પરમ સમીપે/૪૨

૪૨

મેં ભગવાન પાસે શક્તિ માગી
કે હું સિદ્ધિ મેળવી શકું,
પણ મને નિર્બળ બનાવવામાં આવ્યો
જેથી હું આજ્ઞા પાળવાનું શીખી શકું.
મેં તંદુરસ્તી માગી
કે હું મોટાં કામ કરી શકું,
મને અપંગ અવસ્થા આપવામાં આવી
જેથી હું વધારે સારાં કામ કરી શકું.
મેં સમૃદ્ધિ માગી
કે હું સુખી થઈ શકું,
મને દરિદ્રતા આપવામાં આવી
જેથી હું સમજુ બની શકું.
મેં સત્તા માગી
કે લોકો મારી પ્રશંસા કરે,
પણ મને નિર્બળતા આપવામાં આવી
જેથી હું ભગવાનની જરૂર અનુભવી શકું.
મેં વસ્તુઓ માગી
કે હું જીવનને માણી શકું,
પણ મને જીવન આપવામાં આવ્યું
કે હું બધી વસ્તુઓ માણી શકું.
મેં માગ્યું હતું એ કશું જ મને ન મળ્યું,
પણ મેં જેની આશા રાખી હતી તે મને મળ્યું
મારી પ્રાર્થનાઓનો મને પ્રત્યુત્તર મળ્યો.

અજ્ઞાત સૈનિક