પન્ના નાયકની કવિતા/ઝાડ જેમ મારે અહીં ઊભા રહેવું છે

૨૬. ઝાડ જેમ મારે અહીં ઊભા રહેવું છે

ઝાડ જેમ મારે અહીં ઊભા રહેવું છેઃ ક્યાંય પણ જવું નથી,
મોસમને મન ભરી માણ્યા કરુંઃ મારે કંઈ પણ થવું નથી.

તડકો પડે તો ભલે તડકો પડે
ભલે પડતી વરસાદની ધારા,
ચાંદની ઝીલું અને ઝીલું બરફ
મને કોઈ નહીં વહાલાં, અકારાં,

અહીંયાં જ હું મારે ઠરીઠામ થાઉંઃ મારે ક્યાંય પણ ઠરવું નથી.
ઝાડે જેમ મારે અહીં ઊભા રહેવું છેઃ ક્યાંય પણ જવું નથી.

લહેરખી તો આવે ને જાય
ક્યારેક આવે પવન ને ઝંઝા,
રેશમની હથેળીથી કોઈ ભલે પંપાળે
ને કોઈ ભલે મૂકે એના પંજા,

આવે ને જાય એનાં બદલાયે રૂપઃ મારે કંઈ પણ બદલવું નથીઃ
ઝાડ જેમ મારે અહીં ઊભા રહેવું છેઃ ક્યાંય પણ જવું નથી.