નીરખ ને/સ્ત્રી-પુરુષ સહજીવન : દાદા ધર્માધિકારીના પરિપ્રેક્ષ્યમાં
આપણા દેશમાં શિવની વિભૂતિ અદ્વિતીય છે. સાથે સાથે અત્યંત લોકપ્રિય પણ છે. કેટલાયે કવિઓ, ચિંતકો, મનીષીઓ, સાહિત્યકારોને એણે મુગ્ધ કર્યા છે. શિવની વિભૂતિની કંઈ કેટલીયે વિશેષતાઓ છે. એ સ્મશાનમાં રહે છે. મૃત્યુના વાતાવરણમાં જીવનનો પ્રસાદ ફેલાવે છે. વેશ પણ વિચિત્ર છે. નરમુંડોની માળાઓ પહેરે છે, હાથી અને વાઘનું ચર્મ ધારણ કરે છે, ચન્દન અને અનુલેપનની જગ્યાએ ચિતાભસ્મને જ ઉવટન બનાવે છે. જે કાણા, કૂબડા, નકટા, કુરૂપ છે, વિદ્રૂપ છે, અપંગ છે, મૂર્ખ છે, જડ છે, પરિત્યક્ત છે, સમાજબાહ્ય છે એ બધા એના ગણોમાં છે. શિવની વિભૂતિની બીજી એક અસામાન્ય વિશેષતા એ છે કે એ અર્ધનારીશ્વર છે. એ મનુષ્યનું વ્યક્તિત્વ સંપૂર્ણ કહેવાય છે કે જો એ પુરુષ હોય તો એની વિભૂતિમાં સ્ત્રીત્વ હોવું જોઈએ; અને જો એ સ્ત્રી હોય તો એની વિભૂતિમાં પુરુષ-તત્ત્વ હોવું જોઈએ. જે ઉભય સત્વસંપન્ન છે એ જ સમગ્ર માનવ છે. રામચન્દ્રજીના વ્યક્તિત્વમાં સુભગતા, શોભનીયતા અને કોમળતા છે જે સ્ત્રીના ગુણ માનવામાં આવે છે. કૃષ્ણજીના વ્યક્તિત્વમાં સુન્દરતા અને શોભનીયતા છે જે સ્ત્રીના અલંકાર ગણાય છે. એ જ સંસ્કૃતિનું લક્ષણ છે. શિવ અર્ધનારીશ્વર છે, પણ એ કેવળ સ્થૂળ સંકેત છે. એનો મર્મ એનાથી કેટલો યે વધારે ઊંડો છે. મનુબહેન ગાંધીએ ‘બાપુ મારી મા’ કહ્યું. એક લેખ છે, ‘મા વિનોબા.’ એ એવા પિતા છે જેમાં માતાની વત્સલતા છે. શિવની વિભૂતિ અદ્ભુત છે એમ ભવાનીની વિભૂતિ પણ આશ્ચર્યકારક છે. એ કાલી-કરાલી છે, શિવા છે, દુર્ગા છે, અન્નપૂર્ણા છે. અંબિકા અને ભદ્રા પણ છે... આપણે લક્ષ્મીને હંમેશાં વિષ્ણુનાં ચરણોમાં બેઠેલી જોઈએ છીએ, પણ ગૌરી તો ભરી સભામાં શંકરની ગોદમાં બેઠેલી દેખાય છે... પાર્વતી અને પરમેશ્વર અભિન્ન બની ગયાં છે જેવો કે શબ્દ અને એનો અર્થ. રાષ્ટ્ર અને અર્થ બંને સંપૂર્ણ છે અને બંને એકરૂપ છે. અર્ધો શબ્દ અને અર્ધો અર્થ એ ભાષાનું સ્વરૂપ નથી. કાકાસાહેબે કહ્યું હતું કે મનુષ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર – બધાના ગુણો એકત્રિત થવા જોઈએ. દિલ, દિમાગ અને હાથ ત્રણેનો વિકાસ જે વ્યક્તિમાં થાય છે એનું સમગ્ર સાન્દ્ર વ્યક્તિત્વ છે. શિવ-પાર્વતીની સંયુક્ત વિભૂતિ ઉભયલિંગીનું ઉદાહરણ નથી. ન તો એ અર્ધનારીશ્વર છે, ન અર્ધનરેશ્વર. એ તો સંપૂર્ણ નારીનરેશ્વર છે.
દાદા ધર્માધિકારી
સ્ત્રી-પુરુષ સહજીવન! દાદા ધર્માધિકારીના પરિપ્રેક્ષ્યમાં
સ્ત્રી-પુરુષના સહજીવનની સમસ્યા હજી પશ્ચિમ પણ ઉકેલી શક્યું નથી. યુરોપમાં ફ્રોઇડના આગમન પછી જાતીય વૃત્તિના દમન પરનાં નૈતિક બંધનો શિથિલ થયાં; એ માટેની સમજણ વિકસી. પણ એ સમજ ત્યાં normality ઉપર સ્થિર થવાને બદલે અગ્નિમાં ઘી ઊમેરાતાં બધું ભડકે બળે એમ કામુકતાનું લગભગ વળગણ એમને થઈ ગયું. ન તો એમને માનસિક શાંતિ લાગી, ન તો એમનું ઊર્મિતંત્ર સમતુલા પ્રાપ્ત કરી શક્યું. આપણા દેશમાં સમસ્યા જુદા પ્રકારની છે. અહીં બાળકો કંઈક રૂઢિવાદી અને inhibitve વાતાવરણમાં ઊછરે છે. કિશોર-કિશોરીઓને અરસપરસ મળવાની તક ઘણી ઓછી છે. સ્ત્રી-અસમાનતાની જડ હજી ઘણી ઊંડી છે. આર્થિક ક્ષેત્રે સ્ત્રીઓ બહાર આવવા માંડી છે છતાં એ ભાવાત્મક કક્ષાએ પુરુષની સમકક્ષ નથી બની. આ પશ્ચાદ્ભૂમાં દાદા ધર્માધિકારીનું ‘સ્ત્રી-પુરુષ સહજીવન’ પુસ્તક ખૂબ દાદ માંગી લે એવું છે. પૂ. દાદાએ અત્યંત તાજગીસભર સ્વતંત્ર, મૌલિક અને એકદમ પ્રસ્તુત તત્ત્વ-ચિંતનીય રૂપરેખાની માંડણી આ પુસ્તકમાં કરી છે. દાદાના આ ચિંતનને પાયામાં રાખી સામાજિક ક્ષેત્રે પ્રયોગો કરવામાં આવે તો એક અનોખા માનસિક સ્વાસ્થ્યની કક્ષાએ આપણો દેશ પહોંચે એમાં શંકા નથી. દાદા કહે છે કે ફ્રોઇડને મતે બધી વાસનાઓમાં મુખ્ય અને મૂળભૂત વાસના કામવાસના છે. એ એટલી પ્રબળ અને ઉગ્ર હોય છે કે એનો રંગ જીવન ઉપર ચડી જાય છે. ફ્રોઇડ તો ત્યાં સુધી કહે છે કે પિતાને પુત્રી અધિક પ્રિય હોય છે અને માને પુત્ર અધિક પ્રિય હોય છે. આ પણ સુપ્ત કામવાસનાને કારણે હોય છે. મનોવિશ્લેષણના તત્ત્વ અનુસાર તો સ્ત્રી અને પુરુષનો સંબંધ નર અને માદા સિવાય સંભવે નહીં. આ અત્યંત અનર્થકારક અને ભયાનક તત્ત્વજ્ઞાન છે. આનો તો સાફ અર્થ છે કે પતિ-પત્ની સિવાય કોઈ સંબંધ શક્ય નથી. બીજી બાજુ પુરાણપ્રિય નીતિ-વિશારદોએ સ્ત્રી-પુરુષની પારસ્પરિક અસ્પૃશ્યતાને પવિત્રતા માની છે. એક-બીજા સાથે સંબંધ જેટલો ઓછો એટલું બન્નેનું જીવન શુદ્ધ અને પવિત્ર માનવામાં આવ્યું છે. આ સદાચાર-નીતિનો મૂળ સ્રોત એ જ ભયાનક તત્ત્વજ્ઞાન છે જે સ્ત્રી અને પુરુષ વચ્ચે યૌન-સંબંધ સિવાય બીજા સંબંધને ગૌણ એટલે ઓછું પ્રબળ માને છે. એટલે દાદા આગળ પૂછે છે કે શું સ્ત્રી અને પુરુષ વચ્ચે કૌટુંબિક સગપણ અને કામ-વાસના ઉપરાંત કોઈ સ્નેહ-સંબંધ હોઈ ન શકે? સહજીવનનો મુખ્ય અર્થ છે કુટુંબ-બાહ્ય સહજીવન. આજ સુધી ધર્મશાસ્ત્રકારો અને સામાજિક મર્યાદાઓના પ્રણેતાઓએ સ્ત્રી-પુરુષનું કુટુંબબાહ્ય સહજીવન અસંભવ અને એ કારણે નિષિદ્ધ માન્યું છે. સ્ત્રી અને પુરુષનું એકબીજા માટેનું વૈષયિક આકર્ષણ ન ખાળી શકાય એવું હોય છે – આને શાસ્ત્રકારોએ મૂળ ભૂમિકા માની છે. ત્યાં સુધી કે મા અને દીકરો, પિતા અને પુત્રી, સગા ભાઈ-બહેનને પણ એકાન્તમાં એકબીજા સાથે રહેવાનો નિષેધ છે. આનો અર્થ એ થયો કે નીતિવેત્તાઓએ સ્ત્રી અને પુરુષના બધા સાંસ્કૃતિક સંબંધો કરતાં નર અને માદાના રૂપમાં પ્રાકૃતિક સંબંધ જ વધારે પ્રબળ માન્યો છે. સ્ત્રી અને પુરુષના સહજીવનમાં નિસર્ગ કરતાં સંસ્કારનું મહત્ત્વ વધારે છે. પ્રગતિનું લક્ષણ છે કે સંસ્કાર જ સ્વભાવમાં પરિણત થઈ જાય. કેવળ પ્રાકૃતિક દૃષ્ટિથી ન કોઈ પુરુષ પતિ છે કે ન કોઈ સ્ત્રી પત્ની છે. એક નર છે, બીજી માદા છે. જ્યારે એમનાં લગ્ન થાય છે ત્યારે પતિ-પત્નીનો સંબંધ કાયમ થાય છે. આ સગપણ પ્રાકૃતિક નથી, સાંસ્કૃતિક છે. એટલે લગ્ન સ્વભાવ નથી, સંસ્કાર છે. જે સ્ત્રી અને પુરુષ જિંદગી સુધી સાથે રહે છે, તે માત્ર શરીરનિષ્ઠ રહી શકતાં નથી. શરીરનિષ્ઠ રહે તો આજીવન સાથે રહેવું મુશ્કેલ છે. ધારો કે એક પુરુષે અતિ રૂપવાન સ્ત્રી સાથે લગ્ન કર્યાં. થોડા વખત પછી એ લકવાનો ભોગ બની ગઈ, કુરૂપ થઈ ગઈ. સમ્બન્ધ-વિચ્છેદ થઈ ગયો. એ પુરુષ એને પ્રેમ નથી કરતો. એ તો માત્ર એના શરીરને ઉપભોગની વસ્તુ માને છે. તો પછી લગ્ન એક સંસ્કાર માનવો વ્યર્થ છે. વિવાહ જ સંસ્કાર હોય તો પતિ-પત્નીનો સમ્બન્ધ કામ-સમ્બન્ધ કરતાં પ્રેમ-સમ્બન્ધ વધારે હોય. એનો આરંભ તો શારીરિકતાથી જ થશે, એમ ન હોય તો પછી લગ્નની આવશ્યકતા જ ન રહે. છતાં લગ્નજીવનમાં શારીરિકતા ક્ષીણ થતી જાય અને કામની જગ્યા પ્રેમ લેતો જાય. સ્ત્રી અને પુરુષના સંબંધમાં શારીરિકતા એટલે કે વૈષયિકતા જેટલી ઓછી હતી, પ્રેમ અને હાર્દિકતા જેટલો વધારે હશે એટલો એમનો સંબંધ સ્થાયી અને પવિત્ર હશે. એમાં સંયમ, નૈતિકતા, ધાર્મિકતા, કર્તવ્યબુદ્ધિ વગેરેનું કંઈ સ્થાન નથી. તો સવાલ એ થાય છે કે એકબીજાને શરીર સાથે મતલબ નથી? તો શું એકબીજાના આત્મા સાથે રહે છે? આત્માઓનું સહજીવન કેવું? અર્થાત્ એ લોકો રહે છે તો એકબીજાના શરીર સાથે, પણ એમના સહજીવનમાં શારીરિકતા મુખ્ય નથી હોતી. એટલે કે શરીર સાથે મન અને હૃદય પણ હોવું જોઈએ. એટલા માટે સહજીવનમાં મિત્રતા જ મુખ્ય હોય છે. સ્ત્રી-પુરુષનો સહજીવનનો પાયો સમાન ભૂમિકાનો છે. પણ હજુ તો સ્ત્રીની ભૂમિકા ગૌણ છે. બીજા દરજ્જાની છે. સ્ત્રીને આમાંથી બહાર આવવું હશે તો એણેે શારીરિકતા અને રૂપનિષ્ઠાથી ઉપર ઊઠવું પડશે. સ્ત્રીના શરીરનો વેપાર નહીં થવા દેવામાં આવે. એનું શરીર પ્રદર્શનની વસ્તુ નહીં બને. મનોરંજન અને વેપાર માટે સ્ત્રીના શરીરનો ઉપયોગ કે પ્રદર્શનનો રશિયામાં નિષેધ છે. અમેરિકા હજુ સુધી એ મંઝિલ ઉપર નથી પહોંચ્યું. જ્યાં સુધી આપણે કોઈ વસ્તુને વિષય માની લઈએ છીએ ત્યાં સુધી બે જ માર્ગ રહી જાય છે – કાં તો નિષેધ કે પછી છૂટ. સ્ત્રીનું શરીર પુરુષને માટે વિષય છે. એટલે કાં તો બન્નેને અલગ અલગ રાખો કે પછી આઝાદી આપી. આઝાદીમાં જરૂર એટલી જ છે કે એની સંમતિ હોય, જબરદસ્તી કે બળાત્કાર ન હોય. પણ માત્ર સ્વતંત્રતા નહીં, સમાનતા પણ જોઈએ. બકરીને વાઘ સમક્ષ આઝાદ કરી દેવામાં આવે તો એનો અર્થ એટલો થયો કે વાઘ મન ફાવે તેમ બકરીને ખાઈ શકે. એટલે સ્ત્રીએ પોતાના શરીરને વિષય માનવો છોડી દેવો જરૂરી છે. આજ સુધી સ્ત્રી પુરુષનો વિષય અને સંપત્તિ મનાઈ છે. સ્ત્રીના નવજીવનનું આ પહેલું શુભ સંકલ્પ હો. દાદા કહે છે કે સામાજિક બ્રહ્મચર્યનો અર્થ એ થાય છે કે જ્યાં સ્ત્રીને ડર ન હોય અને પુરુષ આક્રમક ન હોય, એને શારીરિક અભિલાષા ન હોય. પતિ-પત્નીના સંબંધ સિવાય બીજા બધા કૌટુંબિક સંબંધો જેવા કે ભાઈ-બહેનના, મા-બાપના સમાજમાં દાખલ થવા જોઈએ. પતિ-પત્નીનો સંબંધ અપવિત્ર છે એટલા માટે નહીં, પણ બીજા બધા સંબંધો કરતાં એમાં શારીરિકતા અધિક છે એટલે એ વ્યાપક ન બની શકે. સ્ત્રી એકલી રહેતાં ડરે છે અને પુરુષ સાથે રહેતાં પણ ગભરાય છે. એનો એક જ ઉપાય છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે વિશુદ્ધ પારસ્પરિક સખ્ય-ભક્તિનો સંબંધ સ્થાપિત થાય, એનો આરંભ કૌટુંબિક સંબંધોની ભાવના સામાજિક વ્યવહારમાં દાખલ કરવાથી થઈ શકે છે. પણ આ માત્ર પહેલું કદમ છે. ઇચ્છા એ રખાય કે સ્ત્રી-પુરુષ વચ્ચે મૈત્રી-સંબંધ સ્થપાય. સ્ત્રીની માતૃત્વની ઉપાસના સમાજમાં થઈ શકે છે, એનું ભગિનીત્વ પવિત્ર અને ભદ્ર છે. પણ મિત્રતાનો સંબંધ આ બન્ને કરતાં કંઈક વધારે શુદ્ધ અને મંગલમય છે, કારણ કે એમાં રંજમાત્ર પણ સ્વાર્થ અને વૈષયિકતા નથી. મિત્રતા પ્રેમથી ઓતપ્રોત હોય છે. પ્રેમ અગ્નિની જેમ દાહક નહીં, પાવક હોય છે. આને આપણે વિનોબાના શબ્દમાં સખ્ય-ભક્તિ અથવા કૃષ્ણાર્જુન-યોગ કહીએ. પરંતુ શું સમાજમાં સ્ત્રી-પુરુષ સ્નેહ-સંબંધ માટે પણ સાંકેતિક શબ્દ છે? સીતારામ, ગૌરીશંકર, ઉમામહેશ્વર વગેરે કેટલાક સ્ત્રી-પુરુષ-સંબંધવાચક શબ્દ છે. પણ એમાં મિત્રતાનો સંકેત નથી. રાધા-કૃષ્ણ એ એક બીજો સંકેત છે. એમાં નિતાન્ત પવિત્રતા અને ચરમ ઉત્કટતા છે. પરંતુ એ સંબંધ પ્રેમી અને પ્રેમિકાનો છે. એ સમાજવ્યાપી ન બની શકે. કૃષ્ણ-દ્રૌપદી એક એવો સંબંધ છે જે સમાજવ્યાપી બની શકે છે. કૃષ્ણાર્જુનયોગ અથવા કૃષ્ણાકૃષ્ણયોગ (કૃષ્ણા-દ્રૌપદી) – એ બે સામાજિક યોગ એવા છે કે જેમાં સખ્યને ભક્તિથી આલોકિત કરી નાખ્યું છે. એટલે ત્યાં ન કોઈ સંકોચ છે કે ન કોઈ ભય છે. દ્રૌપદી માટે “વસનરૂપ ભયે શ્યામ.’ શ્યામ જ્યારે દ્રૌપદીના વસન જ બની ગયા ત્યારે બન્ને વચ્ચે કયો પડદો રહી ગયો? આનાથી વધારે નિકટતા કે મુક્તતાની તો કલ્પના જ આવી શકતી નથી. ગોપીઓ, રુક્મિણી, સત્યભામા કે રાધાને માટે એમને વસનરૂપ ન બનવું પડ્યું. એ સંબંધમાં સંકોચ અને લજ્જાનો આત્યન્તિક અભાવ હતો. કોઈ પણ મર્યાદાનો અવકાશ જ નહોતો. પણ કૃષ્ણ-દ્રૌપદી-સંબંધની ભૂમિકા જ બિલકુલ ભિન્ન છે. ભય નહીં, સંકોચ નહીં. તોપણ શારીરિકતાનું નામ નહીં. કેવો અદ્વિતીય આદર્શ છે? છોકરા-છોકરીઓ સાથે ભણે કે ન ભણે, સ્ત્રી-પુરુષ સાથે મળીને કામ કરે કે ન કરે, રમે કે ન રમે, ફરવા જાય કે ન જાય – આ બધા સવાલ ઉપરઉપરના છે. કૃષ્ણ-દ્રૌપદીના સંબંધનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આ સવાલ છીછરા લાગે છે. સવાલના મૂળ સુધી નથી પહોંચતા. જીવનની પવિત્રતાનું વ્યાવહારિક રૂપ એ જ હોઈ શકે કે આપણે મનુષ્ય માત્રના શરીરને પવિત્ર માનીએ. એટલે માત્ર સખ્ય પર્યાપ્ત નથી. એમાં ભક્તિની ભાવના ભેળવી દેવી આવશ્યક છે. દાદાએ કુટુંબ-બાહ્ય સ્ત્રી-પુરુષ-સહજીવનમાં બિલકુલ શારીરિકતા વગરની નિકટતાની, સાન્નિધ્યની, જેમને એ સખ્યભક્તિ કહે છે એની હિમાયત કરી છે. એમનાં અનેક પાસાં અને વિચારોને આવરી લેતા પુસ્તકને આટલા ઓછા ફલક ઉપર ન્યાય આપવો અતિ દુષ્કર છે. હવે માત્ર વિરમતા પહેલાં એકાદ-બે વાતનો ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે. દાદાએ એક અતિ મહત્ત્વની વાત એ કરી છે કે બળાત્કારથી કોઈ સ્ત્રી ભ્રષ્ટ નથી થતી. સ્ત્રી પોતાના શરીરને ઈશ્વરના મંદિરથી પણ વધુ પવિત્ર માને. દરેક મનુષ્યનું શરીર ઈશ્વરનું જ શરીર છે. વિશ્વનાથનું મંદિર તોડી દેવામાં આવ્યું. વિષ્ણુની મૂર્તિના ટુકડેટુકડા કરી નાખવામાં આવ્યા. એટલે શું વિષ્ણુ ભગવાન અને મહાદેવજી ભ્રષ્ટ થઈ ગયા? જબરદસ્તીથી ઝેર પિવડાવવાથી મનુષ્યનું શરીર નષ્ટ થઈ શકે છે, પણ એ ભ્રષ્ટ નથી થતું. એ રીતે સમાજમાં આ નવો સંસ્કાર સ્થાપિત થવો જોઈએ કે માત્ર શરીર ભ્રષ્ટ થવાથી સ્ત્રી ભ્રષ્ટ નથી થતી. બળાત્કારજન્ય સંતાન એટલું જ પવિત્ર મનાશે જેટલું વિવાહજન્ય સંતાન માનવામાં આવે છે. દાદા કહે છે કે સહજીવન અને આત્મનિર્ભરતા બે પરસ્પર વિરોધી ભાવના નથી કે એ બન્ને એકબીજાનો સહચારી ભાવ છે. સમાજમાં કોઈ વ્યક્તિ સ્વયંપૂર્ણ નથી હોતી. એ બીજાંઓની વચમાં રહે છે, બીજાંની સાથે રહે છે, સહયોગ અને સહાયતાની એને આવશ્યકતા છે. એટલે એ સ્વયંપૂર્ણ નથી. તો પણ એ આત્મનિર્ભર જરૂર છે. એનો અર્થ એ છે કે સમાજમાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિની સાથે રહેશે. પરંતુ બીજાના ભરોસે નહીં જીવે. સહયોગી બધાની હશે, આશ્રિત કોઈની નહીં. આ જ આત્મનિર્ભરતા છે. પુરુષ અને સ્ત્રી માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. એ એકબીજા સાથે જીવશે, તન્મય અને તલ્લીન બનીને જીવશે, પણ એકબીજાના ભરોસે નહીં જીવે. અહીં હું માનું છું કે દાદાને આર્થિક-આત્મનિર્ભરતાની વાત જ માત્ર અભિપ્રેત નહીં હોય, નથી. થોડા કાળથી સારી સંખ્યામાં સ્ત્રીઓ ખાસ કરીને શહેરમાં આર્થિક રીતે અને બૌદ્ધિક રીતે પણ સ્વતંત્ર થવા માંડી છે. છતાં પરાપૂર્વથી ચાલી આવેલા સંસ્કાર સહેજે ભૂંસી શકાતા નથી. બાયરને કહ્યું છે ને કે ’Man’s love is of man’s life a thing apart; ’tis woman’s whole existence.’ રોઝા લક્ઝમ્બર્ગ જેવી ક્રાન્તિકારી સ્ત્રીના હૃદયવિદારક પ્રેમપત્રો વાંચતાં પ્રતીતિ થાય છે કે ઊંડા જડ ઘાલી બેઠેલા બાયરન વિધાનથી એ મુક્ત થઈ શકી નહોતી. સ્ત્રીઓએ ખૂબ મોટી મજલ કાપવાની છે. પરાપૂર્વથી ચાલી આવેલા સંસ્કારો સહેજે ભૂંસાતા નથી પણ સ્ત્રી જેમ જેમ ઘરની બહાર આવતી જશે એમ એના માનસમાં ફેરફાર થતો જશે એ પણ એટલી જ સાચી વાત છે. આવી હમણાં વિરલ પણ આત્મનિર્ભર સ્ત્રીઓ દેખાવા માંડી પણ છે. ભવિષ્ય એમની સાથે છે. ચિંતન-પુરુષ દાદા ધર્માધિકારીને મારા નમસ્કાર,
[માર્ચ, ૧૯૮૧