પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૨

શ્રી યશવંત પ્રાણશંકર શુક્લ


બત્રીસમા અધિવેશનના પ્રમુખ
શ્રી યશવંત પ્રાણશંકર શુક્લ
  • યશવંત શુક્લ એટલે વિવેચક, પત્રકાર, અનુવાદક. તેમનો જન્મ ૮ એપ્રિલ ૧૯૧૫ના રોજ ખેડા જિલ્લાના ઉમરેઠમાં થયો હતો. અંગ્રેજી ચાર ધોરણ સુધીનું શિક્ષણ ઉમરેઠમાં લીધું. ૧૯૩૨માં મૅટ્રિક થયા. મૅટ્રિકની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં ડિસ્ટિંક્શન સાથે પ્રથમ આવ્યા. એ નિમિત્તે ગુજરાત વિદ્યાસભાનું કાન્ત પારિતોષિક મળ્યું હતું. ૧૯૩૬માં બી.એ. થયા. બી.એ.માં તેમના વિષયો અર્થશાસ્ત્ર અને ઇતિહાસ હતા. ગુજરાતી અને અંગ્રેજી વિષયો રાખીને ૧૯૩૮માં એમ.એ. થયા. એમ.એ.નો અભ્યાસ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી કર્યો. એ સમય દરમિયાન સુપ્રસિદ્ધ વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પરિચયમાં આવ્યા અને એ પરિચય ગાઢ બન્યો. યશવંત શુક્લના જીવનના વિકાસમાં તેમનો ખૂબ મહત્ત્વનો ફાળો હતો.

એમ.એ.ની પરીક્ષા પછી ગુજરાત સમાચાર તરફથી પ્રગટ થતું ‘પ્રજાબંધુ’માં ઉપતંત્રી તરીકે જોડાયા. પ્રજાબંધુમાં નવાં પ્રગટ થતાં પુસ્તકોની સમીક્ષા કરતા. ‘સંસારશાસ્ત્રી’ એ ઉપનામથી સંસારના-સમાજના પ્રશ્નોની ચર્ચા કરતી કૉલમ શરૂ કરેલી. ‘જનસત્તા’માં તેમની કૉલમ ‘સમયનાં વહેણ’ નામથી આવતી. આ કૉલમમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી. ‘સંદેશ’ દૈનિકમાં ‘સમયની સાથે’ એ નામથી કૉલમ લખતા હતા. યશવંતભાઈનો સ્વભાવ ક્રાંતિકારી હતો. તેમના લોકશાહી વિશેના વિચારપ્રેરક લેખો ‘કેન્દ્ર અને પરિઘ’માં પ્રગટ થયા છે. ‘ઉપલબ્ધિ’માં સાહિત્યવિવેચનના લેખો છે. એમનું સાહિત્યવિવેચન ક્યારેય છીછરું બન્યું નથી. સાહિત્યપદાર્થ વિશેની તેમની સૂક્ષ્મ સમજ હતી. સાહિત્ય વિશે તેમનો એક ઊંચો આદર્શ હતો. સાહિત્યને પામવા માટે તેમનામાં ઊંચી સુરુચિ હતી. તેમણે સાહિત્યના અનેક પ્રકારોનાં વિવેચનોમાં પોતાની એક સમર્થ, રસજ્ઞ વિવેચક તરીકેની પ્રતીતિ કરાવી છે. ‘શબ્દાન્તરે’ (૧૯૮૪) તેમનો બીજો વિવેચનગ્રંથ છે. ‘ક્રાંતિકાર ગાંધીજી (૧૯૮૦)માં ગાંધીવિચાર વિશેની ઊંડી સમજ પ્રગટ થઈ છે. યશવંતભાઈએ જે અનુવાદો આપ્યા તેમાં મેકિયાવેલીના ‘ધ પ્રિન્સ’નો અનુવાદ ‘રાજવી’ નામે અને બર્ટ્રાન્ડ રસેલના ‘ધ પાવર’નો અનુવાદ ‘સત્તા’ (૧૯૭૦) નામે જાણીતો છે. હેન્રિક ઇબ્સનના ‘ધ લેડી ફ્રૉમ ધી સી’નો ‘સાગરઘેલી’ નામે અનુવાદ કર્યો છે. તેમણે કરેલાં સંપાદનોમાં ‘ટૉલ્સ્ટૉયની વાર્તાઓ’ (૧૯૩૫) અને ‘ઉમાશંકરની વાર્તાઓ’ (૧૯૭૩)નો સમાવેશ થાય છે. ‘કંઈક વ્યક્તિલક્ષી, કંઈક સમાજલક્ષી’ (૧૯૯૬), ‘સમય સાથે વહેતાં’ (૧૯૯૦) અને ‘પ્રતિસ્પંદ’ (૧૯૯૬) – તેમના લેખસંગ્રહો છે. ‘ચીની પુરાણકથાઓ’ (૧૯૬૬) –માં ચીનની સંસ્કૃતિ આલેખાઈ છે. યશવંતભાઈની સાહિત્યસર્જનની યાત્રા વિશે જાણ્યું. હવે એમની થોડી કર્મયાત્રા વિશે જાણીએ. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજ, ભારતીય વિદ્યાભવન અને ભો.જે. વિદ્યાભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. ભો.જે. વિદ્યાભવનમાં સહાયક નિયામક તરીકે કામ કર્યું. ૧૯૪૮માં ગુજરાત વિદ્યાસભાએ પત્રકારત્વના અભ્યાસક્રમનું આયોજન કર્યું, તેના તેઓ સંચાલક હતા. ૧૯૭૪માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિપદે હતા. ગુજરાત વિદ્યાસભાના મુખપત્ર ‘બુદ્ધિપ્રકાશ’નું તંત્રીપદ પણ તેમણે સંભાળેલું. ૧૯૫૫થી ૧૯૬૯ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી, ૧૯૮૩ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ, ઇન્ડિયન એડલ્ટ એજ્યુકેશન ઍસોસિયેશનના ઉપપ્રમુખ અને શ્રી ચી. ન. વિદ્યાવિહારના ટ્રસ્ટી અને ચૅરમૅન – આમ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને તેમની સેવાનો લાભ પ્રાપ્ત થયો હતો. તેમણે ચીન, અમેરિકા અને યુરોપનો પ્રવાસ કરેલો. ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમિયાન બર્મિંગહામમાં સાહિત્ય પરિષદના અતિથિવિશેષપદે હતા. ભારત સહકારી નાટ્યમંડળીના પ્રમુખ તરીકે તેમણે નોંધપાત્ર સેવાઓ આપી હતી. તેમનો મૂળ જીવ નાટકનો. મુંબઈમાં જ્યારે ‘દેડકાની પાંચ શેરી’ નાટક ભજવાયેલું, ત્યારે તેમાં તેમણે બલ્લુકાકા(બ.ક. ઠાકોર)નો રોલ સફળતાપૂર્વક ભજવેલો. તેમને ૧૯૮૫માં નર્મદ સુવર્ણચંદ્રક અને ૧૯૯૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ૧૯૯૯ની ૨૩મી ઑક્ટૉબરે તેમનું અવસાન થયું. સાહિત્ય અને આધુનિક માનવસંદર્ભ ગુજરાતી સાહિત્ય પરિષદના આ બત્રીસમા અધિવેશનના ઉદ્‌ઘાટક પૂ. વિષ્ણુભાઈ, સ્વાગતપ્રમુખશ્રી રણછોડદાસભાઈ પોપાવાળા, સ્વાગતસમિતિના અન્ય હોદ્દેદારો, મુ. ઉમાશંકરભાઈ, મુ. મનુભાઈ, ડેલિગેટ મિત્રો, આમંત્રિત સાહિત્યપ્રેમી સજ્જનો અને સન્નારીઓ. આ નર્મદનગરી સૂરતમાં, અને તેમાં પણ કવિ નર્મદની દોઢસોમી જન્મજયંતી ગુજરાતભરમાં ઊજવાઈ રહી છે તે વર્ષમાં, ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૨મું અધિવેશન મળી રહ્યું છે એ કેવો સુભગ યોગ છે! યોગાનુયોગ સાહિત્ય પરિષદના આદ્યસ્થાપક અને ગુજરાતની સંસ્કારશ્રી સોળે કળાએ પાંગરે તે માટે ઉત્સાહપૂર્વક અને દૃષ્ટિપૂર્વક મથનારા સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતા જેઓ પણ સૂરતના જ સપૂત હતા. તેમની જન્મશતાબ્દી થોડા વખત ઉપર જ પરિષદે ઊજવી હતી. આ ‘વીર પૂર્વજો’ પરિષદપ્રવૃત્તિને આસમાનમાંથી આશિષ આપી રહ્યા છે એમ કલ્પવાનું ગમે છે. એમની પ્રેરક અને પાવન સ્મૃતિને આ મંગલ પ્રસંગે પ્રણમું છું. સૂરત ઇતિહાસે અંકાયેલું નગર કે બંદર છે, એટલું કહીને અટકી જવાય તેમ નથી. એ સંસ્કારનગર પણ છે. ભારતીય-ગુજરાતી પ્રજાના ચૈતન્યપ્રવાહમાં પશ્ચિમી-યુરોપી નવજાગૃતિના વાહક સમી બ્રિટિશ પ્રજાનો ચૈતન્યપ્રવાહ ભળવાની પ્રક્રિયાનો આરંભ થતાં જીવનમાં જે નવી ભરતી આવી તેને જ આપણે અર્વાચીનતા કહીએ છીએ, અથવા અર્વાચીન યુગની શરૂઆત ત્યાંથી થઈ એમ ગણીએ છીએ. એ પ્રક્રિયા હજી વિરમી નથી પણ એનું ભૌગોલિક આરંભબિંદુ સૂરત છે એ કેમ ભુલાશે? ગુજરાતની અર્વાચીનતાના શ્રીગણેશ ત્રણ તન્ના અને પાંચ દદ્દાના આ નગરમાં મંડાયા હતા. પેલી પ્રક્રિયા હજી વિરમી નથી એમ મેં હમણાં કહ્યું તેમાં એટલું ઉમેરવું ઘટે કે એનું પ્રારંભિક વિસ્મય – બહાવરું બહાવરું જોવાનું થાય એવું વિસ્મય ખાસ્સું શમ્યું છે અને સાંસ્કૃતિક સમન્વયની પ્રક્રિયા સમજવા જેટલું તાટસ્થ્ય પણ આપણામાં આવ્યું છે. પણ પ્રાચીન પૂર્વ, અર્વાચીન પશ્ચિમ અને અર્વાચીન પૂર્વના સાંસ્કૃતિક ત્રિભેટા તરીકે ગોવર્ધનરામે જેનું દર્શન કર્યું હતું તે સંસ્કૃતિસંગમે કેટલી બધી સંસ્થાઓ, મનોદશાઓ અને સાધનો આપણા પ્રજાકીય જીવનમાં અવતાર્યાં છે એનું સ્મરણ કરીએ છીએ ત્યારે કવિ નર્મદને માટે સ્વ. કનૈયાલાલ મુનશીએ ‘અર્વાચીનોમાં આદ્ય’ એ શબ્દપ્રયોગ કર્યો હતો તેની સાભિપ્રાયતા પ્રત્યક્ષ થાય છે. દલપતરામ અને નર્મદાશંકર બંને અર્વાચીનતાના અને સંસારસુધારાના અગ્રયાયીઓ. સુધારો જનજીવનમાં પચે તે માટેની માનસિક આબોહવાનું, કવિતા લખીને તેમજ પઢીને, નિર્માણ કરવામાં દલપતરામનો ફાળો ઘણો જ મહત્ત્વનો છે. તથાપિ સમાજપરિવર્તનને અભીપ્સા અને ઉત્થાનનું – આંદોલનનું સ્વરૂપ નર્મદે અને દુર્ગારામ મહેતાએ આપ્યું હતું એ હકીકત પણ એટલી જ મહત્ત્વની છે. અર્વાચીન શિષ્ટ વિચારવાહી ગુજરાતી ગદ્યનું કલેવર પણ અહીં સૂરતમાં જ ઘડાયું. જે નવાં સાહિત્યરૂપો પશ્ચિમી સંપર્કના પ્રભાવના પરિણામે ઓગણીસમી સદીમાં ઉમેરાયાં તેનો બીજનિક્ષેપ પણ સૂરતથી જ થયો. સમાજ, સાહિત્ય અને સંસ્કારક્ષેત્રે કેટલાં બધાં નવપ્રસ્થાનો એકલા નર્મદે કર્યાં હતાં તેનું સ્મરણ કરતાં એ યૌવનમૂર્તિને મસ્તક નમે છે. નર્મદ, ગોવર્ધનરામ અને ગાંધીજી એ આપણા સંસ્કારજીવનના ત્રણ સીમાસ્તંભો, અર્વાચીન ગુજરાતના વ્યક્તિત્વનું ઘડતર કરનારી અને ભારતીય સંસ્કૃતિના મૂલસ્રોતો સાથે પોતપોતાની રીતે ગુજરાતી પ્રજાનો યોગ કરાવનારી એ ત્રણે વિભૂતિઓને સમયના અંતરેથી જોઈએ છીએ ત્યારે તેમને ઓગણીસમી સદીના ઉત્તરાર્ધને અને વીસમી સદીના પૂર્વાર્ધને ભરી દેતા આપણે અનુભવીએ છીએ. સૂરતમાં આપણી પરિષદ ત્રીજી વાર મળે છે. પહેલી વાર એ ૧૯૧૫માં સ્વ. નરસિંહરાવ દિવેટિયાના પ્રમુખપદે મળી હતી. બીજી વાર ૧૯૬૩માં સ્વ. જ્યોતીન્દ્ર હ. દવેના પ્રમુખપદે મળી હતી. ત્યારે ૧૯૬૧માં કલકત્તામાં મળેલા અધિવેશનના પ્રમુખપદને શોભાવી ચૂકેલા પૂ. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીએ આશીર્વચનો ઉચ્ચાર્યાં હતાં. આજના પ્રસંગે પણ તેમની શુભાશિષોથી અધિવેશનનું મંગલાચરણ થયું છે. પૂજ્ય વિષ્ણુભાઈ અને સદ્‌ગત જ્યોતીન્દ્રભાઈ બંને મારા વિદ્યાગુરુઓ. એટલે પ્રથમ તેમને પ્રણામ કરું છું. આ પરિષદને નેતૃત્વ પૂરું પાડનારા મહાન સારસ્વતો – ગોવર્ધનરામ ત્રિપાઠી, નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, મહાત્મા ગાંધી, કાકાસાહેબ કાલેલકર, કનૈયાલાલ મુનશી, રામનારાયણ પાઠક, રસિકલાલ છો. પરીખ અને ટીપ લાંબી ન થઈ જાય તે માટે જેમને ગણાવતો નથી તેવા બીજા અનેક સમર્થોનું સ્મરણ કરું છું ત્યારે પરિષદનું પ્રમુખપદ સંભાળવાની મારી યોગ્યતા કેટલી તો અલ્પ છે તેનું તીવ્ર ભાન મારા અંતરમાં જાગે છે. આ ઔપચારિક નમ્રતાનાં વેણ નથી પણ મારા અંતરમાં પ્રતીત થતું વાસ્તવિક મૂલ્યાંકન છે. પરિષદપ્રીતિ સિવાય મારી કોઈ વિશેષ યોગ્યતા નથી. જેમણે સૌજન્ય અને ઔદાર્યપૂર્વક મને આગળ કર્યો છે અને બિનહરીફ વરણી થવા દીધી છે તેમની પ્રત્યે આ અવસરે કૃતજ્ઞતા પ્રગટ કરું છું, અને પ્રમુખપદની ધુરાનું વહન કરવામાં અનેક સહકાર્યકરો અને મિત્રોનો સાથસહકાર મળી જ રહેવાનો છે એવી શ્રદ્ધા વ્યક્ત કરું છું. પરિષદનો છેલ્લાં કેટલાંક વર્ષોનો ઇતિહાસ કાર્યકર મિત્રોની સૂઝ, નિષ્ઠા અને પરિશ્રમનો ઇતિહાસ છે, જાણે કે સ્વ. રણજિતરામનો આત્મા એમની ભાવના અને ઉત્સાહને અનુમોદન આપતો ન હોય! સૂરત સાથે વર્ષોથી મારે પ્રેમનો નાતો રહ્યો છે તેનો આ પ્રસંગે ઉલ્લેખ ન કરું તો નગુણો કહેવાઉં. અહીં. પૂ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, સ્વ. વિજયરાય વૈદ્ય, સ્વ. જ્યોતીન્દ્ર દવે, સ્વ. કાલિદાસભાઈ દેસાઈ અને સ્વ. વ્રજરાય મુકુંદરાય દેસાઈ પાસે લાગટ બે વર્ષ સુધી, જેનાં પ્રાંગણમાં આપણે મળી રહ્યા છીએ તે જ કૉલેજમાં, અનુસ્નાતક-શિક્ષણ પામ્યો. અનુસ્નાતક-શિક્ષણ માટે સૂરત જવાની પ્રેરણા મુ. અનંતરાય રાવળે મને વિદ્યાર્થીકાળમાં આપેલી. આ પછી પૂજ્ય વિષ્ણુભાઈ તો ક્યારેય મારા વિદ્યાગુરુ મટ્યા નથી. વિદ્યાભ્યાસ નિમિત્તે એમનો અઢળક પ્રેમ પામ્યો એ મારું પરમ સૌભાગ્ય છે. તેમનું વાત્સલ્ય, સમજણ અને ઊંડી વિદ્વત્તા, તેમનું પરામર્શન અને તેમની ગદ્ય અભિવ્યક્તિ એ સર્વ મારે માટે આદર્શરૂપ રહ્યાં છે. અહીં જ મારી વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ થયો. ગુજરાતભરમાં સુખ્યાત એવી દક્ષિણ ગુજરાતની વડલા સમી કેળવણીની સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સંચાલન હેઠળની અહીંની ટી. ઍન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષક તરીકે એક વર્ષ મેં ભણાવ્યું પણ હતું. સૂરતમાંથી જ મારું જાહેર લેખનકાર્ય ‘લોકવાણી’ સાપ્તાહિક નિમિત્તે શરૂ થયું. મારા આ બે વર્ષના સૂરતવાસ દરમ્યાન અનેકોની ચાહના મેળવી, મૈત્રીઓનાં બીજ રોપાયાં, તે તો અંગત લાભ થયો, પણ સૂરતવાસીઓના હેતાળ, વિનોદી, લહેરી સ્વભાવનો પણ પ્રત્યક્ષ પરિચય પામ્યો. આ નગરને એનું પોતીકું વ્યક્તિત્વ છે તે તો અહીં પગ મૂકતાંની સાથે પરખાઈ જાય છે. પરંતુ તાપીથી વાપી સુધીનો આંખ ઠારે તેવો સુરમ્ય હરિયાળો ફળદ્રુપ પ્રદેશ, એનાં નદીનાળાં, એનો સાગરકાંઠો, એની પહાડીઓ અને એનો વન્ય પ્રદેશ દક્ષિણ ગુજરાતના ભાતીગળ વ્યક્તિત્વનું વિધાયક બળ હશે એમ સમજાય છે. અહીંના ઉદાર, સરળ, છલકાઈ-મલકાઈને સહજમાં ઘરોબો બાંધી દેતાં નરનારીઓ ઉપરથી પોચાં લાગે, પણ હાડે તેઓ કેવાં બહાદુર છે તેની તો બારડોલીની લડત દ્વારા ભારતને જ નહીં પણ આખી દુનિયાને જાણ થઈ હતી. સત્યાગ્રહીને છાજે તેવાં ટેક, ત્યાગ અને તિતિક્ષા દાખવનારી આ જિલ્લાની અભણ ખેડૂત પ્રજાએ આખી દુનિયાને દિંગ કરી મૂકી હતી અને Let us Bardolise India એ સૂત્ર સ્વરાજસંગ્રામમાં વહેતું થયું હતું. સ્વરાજની લડતોમાં જ નહીં પણ સ્વરાજની સંસ્થાઓ સ્થાપવામાં પણ દક્ષિણ ગુજરાતે મહત્ત્વનો ફાળો આપ્યો છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ, તેના સંસ્થાપક સ્વ. ચૂનીલાલ શાહે, સ્વ. ચૂનીલાલ ગાંધીએ અને સોસાયટીના કાર્યકરોએ આ વિસ્તારમાં વિદ્યાપ્રવૃત્તિ વિકસાવવા જે પુરુષાર્થ કર્યો છે તે તો બીજા વિસ્તારો માટે દૃષ્ટાન્તરૂપ થઈ પડે તેવો છે. હવે દક્ષિણ ગુજરાતને પોતાની યુનિવર્સિટી મળી છે. કૉલેજો સ્થપાઈ છે, વિશિષ્ટ વિદ્યાવિભાગો પણ શરૂ થયા છે અને હજી થશે. આ સંદર્ભમાં સૂરત સાહિત્ય પરિષદને પોતાને આંગણે નિમંત્રે એ એની સંસ્કારપ્રીતિનું જ એક વિશેષ આવિષ્કરણ છે.

[૨]

સાહિત્ય પરિષદના પ્રમુખનું વ્યાખ્યાન ચાલી આવતી પ્રણાલી મુજબ પ્રમુખની સાહિત્ય વિશેની વિભાવનાનો કે શ્રદ્ધાનો આલેખ હોય છે અથવા તો સાહિત્યિક સિદ્ધિઓનું સરવૈયું હોય છે કે પછી સાહિત્યિક વિચારવલણોની આલોચના હોય છે. એ એક ઉપકારક પ્રણાલી છે એમાં શંકા જ નથી. તેમ છતાં જે સાહિત્યરસિકોએ આ પ્રકારના વ્યાખ્યાનની અપેક્ષા રાખી હોય તેમની ક્ષમા પ્રાર્થીને આપણા સૌના અસ્તિત્વને, આપણા નૈતિક ભાવોને અને આપણી ક્રિયાશીલતાને પડકારનારા યુગસંદર્ભ વિશે હું કંઈક કહેવા માગું છું. એટલે મારા વ્યાખ્યાનનો વિષય ‘સાહિત્ય અને આધુનિક માનવસંદર્ભે’ એવો મેં કલ્પ્યો છે. આશા છે કે આટલો પ્રણાલિકાભંગ આપ સૌ સહી જશો. માનવ-અસ્તિત્વના સાતત્યનો પ્રશ્ન એવો તાકીદનો બન્યો છે કે એની સામે આંખ મીંચી દેવી એ સામૂહિક આત્મહત્યાનો જ એક પ્રકાર બની રહે. એ પ્રશ્નને ટીકીને જોવો અને એમાંથી પોતાનું કર્તવ્ય શોધી લેવું એ પ્રત્યેક કર્મક્ષેત્ર માટેનું યુગનું આહ્‌વાન છે. જેઓના હાથમાં જગતનાં શાસનસૂત્રો છે તેઓ ભુરાંટા બન્યા છે, પાગલ બન્યા છે, અને એકબીજાની સામે ઘુરકિયાં કરતા રહ્યા છે. આ જે ખૂન ખૂનની રમત ચાલી રહી છે તેમાંથી તેમને પાછા વાળવાની કોની ગુંજાયશ હશે વારુ? એવો કયો સહિયારો ભાવ વિશ્વની પ્રજાઓમાં જાગે જે તેમનું નિયમન કરી શકે? કેવી રીતે એ ભાવ જગાડાશે? વિશ્વમાં અનેક પ્રજાઓ છે, અનેક રાજ્યો છે, અનેક ભાષાઓ છે. આ વૈવિધ્ય ઉપર તો વારી જવાય એમ છે, કેમ કે એટલી બધી વ્યવહાર-શૈલીઓ છે, વિચારવાની રીતો છે, સ્થાપિત ધર્મો છે, નૈતિક ભાવો છે, માનવીય સંસ્થાઓ અને પરંપરાઓ છે કે મનુષ્યે યુગો દરમ્યાન અનેક યાતનાઓ વેઠીને જે કંઈ સિદ્ધ કર્યું છે તેને વિશે આદરભાવ જાગે. નોબેલ પારિતોષિક વિજેતા અને ‘સિદ્ધાર્થ’ના લેખક હરમાન હેસે આ વિવિધતાને અંજલિ આપીને જે ચિંતા વ્યક્ત કરી છે તેનો ભાવાનુવાદ અત્રે ટાંકું છું. “આ વિશ્વની વિવિધતા બધાં રૂપ અને રંગ સહિત આપણી આ વહાલી પૃથ્વી ઉપર અમર તપો. આટલી બધી પ્રજાઓ, જાતિઓ અને ભાષાઓનું, મનોદશાઓ અને દૃષ્ટિકોણોની આટલી બધી વિવિધતાનું અસ્તિત્વ એ તો કેવી અદ્‌ભુત વસ્તુ છે! યુદ્ધો, વિજયો, પ્રદેશો આંચકી લેવા વગેરે સામે મને હાડોહાડ તિરસ્કાર છે અને જરાયે શમે નહીં એવો વેરભાવ એમની સામે દિલમાં જાગે છે તેનાં કારણો તો અનેક છે, પણ એક કારણ એ પણ છે કે માનવસંસ્કૃતિની આટલી બધી સજીવ, વિકસિત, ઉચ્ચ વ્યક્તિમત્તાવાળી અને પૃથક્‌ત્વ પામેલી સિદ્ધિઓ યુયુત્સુ વૃત્તિનો ભોગ બને છે.” સુવિખ્યાત ફ્રેન્ચ નવલકથાકાર અને નાટ્યલેખક આલ્બેર કામ્યુએ આપણી વર્તમાન પરિસ્થિતિને ‘આપણા ઇતિહાસની ક્રિયાશીલ બનેલી મૃત્યુ માટેની સહજપ્રેરણા’ કહી છે. આપણા એટલે સમગ્ર માનવજાતના ઇતિહાસમાં એવી અનેક ક્ષણો આવી છે જ્યારે માનવજાતનો ઠીક મોટો હિસ્સો મૃત્યુની ખીણમાં ધકેલાવાની શક્યતા પ્રગટ થઈ હોય, પરંતુ છેક છેલ્લી ઘડીએ જાગેલા શાણપણને પ્રતાપે મૃત્યુમુખેથી એ પાછી વળી ગઈ હોય એવું પણ બન્યું છે, એમ આપણા યુગના સુપ્રસિદ્ધ ઇતિહાસચિંતક આર્નોલ્ડ ટોયન્બીએ નોંધ્યું છે. પણ વીસમી સદીના લગભગ અંતભાગે આપણે પહોંચવા આવ્યાં છીએ, ત્યારે જે પરિસ્થિતિ પ્રવર્તે છે એને મળતી પરિસ્થિતિ સારાયે માનવ-ઇતિહાસમાંથી બતાવી શકાશે નહીં. જિજીવિષા અને મુમૂર્ષાના આ કરાલ સંગ્રામનું ચિત્ર સાહિત્ય માટેના ૧૯૫૭ના નોબેલ પારિતોષિકનો સ્વીકાર કરતાં આલ્બેર કામ્યુએ આપેલા વ્યાખ્યાનમાંથી ઉદ્ધૃત કરું છું. “પ્રત્યેક પેઢીએ દુનિયાને પલટવા માટેનું આહ્‌વાન નિઃશંક ઝીલવું જ પડે છે. પણ મારી પેઢીને ખબર છે કે એણે દુનિયાને માત્ર પલટવાની નથી. એનું કર્તવ્ય કદાચ એથી અદકેરું છે. દુનિયાને આત્મનાશ કરતાં રોકવાનું એ કર્તવ્ય છે. એક ભ્રષ્ટ ઇતિહાસની વારસદાર એવી આપણી આ દુનિયા, જેનામાં પતિત ક્રાન્તિઓ, ગાંડું બનેલું યંત્રવિજ્ઞાન, મરી પરવારેલા દેવો અને જીર્ણ થયેલી વિચારધારાઓ ભળ્યાં છે, જે દુનિયામાં ક્ષુદ્ર સત્તાધીશો સર્વનાશ વેરી શકે એમ છે, અને શા માટે તેઓ સર્વનાશ વેરવા તત્પર થયા છે તેનો પ્રતીતિકર ખુલાસો પણ તેઓ આપી શકે તેમ નથી, જેમાં બુદ્ધિ ધિક્કાર અને દમનનું દાસીકૃત્ય કરવાની હદે નીચે ઊતરી ગઈ છે, તેમાં આપણી પેઢીએ પોતે જેનો જેનો ઇન્કાર કરે છે ત્યાંથી આરંભીને, પોતાની ભીતર અને બહાર, થોડુંક એવું કશુંક ફરીને અવતારવાનું છે, જેમાં જીવન અને મૃત્યુ ઉભયનું ગૌરવ સમાયું હોય. છિન્નતાને આરે આવીને ઊભેલી આપણી આ દુનિયા, જેમાં દમામદાર શાસકો કાયમને માટે મોતનું સામ્રાજ્ય સ્થાપવાનું જોખમ ખેડી રહ્યા છે, તેને ખબર છે ખરી કે ઘડિયાળની સામે ગાંડી હોડ મચી રહી છે ત્યારે, આ પેઢીએ એવી શાંતિ અવતારવાની છે, જેમાં દાસપણું ન હોય? એણે પરિશ્રમ અને સંસ્કૃતિનો નવેસર સમન્વય કરવાનો છે, અને બધાં માનવીઓને સાથે રાખીને ફરી વાર એક નવી જ વ્યવહારસંહિતા રચવાની છે. આ ભગીરથ કાર્ય આ પેઢી ક્યારેય પાર ઉતારશે કે નહીં તે કહેવું અનિશ્ચિત છે. પણ દુનિયામાં જગોજગ સત્ય અને સ્વાતંત્ર્યના બેવડા પડકારને ઝીલી રહેલાં થોડાં થોડાં માણસો દેખા દેતાં રહ્યાં છે અને જરૂર પડે તો સત્ય અને સ્વાતંત્ર્ય માટે દ્વેષ કે વેરઝેર વિના કેવી રીતે મરી ફીટવું તે પણ તેઓ જાણે છે.” આ વચનો ઉચ્ચારાયાંને એક પચ્ચીસી વીતી ગઈ છે. એમ કહીએ કે કામ્યુએ જેને સંબોધી હતી તે પેઢી પછીની પેઢીએ દેખા દીધી છે અને ઘડિયાળના કાંટા શૂન્ય તરફ ભારે વેગથી ધસી રહ્યા છે ત્યારે પરિસ્થિતિમાં કશો તાત્ત્વિક ફેર પડ્યો હોવાનું અનુભવાતું નથી. ‘મિથ ઑફ સિસિફસ’માં ‘ઍબ્સર્ડ’ની વિભાવના ઉદ્‌ઘોષિત કરનાર કામ્યુ અસ્તિત્વ વિશે વિરક્ત નથી. જગત અને જીવન માટે, સત્ય અને સ્વાતંત્ર્ય માટે, હમણાં જ ટાંકેલા તેના અવતરણમાં તેની કેટલી બધી કાળજી પ્રગટ થઈ છે? આપણા કવિ ઉમાશંકર જોશીએ તેમના કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’માંના ચોથા પદમાં – ઘટકમાં – ‘સ્વપ્નોને સળગવું હોય તો’ એ શીર્ષકે આધુનિક સંદર્ભનું કેવું ભીષણ ચિત્ર આલેખ્યું છે!

સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે.
બજારના કોલાહલનાં કાષ્ઠ અને મીંઢા મૌનનો તણખો
ભડભડ બળે સ્વપ્નાં. ધુમાય વાયુમંડળ ને આંખો ચોળે
ભલા લોકો. ઓળા એના પથરાય ઇતિહાસપોથીઓ પર.

એક સદીમાં – અર્ધીકમાં – બે વિશ્વયુદ્ધ. સરવૈયામાં
નકરું વકરેલું નિર્માનુષીકરણ. ભસ્મપુંજીભૂત હિરોશીમાની
ખાક લલાટે લગાવેલી અણુસંસ્કૃતિનું કંકાલહાસ્ય
દસકાઓની ભેખડે પડઘાય. ભીતિના પેંતરા
સર્વનાશસજ્જતામાં પરિણમે. સજ્જનો અકિંચિત્કર
સર્વગ્રાહી બજારમૂલ્યોનું ડાકલું બજી રહે; સુજનતાની સેર
પ્રેમની સરવાણી સણસણી રહે દ્વેષજ્વાલાઓ વચ્ચે.

આપણે અહીં મળી રહ્યા છીએ ત્યારે વિશ્વમાં શું ચાલી રહ્યું છે? નિઃશસ્ત્રીકરણની વાટાઘાટોની પડછે રશિયા-અમેરિકાનાં રિસામણાં અને બાકીનાંની ચિંતા. અણુશસ્ત્રોના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવાની વાતો તો હિરોશીમા નાગાસાકી ઉપર આજના બૉમ્બના મુકાબલે ઘણો કાચો એવો અણુબૉમ્બ ઝિંકાયો અને દુનિયાએ પ્રચંડ આંચકો અનુભવ્યો તે દિવસથી સાંભળી રહ્યા છીએ. શાંતિ માટેની વાટાઘાટો પણ વિવિધ સ્તરે ચાલતી જ રહી છે. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયાને પણ ચાળીસ વર્ષ થવા આવ્યાં છે અને હવે ત્રીજાના ભણકારા વાગ્યા કરે છે. વિશ્વના સર્વોચ્ચ વિજ્ઞાનીઓની ચેતવણી છતાં અણુશસ્ત્રો વિકસાવવાની હોડ મચી રહી છે. ૧૯૮૦માં વિશ્વનું લશ્કરી ખર્ચ પચાસ હજાર અબજ ડૉલર એટલે કે પાંચ લાખ અબજ રૂપિયા થયું હોવાનો અંદાજ મુકાયો છે. એટલે કે વિશ્વનું માથાદીઠ વાર્ષિક લશ્કરી ખર્ચ એક લાખ રૂપિયાનું આવે છે! ભારતનાં પચાસેક માણસોની એ સરાસરી કુલ વાર્ષિક આવક થઈ. ઉત્તરનાં સમૃદ્ધ રાષ્ટ્રો દક્ષિણનાં ગરીબ રાષ્ટ્રોને ગરીબ રાખીને જ આ વૈભવ નભાવી શકે ને? વિશ્વ બૅંકનું કહેવું છે કે જગતની ચાર અબજની વસ્તીમાંથી ૮૦ કરોડ લોકો કંગાલિયતની નીચામાં નીચી હદે જીવી રહ્યાં છે અને ૭૦ કરોડ અર્ધભૂખ્યાં છે. દુનિયાની ત્રીજા ભાગની માનવવસ્તી પશુની જેમ જીવન ગુજારે છે – કદાચ તેથીયે બદતર. આમાં વિશ્વબૅંકના અંદાજ પ્રમાણે ૫૫ કરોડ લોકો અભણ છે અને ૧૨૫ કરોડ લોકોને આરોગ્ય અને સુખાકારીનું તો સ્વપ્નુંયે નથી. તેમને પીવા માટે ચોખ્ખું પાણી સુધ્ધાં મળતું નથી. વિશ્વબૅંકે આંક્યું છે તે ચિત્ર કદાચ આછુંઅધૂરું હોવાનો સંભવ છે. પણ અધિકૃત માહિતી તરીકે એને સ્વીકારી લઈએ તોપણ કેવી ભીષણ પરિસ્થિતિમાં માણસ જીવી રહ્યો છે તેનો ખ્યાલ આવશે. આ છે આપણો આજનો માનવસંદર્ભ. જે બદલવાનો છે તે આ જ છે સંદર્ભ. એ નહીં બદલાય ત્યાં સુધી આપણે જ્વાળામુખીના શિખરે બેઠેલાં છીએ. ત્રીજું વિશ્વયુદ્ધ થતું નથી એનું કારણ એ છે કે એમાં કોઈ જીતવાનું નથી, કોઈ ઊગરવાનું નથી. સ્વ. આચાર્ય વિનોબાજીએ કહ્યું હતું તેમ ભય વડે ભયનો છેદ એટલે શાંતિ. પણ એ યુદ્ધરહિતતા છે, ભાવાત્મક શાંતિ નથી. ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો અહંકાર – અહમહમિકા અને પરસ્પર વિશેની અશ્રદ્ધા અને ભયને લીધે થશે. સંદર્ભ બદલવા માટેનો હલ્લો અહંકાર, અશ્રદ્ધા અને ભયવૃત્તિ ઉપર લઈ જવાનો છે. અને એ જ તો કપરું કામ છે ને? પૂનાથી મુંબઈ આવીએ ત્યારે ખંડાલા અને કરજતની વચ્ચે ટ્રેન થોડીક વાર શ્વાસ ખાવા ઊભી રહે ત્યાં ઉતારુઓએ ફેંકી દીધેલો નાસ્તો આરોગવા પહાડીમાંથી માંકડાં કોણ જાણે ક્યાંથી હાજર થઈ જતાં હોય છે? જેના હાથમાં જે આવે તે લઈને આરોગવા બેસી જાય. પણ જે સાવ રહી ગયું તે શું કરે? જે ખાતું હોય તેનું આંચકી લેવા હુમલો કરે. પેલું ખાતું ખાતું એટલે દૂર સરી જાય કે હાથમાં જ ન આવે ત્યારે ઉતારુઓ તરફથી કંઈક પામવાની આશાએ પેલું રહી ગયેલું પાછું ફરે. કોણે આમ કરવાનું આ માંકડાંને શીખવેલું? મનુષ્ય પણ પ્રકૃતિવશ આ પ્રમાણે જ વર્તતો રહ્યો છે. આ પ્રકૃતિ બદલાવી શકાય ખરી? એક વર્ગ એવો છે જે માને છે કે પ્રકૃતિનું મૂળતત્ત્વ એનું એ જ રહે છે, પણ સંજોગો પ્રમાણે એનાં આવિષ્કરણો બદલાતાં રહે. બીજો એક વર્ગ વધારે આશાવાદી છે. તે કહેશે કે પ્રકૃતિને તેના કહેવાતા મૂલાધારો સહિત બદલાવી શકાય, એટલું જ નહીં, એ બદલાતી પણ રહી છે. તે વિના આવડો અબજોનો બનેલો બૃહદ્ માનવસમાજ રચાયો હશે? ભલે ધીમે ધીમે કરતાં, શીખતાં શીખતાં, પડતાંઆખડતાં અને ઊભાં થતાં માણસજાત અસ્તિત્વને ટકાવી રાખવાની વેતરણમાં પોતાનું phychosphere, પોતાનું મનોવિશ્વ પણ બદલાવતી રહે છે. પણ આ પ્રક્રિયા આસાન નથી. યુગો દરમ્યાન ચિત્ત પર પડેલા જરૂરિયાતપ્રેર્યા ટેવોના આંકા આંખના પલકારામાં ઓછા બદલાવાના હતા? ટેવો જામતાં યુગો લાગ્યા તો ટેવો છોડતાં પણ યુગો જોઈશે ને? બુદ્ધિ કહે છે કે મનવા, ટેવો છોડો. પણ મન સહજભાવે ટેવજન્ય વર્તન ભણી વળી જાય છે. એ ભાષા બોલે છે બુદ્ધિએ પઢાવેલી અને વ્યવહાર આચરે છે ટેવ અનુસારનો. બુદ્ધિ અને મનના આ સંઘર્ષને સંસ્કૃતિવિદ ટોયન્બીએ એના ‘હૅબિટ ઍન્ડ ચેઇન્જ’ નામના અંતિમ ગ્રંથમાં ‘હેડ’ અને ‘હાર્ટ’નો અર્થાત્ બુદ્ધિ અને હૃદયનો, પણ તત્ત્વતઃ બૌદ્ધિક સમજ અને ટેવજન્ય મનોવલણોનો ઝઘડો કહ્યો છે. કોણ જીતશે આ સંઘર્ષમાં, એ પ્રશ્ન કોઈ તટસ્થ અવલોકનકારનો પ્રશ્ન નથી બનવો જોઈતો. કોણે જીતવું જોઈએ, અને કેવી રીતે, એ જ યુગપ્રશ્ન છે. એ અસ્તિત્વનો પ્રશ્ન છે અને તાકીદનો પ્રશ્ન છે. દુનિયાના ઉજ્જ્વલ ભાવિના અભિલાષી બૌદ્ધિકોનો જવાબ તો સ્પષ્ટ જ છે : બૌદ્ધિક સમજણનો જ વિજય પ્રવર્તવો જોઈએ. પણ એ માટે કશુંક કરવાનું છે, કશુંક ફેરવવાનું છે. સામાજિક માળખું ફેરવવાનું છે. રાજકીય શાસનપ્રણાલીમાં ધરમૂળથી પરિવર્તન લાવવાનું છે. આર્થિક રચનાઓને સમતાયુક્ત બનાવવાની છે અને રવીન્દ્રનાથ ટાગોર તથા જવાહરલાલ નહેરુ માગતા હતા તેવું આંતરરાષ્ટ્રીય માનસ ખીલવવાનું છે. રાષ્ટ્રીય સાર્વભૌમત્વનો અત્યારનો આખો સંદર્ભ બદલ્યા વિના, સમવાયી વિશ્વરાજ્ય રચ્યા વિના, તેની અવેજીમાં, ઓછામાં ઓછું, નિઃશસ્ત્રીકરણ, પ્રાદેશિક લશ્કરી તંત્રને સ્થાને આંતરરાષ્ટ્રીય પોલીસતંત્ર અને અન્નવસ્ત્રની જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં તે તરત જ પહોંચાડનારી આંતરરાષ્ટ્રીય સંચારવ્યવસ્થા ઉપજાવ્યા વિના આ કેમ થઈ શકે? આટલું તો સિદ્ધ કરવું જ પડે, તાકીદે કરવું પડે. બધું બગડે ને પાછા વળવાનો રસ્તો જ રહે નહીં અને પાગલ શાસકો અહંભાવથી પ્રેરાઈ સર્વનાશની ખીણમાં ચૈતન્યમાત્રને હડસેલી દે તે પહેલાં આટલું કરવું જ પડે. એમ કહેવાય છે કે યુયુત્સુ રાષ્ટ્રો પાસે પચાસ હજાર જેટલાં એવાં આણવિક શસ્ત્રો છે જે પૃથ્વી પરની વનસ્પતિ સહિત સર્વ જીવકોટિઓનો દોઢસો વાર નાશ કરવાને સમર્થ છે. આપણે તો એક વાર નાશ થાય એટલું જ જોવા પામવાના! દરમ્યાન જે પૂરતાં ગરમ હોવા છતાં ‘ઠંડાં’ યુદ્ધો તરીકે ઓળખાય છે તેવાં દોઢસો કરતાં વધુ યુદ્ધો બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ખેલાયા છે. જેવું કોઈ સ્થળે યુદ્ધ જાગે કે જગતની મહાસત્તાઓ બે છાવણીઓમાં વહેંચાઈને યુદ્ધહેતુઓ અને ન્યાયનાં મૂલ્યોથી નિરપેક્ષ રીતે સત્તાની સમતુલાની શોધમાં આની કે તેની પીઠ થાબડવા માંડે છે. છેલ્લાં થોડાંક વર્ષોની જ વાત કરીએ તો વિયેટનામમાં જે સંહારલીલા સરજાઈ, કંબોડિયામાં જે દુર્ઘટનાઓ બની, ઈરાનમાં ઇસ્લામને નામે જે રાજબદલો થયો, ચીનમાં એકાએક માઓત્સે તુંગના નેતૃત્વ હેઠળ પ્રવર્તતી રાજનીતિઓ ઊથલી ગઈ, અફઘાનિસ્તાનમાં રશિયન લશ્કરે પગપેસારો કર્યો, ક્યૂબામાં, આર્જેન્ટીનામાં અને છેક છેલ્લે ગ્રેનાડામાં જે આક્રમણો થયાં એ પ્રત્યેકમાં રશિયાએ અને અમેરિકાએ આ જ કર્યું હતું. આ ઘટનાઓ જાણે કે તૂટકછૂટક, અણચિંતવી ઉદ્‌ભવેલી અને એકબીજા સાથે સંબંધ નહીં ધરાવતી ઘટનાઓ ઉપલક રીતે લાગે, તોપણ કોઈ વ્યાપક ઐતિહાસિક પરિબળ આ ઘટનાઓ પાછળ પ્રવર્તી રહ્યું છે એ નિઃશંક છે. એમાં કશું આકસ્મિક નથી, જોકે એ વિલક્ષણ લાગવા સંભવ છે. જેમ કે ઈરાનનો આપખુદ શાહ પદચ્યુત થયો એ સમજાય એવું છે પણ એ ઈરાનની ભૌતિક પ્રગતિનો પુરસ્કર્તા હતો જ્યારે આયતુલ્લાહ ખોમેની ઘડિયાળના કાંટા પાછળ મૂકતો હોય એમ લાગે છે. કેટલાંબધાં કાલગ્રસ્ત મૂલ્યો હજુ જગતનું શાસન કરી રહ્યાં છે? ખુદ ભારતમાં આસામમાં અને પંજાબમાં જે ચાલી રહ્યું છે તેનો ખ્યાલ કરીએ તો કઈ સદી સાથે આપણે પ્રસંગ પાડી રહ્યા છીએ તે સમજાશે. ન્યાયનાં, સમતાનાં અને પ્રગતિનાં મૂલ્યોનું જતન કરવાને બદલે અંગત સત્તાના પરિપ્રેક્ષ્યમાં કરોડોના ભાવિ સાથે રમત રમાય ત્યારે આખા વિશ્વના સ્વાસ્થ્યને તેની અસર પહોંચતી હોય છે. અને વળી આ જે ઊથલપાથલો જુદાં જુદાં નિમિત્તે જગતના જુદા જુદા ભાગોમાં મચી રહી છે તે પ્રત્યેકમાં આખા જગત ઉપર વિનાશ વેરવાની ક્ષમતા પડેલી છે. પણ જે કંઈ ચાલી રહ્યું છે તેની પાછળ પરિવર્તન માટેની ઝંખના છે, કશીક આત્મસ્થાપનાની અને આપઓળખની મથામણ છે એમ પણ સમજાશે. પરંતુ ‘થર્ડ વેવ’ના લેખક અલવિન ટોફલરે આ પરિસ્થિતિનું જે અર્થઘટન કર્યું છે તેની સાથે એકદમ સંમત થવું ફાવે એમ નથી. એ કહે છે કે દેખાતી અનવસ્થાની પાછળ ઉદય પામતી એક નવી જ સંસ્કૃતિનો સમાવેશ કરવાની, જૂના સંબંધો તોડીફોડીને નવા બાંધવાની, પ્રચલિત રાજ્યવ્યવસ્થાઓ અને અર્થવ્યવસ્થાઓને ફગાવી દેવાની ઝંખના કામ કરી રહી છે. આ શી રીતે માન્યું જાય? ઘટનાઓના સ્વરૂપ પાછળ લપાયેલું વિકરાળ કાળબળ સારાને વાસ્તે છે એની પ્રતીતિ શી રીતે થાય? સંદર્ભ તો એવો છે કે અંતિમવાદીઓની આભિમાનીકી વૃત્તિ જોર કરે તો ‘ઠંડા યુદ્ધ’નું કોઈ પણ પ્રકટીકરણ ‘ગરમ યુદ્ધ’નું નિમિત્ત બની રહે. અને તો પછી કોઈ પણ સંસ્કૃતિ, ક્રાંતિ કે મૂલ્યની વાત કરવા માટે આ ધરા ઉપર કોઈ જીવતું જ ન રહે. બર્ટ્રાન્ડ રસેલે આથી જ વારંવાર ગાઈવજાડીને કહ્યું હતું કે મહાસત્તાઓને યુદ્ધ કરતાં રોકવા માટેની કોઈ પણ કિંમત ચૂકવો, એકાદ મહાસત્તાને સર્વોપરીતાનો શોખ પૂરો કરવા સુધીની કિંમત ચૂકવો, પણ યુદ્ધ ટાળો. પ્રજાઓની આત્મગૌરવની લાગણી સાથે કે સ્વાતંત્ર્યની અભીપ્સા સાથે સુસંગત એવાં આ વચનો નથી, પણ હારાકીરી એ જ જો વિકલ્પ હોય તો હાર કબૂલવી એ શાણપણ છે એમ બર્ટ્રાન્ડ રસેલના કહેવાનું તાત્પર્ય હતું. જો પ્રજાઓ જીવી જાય, જો યુદ્ધો નિરવકાશ બને, તો કેવું ઊજળું ભાવિ માનવહયાતીને નિમંત્રી રહ્યું છે તેનો ખ્યાલ કરીને શાંતિવાદી રસેલે આમ કહ્યું હતું. એ ઘડી હજી આવી નથી. એટલે કે મહાસત્તાઓ પોતાનાં રૂઢઅરૂઢ સંહારસાધનોનો ખડકલો કરતી જાય છે, આગલાં સંહારસાધનો કરતાં વધારે વિનાશકતા ધરાવતાં નવાં સંહારસાધનો ઉમેરતી જાય છે તોપણ હજી ત્રીજું વિશ્વયુદ્ધ મુલતવી રહ્યું છે એ માનવજાતની આશા છે. કશુંક સારું નીપજશે અથવા સારું સૂઝી રહેશે એ ભોળી આશા ઉપર જગતના લોકો ટિંગાઈ રહ્યા છે. પણ જે ક્ષણો વહી જાય છે તેમાં એવી તો પ્રતીતિ થતી નથી કે મહાસત્તાઓના ધુરીણોમાં ડહાપણની માત્રા વધી છે અને તેમણે ખામોશી રાખી છે. ન્યુક્લિયર શસ્ત્રો યુરોપમાં ખડકીને સોવિયેત રશિયા ઉપર અંકુશ મૂકવાનો હુંકાર જેવો અમેરિકી પ્રમુખ રેગને કર્યો તેવો જ હુંકાર સોવિયેત પ્રમુખ એન્દ્રોપોવે કરીને અમેરિકાને પાઠ શીખવવાની ધમકી આપી દીધી. ગણતરી તો આની પાછળ એવી હતી કે સમાન ભય બંનેને વાટાઘાટોના મેજ ઉપર એકત્ર કરશે. પ્રે. રેગનને શાણા રાજનીતિજ્ઞોએ સલાહ પણ આપી છે કે વિષ્ટિકારોને મૉસ્કો મોકલીને મડાગાંઠનો ઉકેલ લાવો. શસ્ત્રોના ઉત્પાદનની ગાંડી દોટને લીધે સંરક્ષણ ખર્ચ એટલું બધું વધી રહ્યું છે કે સારુયે અર્થતંત્ર હચમચી ઊઠશે, એ ચેતવણી પણ ઉચ્ચારાઈ છે. શસ્ત્રોના નિર્માણની હોડ બકવામાં ચકચૂર મહાસત્તાઓનો કુલ સંરક્ષણ ખર્ચ તો એટલો બધો વધી ગયો છે કે જો તેમાં ઘટાડો કરવાનું રાખીને અલ્પવિકસિત દેશોને આર્થિક સહાય કરવામાં એ રકમનો થોડોક ભાગ પણ વાપરે તો યુદ્ધનો ભય તો ઓછો થાય જ, પણ જગતમાં જે આસાએશ પ્રસરી રહે તેથી સુમેળની ભૂમિકા પણ રચાઈ રહે. પણ સામાન્ય શાંતિપ્રિય નાગરિકોને જે સાફ દેખાય છે તે મદાંધ સત્તાધરોને દેખાતું નથી. આ પરિસ્થિતિમાં પલટો ન આવે તો જગતની પ્રજાઓ ચિંતિત રહે એ સમજાય તેવું છે. ક્યાંક ક્યાંક એ ચિંતાને જાહેર અભિવ્યક્તિ અપાતી જોવા મળે છે. યુવાનોનાં મંડળો, શાંતિ માટે મથી રહેલી સંસ્થાઓ, નાગરિક મંડળો અને વૈજ્ઞાનિકો છૂટોછવાયો વિરોધ કરતાં જોવા મળે છે. પણ એથી મહાસત્તાઓના માંધાતાઓ ઉપર દેખંતી કશી અસર પડતી હોવાનું જણાતું નથી. બધું અરણ્યરુદન જેવું માલૂમ પડે છે. આને કારણે શાંતિ માટેના પ્રયાસો કરનારા માનવપ્રેમીઓ પણ હતાશ થતા હોય છે. જે પુરુષાર્થને પરિણામ જ ન આવે તેને ક્યાં સુધી વળગી રહેવાય? અને છતાં માર્ગ તો એ જ છે. વધુ ને વધુ લોકો પોતાના અસ્તિત્વના હિતમાં, ભવિષ્યની પેઢીઓના હિતમાં, પોતાની ઊંડી ઝંખનાઓને વાચા આપતા થાય, જે કંઈ ચાલી રહ્યું છે તે વિશેની પોતાની નફરતની લાગણીની શાસકોને જાણ કરતા થાય તો જ શાસકો રોકાઈ જાય. હમણાં અકાલીઓના પ્રશ્ને થોડાક ભારતીય આગેવાનોએ ઉકેલનો જે મુસદ્દો તૈયાર કર્યો તેમાં તેમણે નાગરિકોની મૂંગી બહુમતી બોલતી થાય તો પ્રશ્ન ઊકલે એમ કહ્યું હતું. જે ભારત માટે સાચું છે તે વિશ્વ માટે પણ સાચું છે. વિશ્વની મૂંગી રહેલી પ્રજાઓ પોતપોતાના શાસકોને અને શાસકો દ્વારા મહાશાસકોને વાત પહોંચાડે કે તમારા આ ખૂની ભપકા અમને નથી ગમતા તો શાસકોનો કાન દીધા વિના અને પાછા ફરી ગયા વિના છૂટકો નહીં થાય. આખરે લોકો રાજસત્તા કરતાં વધારે બળવાન છે અને લોકોના મૌનને સંમતિ ગણી લેવાથી અનર્થો આચરી શકાતા હોય છે. એટલે જેઓ મૂંગા રહે છે તેઓ અજાણતાં અનર્થના, અનિષ્ટના ભાગીદારો બને છે. એટલે લોકો-જગતની મૂંગી બહુમતી-મૌન ત્યાગે. પણ બહુમતી કેમ ચૂપ છે? એને પ્રશ્નના સ્વરૂપની ખબર નથી? સંભવ છે. પણ ખમો. હું આ બહુમતી કોને કહું છું? કોઈ પ્રશ્ન ઉપર ધ્યાન કેન્દ્રિત થયું હોય અને અસ્તિનાસ્તિ પરત્વે મતો વહેંચાયેલા હોય ત્યારે બહુમતી કે લઘુમતી સરજાય છે. આપણે તો સર્વત્ર પોતપોતાના રોજબરોજના વ્યવહારમાં ગળાડૂબ ખૂંપેલા છૂટકતૂટક નરનારીઓનો બનેલો મોટો જથ્થો જોઈએ છીએ. એમને સંબોધવાં કઈ રીતે? એમની બહુમતી કે લઘુમતીનો તાગ લેવો કેવી રીતે? આ પ્રશ્ન એકલદોકલ સંબોધનારનો જ નથી. લોકો સામે સમૂહમાધ્યમો ધરનારનો પણ છે. સમૂહમાધ્યમો જનસમૂહોને સંબોધે છે, ‘માસિસ’ને સંબોધે છે. પણ એ ‘માસિસ’ છે ક્યાં? એ ‘માસ’ નથી, રેમન્ડ વિલિયમ્સે ‘કલ્ચર ઍન્ડ સોસાયટી’માં એમને ‘માબ’ કહેલ છે. એમણે કહ્યું છે કે ‘માસિસ’ એ ‘મૉબ’ માટે વપરાતો નવો શબ્દ છે. અહીં યાદ આવે છે કે ૧૯૩૬માં સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં મહાત્મા ગાંધીજીએ ‘ડેમોક્રસી’ અને ‘મોબોક્રસી’ વચ્ચે ભેદ કર્યો હતો. આ આમસમુદાય તે ઔદ્યોગિક નગરોમાં વસ્તીની જમાવટ થાય છે તે છે? કારખાનાંઓમાં કામદારોને દેખાઈ આવે એવો ભરાવો થયો હોય તે આમસમુદાય છે? કે પછી સંગઠિત થયેલા કે કરેલા વ્યવસાયીઓ કે આમસમુદાય છે? આમજનતાની સભા, સામુદાયિક ઉત્પાદન, આમજનતાનું આંદોલન આદિ શબ્દપ્રયોગો હાલતાં ને ચાલતાં થયા કરે છે અને ત્યારે આખી વસ્તી એક તાલે નાચતી હોય એવી ભ્રમણા પેદા થાય છે. જેને ‘મૉબ’ કહીએ છીએ તેનાં કેટલાંક લક્ષણો તો આપણે સૌ જાણીએ છીએ. મૉબ એટલે કે ટોળું અવિચારી હોય છે, ચંચળ હોય છે. ઉન્મત્તાઈ દાખવનારું હોય છે. કોઈ ચોક્કસ ખ્યાલ કે પૂર્વગ્રહ પ્રગટ કરતું હોય છે, અથવા હલકી અભિરુચિ દાખવતું હોય છે, કે ટેવવશ વર્તતું હોય છે. ટોળું એ સંસ્કાર-જીવન ઉપર ઝળૂંબતું કાયમનું જોખમ છે. વ્યક્તિની સુચિંતિત વિચારણા કે સંવેદનાને રોળીટોળી નાખનારું એ એક ભયસ્થાન છે. વ્યક્તિઓને ટોળામાં ફેરવી નાખવા માટે વારંવાર સમૂહમાધ્યમોનો ઉપયોગ થાય છે. સમૂહમાધ્યમો ઇલેક્ટ્રૉનિક યુગનો વિકાસસંકેત છે તથાપિ એમનો જે રીતે ઉપયોગ થાય છે તે ખતરનાક છે. ફરી પ્રશ્ન ઉપસ્થિત કરીએ. આ આમસમુદાય છે કોણ? તમે કે હું કંઈ આમસમુદાય નથી. આપણે પોતાને શેરીમાંના માણસો ગણતા નથી. આમસમુદાયનો ખ્યાલ કરીએ છીએ ત્યારે આપણે કંઈ આપણને તેમાં ગોઠવતાં નથી. એ તો બીજા જ છે – અપરિચિતો, અજાણ્યાંઓ—જેમને અમૂર્ત રીતે આપણે મૂર્તતા બક્ષેલી છે. એમનું એક સામૂહિક રૂપ કલ્પેલું છે. જેમ એ લોકો મને અજાણ્યાને તેમના આમસમુદાયમાં ગોઠવે તેમ. એટલે વાસ્તવમાં આમસમુદાય જેવું કશું છે જ નહીં. લોકોને કલ્પનામાં એકત્ર કરીને સમજવાની એક શૈલી રૂઢ થયેલી છે, જ્યારે સંવાદ તો વ્યક્તિએ વ્યક્તિ સાથે કરવાનો છે. હા, મનુષ્ય તરીકે વિચારનાર કે પ્રતિભાવ દાખવનાર તરીકે, સાક્ષી તરીકે, સમાન પરિસ્થિતિમાંથી, સમાન સંવેદનાઓ સ્ફુરતી હોય એવો અનુભવ આપણે કરીએ છીએ. ‘સમાનો મંત્રઃ સમિતિઃ સમાની’ – એ ઋષિવચન સ્મરીએ ત્યારે પણ ‘મંત્ર’નું તાત્પર્ય સ્મરણમાં રાખીએ. સમાનતા પણ વ્યક્તિના ભિન્નત્વના સ્વીકારમાંથી તારવેલી સમાનતા છે. એ સંવાદનું સૂચન છે એકરૂપતા કે સમરૂપતાનું નહીં. એટલે જેઓ વ્યક્તિઓને હૃદયની ભૂમિકાએ સંબોધવા મથે છે તે શબ્દના કલાકારનું કામ ખૂબ વિકટ બન્યું છે. જે શ્રદ્ધાઓ અને જે ભાષા મનુષ્યોને સાંધતી હતી તેના વિજ્ઞાનયુગના આઘાતે કરીને ચૂરા થયા છે. નવી શ્રદ્ધાઓએ હજી તેમનું સ્થાન લીધું નથી. એ માટેની નવી ભાષા જ હજી ઘડાઈ નથી. પ્રત્યેક વ્યક્તિ જીવનના મહાસાગરમાં તરતા રહેલા અલાયદા ટાપુ જેવી છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સેતુ રચવા માટે જે ભાષા ખપમાં આવતી હતી તે હવે કામ આપતી નથી. ભાષાની કટોકટી સર્જાઈ છે. બે કારણેઃ આજની પરિસ્થિતિ અંગે તીવ્ર સંવેદનો અનુભવતા શબ્દના કલાકારને એ સંવેદનો પહોંચાડનારી ભાષા સુલભ થઈ નથી. પિરાન્દેલોના ‘સિક્સ કૅરેક્ટર્સ’માંનો ફાધર કહે છે તેમ, શબ્દથી વ્યક્ત થતા અર્થનો આપણે સહિયારો આસ્વાદ લઈ શકીશું એવો ખ્યાલ એક ભ્રમણા છે. આપણે માનીએ છીએ કે આપણે એકબીજાને સમજીને છીએ પણ ખરેખર આપણે સમજ્યાં હોતાં જ નથી. પ્રત્યાયન કોઈ વાસ્તવિક અર્થમાં સધાતું હોતું જ નથી. અને આ વિષાદપૂર્ણ અનુભવને લીધે મનુષ્ય વ્યક્તિ પોતે એકલી પડી ગઈ હોવાનું સવિશેષ અનુભવે છે. પણ દરમ્યાન રોજેરોજ આટલો બધો માનવવ્યવહાર હંમેશની રીતે ચાલી રહ્યો છે તેનું શું? ઇબ્સનના ‘લેડી ફ્રૉમ ધ સી’નો એક સંવાદ અહીં યાદ આવે છે. એ નાટકની નાયિકા એલીડા પોતાનો લગ્નપૂર્વેનો મિત્ર આર્નહોમ મળવા આવ્યો છે તેને પોતાને સૂઝેલો જીવનમર્મ સમજાવતાં કહે છે કે, ઉત્ક્રાન્તિક્રમમાં માનવજાત માટે જલચર થવું કે સ્થલચર થવું તેની પસંદગી કરવાની વેળા આવી ત્યારે મનુષ્યે ભૂલથી સ્થલચર થવાનું પસંદ કર્યું; અને હવે પાછા જવાનો રસ્તો બંધ થઈ ગયો ત્યારે, ભૂલ સુધારવાનું અશક્ય બન્યું ત્યારે, પોતાના મનસ્તાપનો બોજો ઊંચકીને માણસ ફરે છે, ત્યારે આર્નહોમ કહે છે કે, લોકો પોતપોતાની ઘટમાળમાં વ્યસ્ત છે, મોજથી હરેફરે છે, અને તમે કહો છો તેવો મનસ્તાપ ઊંચકીને એ ફરતાં હોય એવું તો કંઈ લાગતું નથી. ત્યારે એવીડા એને આટલું જ કહે છે : ‘તમે વ્યવહારુ માણસ છો, તમને એ નહીં સમજાય.’ આજે જ્યારે હયાતીના પ્રશ્નોએ આખી માણસજાતને ઘેરી લીધી છે ત્યારે સુધ્ધાં જેવો ગઈ કાલવાળો ગુરુવાર ઊગ્યો હતો તેવો આજનો શુક્રવાર ઊગ્યો છે અને આવતી કાલનો શનિવાર પણ ઊગવાનો છે એવી ભોળી સમજથી જે માનવીઓ વ્યવહરે છે તેઓ કોઈ ઓથારથી પીડાઈ રહ્યાં છે એવું સમજાય છે ખરું? સર્વનાશની શક્યતાને તેઓ અવાસ્તવિક અને વકરેલી ભયવૃત્તિ ગણે છે? આચાર્ય વિનોબાએ કહ્યું હતું તેમ ભય વડે ભયનો છેદ ઊડ્યો હોય તેનું નામ શાંતિ હોય તો એ શાંતિ પણ અવાસ્તવિક નથી? પણ આવા અસ્તિત્વના પ્રશ્નો રોજિંદા વ્યવહારોમાં રચ્યાં-પચ્યાં રહેનારાં સામાન્ય માનવીઓ ઉપસ્થિત કરતાં નથી. સંવેદનશીલ વિચારકો અને કલાકારોને જ એ સતાવે છે. અલબત્ત આછીઅધૂરી સમજ બંધાયાની એંધાણીઓ તો મળે છે. આ યંત્રવૈજ્ઞાનિક યુગમાં સાધનો એવાં સમર્થ બન્યાં છે કે દુનિયા નાની થઈ ગઈ છે, એને હવે ‘વિશ્વગ્રામ’ને નામે ઓળખવાનું શરૂ થયું છે; સમયસ્થળનાં માપિયાં ફેરવાઈ ગયાં છે. આવા વિશ્વમાં સાથે જીવવાનું શીખો, નહીં તો સાથે મરવાનું અનિવાર્ય છે એમ પણ જોરશોરથી કહેવાતું રહ્યું છે, કેનેડી, નિક્સન, રોગન કે સ્તાલિન, ક્રુશ્ચેવ કે એન્દ્રોપોવ બધા જ શાંતિમંત્રો ઉચ્ચારે છે; વારંવાર નિઃશસ્ત્રીકરણની, એટલે કે રૂઢ શસ્ત્રાસ્ત્રો જાળવીને અણુશસ્ત્રો ઉપર નિયંત્રણ મૂકવાની વાટાઘાટો યોજાતી રહે છે. વાટાઘાટો યોજવી એમાં માનવીની જિજીવિષાની અને જગતના મુખ્ય ધર્મોએ અથવા તો સંતોએ કે જગતના કલ્યાણવાંછુઓએ જે શાંતિમંત્રો ઉચ્ચાર્યા છે અને જે નૈતિક મૂલ્યો પ્રવર્તાવ્યાં છે તેમની અદબ રાખવાનો અભિનય છે. પણ ભીતરમાં ઘૃણા, અવિશ્વાસ, સત્તાપરસ્તી, સર્વોપરીતાનો ચડસ અને સંહારશોખ પડેલાં છે. દુનિયાએ બીજા વિશ્વયુદ્ધ પહેલાં હિટલરનો ઉદય જોયો હતો છતાં સરમુખત્યારો વિશેનો અહોભાવ શમતો નથી. કેવી ઘોર હિંસા! વેઠછાવણીઓ અને ‘ઘેટો’માં માણસે માણસ ઉપર ગુજારેલો કેવો નઘરોળ અત્યાચાર! ગૅસચેમ્બરો, સામૂહિક હત્યાઓ આદિની કેવી પાશવી લીલા? આ બધું માણસજાતે વેઠ્યું છે. અને છતાં માર્ગ ફંટાતો નથી. એટલે મનુષ્યજાતે અસ્તિત્વરક્ષા માટે શાની સાથે પ્રસંગ પાડવાનો છે તે સમજવાનું આવે છે. મનુષ્યના અસ્તિત્વના પ્રશ્નને અનેક પાસાં છે. જેમ એક બાજુએ અણુશસ્ત્રો ફેંકાતાં સર્વનાશનો ભય માણસજાત સામે ઘુરકિયાં કરી રહ્યો છે તેમ અણુશસ્ત્રો વિના પણ આજની વિકસેલી ટૅક્‌નૉલૉજીએ પ્રદૂષણનાં જે જોખમો ખડક્યાં છે તેને પરિણામે ધીમું મોત માણસજાતને આવરી લઈ શકે તેમ છે. હવા ભ્રષ્ટ છે, પાણી ભ્રષ્ટ છે, અરે અંતરિક્ષ સુધ્ધાં પ્રદૂષણથી ભ્રષ્ટ થતું ચાલ્યું છે. માનવઅસ્તિત્વના હિતૈષીઓ વિકાસનાં ખમૈયાં કરવા, વિકાસની મર્યાદા આંકવા, વિનવણીઓ કરી રહ્યા છે, તો જેઓને ટૅક્‌નૉલૉજીના ઉપયોગથી તાત્કાલિક તડાકો પડવાનો છે તેઓ આ હિતૈષીઓનો રોતી સૂરતનાં ચાંદુડિયાં પાડે છે. કઈ પ્રયુક્તિથી આમાં એકવાક્યતા પ્રગટાવી શકાય? આવું કશુંક બની શકશે એની ચિંતા દૂરદર્શી સંવેદનશીલ આત્માઓને આ સદીના આરંભથી જાગી હતી એની જોઈએ તેટલી એંધાણીઓ મળે છે. ૧૮૯૫માં લુમીએર ભાઈઓએ સિનેમેટોગ્રાફની શોધ કરી, તો એ જ વર્ષમાં માર્કોનીએ વાયરલેસ ટેલિગ્રાફીની શોધ કરી. બે વર્ષ પછી થોમ્પસને ઇલેક્ટ્રૉનની શોધ કરી તો ૧૮૯૮માં માદામ ક્યૂરીએ રેડિયમની શોધ કરી. ઓગણીસમી સદીનું અંતિમ વર્ષ એ નિત્શેના અવસાનનું જો વર્ષ, તો મેક્સ પ્લૅન્કની કોન્ટમ થિયરીની સ્થાપનાનું પણ એ વર્ષ. ૧૯૦૧માં યુરોપ અને અમેરિકા વચ્ચે વાયરલેસ કમ્યુનિકેશન સ્થપાયું તો પ્લૅન્કનો લૉ ઑફ રેડિયેશન પણ એ જ વર્ષમાં સુલભ થયો. સલી પ્રુધોંને પહેલું નોબેલ પારિતોષિક પણ આ વર્ષે અપાયું. તો પિકાસોના ‘બ્લૂ પીરિયડ’નાં ચિત્રો પણ આ વર્ષમાં જગતને જોવા મળ્યાં. કલામાં માતિસે પ્રબોધિત ‘ફૉવિનિઝમ’ પણ આ વર્ષની જ દેણ, તો આઇન્સ્ટાઇનની સ્પેશિયલ થિયરી ઑફ રિલેટિવિટી પણ આ વર્ષે પ્રરૂપિત થઈ. ૧૯૦૮માં ક્યૂબિઝમે દેખા દીધી તો ૧૯૧૦માં લંડનમાં પહેલી વાર ઉત્તર ઇમ્પ્રેશનિઝમનું પહેલું પ્રદર્શન ભરાયું. ‘સુંદર વિશદતા’ ઉદ્‌ઘોષિત કરતો રશિયનોનો એક્‌મેઇસ્ટ મેનિફેસ્ટો પણ ૧૯૧૦માં પ્રગટ થયો. સને ૧૯૧૨માં પૅરિસમાં ફ્યૂચરિસ્ટ-ભવિષ્યલક્ષી પ્રદર્શન ભરાયું તો રશિયનોનો ફ્યૂચરિસ્ટ મેનિફેસ્ટો પ્રગટ થયો. ૧૯૧૩માં આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઑફ રિલેટિવિટી પ્રસિદ્ધ થઈ તો તે જ વર્ષમાં બોહરે અણુના રચનાતંત્રની શોધ કરી. પહેલું વિશ્વયુદ્ધ હજી હવે શરૂ થવાનું હતું, પણ આ બધી હેરત પમાડે તેવી શોધોથી અને થોડાક જ વખતમાં તે અંગે જાગેલા પ્રતિભાવોથી વિચારજગત કેવું ક્ષુબ્ધ હતું તેનો ખ્યાલ ઉપરના વિહંગાવલોકનમાંથી મળી રહેશે. એટલે આજના યુગસંદર્ભની પૂર્વતૈયારી પહેલા વિશ્વયુદ્ધ પૂર્વેથી ચાલી હોવાનું અનુભવાય છે. પહેલા વિશ્વયુદ્ધનો ૧૯૧૮માં અંત આવ્યો ત્યાં સુધીમાં અણુના વિભાજનની પ્રક્રિયા રૂથરફોર્ડે જગતને ધરી. એ જ વર્ષમાં બર્લિનમાં ‘ડાડા’ આંદોલન શરૂ થયું. ૧૯૨૦માં પૅરિસમાં દાદા મહોત્સવ યોજાયો તો દાદા પ્રદર્શન ઉપર પોલીસે દંડો પણ ચલાવ્યો. ઘટનાઓ અને આંદોલનોની આ તવારીખ આપવાનું પ્રયોજન એ છે કે સંવેદનશીલ મનુષ્યોનાં ચિત્તમાં, આવનારા ભીષણ ભાવિ અંગેનો સળવળાટ તો ક્યારનોય શરૂ થઈ ચૂક્યો હતો તે આપણને સમજાઈ રહે. ટ્રિસ્ટાન ઝારાએ પ્રવર્તાવેલું ડાડા આંદોલન આ બધી શોધો અને તે વિશેના પ્રતિભાવો વ્યક્ત કરતાં બીજાં આંદોલનો પ્રત્યે કૂણી નજરે જોવાના મિજાજમાં નહોતું. આજે સમયના અંતરેથી જોઈએ છીએ ત્યારે ડાડાઇઝમ, ઇમ્પ્રેશનિઝમ, એક્સપ્રેશનિઝમ, એંગ્રી યંગમૅન, ઍબ્સર્ડ એ સર્વમાં પ્રતીત થતી માનવીય સંદર્ભ વિશેની અકળામણ પૂરતી સામ્યાવસ્થાઓ જડશે, ભલે તેઓ એકબીજાનો વિરોધ કે નિષેધ કરતાં હોય કે ઊગીને આથમી જતાં હોય, જેમકે ડાડાઇઝમ એ કલા અંગેનું એવું આંદોલન હતું જે કલાનો, કવિઓ અને ચિત્રકારોનો વિરોધ કરતું હતું. ઇતિહાસ, આકૃતિવાદ, વિવેચકીય પદ્ધતિઓ એ સર્વની સામે એણે બંડ પોકારેલું. એક બાજુએ મૂડીવાદીઓનો એ ઉપહાસ કરે તો બીજી બાજુએ નાસ્તિવાદ, શૂન્યાવસ્થા આદિની એ હિમાયત કરે. ‘ડાડા મશ્કરી નહીં કરે, એ તો ઈજા પહોંચાડશે’ એવું પણ એક સૂત્ર હતું. આંદોલનના પોતાના આંતરવિરોધો પાર વિનાના હતા, પણ કશુંક અર્થહીન પૂરા ગાંભીર્યથી પ્રગટ કરવાનો તેનો ઉધામો હતો. જે અનવસ્થા બાહ્ય જગતમાં વરતાતી હતી તેની કલા દ્વારા છબિ ઉપસાવવાની તેની પ્રવૃત્તિએ એક બાજુએ જો પ્રચલિત નૈતિક મૂલ્યોને આઘાત આપ્યો તો માનવ-મૂલ્યોની એણે ખાતરબરદાસ્ત પણ કરી. સર્‌રિયાલિઝમ એ સ્વપ્ન અને વાસ્તવિકતાનો ઉપરથી દેખાતો આંતરવિરોધ ભીતરમાં સમન્વિત કરવા મથનારું – અતિવાસ્તવનો મહિમા કરનારું આંદોલન પણ પરિસ્થિતિના પ્રત્યાઘાત રૂપે જ જન્મેલું. બુદ્ધિના અંકુશનો સર્વથા અભાવ હોય ત્યારે જે વિચાર સહજ ભાવે ઉદ્‌ભવે તેનો પુરસ્કાર કરવાનું સર્‌રિયાલિઝમનું વલણ હતું, ક્રાન્તિ સરજાવવા મથનારું, ચિત્તની પૂર્ણ મુક્તિની ઝંખના કરનારું એ આંદોલન પણ ડાડાઇઝમની સંતતિ છે. પહેલા વિશ્વયુદ્ધ પછી જે આંદોલનો પરિસ્ફુટ થયાં તે પૈકી બે આંદોલનોનો અહીં દૃષ્ટાંત રૂપે ઉલ્લેખ કર્યો છે. બીજા વિશ્વયુદ્ધના પ્રત્યાઘાતમાંથી ‘ઍબ્સર્ડ’ની વિભાવના પ્રગટી. ‘ઍબ્સર્ડ’ વિશેષણ વિશ્વની સમગ્રતાને ઉપલક્ષે છે. તેની અંદરની કોઈ વિગતને નહીં. કલા પરત્વે એ ટૅક્‌નિક છે, સ્વયં અર્થહીન કે નિઃસાર નથી. એનાં ઇંગિતો ઇહલોકની સમગ્રતામાં અનુસ્યૂત વ્યર્થતાને પ્રગટ કરે છે. કોઈ પારલૌકિક જ્ઞાન કે સર્જનહેતુનો તાગ લેવાની બુદ્ધિની ક્ષમતા વિશે એને શ્રદ્ધા નથી. જે કરુણ છે તેનું વૈચિત્ર્ય અથવા વિષમતા પ્રગટ કરીને તે હાસ્ય પેદા કરે છે પણ તેના ગર્ભમાં વાસ્તવિક માનવપરિસ્થિતિ વિશેનો તીવ્ર વિષાદ છે. નવજાગૃતિ પછી પશ્ચિમમાં વિજ્ઞાને અને યંત્રવિજ્ઞાને થોડાક દસકાઓમાં જે હરણફાળ ભરી છે તે જોતાં માનવીને આ ધરાતલ ઉપર લાંબો સમય જીવવાની હૈયાધારણ મળે તો એ ક્યાંનો ક્યાં પહોંચી જાય. પૃથ્વી ઉપર વસી રહેલી માનવજાત માટે પસંદગીની ઘડી આવી છે.

બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,
તું ગ્રહે ઉભયમાંથી એક ત્યાં.

એ તો રાઈને માટે નીતિ અને અનીતિ વચ્ચેની પસંદગીનો પ્રશ્ન હતો. પણ આજે તો માણસજાત માટે જીવન અને મૃત્યુની પસંદગીનો, અકલ્પ્ય વિકાસ અને તાત્કાલિક વિનાશ વચ્ચેની પસંદગીનો પ્રશ્ન આવીને ઊભો છે. પણ પસંદગી દુનિયાની માનવપ્રજાઓ કરતી નથી, તેમના વતી તેમનો નેતાવર્ગ, તેમનો શાસકવર્ગ કરે છે. એ શાસકવર્ગના નિર્ણયોને ચૂપ રહેનારી માનવવસ્તીનું અનુમોદન છે? કોણ કહી શકે? પણ જગતના અણુશસ્ત્રોના ખડકલા વિશે હું ચિંતિત હોઉં તે જ ઘડીએ મારો દેશ અણુશાસ્ત્રો વિકસાવે તેથી હરખાઉં એ કેવો વિરોધાભાસ? દેશના મટીને વિશ્વના બનીએ ત્યારે જ આ વિરોધાભાસ પ્રતીત થાય. શબ્દની કલાના ઉપાસકોને ભૌગોલિક સંદર્ભ તો હોય જ પણ રાજકીય સીમાડા હોવા ઘટતા નથી. કલાકાર પ્રકૃતિથી જ વિશ્વનાગરિક હોય એ યુગસંદર્ભની અપેક્ષા છે. આજે સાર્વત્રિક વિનાશ અને અનંત શક્યતાઓથી ભર્યો ભર્યો વિકાસ એ બે વચ્ચે માણસે પસંદગી કરવાની છે. જો એ શુભની પસંદગી કરે એટલે કે જીવનરક્ષાની પસંદગી કરે તો જીવનરક્ષા સ્વયં વિકાસની નિર્માતા છે. શુભ અર્થાત્ ઇષ્ટ એટલે જ જીવનના સાતત્યને પોષક વિચાર અને વ્યવહાર. જે જીવનના સાતત્યનું વિરોધી છે તે જ અશુભ છે, અનૈતિક છે, અધર્મ્ય છે. ધર્મ જો ધારણ કરતા તત્ત્વ હોય તો એ શેનું ધારણ કરે છે? એ જીવનનું ધારણ કરે છે. સ્વ. મશરૂવાળાના શબ્દો પ્રયોજીને કહ્યું કે જે જીવનનું ધોરણ, પોષણ અને સત્ત્વસંશોધન કરે તે જ ધર્મ છે. આ મંદિરમસ્જિદનો કે માતામહાદેવનો કે ટીલાંટપકાંનો ધર્મ નથી. એ જીવનના શ્રેયનો આગ્રહી ધર્મ છે, એ માનવમાત્રને પોતાની પાંખમાં આવરી લેનારી વૈશ્વ મનોદશા છે. એ કોઈનો દ્વેષ નહીં કરનારો આચાર છે. ખંડને છોડી અખંડની ઉપાસનાની, વસ્તુને અખિલાઈના પરિપ્રેક્ષ્યમાં મૂકીને સમજવાની મનઃસ્થિતિ એ જ સાચી આધ્યાત્મિકતા છે. પ્રેમથી, ધીરજથી, શ્રદ્ધાથી મનુષ્યને માનવધર્મ પ્રતિ અભિમુખ કરવાનો છે, એની સંકીર્ણતાઓ છેદવાની છે, એની ભીતરી શક્તિઓને બહાર લાવવાની છે. સાહિત્ય અને કલાઓ માટે યુગનું જો કોઈ આહ્‌વાન હોય તો તે આ છે. એ કામ કપરું છે કેમ કે માણસ જુદા જુદા ભૌગોલિક સંદર્ભોમાં વસે છે, જુદી જુદી ભાષાઓ બોલે છે, આચારવિચારોની જુદી જુદી પ્રણાલીઓનો એ વારસદાર છે. એ પોતે પણ જાણે નહીં એવા પ્રતિચ્છંદો એના હૃદયમાં જાગે છે. એની શાસનપ્રણાલીઓ, એના ભૌતિક સુખના ખ્યાલો, રાજકીય પરિવેશના એના પ્રત્યાઘાતો બધાંની સાથે પ્રસંગ પાડવાનો છે. મનુષ્યની આ વિવિધતાને લીધે જ વિશ્વ સંકુલ બન્યું છે અને એક દૃષ્ટિપાતે એનો તાગ લેવો અશક્ય છે. અને ફેરવવા જતાં જાતે જ ફેરવાઈ જવું પડે તેમ છે. જો કોઈ પણ આ અઘરું કામ પાર પાડવાની શક્તિ ધરાવતું હોય તો તે સાહિત્ય છે. સાહિત્યકારને અમુક પ્રકારનું સાહિત્ય સરજવાનું કર્તવ્ય સૂચવવાનો તો પ્રશ્ન જ ન હોય. કલાકાર સર્વતંત્ર-સ્વતંત્ર હોય છે, હોવો જોઈએ. પોતાનું કર્તવ્ય એ પોતે જ શોધી લઈ શકે એમ છે. પણ એની સંવેદના પોતાની આસપાસની પરિસ્થિતિથી તેમજ વ્યાપક જાગતિક પરિસ્થિતિથી અસ્પૃષ્ટ તો હોય જ નહીં. તેમ છતાં પોતાનો અવાજ પહોંચાડવો છે ત્યાં પહોંચશે કે નહીં એની અવઢવ તો એના મનમાં હોઈ શકે. પશ્ચિમી દુનિયાએ જો વૈજ્ઞાનિક શોધો કરી તો મહાયુદ્ધો પણ ત્યાં જ પેદા થયાં અને યુદ્ધવિરોધી સાહિત્ય પણ ત્યાં જ પેદા થયું. ભૌતિકશાસ્ત્રીય, જીવશાસ્ત્રીય અને યંત્રવૈજ્ઞાનિક શોધોથી સમાજમાં અને તેની રચનાઓમાં આવનારાં પરિવર્તનોથી માનવીની મનોદશામાં કેવાં પરિવર્તનો આવશે અને માનવસંબંધો કેવા આમળા લેશે તે વિશે પણ કલ્પનાઓ થઈ. સર્વનાશ તો આઘો રહ્યો પણ નૈતિક ભાવોમાં આવનારાં પરિવર્તનો વિશે પણ ભવિષ્યલક્ષી સાહિત્ય યુરોપમાં સરજાવા માડ્યું. આપણે મળી રહ્યા છીએ ત્યારે ૧૯૮૩નું વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે અને જ્યૉર્જ ઓરવેલની ‘નાઇનટીન એઇટીફોર’ એ ભવિષ્યલક્ષી કૃતિને કારણે જે સાલ ઉપર સૌની આંખ મંડાઈ છે તે ૧૯૮૪ની સાલ શરૂ થવાની અણી પર છે. એમાં જે ‘ડબલ થિંક’નો નિર્દેશ થયો છે તે મનુષ્યની નૈતિક અવદશાનો દ્યોતક છે. યુદ્ધો મનુષ્યનો નૈતિક હ્રાસ આણે તેમ વૈજ્ઞાનિક શોધોને પણ આશીર્વાદ અને અભિશાપનાં બે પાસાં હોઈ શકે છે. આલ્ડસ હક્‌સ્લીએ ‘ધ બ્રેવ ન્યૂ વર્લ્ડ’ અને ‘ધ બ્રેવ ન્યૂ વર્લ્ડ રીવિઝિટેડ’ દ્વારા જે ભાવીનો ચિતાર આપ્યો છે તે કંઈ આહ્‌લાદક પ્રેરે તેવો નથી જ. પણ આ ભવિષ્યલક્ષી સાહિત્યસર્જનોની પાછળ તો મનુષ્યને જગાડવાની – સમયસર પોતાના નીતિતંત્રને ઠીકઠાક કરી લેવા માટે ચેતવવાની તજવીજ છે. સાહિત્ય એ અંતે જતા સર્જકની સંવેદનાનો પ્રેમોદ્‌ગાર છે. એનાં પ્રકટીકરણો અનેક પ્રકારનાં હોય તોપણ સાહિત્યકારનો શબ્દ એ પ્રેમનો સંકેત છે. એટલે સૂતેલી માનવતાને પ્રેમપૂર્વક સાદ કરીને જગાડવાનું યુગનું આહ્‌વાન સાહિત્યકાર ઝીલ્યા વિના તો કેમ રહે? પણ ઝાઝું મોડું થાય તે પહેલાં એ ઝિલાય એ જરૂરનું છે. ગુજરાતી સાહિત્યમાં પણ માનવવેદના અને વ્યાકુળતાના પ્રતિધ્વનિ સંભળાયા છે. ઉમાશંકર, નિરંજન ભગત, ઉશનસ્, સુરેશ જોશી, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, લાભશંકર, સિતાંશુ આદિ સર્જકોએ સમકાલીન વિશ્વની વેદનાઓને પોતપોતાની રીતે વાચા આપવાનું કર્તવ્ય બજાવ્યું છે. પણ હજી એ સ્વર બુલંદ બન્યો નથી. દરમિયાન યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો છે એ ઉમાશંકરની કવિવાણીનું સત્ય સ્વીકારવું રહે છે. સજ્જનો અકિંચિત્કર ન રહે એવું કશુંક કરવાનું છે. માણસ ગમે ત્યાં વસતો હોય, ગમે તે ભાષા બોલતો હોય, એ પ્રેમની મૂંગી ભાષા સમજે છે. એટનબરોની ‘ગાંધી’ ફિલ્મને દુનિયામાં જગોજગ જે પ્રચંડ આવકાર મળ્યો તે એ જ સૂચવે છે. પ્રેમની ભૂમિકાએ વિજ્ઞાન, ધર્મ અને કવિતાનો સંગમ થાય તો શબ્દ નવા ચમત્કારો સર્જશે. ભાષાની શોધ એ મનુષ્યની સૂક્ષ્મતમ શોધ છે. પોતાના અંતરતમને પ્રગટ કરવાની મથામણમાં મનુષ્યે આજ સુધી ભાષાને વિકસાવવાનો ઉદ્યમ કર્યો છે અને તોયે આજના સંદર્ભમાં ભાષા ઓછી પડે છે. ભાષાની કટોકટી સરજાઈ છે એમ અગાઉ કહેવાઈ ગયું છે. તેમ છતાં શબ્દ પોતાના માન્ય સામાજિક અર્થની ઉપરવટ થઈને માનવની હયાતીની – શુભની – અભિલાષાની મૂર્ત સંજ્ઞા બનવાની ક્ષમતા ધરાવે છે. ભાષા સાથે જેનું પનારું પડ્યું છે તેણે શબ્દની આ ક્ષમતા માનવઅસ્તિત્વના સાતત્યના હિતમાં વિકસાવવાની ઘડી આવી છે. આ મંગલ ભાવિની દિશામાં પગલાં માંડવાનું સામર્થ્ય જગતભરના સાહિત્યસર્જકોને પ્રાપ્ત થાઓ એવું પ્રાર્થીએ.

[૩]

આપણી આ ગુજરાતી સાહિત્ય પરિષદ પોણોસો વર્ષની મજલ કાપી ચૂકેલી, રણજિતરામે ઉછેરેલી અને ગોવર્ધનરામ, આનંદશંકર, ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર આદિના આશીર્વાદ પામેલી સંસ્કારસંસ્થા છે. ઠીક લાંબા સમય સુધી અન્ય કલાઓ અને સાંસ્કૃતિક વિષયોની પણ એ વ્યાસપીઠ હતી. આજે સૌ સૌને પોતપોતાની અલાયદી વિકાસભોંય મળી ચૂકી છે ત્યારે પણ એ સર્વની સાથેનો તેનો આંતરસંબંધ ચાલુ જ રહ્યો છે. પરિષદના છેક આરંભકાળથી ગુજરાતી ભાષા અને સાહિત્યને વિકસાવવા માટેનાં ઓજારો તરીકે છંદઃશાસ્ત્ર, કોશ અને વ્યાકરણની જરૂરિયાત પરિષદના સૂત્રધારોએ પ્રમાણી હતી. ગુજરાત ગર્વ લઈ શકે એવો છંદઃશાસ્ત્રનો આકરગ્રંથ હવે રા.વિ. પાઠકના ‘બૃહદ્ પિંગળ’ રૂપે પ્રાપ્ત થયો છે. પરિષદ દ્વારા સાહિત્યકોશનું કામ પણ સંતોષકારક રીતે ચાલી રહ્યું છે. પરિષદની ગ્રંથપ્રકાશનપ્રવૃત્તિ, પરિસંવાદો, જયંતીની ઉજવણીઓ, સંગીતનાટ્ય આદિ કલાઓ સાથે મેળ પાડીને યોજાતા રહેલા એના સાંસ્કૃતિક કાર્યક્રમો એ સર્વમાં એ વેગભેર ગતિ કરી રહેલી છે. અને હવે તુલનાત્મક સાહિત્યના અધ્યયન-સંશોધનની પીઠિકા પણ ક. લા. સ્વાધ્યાય મંદિર રૂપે મળી છે. એનું ગ્રંથાલય વિકસી રહ્યું છે. મેઘાણી પ્રાંગણ થોડાક સમયમાં રચાઈ રહેવાની આશા આપે છે. સ્વ. મડિયા જેને સરનામા વિનાની સંસ્થા કહેતા તેને પોતાનું સુસજ્જ ભવન પણ પ્રાપ્ત છે. જેની સાથે ગોવર્ધનરામ ત્રિપાઠીનું પ્રાતઃસ્મરણીય નામ જોડાયેલું છે. એને રા. વિ. પાઠક સભાગૃહનો પણ લાભ મળ્યો છે. અનેક ઉદાર દાનવીરોએ તેમજ ગુજરાત રાજ્ય સરકારે પરિષદને પોતાની ગણીને તેને વિવિધ હેતુઓ અને પ્રવૃત્તિઓ માટે દાન અને અનુદાન આપ્યાં છે. અને તોયે કોશ, વ્યાકરણ, જ્ઞાનકોશ જેવાં મહત્ત્વનાં સાધનોની પ્રજાને ભેટ ધરવાની બાકી છે. વિનયન વિદ્યાશાખાના અંતર્ગત વિષયોની, ખાસ કરીને ભાષાઓ, તત્ત્વજ્ઞાન અને ઇતિહાસ સંસ્કૃતિ જેવા વિષયોની ઉપેક્ષા કરવાનું વલણ અર્થૈકદૃષ્ટિ સમાજમાં પ્રવર્તે છે ત્યારે તેમનું સાંસ્કૃતિક મહત્ત્વ પ્રજાને સમજાવવાનું પરિષદનું કર્તવ્ય છે. એ જ રીતે વિજ્ઞાન પણ કેવળ તબીબી વિદ્યા અને ઇજનેરીમાં સમાતું નથી એ સમજાવવાનું પણ પરિષદને શિરે કર્તવ્ય છે. બધી વિદ્યાઓ શબ્દાશ્રિત હોવાથી ગુજરાતી શબ્દની શક્તિ પરિષદ એ રીતે વિકસાવી શકશે. તળ ગુજરાતમાં સુખી વર્ગનાં માબાપો મોહવશ બનીને ઘરમાં અને શાળાઓમાં પોતાનાં બાળકો અંગ્રેજી માધ્યમનો આશ્રય લે એવો આગ્રહ સેવી રહ્યાં છે. દેખાદેખીએ આ વલણને વ્યાપકતા આપેલી છે અને અંગ્રેજી માધ્યમવાળી શાળાઓની સંખ્યા વધતી રહી છે. આની પાછળના આર્થિક અનુબંધોનો ધીરતાથી વિચાર કરીને બાળકોને દેશમાં વિદેશી બનાવવાનો માબાપોનો આગ્રહ છોડાવવાની જરૂર છે. ગુજરાતની બહાર પણ દેશમાં ગુજરાતી ભાષાની જે ઉપેક્ષા અણસમજથી કે હેતુપૂર્વક ચાલી રહી છે તે અંગે સંકુચિત પ્રાન્તાભિમાનથી નહીં પણ સમસ્ત દેશના સાંસ્કૃતિક ચૈતન્યના વિસ્તારના હિતમાં લાગતા-વળગતાઓનું ધ્યાન ખેંચવાની પણ પરિષદે પહેલ કરવી ઘટે છે. આ અનેક ભાષાઓ બોલતા દેશમાં પ્રત્યેક ભાષા જ્ઞાનપદાર્થનું વાહન છે અને તેનો સાંસ્કૃતિક મૂલસ્રોત એક જ છે એ ભાવ દૃઢ કરાવવાની જરૂર છે. દેશની અખંડતા સિદ્ધ કરવા માટે પણ વૈવિધ્યની સાચવણ જરૂરની છે. જે ગુજરાતી કુટુંબો વિદેશોમાં વસે છે તેમનો પ્રશ્ન સાવ જુદો છે. વિદેશની સાંસ્કૃતિક આબોહવામાં પોતાની અસલિયત નહીં ગુમાવવા માટે શું કરવું તેની એમને ફિકર છે. પોતાનાં બાળકો મૂળ ભૂમિ સાથેનો સંબંધ જાળવી રાખે એવો એમને આગ્રહ છે, પણ એમની પાસે યોગ્ય સાધનો નથી. પણ આ કૅસેટ યુગમાં દૂરતા એ કોઈ ઓળંગી શકાય નહીં એવી રુકાવટ નથી. વિદેશોમાં વસતાં ભાષાપ્રેમી અને સંસ્કૃતિપ્રેમી ગુજરાતી મંડળોનો સહકાર પ્રાપ્ત કરીને દૂર વસતી નવી પેઢીનો તેમની મૂળ ભોંય સાથેનો નાતો ટકાવી રાખવા માટે પરિષદ આપી શકાય એટલી સેવા આપે એ જરૂરી છે. વર્ષો સુધી ચાલનારાં આ સંસ્કારવિકાસક કાર્યો માટે પરિષદને ધરખમ આર્થિક સહાયની જરૂર રહેવાની. સદ્‌ભાગ્યે પરિષદને સંનિષ્ઠ કાર્યકરોની ખોટ પડી નથી. રણજિતરામનું પુણ્ય એવું તપે છે કે એને ઉત્તરોત્તર ઉત્સાહી મંત્રીઓ અને અન્ય હોદ્દેદારો મળતા જ રહ્યા છે. આ સર્વ કાર્યકર મિત્રોના તેમજ ઉદાર સખાવતીઓના ઉત્તમ સહકારથી પરિષદનાં અધૂરાં રહેલાં કાર્યો આટોપાશે જ એવી મને શ્રદ્ધા છે. છેવટે, સૂરતમાં પરિષદને નિમંત્રીને ભાવભર્યું સુંદર આતિથ્ય કરવા માટે હું સ્વાગતસમિતિના સર્વ હોદ્દેદારોનો, કાર્યકરોનો અને સ્વયંસેવકોનો સર્વ ડેલીગેટો વતી હૃદયપૂર્વક આભાર માનું છું.