પરકીયા/જન્તુ


જન્તુ

સુરેશ જોષી

તારાં નિતમ્બથી તે ચરણ સુધી
મારે લાંબી જાત્રા કરવી છે.

હું જન્તુથી ય નાનકડો છું.
આ ટેકરીઓ પર થઈને હું ચાલી નીકળું છું
એનો રંગ ઘઉંના જેવો,
એમાં નાજુકડી કેડીઓ
જેની કેવળ મને જ ભાળ.
બળેલા સેન્ટિમિટર,
ઝાંખાં રેખાંકનો.

અહીં એક પર્વત છે
એમાંથી હું કદી બહાર નીકળવા જ ન પામું.
અરે, કેવી જંગી લીલ!
અને જ્વાળામુખીનું મુખ,
હવાઈ ગયેલા અગ્નિનું ગુલાબ.
ચક્રાકાર સીડીએથી
ઘૂમરાતો હું તારા ચરણના ઢોળાવ પર આવું,
કે મારગમાં વચ્ચે સૂતો સૂતો લસરું,
ને આવી પહોંચું તારાં ઘૂંટણની ગોળાકાર કઠિનતા આગળ
એ જાણે કોઈ ઉજ્જ્વળ ભૂમિખણ્ડનાં કઠોર શિખરો.
લસરીને પગની પાનીએ પહોંચું
તારાં એ દ્વીપકલ્પો જેવાં આંગળાં ધીમાં, અણિયાળાં આઠ મુખ,
અને ત્યાંથી ધોળી ચાદરના વેરાનમાં
હું જઈ પડું.
આંધળો, ભૂખ્યો
તારી કાયાની
એ દઝાડતી પ્યાલીની
રેખાઓને શોધું.