રે શું! મુજ જીવનનાં વીશ વરસો!... છતાં મ્હારાં નેત્રો ક્યમ નવ અરે! જાગૃત થયા?” તે વખતે પણ મેઘાણીના અજ્ઞાત મનમાં એક પ્રકારની ભાવનાશીલ બેચેની હતી તે તાદૃશ થાય છે. કિશોરકાળમાં સારા એવા મિત્રોનું વૃંદ છે. એમાં ગુલાબચંદ વખારિયા મોખરે છે. પણ જ્યારે એનામાં એ કૃતકતા નિહાળે છે ત્યારે મેઘાણી એને કહ્યા વગર રહેતા નથી. લખે છે, ‘લાગણીઓને જેમ થોડા શબ્દોમાં મૂકશો તેમ તે વધારે પ્રગટ થશે, જેમ છૂટી મેલશો તેમ તે આડંબર કરવા દોડશે. વિદ્વત્તા બૂરી ચીજ છે... આ સાધનથી તમે અજાણ્યા ઉપર વશીકરણ કરી શકશો પણ તમારો આડંબર અમારી આંખે તો દેખાઈ આવે છે.’ બી.એ. પછી એમ.એ.ની શરૂઆત કરે છે ત્યાં સ્વદેશી ચળવળમાં ઝુકાવી અભ્યાસ પડતો મૂકે છે, અને અણધારી રીતે રોટલો રળવા કલકત્તા પહોંચી જીવણલાલ ઍન્ડ કં.માં જોડાય છે. એમના પછીથી થયેલા ઘનિષ્ઠ મિત્ર કપિલભાઈ ઠક્કરને લખે છે, ‘મેં લીધેલા અચાનક પગલા વિશે કદાચ તને અણસાર પણ નહીં હોય!’ જીવણલાલભાઈ સાથે ચાર મિહના લંડન જાય છે – ત્યાંથી આવી કલકત્તામાં ઍલ્યુમિનિયમના વાસણના કારખાનામાં મૅનેજર બને છે, અઢી-ત્રણ વર્ષ કામ કરે છે. પણ આર્થિક સધ્ધરતાથી કેમેય તૃપ્તિ થતી નથી. ફરી વતનનો સાદ પડે છે. સપ્ટેમ્બર, ૧૯૨૧ની સાલના પત્રમાં લખે છે, ‘હું પણ એકાદ બે માસમાં પાછો આવું છું. ધરાઈને આવું છું... મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું.’ પત્રની નીચે સહી કરી છે – ‘લિ. હું આવું છું.’ એ સહી કેવી તો ઉલ્લાસમયતા પ્રગટ કરે છે! ૧૯૨૨માં કુટુંબના આગ્રહને વશ થઈ ૧૮ વર્ષની મુંબઈવાસી દમયંતી સાથે લગ્ન કરે છે. ગામડામાં ઝૂંપડામાં વસવાની અને ભથવારી બનીને ખેતરે ભાત લઈ જવાની તૈયારી કન્યાએ બતાવી ત્યારે જ તો લગ્ન થયા. લુપ્ત થતા જતા લોકસાહિત્ય માટે દર્દને વ્યક્ત કરતા અને વાજસૂર વાલેરાવાળાને ત્યાં ગોઠવાતી મિજલસોમાં ઠલવાતી સાહિત્ય-ખજાનાને આધારે બે લેખો ‘ચોરાનો પોકાર’ અને ‘મોતીની ઢગલીઓ’ તાજા શરૂ થયેલા ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકમાં મેઘાણી મોકલે છે જે અમૃતલાલ શેઠની આંખમાં વસી જાય છે, એ મેઘાણીને તાર કરીને રાણપુર બોલાવે છે. ત્યારથી એમના જીવનમાં પત્રકારત્વ અને લોકસાહિત્ય-સંશોધનનો આરંભ થાય છે. ૧૯૩૦ની સાલમાં ગાંધીજીએ ફરી રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું. મેઘાણી ‘સૌરાષ્ટ્ર’ના તંત્રી તરીકે લડતમાં અગ્રણી હતા. એમનો રાષ્ટ્રીય ગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ જપ્ત થયો. જૂઠા આરોપ હેઠળ મેઘાણીને ગિરફતાર કરવામાં આવ્યા. જૂઠા સાક્ષીઓની જૂઠી જુબાનીથી જૂઠો ખટલો ચાલ્યો અને બે વર્ષની સજા થઈ. અદાલતમાં મેઘાણીએ પોતાની રજૂઆત કરી. ‘ધોલેરા સત્યાગ્રહ’ – લેખમાં કાંતિલાલ શાહ લખે છે : “એ પછી મેઘાણીએ બુલંદ કંઠે પ્રાર્થના ગાવાનું શરૂ કર્યું. આજે તેમની છાતીના બંધ તૂટી ગયા હતા, ફુલાયેલા ગળામાંથી નીકળતા આર્તસ્વરો અદાલતમાં ગુંજી ઊઠ્યા : ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ...’ પ્રાર્થના આગળ ચાલી તેમ સેંકડો માનવમેદનીની આંખો ભીની થઈ, ગર્દનો ટટ્ટાર થઈ. વાતાવરણ લાગણીભીનું બની ગયું. પ્રેક્ષકો હીબકે હીબકે રડવા લાગ્યા... મેજિસ્ટ્રેઈટ મિ. ઇસાનીની આંખમાં પણ આંસુ આવી ગયાં.” ‘સિંધુડો’ માટે સુન્દરમ્ લખે છે કે ‘એ પણ પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામની જ એક જ્વલંત મહાન ઘટના કહી શકાય. એને હાથમાં લેતાં જાણે કોઈ ધબકતા લોહીવાળો લસલસતા વી૨૨સનો જીવંત સ્પર્શ અનુભવાતો.’ મેઘાણી કેવા તો ગુજરાત ઉપર છવાઈ ગયા હતા એની તાદૃશતા માટે થોડુંક એપ્રિલ, ૧૯૪૭ના ‘સંસ્કૃતિ’માં મેઘાણીના મૃત્યુ પછી પ્રગટ થયેલા સુન્દરમ્ના લેખમાંથી જોઈએ. “૧૯૨૪માં વિદ્યાપીઠમાં અભ્યાસ માટે ગયો ત્યારે વિદ્યાપીઠની હવા જાણે મેઘાણીથી ભરેલી હતી. થોડા વખત ઉપર આવીને લોકગીતોની એમની નવી ખાણનો કસ્તૂરી જેવો મઘમઘાટ રેલાવી ગયા હતા. એમણે ગાયેલાં લોકગીતો વિદ્યાર્થીઓમાં ગુંજતાં હતાં – ‘મેંદી તે વાવી માળવે’-નો રંગ હવામાં ખૂબ ભભકભેર ઊડતો હતો અને ‘પાતળી પરમાર’ની કરુણ કથા હૃદયને એક ઘેરા કારુણ્યમાં લઈ જતી હતી... બીજીવાર મેઘાણી લોકવાર્તા લઈ આવ્યા હતા... અને ત્રીજીવાર આવ્યા ત્યારે કંઈક નવું જ લઈ આવ્યા હતા. લોકગીતની હવામાંથી ખીલેલાં ‘વેણીનાં ફૂલ’ની એ લહાણી કરતા હતા. ‘નીંદરભરી’નાં ગુલાબી ઘેન તો વરસો લગી મગજમાં રહ્યાં.” આ વાત પણ અહીં કહેવી પ્રસ્તુત બનશે કે આખું ગુજરાત જ્યારે એમનાં ગીતોથી ગુંજતું હતું ત્યારે રેડિયો ઉપર એક ભેદી શાંતિ છવાઈ હતી. જાન્યુઆરી, ૧૯૪૬ના એક પત્રમાં મેઘાણી લખે છે : ‘રેડિયો પર આજથી આઠેક વર્ષ પર પહેલું નોતરું મળેલ. મેં પુરસ્કાર રૂપિયા પચ્ચીસની સામે કંઈ વાંધો ન લેતાં જાતવળત સેકન્ડ ક્લાસ મુસાફરી ખર્ચની સ્વમાન લેખે માંગણી કરી... મેં જણાવ્યું કે સાહિત્યકારનો દરજ્જો પહેલાં સ્વીકારો, પુરસ્કારની પરવા નથી. પછી તો દિલ જ ઊતરી ગયું.’ લગભગ દસ મહિનાની સજા ભોગવી મેઘાણી જેલમાંથી મુક્ત થયા. એ જેલમાં હતા ત્યારે દમયંતીબહેને જે ડાયરી લખી હતી અને પત્રો લખ્યા હતા એ ધ્યાન-આકર્ષક છે. આઝાદીની લડત માટે દમયંતીબહેનને ખૂબ ઉત્સાહ હતો. પ્રભાતફેરીઓ-સભાઓ વગેરેમાં બે બાળકોની સંભાળ રાખી ઉત્સાહભેર જોડાતાં. દમયંતીબહેન મેઘાણીને જેલમાં લખે છે, “અત્યારે તો એમ થાય છે કે જેટલી ‘મૂડી’ હોય તે બધી તેમાં જ રોકી દઉં. ખૂબ ધમધોકાર ‘વેપાર’ ચલાવું. અત્યારે એટલી તીવ્ર ઇચ્છા જાગ્રત થઈ છે કે એને કોઈ રોકી શકશે નહીં.” અહીં ‘મૂડી’ એટલે શક્તિ અને ‘વેપાર’ એટલે આઝાદીની લડત – જેલની સંકેતભાષા. ગાંધીજી ૧૯૩૧માં લંડન ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે જતા હતા ત્યારે ‘છેલ્લો કટોરો’ અને ‘માતા તારો બેટડો’ વગેરે ગીતો મેઘાણીએ લખ્યાં એ સુવિદિત છે. ગાંધીજીએ કહ્યું કે ‘મારી સ્થિતિનું આમાં વર્ણન થયું છે તે તદ્દન સાચું છે. મેઘાણીની પોતાની આ ગીતો પ્રત્યે કેવી પ્રતિક્રિયા છે? એ લખે છે, ‘ગાંધીજી વિશેની મારી કૃતિઓ માટે આટલું કહી શકું કે હું એમનો અનુયાયી નથી, એમના રાજકારણવાદ અથવા અધ્યાત્મવાદનો અભ્યાસી વા ભક્ત પણ નથી. રામાનુરક્ત તુલસીદાસના કે અમારા સોરઠી સંત વેલાના ભક્ત રામ બાવાના ઉત્કટ શરણાગતભાવ અને મુગ્ધતાથી કાવ્યમાં ગુરુ-ઉપાસના કરવાનું મારે માટે શક્ય નથી. મેં તો પ્રત્યેક પ્રસંગે તેમનાં વલણો, મંથનો ને આત્મવેદનાઓ કેવાંક હશે તેનું કેવળ પરલક્ષી અદાથી, છતાં બેશક મારી ધગશ દ્વારા નિરૂપણ કર્યું છે.’ પછી ૧૯૩૩ની સાલમાં અચાનક દમયંતીબહેને અગ્નિસ્નાન કરી આત્મત્યા કરી. બે વર્ષનાં બે નાનાં બાળકોને મેઘાણીએ પોતાના મોટાભાઈને સોંપ્યા. મોટાભાઈને એ લખે છે, ‘બાળકોની ચિંતા તો તમને ભળાવવાની સાથે જ મેં તજી છે. સ્મૃતિ પણ છોડવા યત્ન કરું છું. એ બાળકો તમારાં છે. મારું મન સ્થિર કરવા મથું છું. કાળે કરી એ પણ થઈ જશે. પણ અંતરની વેદના ઠરવી દુર્લભ છે. એમાં તો સળગવું જ રહેશે. છતાં બાહ્યોપચારથી શાંતિ ધારણ કરીશ. નહીં તો કેટલાક દિવસ મારાં આંસુ ઝીલવા લોકો ઊભવાના છે?’ ૧૯૩૪માં મુંબઈમાં રહેતા વિધવા નેપાળી બ્રાહ્મણ ચિત્રાદેવી સાથે એ ફરી લગ્ન કરે છે. નિખાલસતાપૂર્વક કહે છે કે ‘મેં કોઈ સુધારક દૃષ્ટિએ લગ્ન કર્યું નથી.’ ૧૯૩૫માં એમના પત્રકારત્વના અનુભવે રવિશંકર રાવળને લખે છે, ‘વર્તમાનપત્રો એ આ યુગનું એક જબરું પાપ છે, એક એવી ચક્કી છે, જ્યાં એકેય દાણો બાકી રહેતો નથી. અસત્ય અને અર્ધસત્ય એનો આધાર છે...’ ૧૯૩૬માં જૈનાચાર્ય આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથના સંપાદકને લેખ લખવાનો અસ્વીકાર કરતા લખે છે, ‘પણ લેખ તો હું પુરસ્કાર વગર ક્યાંય ન આપવાનો નિયમ રાખી બેઠો છું. કલમ પર જીવનારને એમ કર્યા વિના છૂટકો નથી. આવા શતાબ્દી-ગ્રંથને માટે બહોળો ખર્ચ કરશો તેમાં કલમને જ એકલી શા માટે વેઠે પકડો ભલા?’ ૧૯૩૭માં ઉમાશંકર જોશીને લખે છે, ‘લાગણીઓના સંયમ માટે જેને સન્માનું છું તેવા ભાઈ ઉમાશંકરનો ઊર્મિ-ઉભરાતો પત્ર મારા જીવનની સારી કમાણીરૂપ છે.’ મૈત્રીભાવે અને સચ્ચાઈપૂર્વક કરેલી પોતાની કૃતિઓની ટીકાઓ મેઘાણીએ ઉદારતાપૂર્વક સ્વીકારી હતી એમ જરૂર મહેસૂસ થાય. એ જ પત્રમાં મેઘાણી લખે છે, “‘નિરંજન’ પર કડક બનનારા જો મારા સ્નેહીઓ હશે તો તો ‘નિરંજન’ને લાભ જ છે ને? ...એમાં પરમ તત્ત્વ નિઃસંકોચ સત્યનું હશે, ને જો આપણે સત્યના શોધકો હોવાનો ડોળ જ માત્ર ન કરતા હોઈએ તો આપણને સત્યના દર્શને આનંદ જ થવો ઘટે. માટે તમે ભાઈ સુંદરમ્ને બેધડક લખવા કહેશો.’ ૧૯૩૮માં બીજા એક પત્રમાં ઉમાશંકર જોશીને લખે છે, “આ કાગળ લખવા પાછળ ‘અપરાધી’ સંબંધી તમે કરેલા વિવેચનથી મારું હૃદય રખે કદાચ દુભાય અથવા અસંતુષ્ટ રહે એવી ચિંતા તો પ્રેરણારૂપ નહીં બની હોય? હું તમને વારંવાર શી રીતે સમજાવું, ભાઈ, કે તમારાં જેવા મિત્રોનાં નિખાલસ વિવેચનોમાં મારા પ્રત્યેની ઉદાર સન્માનવૃત્તિ રહી જ હોય છે – તે પણ ન હોય તોયે મને નિષ્કપટ વિવેચનો કેટલાં વહાલાં લાગે છે? ...તમે મારાથી ન બીઓ, કદાપિ ન બીઓ, એ જ માંગુ છું. તમારું મારા પ્રત્યેનું હિંમતભર્યું નિષ્કપટીપણું એ શું મને જ એક Compliment રૂપ નથી?’ સાંસારિક તેમ જ ઇતર પ્રવૃત્તિઓમાં ગળાડૂબ હોવા છતાં મેઘાણીમાં એક પ્રકારનું અલિપ્તપણું અને પોતાના વિશેની સજગતાનો આપણને તીવ્રપણે અનુભવ થાય છે. ઉમાશંકરને લખે છે, ‘રાત્રિઓ એટલી સ્વચ્છ હોય છે કે રાતના બે-ત્રણ-ચાર બજે, જ્યારે જ્યારે ઊઠું ત્યારે અગાશીમાં ઊભીને ધરાઈ ધરાઈને આકાશને જોયા કરું છું ને કોઈ સમજાવનારો ભેટે તે માટે ઝંખું છું. એમ થાય છે કે અહોહો! ચાલીસ વર્ષો જીવનનાં ગયાં, આખું જગત ડોળવાનો દાવો કરનાર લેખક બન્યો, ને રોજના આવા વિરાટ સોબતી આકાશને જ ઓળખ્યા વિના રહ્યો! અને એ ન જોયું તેને પરિણામે કેટલી બધી કંગાલિયત મારા સાહિત્યમાં પણ રહી ગઈ હોવી જોઈએ.’ ૧૯૩૯માં મનસુખલાલ ઝવેરીને શીખ દે છે : ‘આ બધા અનુભવો તમને અકળાવી રહ્યા છે તે શું ગુજરાતને તમે નંદનવન કલ્પી હતી? ....નવી ગુજરાત સર્જવી હશે તો બહુ ધીરજ ને સહિષ્ણુતા જોઈશે તેમ જ નહીં, પણ ખૂબ અલિપ્તતા જોઈશે. આ બધી જ ટોળકીઓની ધમાલમાંથી ખસી જઈ એકચિત્તે અભ્યાસ કરજો. મુંબઈમાં તો પ્રસિદ્ધિ ને મહત્તા પામશો તોય મરી રહેશો ને ઉપેક્ષા પામશો તો દંશીલા બનશો, માટે મુંબઈની છાતી પર રહીને પણ સ્વત્વ ન ચૂકજો, ભાઈ! મુંબઈ-અમદાવાદ તો અત્યારે સાહિત્યદૃષ્ટિએ ભયંકર બનેલ છે.’ સંસ્થા સ્થાપવા અંગે પુષ્કર ચંદરવાકર અને એ એમના મિત્રોને ચેતવે છે. એમની ઉમેદ હતી ‘સોરઠી યુવક સંઘ સ્થાપવાની’. મેઘાણી એમને લખે છે, “મને સંસ્થાઓ ઉપર ઇતબાર નથી. તમે બધા કંઈ કામ કરવાને બદલે બંધારણના ઝઘડામાં ને નાણાંની બેજવાબદાર અવ્યવસ્થામાં અટવાઈ જશો – તેને પરિણામે નર્યા લોહી-ઉકાળામાં પડી જઈ અભ્યાસ, નિજાનંદ, મૈત્રીનો આનંદ બધું જ ચૂકશો. ભલા થઈને સંસ્થાઓથી દૂર રહેજો.’ લોકસાહિત્યના સંશોધન અને સંગ્રહ માટેની એમની મૂંઝવણ અને વ્યથાની વાત ઉમાશંકરને લખે છે, “હું તો મારા કંઠમાં પાંચસો ગીતો પકડીને બેઠો છું. એ ચાલ્યા જતાંને મેં હજુય આગમાંથી ઉગારી પકડી રાખેલ છે. પણ હું કરું શું? કોની પાસે જાઉં?... મારે પણ બીજી કોઈ પ્રતિષ્ઠા જોઈતી નથી, લોકસાહિત્યની એક જ કલગી બસ છે – ને એને Vindicate કરવા માટે મારી પાસે ઘણું છે... Revival માટે મેં રસમાર્ગ લીધો તો વિદ્વાનો કહેશે કે આમાં શાસ્ત્રીયતા નથી. અરે ભાઈ, શાસ્ત્રીયતા તો યુનિ.ની ડિગ્રી લઈ આવનાર સેંકડો બતાવે છે; મારો છોકરોય કાલે બતાવશે. પણ પાંચસો ગીતો ને પાંચસો દુહા, આટલાં ભજનો ને આટલાં ચારણી કાવ્યો ને બીજી થોકબંધ પ્રસાદીઓનો બોજ ખેંચનારને અશાસ્ત્રીય કહીને કાઢી નાખ્યે શો લાભ છે? ને એમ હું ગળાઈને ઇતિહાસમાંથી કાંકરા-કસ્તર જેવો નીકળી જાઉં તોયે શો અફસોસ છે? પણ હું મારી પાસે જીવનતત્ત્વ છે તેને ક્યાં લઈ જાઉં તે કોઈ કહેશો?’ મેઘાણીના મૃત્યુ પછી ગાંધીજીએ સાચું કહ્યું હતું કે ‘...કમભાગ્યે આવા સાહિત્યકારોની કિંમત અંકાતી જ નથી. આપણે તેમને ઓળખી જ શકતા નથી, પરિણામે તેમની જે ઝંખના હોય છે તે અધૂરી જ રહી જાય છે, અને અકાળે આ દુનિયામાંથી અલોપ થઈ જાય છે.’ પોતાનાં સર્જનાત્મક સાહિત્ય માટે એમણે મોટી મહેચ્છા રાખી નથી. નિખાલસતાપૂર્વક પોતાની સર્જન-શક્તિને એમણે વખતોવખત નિહાળી છે. વળી ઉમાશંકરને લખે છે, “મારું ઇતર લેખન જરૂર જરૂર ભલે ભૂંસાઈ જાઓ (ને ભૂંસાઈ જ જશે તો!), હું ફક્ત એકલા લોકસાહિત્યનું નામ લઈને ઊભો રહીશ. એમાં રહેલી નાનપ પણ મને મારી પોતાની લાગશે.’ ૧૯૪૧માં એક પત્રમાં લખે છે, ‘સાહિત્યજગતમાં મળતી વાહવાહ એક ભયંકર તત્ત્વ છે અને એનો મોહ મને બિલકુલ છૂટી ગયો છે એમ તો હું પણ ન કહી શકું. પરંતુ મને તો એ સંબંધમાં દુનિયાએ મારી લાયકાત કરતાં પણ વધારે આપ્યું છે એટલે એની પાછળ ઘેલા બનવાનું મારે માટે રહ્યું નથી... મનમાં ખેંચ રહેતી હોય તો માત્ર હાથ પર લીધેલા અધૂરાં રહી ગયેલાં કાર્યો પૂરાં કરવાં એટલી જ, કારણ કે એ પણ એક જવાબદારી છે. પણ કૌટુંબિક જવાબદારીઓને ભોગે એ જવાબદારી અદા કરવાની મને જરાય દોડધામ નથી’ વળી અનંત ઠક્કરને લખે છે, ‘હું કંઈ સર્જક કે ચિંતક નથી. રાજકીય પત્રકારત્વમાંથી દૂર ખસીને પણ મારી કલમ કોઈ વિશુદ્ધ સર્જન કરી શકી હોત એમ હું માનતો નથી.’ જાત સાથેની એમની પ્રમાણિકતા દાદ માંગે છે. ઉપરાંત બધાને ભોગે ઉત્તમ સર્જક ગણાવવાની એમની મહેચ્છા નથી. જીવનમાં છાવરી રહેલી કોઈ અજ્ઞાત મૂલ્યનિષ્ઠા પ્રત્યે એમની વફાદારી છે. પરિવારમાં દરેકેદરેક વ્યક્તિ પ્રત્યે એમનો અપાર સ્નેહ, કાળજી-ચિંતા વ્યક્ત થયાં છે. બને એટલી એમની સંભાળ રાખવા મથ્યા છે. ખાસ કરીને મા વિનાનાં પહેલાં ચાર સંતાનો પ્રત્યે એમને વિશેષ ચિંતા અને ફરજ લાગી છે. એમના સ્વતંત્ર વિકાસ ઉપર કાપ ન પડે અને સ્વતંત્ર નિર્ણયો લેવાની એમની શક્તિ જળવાઈ રહે, છતાં દોરવણી આપવી જરૂરી લાગે ત્યાં વિના ખચકાટ એમણે આપી છે. કુટુંબમાં સૌથી વધુ પત્રો એમના મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણી ઉપર છે. ૧૯૪૦માં રાણપુરથી મહેન્દ્ર મેઘાણીને પત્ર લખે છે, ‘રમતાં રમતાં પાસ થવાય તો થવું છે. નીકર પરીક્ષા જખ મારે છે એવું મન રાખજે ને પૂરી કરીને જલદી અહીં આવી જજે.’ ૧૯૪૨ના આંદોલનમાં કૉલેજ છોડી મહેન્દ્રભાઈ જોડાય છે. એનો ખુલાસો કરતા મેઘાણી લાભચંદ મેઘાણીને લખે છે, ‘તમારો અભિપ્રાય જાણ્યો પણ અત્યારે ઉંમરલાયક સમજતાં સંતાનોને એની જ ઊર્મિ તેમજ બુદ્ધિને અનુસરવા દઈએ. એ સ્વયંસ્ફુરણા મારી નાખવા જેવી નથી.’ ૧૯૪૫માં મહેન્દ્રભાઈને લખે છે, ‘તારા સ્વતંત્ર વિકાસને રૂંધી રાખે એવી મમતા હું રાખું તો મારા સમસ્ત શબ્દસર્જનની સમક્ષ હું પોતે જ એનો દ્રોહી ઠરીશ.’ મહેન્દ્રભાઈના લગ્ન બાબત મેઘાણી લખે છે, ‘તારી ને નિર્મળાની એ ઊર્મિ ખરેખર લગ્નસુખના લહાવા માટે જાગી પડી હોય તો તેનો સંપૂર્ણપણે સત્કાર કરવો... પરંતુ એ વિચારમાં જો તારાં ભાંદરડાંને ઠેકાણે પાડવા જેવી કે એવી કોઈ પરલક્ષી ગણતરી હોય તો તેને હું લગ્નની સાચી સ્વયંસ્ફુરણા ન ગણું. લગ્નમાં સર્વોપરિ પ્રેરક તત્ત્વ અંગત યુગલજીવનની તાલાવેલી જ હોવું જોઈએ... તમે પરણીને પેટ ભરીને સહજીવન ગાળો અને લગ્નસુખને પોષતી બને તેટલી સગવડોનો ઉપભોગ કરો, વચ્ચે અમારો કોઈનો વિચાર ન લાવો, તમારો બેઉનો આવો સુંદર પ્રવેશ માંગું છું. મારો જીવનધ્વંસ યાદ કરી કરીને જ આ લખું છું.’ નિર્મળા ખેતાણી સાથે મહેન્દ્રભાઈનાં લગ્ન થયા પછીના એક પત્રમાં મેઘાણી જ્યેષ્ઠ પુત્રને લખે છે, ‘તું એને પત્ર પણ ન લખે એ અસહ્ય છે.’ વળી પાછા નવેમ્બર, ૧૯૪૬માં મેઘાણી એમની પુત્રવધૂની વહારે ધાય છે અને મહેન્દ્રભાઈને લખે છે, ‘પરમની રાતે આપણે સૌ બેઠાં હતાં તેની વચ્ચે તsx દૂધ બાબત ચિ. નિર્મળા પર જે ટીકા કરી તે અણછાજતી અને ક્રૂર હતી. તારે તારી સ્ત્રી સાથેનો સંબંધ મૃદુ અને ગૌરવયુક્ત રાખવો જોઈએ. તું આવી નાની નાની વાતોમાં કડવાશ વાવે છે ને તેનાં ફળ જતે દહાડે ખરાબ આવશે. તારે ઝીણી વાતોમાં પડવું જ ન જોઈએ. તારું ને એનું બેઉનું ગૌરવ દિનપ્રતિદિન વધે તેવું સૂક્ષ્મ રીતે વિચારપૂર્વકનું વર્તન રાખવું જોઈએ. જીવનની ટ્રેજેડી આવા નાના બનાવો દ્વારા જ રચાતી હોય છે. વધુ તો હું પોતે જ દેવાળિયો તારા જેવા શાણા ને સુશીલ પુત્રને લખવા લાયક નથી.’ ૧૯૩૩ની સાલમાં મેઘાણીનો ટાગોર સાથે મેળાપ મુંબઈમાં થયો. સવારે સાડા સાત વાગે માત્ર અડધા કલાકનો સમય ટાગોરે મળવાનો આપ્યો હતો. મેઘાણીએ ગુજરાતી લોકસાહિત્યના પ્રકારો સમજાવીને નમૂના ગાઈ સંભળાવવા માંડ્યા... કાઠિયાવાડના ખૂણે ખૂણે, ગામડે અને ગોંદરે, શી વસ્તુઓ ભરી છે તેનું હૂબહૂ વર્ણન કર્યું. ટાગોર સમયભાન ભૂલી ગયા. નવ વાગે સરોજિની નાયડુ આવ્યા. મામલો પારખ્યો. સરોજિનીદેવીએ કહ્યું, ‘ગુરુદેવ, બાપુએ એમને રાષ્ટ્રિય શાયરનું બિરુદ આપ્યું છે... આપ ધરાઈ-ધરાઈને સાંભળો. હું એમની તરફેણમાં રાજીનામું આપીને ચાલી જાઉં છું.” આ મુલાકાત પછી નંદલાલ બોઝ દ્વારા ટાગોરે શાંતિનિકેતન આવવાનું રીતસરનું નિયંત્રણ મેઘાણીને મોકલ્યું હતું. આઠ વર્ષ પછી ૧૯૪૧માં મેઘાણી શાંતિનિકેતન લોકસાહિત્ય ઉપર વ્યાખ્યાનો આપવા ગયા હતા. ૧૯૪૩ના ઑગસ્ટ મહિનામાં મુંબઈ યુનિ.ની ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા હેઠળ લોકસાહિત્ય ઉપર મેઘાણીનાં પાંચ વ્યાખ્યાનો ગોઠવાયાં હતાં. એક શ્રોતાએ તે સમયનું કરેલું વર્ણન જોઈએ : ‘હૉલ ઊભરાતો હતો. પાંચ પાંચ કલાક અગાઉથી આવી માણસો જગ્યા રોકી બેઠાં હતાં. હૈયેહૈયું મેઘાણીભાઈની ઝૂલતી-ડોલતી કાયા સાથે ડોલતું હતું...’ ત્યારે મેઘાણી ચિત્રાદેવીને શું લખે છે? ‘આહીં તો શિર પર સો મણની શિલાનો ભાર છે, ચાલીસ મણ ઊતર્યો, હજુ સાઠ મણ બાકી છે. આહીં ભાષણ મોંએ ગોખી (કારણ કે ત્યાં વાંચવાનું ફાવતું નથી. ચશ્માં હોવાથી મુશ્કેલી પડે છે ને વળી ઘણું ઘણું થોડા વખતમાં કહી દેવાનું હોય છે) તૈયાર કરવામાં તેમજ યુનિ.ને સોંપવા જેવી સ્વચ્છ નકલો વળી ફરી વાર કરવામાં આખો દિવસ જાય છે...’ વ્યાખ્યાનો પૂરાં થયાં પછી મહેન્દ્રભાઈને લખે છે, “મારાં પાંચ ભાષણો પરિણામદૃષ્ટિએ સુખરૂપ પૂરાં થયાં પણ બેશુમાર ગિરદીને કારણે મને શ્રમ બહુ પડ્યો.’ વળી પછી લખે છે. ‘મુંબઈનાં વ્યાખ્યાનોમાં મને વિરાટ મેદની વચ્ચે જોવાનો તારો મનોરથ સ્વાભાવિક છે. હું એમાં આત્માનો સ્વાદ અનુભવતો નથી. મારું મન હંમેશાં એવી કીર્તિથી દૂર ભાગે છે.’ મેઘાણી મનોરંજન શબ્દ માત્રથી કેવા છળી ઊઠતા હતા એ એમના ઉમાશંકર ઉપરના એક પત્રમાંથી જોવા જેવું છે : ‘લેખક-મિલનના રંજન કાર્યક્રમના પ્રમુખપદે તમે મને વર્યો છે એવું કંઈક સમજ્યો છું. પણ ભાઈ, હું અંતઃકરણથી આભાર માનીને એ વિષમ ધર્મમાંથી મુક્તિ માંગું છું. મનોરંજન એ શબ્દ માત્રથી હું ત્રાસું છું. બેશક, મારી નિરૂપણપદ્ધતિમાંથી મનોરંજન નિષ્પન્ન થાય છે. પણ હું એને ધ્યેય તરીકે ઉપાસી શક્યો નથી, એ મારું સ્વાભાવિક વાહન છે, લક્ષ્ય નથી.’ મૂળરાજ અંજારિયાએ એમને એમની સર્જન-પ્રક્રિયા વિશે કે એ કેમ લખે છે એવો કોઈક પ્રશ્ન એમને પૂછ્યો હશે. એનો ઉત્તર ખાસ્સો દીર્ઘ છે. આપણે માત્ર થોડીક નજર ફેરવીએ. ‘સૃષ્ટિની પ્રત્યેક સર્જનપ્રવૃત્તિનો મહદ્ અંશ સંગોપનમાં થાય છે. જે ગોચર છે તે તો અલ્પાંશ છે.... હું જો એમ કહું કે કશી જ પૂર્વભૂમિકા બાંધ્યા વગર લખું છું તો કાં તો તમે માનશો નહીં અને કાં તો તમે મારા સર્જન વિશેનો મોહ ગુમાવી દેશો.... બ.ક.ઠા.એ ‘આપણી કવિતાસમૃદ્ધિ’ સંગ્રહી તેમાં મારું ‘ઝંખના’ લીધું... એ કૃતિ ‘સૌરાષ્ટ્ર’ના એક અંક પર મૂકવા માટે ગુરુવાર સાંજના છ વાગે એટલે કે પ્રેસ પર છેલ્લી ક્રિયા કરવા ટાણે ફક્ત દસ મિનિટમાં કશી છેકછાક વગર રચી... એ જો સાચવી રાખીને કોઈ માસિકમાં કે પરબારું કોઈ ગ્રંથરૂપે આપત તો છાપાળવું ન કહેવાત!... વસ્તુતઃ મારી કૃતિઓના જે કંઈ દોષો કે ગુણો હોય તે કટકે કટકે, ઉતાવળે કે અમુક ખાસ જરૂરિયાતોને પહોંચી વળવા ખાતર લખ્યાના ન જ હોઈ શકે. દોષો કે ગુણો જે કંઈ હોય તેનું કારણ તો લેખકની અંદર અગોચરપણે પડેલું ચિત્તતંત્ર છે. કોઈ કૃતિ બાર વરસ રાખ્યાથી પરિપક્વ બની જતી નથી. અનેક કૃતિઓ પહેલે જ તડાકે તૈયાર સ્વરૂપે બહાર આવે છે.’ ગુજરાત સમાચારમાં ૧૯૪૫ની સાલમાં રણછોડલાલ વાયડા ૧૯૪૨ની લડત પર મંડાયેલું સાહિત્ય આપણાં લેખકો કેમ નહીં સર્જી શક્યા હોય એ ઉપર વિવાદ જગાવવા માંગતા હતા. મેઘાણીએ એમાં ભાગ લેવાનો તો ઇન્કાર કર્યો પણ વાયડા ઉપરના પત્રમાં એમણે એની સવિસ્તર ચર્ચા કરી. એમાંથી થોડુંક જોઈએ : ‘૪૨-૪૩ના બનાવોએ ક્ષુબ્ધ ન કર્યું હોય એવું સાચું સર્જક હૃદય તો ખરે કોઈ હોઈ શકે નહીં. દરેક નાનોમોટો બનાવ એના વીણા-તારને કંપાવે, પ્રેમ-શોક-વૈરાગ્ય-મશ્કરી વગેરે સામાન્ય જીવનની લાગણીઓ જેને સંવેદનકાર બને, તે સર્જકો રાષ્ટ્રવ્યાપી ઘટનાઓથી અસ્પૃષ્ટ રહે જ કેમ?... પણ અંતઃસ્પર્શ થયો હોય તો પણ તેનું પરિણામ કોઈ શાબ્દિક ઉદ્વેલન રૂપે આવવું જ જોઈએ એવું ખરું? સર્જકની આંતરગુહાને અતલ ઊંડાણે ચાલી રહેલી અનેક રાસાયણિક પ્રક્રિયામાં ઊતરી અને ઓગળી જઈને કોઈ ને કોઈ જૂજવે સ્વરૂપે એ કલાની સૃષ્ટિમાં સાકાર બને... આખરી આકાર સીધી ફોટોગ્રાફી સમો જ શું હોવો જોઈએ?... તમે જેને સર્જકો માનતા હો તે તમામનો ‘જ૨-૪૫’ સુધીનો અહેવાલ તપાસી ગયા છો?... બંગાળના દુષ્કાળ પર રચાયેલા બંગાળી સાહિત્યનું થોડુંક મેં જોયું છે એ તદ્દન નિર્માલ્ય છે. ટાગોર જીવતા હોત તો કદાચ એ સંક્ષુબ્ધ બની ઊઠત, પણ એમના સંક્ષોભે એવું નિગૂઢ સ્વરૂપ ધારણ કર્યું હોત કે આપણે કદાચ એમની કૃતિને બનતા બનાવોનું ઉચ્ચારણ ન પણ માનત. રાષ્ટ્રિય કાવ્યો ટાગોરે ૧૯૦૬માં રચ્યાં. તે પછીનો ઇતિહાસ સીધાં રાષ્ટ્રિય કાવ્યોની ભાળ આપતો નથી... બંગાળના ભૂખમરા પર મંડાયેલી નવલકથા ભલે ન હોય, કારાવાસીઓનાં ક્રંદનોને સીધો હવાલો આપતી કોઈ નવલિકા ભલે ન હોય, તેમાં ભલેને બે પ્રેમિકોની વાર્તા હોય, પેટ ભરીને દૂધ પામતા ધનિકના બાળની કવિતા હોય, ન્હાનાલાલે રચેલી નવભાગવતની કથા હોય કે પશુપંખીની સૃષ્ટિ આલેખતી કોઈ કૃતિ હોય; એમાં યુગનો બોલ હાજર છે કે નહીં તેની આંકણી એક જ કે કૃતિ પોતે સત્ત્વશીલ છે ખરી? ...મને જાહેર ચર્ચામાં ઊતરતાં ડર નથી લાગતો. પણ જે ચર્ચા વાદ-પ્રતિવાદમાં જ પરિણમે તેની નિરર્થકતાની બીક છે.’ ફરી એમની વાત્સલ્ય-પ્રીતિનું અલપઝલપ દર્શન કરીએ. એમના ત્રીજા અને ચોથા પુત્રો, નાનક-મસ્તાનને કડીંમાં છાત્રાલયવાળી શાળામાં ભણવા મૂક્યા હતા. પણ ચિંતિત બાપ કોને કહેવાય? ૧૯૪૬માં એમણે એ બન્ને પુત્રો ઉપર લખેલા પત્રોનું ઝૂમખું છે. લખે છે, “મચ્છરદાની વગર તમે ખૂબ હેરાનગતિ ભોગવતા હશો... તમે જેમ જેમ મોટા થતા જાઓ છો તેમ તેમ મારા મનનો વિષાદ ઘટે છે... તમારી બાલ્યાવસ્થાનો દુઃખી ભૂતકાળ દૂર ને દૂર ઠેલાતો જાય છે, એ સમયની સર્વ સ્મૃતિઓ લુપ્ત બનો.’ દીકરી ઇન્દુને લખે છે, ‘રાષ્ટ્રિય સેવાદળમાં જોડાવા વિશે તેં રજા મંગાવી. તારો વિકાસ થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિમાં જવાની ના હું ન પાડું, પણ આ નવા સ્થપાયેલા દળ વિશે હું કંઈ જાણતો નથી... શ્રી ચુનીભાઈને આ બાબતોમાં પૂછી વિગતો મેળવવી.’ મેઘાણીએ જીવનને એની totalityમાં પૂર્ણપણે સ્વીકાર્યું – કશી ફરિયાદ વગર. ગાઉટ-હરસ જેવા રોગો, કુટુંબની વિષમતાઓ, નોકરીનો પરિશ્રમ, ભેટ-પુસ્તકો તૈયાર કરવાના તકાદાઓ – આ બધાંના પૂર્ણ સ્વીકારે એમને એક પ્રકારની અલિપ્તતા આપી. એક બાજુ બાળકને શીતળા નીકળ્યા હોય એની કરાતી જતી સારવાર અને બીજી બાજુ સાથે સાથે ટાગોરનાં કાવ્યોના અનુવાદો થતા જતા હોય. સાહિત્યસર્જનથી પર એમના અંતરની એક એવી સચ્ચાઈ હતી જેમને એ વફાદાર રહ્યા. ચિત્રાદેવી – કુટુંબીજનોને મૂકીને અવારનવાર બહારગામ જતાં પણ એમનું દિલ ખટકતું, સ્વામી આનંદને એ લખે છે, ‘હું એકલો આવવા ઉત્સુક હતો, પણ મને guilty-conscience સતાવ્યા જ કરે એવી મારી ચિત્તાવસ્થા છે. આ લોકોને અહીં છોડી આવવાનો વિચાર ખટક્યા જ કરે.’ એમના રોગોને કારણે મૃત્યુના અણસાર એમને થતા રહેલા. એક પત્રમાં લખે છે, ‘હું તો શરીર ગુમાવી બેઠો. કંઈ ભરોસો જ નહીં છતાં સમાપ્તિ તરફ તો singing a song marching along એ મિજાજમાં જ જવાનું રાખ્યું છે.’ અને એક દિવસની બિમારીમાં જ એ ઊપડી ગયા. અવસાનના સમાચાર સાંભળી સ્વામી આનંદ કહે છે, ‘આવી દારુણ બીના શેં માની જાય? મહાદેવભાઈની ખબર સાંભળી તે સાંજે અનુભવ્યો હતો તેવો આંચકો અનુભવું છું. દુનિયાભરમાં એક એક ગુજરાતી કુટુંબ આ સાંભળીને આંચકો અનુભવશે....’ મેઘાણીના આ પત્રો જીવી જશે. વ્યક્તિત્વની જીવંતતા આમાં સહજસ્ફૂર્ત સુપેરે ઊઠી આવી છે. આત્મવૃત્તાંત જેવી સિલસિલાબંધ સભાન અભિવ્યક્તિ નહીં, પણ અણપ્રયોજાયેલ અહેતુપૂર્વકનું આ સર્જન તાજગીસભર લાગે છે; કેવી તો આ વિશિષ્ટ સંવેદના છે એવો વિસ્મય જગાડે છે. મકરન્દ દવે લખે છે, ‘...આ લોહીનાં લખાણ બહાર પડશે ત્યારે દુનિયા એને એક સાહિત્યકાર, લોકકથાકાર કરતાં જુદે રૂપે ઓળખશે. એ મીરાંનો સહોદર ભાઈ જેવો લાગશે. ઝેરના ઘૂંટડા પી-પચાવીને ઉજ્જ્વળ વાણીનાં મોતી વેરતો ગયો.’

[ફેબ્રુ., ૧૯૯૧