નીરખ ને/ભીખુભાઈ સાથે સહચિંતન


ભીખુભાઈ સાથે સહચિંતન

તમે તમારા પુસ્તક ઉપરની મારી કંઈક સુદીર્ઘ સમીક્ષાનો પ્રતિભાવ - Response આપવાનું મુનસિબ માન્યું એ ખૂબ સારું બન્યું. તમે અંગત પત્રમાં જવાબ કરતાં પ્રતિભાવ શબ્દને આ બાબતે વધુ ઉચિત ગણ્યો છે; એટલે ભલે તમારી પત્ર-ચર્ચામાં જવાબ શબ્દ વાપર્યો હોય પણ એ પ્રતિભાવના જ અર્થમાં છે એનો અહીં ખુલાસો આવી જાય છે. આશા છે કે તમારા આ પ્રત્યુત્તર ઉપર ચર્ચાવિચારણા થાય; અને ચર્ચાવિચારણા ભલે જાહેરમાં ન થાય પણ દરેક વિચારવંત વ્યક્તિને નવેસરથી ઊંડાણથી ગાંધીજીને સમજવામાં રસ જાગે તો એ ઓછી મોટી વાત નથી. ગુજરાતી સમીક્ષાને અંગ્રેજી સમીક્ષાઓની હરોળમાં ગણી એ તમારી માનવીય સજગતાની દ્યોતક છે. ફરી કહું છું કે તમારા આ પ્રત્યુત્તરથી મને આનંદ થયો છે. હા, તમારું બીજું પુસ્તક ‘Gandhi’s Political Philosophy’ મેં વાંચ્યું હોત તો કદાચ વધુ માહિતીઓ મળી હોત અને તમારાં અર્થઘટનો વધુ સુસ્પષ્ટ બન્યાં હોત. જોકે આ પુસ્તકમાં પણ કંઈ ઓછું નથી, અને તમારી આ પ્રતિક્રિયામાં પણ તમે ખુલાસાઓ કર્યા છે. ગાંધીજી પોતાને યુગપુરુષ તરીકે જોતા કે કહેતા એ કહેવાનો કોઈ અર્થ જ લાગતો નથી. એમને એ સ્થાન સહજ રીતે પ્રાપ્ત થયું હતું. પોતાને યુગપુરુષ તરીકે જોવાની એમને કઈ જરૂરત? દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને રેલવેસ્ટેશન ઉપર ડબ્બામાંથી નીચે ફેંકી દીધા એ કારણે એમના મનમાં જે પ્રતિક્રિયા ઊભી થઈ એને યુગપુરુષ તરીકે જોવા સાથે સંબંધ છે? એ ભારત આવ્યા ત્યારે ગોખલેએ એમને કંઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં એક વર્ષ સુધી દેશને જોવો અને જાણવો એમ કહ્યું અને એમણે એ વાત સ્વીકારી ત્યારે યુગપુરુષ તરીકે પોતાને જોવાની એમને કલ્પના હતી? કહેવાનું એ પ્રાપ્ત થાય છે કે એમનું જે પ્રકારનું ચારિત્ર્ય હતું અને જે પ્રમાણે સર્જાતી પરિસ્થિતિમાં એ ઉત્ક્રાન્ત થતા ગયા એમ તમે સ્વયં કહ્યું છે એમ એમનામાં અનન્ય નૈતિક ઑથોરિટી ઊભી થઈ. એમનો driving force પોતે પોતાને યુગપુરુષ તરીકે જોયા એ નહીં, પણ એમનું ચારિત્ર્ય હતું. પણ એક પ્રશ્ન જરૂર થાય છે કે ગાંધીજીએ પોતાને યુગપુરુષ તરીકે જોયા એ વાત બેત્રણ વાર ભારપૂર્વક તમે શા કારણે કહી હશે? શો ઉદ્દેશ હોઈ શકે? કે આપણે ધારીએ છીએ એટલા ગાંધીજી મહાન નહોતા? કે પછી વિદ્યાકીય અભ્યાસમાં કોઈ પણ મહાન ઘટનાને commonplace level ઉપર લાવવી જરૂરી બને છે? કે પછી વિદ્યાકીય અભ્યાસમાં નિરપેક્ષતાનો આ જાતનો ખ્યાલ હોય છે? વળી ગાંધીજી પોતાને આ રીતે જોતા એવા અબકડઈમાં વેચાઈ જતાં વિધાનો તમે આ પત્રચર્ચામાં કર્યાં છે જે ઉપરથી તમે એવા નિષ્કર્ષ ઉપર આવ્યા કે ગાંધીજીએ પોતાને યુગપુરુષ તરીકે જોયા. વસ્તુ એવી રીતે મુકાઈ છે કે આખી સંકુલતાનું જાણે કે ઠઠ્ઠાચિત્ર (કેરિકેચર) બની ગયું! (૨) અસ્પૃશ્યતાની બાબતની મારી ટીકા મેં મારી સમીક્ષામાં કરી છે એ મુખ્યત્વે તમારા આ વિધાન સામે છે કે ભારતીય સ્વતંત્રતાનાં ચાલીસ વર્ષ પછી પણ અસ્પૃશ્યતા ચાલુ છે અને એ માટે તમે ગાંધીજીને જવાબદાર ગણ્યા છે. તમે કહો છો કે તમે મારી ટીકા સમજી શકતા નથી. નહેરુ દોષિત હોય એટલે ગાંધીજી દોષ-મુક્ત નથી થઈ જતા. પહેલાં આપણે તમારા પુસ્તક અનુસાર ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણ માટે શું શું કર્યું તે જોઈએ. ૧૯૨૦થી ગાંધીજીએ અસ્પૃશ્યતા વિરુદ્ધ પદ્ધતિસરની ઝુંબેશ ચલાવી અને જ્યારે જ્યારે તે પ્રસંગો ઊભા થયા ત્યારે એને વખોડી કાઢ્યા વગર રહ્યા નહીં. ઉચ્ચવર્ણીય હિંદુઓનું એક નાનું પણ પ્રતિબદ્ધ જૂથ ઊભું કર્યું જે મિશનરી ભાવનાથી કામ કરવા માટે દેશના જુદા જુદા ભાગોમાં વહેંચાઈ ગયું. એમની નેતાગીરી નીચે ૧૯૨૦ની કૉંગ્રેસની બેઠકે અસ્પૃશ્યોને મંદિરોમાં દાખલ કરવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો. રાષ્ટ્રીય શાળાઓ અને કૉલેજો જે અસહકારની ચળવળ દરમિયાન સ્થપાઈ હતી – બધાંને અસ્પૃશ્યોને પ્રવેશ આપવાનું અને સક્રિયપણે અસ્પૃશ્યતા વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાનું ફરજિયાત હતું. એમણે અસ્પૃશ્યોને હરિજન કહેવાનું શરૂ કર્યું. ભંગીવાસમાં એ રહેવા જતા અને જીવનના પાછલા ભાગમાં એ જ દંપતીને એમના આશીર્વાદ મળતા જેમાંથી એક હરિજન હોય. ગાંધીજીની મર્યાદામાં તમે બતાવ્યું છે કે એમનાં છેલ્લાં વર્ષો બાદ કરતાં એમને ખ્યાલ જ ન આવ્યો કે અસ્પૃશ્યતા જ્ઞાતિપ્રથા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી હતી, અને જ્ઞાતિપ્રથા ઉપર પ્રહાર કર્યા વગર અસ્પૃશ્યતા નાબૂદ થઈ શકે એમ નહોતી. વાત તર્કની દૃષ્ટિએ બિલકુલ ખોટી નથી. છતાં વ્યવહારમાં ગાંધીજીનો જ્ઞાતિપ્રથામાંની એમની માન્યતાને કારણે અસ્પૃશ્યતા ઉપરનો એમનો પ્રહાર નબળો પડ્યો હોય એમ લાગતું નથી. તમે જ સરસ રીતે બતાવ્યું છે કે ગાંધીજીની જ્ઞાતિપ્રથા વિશેની સમજ વિશિષ્ટ હતી. એમાં એમણે ઊંચનીચનો ભેદભાવ સ્વીકાર્યો નહોતો. એમને જે રસ પડતો હતો તે એ કે વારસાગત રોજગાર સ્પર્ધાને અને વર્ગવિગ્રહને નાબૂદ કરતો હતો, અને એ રાજ્યસત્તા (જેનો પાયો હિંસા છે) અને એની દરમિયાનગીરી એ ઘટાડતી હતી. અસ્પૃશ્યતાને એમણે જ્ઞાતિપ્રથાનો ભાગ નહોતો માન્યો – એમણે એને સડો જ ગણ્યો હતો. પછીનાં વર્ષોમાં તો એ જ્ઞાતિપ્રથાની તદ્દન વિરુદ્ધ બની ગયા, અને એને એમણે પાપ ગણ્યું. બીજી એમની મર્યાદા તમે એમની પુનર્જન્મ અને એની સાથે સંકળાયેલા કર્મસિદ્ધાંત ઉપરની એમની માન્યતાને ગણી છે. આ સપાટી ઉપરનો તર્ક વ્યક્તિને સમજવામાં પાછો નથી પાડતો શું? ગાંધીજીની પુનર્જન્મની અને કર્મસિદ્ધાંતની માન્યતાએ એમને બ્રિટિશરોનો કે કોઈ પણ અન્યાયનો વિરોધ કરતા અટકાવ્યા નહોતા – બલ્કે અહિંસાત્મક આંદોલનોના એ જાજ્વલ્યમાન પ્રણેતા બની રહ્યા. આ પછી ગાંધીજીએ બીજું શું શું કરવું જોઈતું હતું તેની સૂચિ તમે આપી છે – જેમ કે કૉંગ્રેસનો પ્રમુખ એક વાર પણ હરિજનને બનાવવો જોઈતો હતો. કૉંગ્રેસ અધિવેશનમાં પિરસાતું ભોજન હરિજનોએ બનાવવું જોઈતું હતું, વગેરે. આવાં સૂચનો ગાંધીજીને કરવામાં આવ્યાં હતાં, પણ એમણે સ્વીકાર્યાં નહોતાં. સૂચિ તો હજી લાંબી બનાવી શકાય. એમાં ક્યાં આપણે કંઈ કરવું પડે છે! છતાં ગાંધીજીએ સૂચન કર્યું કે ભારતનો પહેલો રાષ્ટ્રપતિ હરિજન હોવો જ જોઈએ ત્યારે નહેરુએ એનો અમલ કરવો જોઈતો હતો. હું ભૂલતી ન હોઉં તો તમારા જ પુસ્તકમાં છે કે બંધારણ પરિષદમાં - Constituent Assemblyમાં આંબેડકરને લેવા એવું સૂચન ગાંધીજીનું હતું. તમે કહો છો કે ઘણાં અસ્પૃશ્યોએ ગાંધીજીના જીવન દરમ્યાન અને એમના મૃત્યુ પછી ટીકા કરી છે કે ગાંધીજીએ પૂરતા પ્રમાણમાં અસ્પૃશ્યતાનિવારણ માટે કશું કર્યું નહોતું. વર્ણવ્યવસ્થાના ભોગ બનેલાઓના મત ઉપર ધ્યાન ન આપવું અને ગાંધીજીની તમે જેમ કરો છો એમ અટીકાત્મક પ્રશંસા કર્યા કરવી એ આંધળી હીરો-વર્શિપ છે. ભાઈ, તમે જ તમારા પુસ્તકમાં લખ્યું છે કે અસ્પૃશ્યતાના નિવારણમાં કોઈ પણ આગેવાન કરતાં ગાંધીજીના કાર્યનું પ્રમાણ ઘણું મોટું છે. સનાતનીઓએ ગાંધીજીને જ્યારે પોતાના સૌથી વધુ ખતરનાક દુશ્મન ગણ્યા ત્યારે એ સાચા હતા : ગાંધીજીની પ્રતિબદ્ધતા અને એમના પ્રચંડ પ્રદાન પ્રત્યે શાસક રહેવામાં આંબેડકર ખોટા હતા. તમે જ્યારે આંબેડકરને ખોટા માન્યા ત્યારે બીજા અસ્પૃશ્યોનો મત પણ ખોટો ન હોઈ શકે? માત્ર અટીકાત્મક ગણાઈ જઈશ એ બીકે જે ટીકાઓ સાથે હું સમ્મત ન થતી હોઉં એને ટેકો આપું? – આ હીરોવર્શિપ ગણાય? અંગ્રેજીમાં આથી વધારે સારો શબ્દ નથી? બાકી ૪૦ વર્ષની નહેરુની અને વધતે-ઓછે અંશે આપણી સૌની નિષ્ક્રિયતાના અને નિષ્ફળતાનો દોષ ગાંધીજી ઉપર ઢોળવો એ બાલિશ છે. આજે તો ત્યાં સુધી મામલો પહોંચી ગયો છે કે જે વિદ્યાર્થીઓ સામાજિક ન્યાય અને સમાનતાની લડતને મોખરે હોવા જોઈએ એ પ્રત્યાઘાતી માનસના અને પરિબળોના પ્રતિનિધિ બની રહ્યા છે. (૩) ગાંધીજીનો સ્ત્રી-સાથીદારો સાથેનો સંબંધ કૃષ્ણ-ગોપીઓ જેવો હતો એવા તમારા મંતવ્ય સામે મને કોઈ નૈતિક વાંધો નથી કે નથી હું એને ગાંધીજીને ઉતારી પાડનારું માનતી. પણ આવી કોઈ છાપ મારા ઉપર પડી નથી કે સર્વસામાન્ય આવો કોઈનો ખ્યાલ નથી. ગાંધીજીમાં સેક્સ અપીલ-જાતીય આકર્ષણ હતું એમ કોઈ કહે તો વળી ગાંધીજીના વ્યક્તિત્વની એક વધુ રસપ્રદ બાબત ખુલ્લી થઈ કહેવાય. કોઈક સ્ત્રી-સાથીદારોએ ગાંધીજી પ્રત્યે જાતીય આકર્ષણ અનુભવ્યું હોય અને ગાંધીજીએ એનું ઊર્ધ્વીકરણ કર્યું પણ હોય, માની લઈએ. પણ કૃષ્ણ-ગોપીઓનો સંબંધ આપણી સમક્ષ એક લીલારૂપે આવે છે; એનું સાહિત્યસૌન્દર્ય પણ છે. જ્યારે ગાંધીજીનો આખો માહોલ પ્યુરિટિનિક છે; ગાંધીજીના આદર્શ રામ છે. તમે કહો છો કે તમે જ્યારે ગાંધીજીની પ્રશંસા કરી છે ત્યારે તમારી સાથે હું સમ્મત થઈ છું અને જ્યારે તમે એમની ટીકા કરી છે ત્યારે હું અસમ્મત થઈ છું. હા, એવું લાગે ખરું પણ એ સાચું નથી. તમે માત્ર ગાંધીજીની પ્રશંસા કરી છે ત્યારે જ હું તમારી સાથે સમ્મત થઈ છું એવું નથી. દરેકેદરેક પ્રકરણમાં તમે જે માહિતીસભર દૃષ્ટિપૂર્વકની પાર્શ્વભૂમિકાઓ આપી છે એની હું મોટી પ્રશંસક છું. મારો ગાંધીજી પ્રત્યેનો કે પછી કોઈ પણ બાબત પ્રત્યેનો અભિગમ પૃથક્કરણીય કરતાં સંશ્લેષણીય વધુ રહ્યો છે. આજે ગાંધીજી મને ઘણા પ્રસ્તુત લાગે છે. કદાચ તમને પણ એ ઘણા પ્રસ્તુત લાગ્યા હોય એટલે જ પુસ્તક લખવા પ્રેરાયા હો એમ બને. ‘ગ્રાન્ટા’ સામયિકમાં હું એક લેખ વાંચતી હતી. એમાં એક રશિયન યુવકને અફઘાનિસ્તાન લડવા માટે મોકલવામાં આવે છે. મા વ્યથિત છે અને દીકરો પણ વ્યથિત છે. દીકરાને ખબર પણ નથી કે એ શેને માટે લડવા જઈ રહ્યો છે. એને જવું નથી. પણ જવું એને માટે ફરજિયાત છે. આ વાંચતાં અહિંસા શબ્દ જે મારે માટે શબ્દ જ હતો તે જીવંત બની ગયો. મન તદ્દન યુદ્ધોની ખિલાક થઈ ગયું. આ કેવી હિંસા? આનો શું કોઈ અંત જ નથી? હું ગાંધીવાદી નથી. કંઈ પણ વિચારતાં કે કાર્ય કરતાં ગાંધીજીએ આ બાબતમાં શું કહ્યું હતું એમ હું વિચારતી નથી. હા, ગાંધીજીના વ્યક્તિત્વનો પ્રભાવ મારી સંસ્કારિતાનો જીવંત અંશ જરૂર બની ગયો છે. એમની સત્ પ્રત્યેની પળેપળની પ્રયોગશીલ નિષ્ઠા, અને કોઈ પણ ઉપાયે એમણે માનવજાત પ્રત્યે પ્રેમ કર્યો છે એની ઊંડી પ્રભાવકતા મારા ઉપર રહી છે. બાકી દરેક બાબતમાં એમની સાથે સમ્મત થવાની મને જરૂર લાગી નથી કે અકારણ વિરોધ કરવાની પણ જરૂર લાગી નથી. એમના સેક્સ બાબતના વિચારો કે એમનો અપરિગ્રહ કે પ્યુરિટિનિક અભિગમ કરતા મારા ખ્યાલો કંઈક જુદા છે. જોગાનુજોગ આ જ વખતે મારે ડૉ. રામમનોહર લોહિયાના એક લેખ ઉપર લખવાનું બન્યું. ભૌતિકવાદના તદ્દન નકારનો આપણા અંદરના વિશ્વ સાથે મેળ ખાતો નથી એમ ડૉ. રામમનોહર લોહિયાએ કહ્યું છે. શુદ્ધ સત્ય અને આનંદપ્રદ અનુભવનો સુંદર સંગમ થવો જોઈએ. આનંદ એટલો ન હોવો જોઈએ કે સત્યને ભ્રષ્ટ કરે અને ભૌતિકવાદનો એટલો નકાર ન હોવો જોઈએ કે જેથી આપણે સતત જાત સાથે સંઘર્ષમાં રહેવું પડે – આ મધ્યમમાર્ગ મને સ્વીકાર્ય લાગે છે. છતાં બુદ્ધ-ગાંધીનો માર્ગ ખોટો છે એમ હું કહી શકતી નથી – વીતરાગતાનું પણ એક આકર્ષણ હોય છે. બાકી નવાં સત્યો શોધતાં આપણને કોણ રોકે છે? ગાંધીજી સતત પ્રયોગશીલ રહ્યા. આપણે પણ શું એ જ નથી કરવાનું? ભીખુભાઈ, ગાંધીજી માટેની તમારી પ્રશંસા કે ટીકાઓ પાછળ હું તમારો ગાંધીજી પ્રત્યેનો ઊંડો આદર જોઈ શકું છું. આ પુસ્તક પાછળની તમારી મહેનતને હું ફરી દાદ દઉં છું.

– મંજુ ઝવેરી