પરિભ્રમણ ખંડ 2/કોયલ વ્રત

કોયલ વ્રત


કોયલ વ્રત તો સુહાગણનું છે. વૈશાખ માસનું વ્રત. કેમકે આંબાની ઘટા વૈશાખમાં જ ઘાટી બને. કોયલનાય કલ્લોલ તે સમે જામી પડે.

આખો વૈશાખ મહિનો સ્ત્રી માથામાં તેલ ન નાખે, ધણીને પથારીય ન કરી આપે, એકલી સાદડી નાખીને સૂવે, ટાઢે પાણીએ નહાય, પ્રભાતે નદીકાંઠે કોયલ બોલાવવા જાય. આંબાની ઘટા સામે આમ કહી બોલાવે :

બોલો કોયલ બોલો!
તમને આવે ઝોલો.
ઝોલે ઝોલે જાળી, કોયલની મા કાળી.
કાળા કાળા કમખા, કે રાતા અમારા ચૂડા.
કોયલ વેદ ભણે કે ઘીના દીવા બળે.
કોયલ કૂ-કૂ-ઉ-કૂ કોયલ કૂ-કૂ-કૂ-કૂ

કૂ-ઉ-ઉ-કૂ કરીને કોયલ પણ જો સામો જવાબ આપે તો જ જમાય, નહિ તો અપવાસ પડે.

કોયલને બોલતી કરવી હોય તો કોયલના જેવો જ ટહુકાર કાઢતાં આવડવું જોઈએ ને?

એક જ ટાણું જમાય.
કાળું પહેરાય નહિ.
કાળું ઓઢાય નહિ.
કાળું ખવાય નહિ.