પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’
એકત્રીસમા અધિવેશનના પ્રમુખ
શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’
  • ગુજરાતી નવલકથાકાર, નાટ્યલેખક, વિવેચક, નિબંધલેખક, ચિંતક અને કેળવણીકાર મનુભાઈ પંચોળીનો જન્મ ૧૫ ઑક્ટોબર, ૧૯૧૪ના રોજ પંચાશિયા ગામે થયો હતો. પિતા રાજારામ શાળામાં શિક્ષક હતા. નવ ધોરણ સુધીનો અભ્યાસ. ૧૯૩૦માં અસહકારની લડત આવી. તેમણે અભ્યાસ છોડી દીધો અને લડતમાં ઝંપલાવ્યું. જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૪૨માં ફરી લડતમાં ભાગ લીધો. ફરી જેલમાં ગયા. એમણે કેળવણી જાતે લીધી અને ગુજરાતના કેળવણીકાર બન્યા. નાનાભાઈ ભટ્ટ સાથે જોડાયા, નઈ તાલીમનું કામ શરૂ કર્યું. દક્ષિણામૂર્તિમાં શિક્ષક તરીકે કામ કર્યું. જૂના ભાવનગર રાજ્યમાં શિક્ષણપ્રધાન હતા. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વિધાનસભામાં ચૂંટાયેલા અને થોડો સમય શિક્ષણપ્રધાન પદે પણ રહેલા.

સાહિત્યકાર તરીકે મનુભાઈ ઉપર કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, રોમાં રોલા, ટૉલ્સ્ટૉય, રવીન્દ્રનાથ ટાગોર અને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનો પ્રભાવ પડેલો. રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ઘરે બાહિરે’ તેમણે અનેક વાર વાંચી હતી. તેઓ ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્રના જાગ્રત અભ્યાસી હતા. દર્શકના જીવનનો ઉદ્દેશ ‘આત્માના ઉત્કર્ષ અને જગતના સુખને માટે જીવવું’ હતો. દર્શકના લેખનનો આરંભ નાટકથી થાય છે. ‘જલિયાંવાલા’ (૧૯૩૪) તેમાં ક્રૂર માનવસંહાર થયો તેની વેદના છે ‘અઢારસો સત્તાવન’ (૧૯૩૫), – વિપ્લવની યશોગાથા છે. ‘પરિત્રાણ’ (૧૯૬૭)માં મહાભારતના યુદ્ધની કથા છે તો ‘અંતિમ-અધ્યાય’ (૧૯૮૩)માં હિટલરના છેલ્લા દિવસોની સંઘર્ષગાથા આલેખાઈ છે. સ્વાતંત્ર્યસંગ્રામ, જેલજીવન, લોકશાહી, ગ્રામસેવા અને ભારતીય સંસ્કૃતિ તેમની નવલકથાના કેન્દ્રમાં રહેલાં છે. સત્યાગ્રહીઓના જેલજીવનની વાત ‘બંદીઘર’ (૧૯૩૧)માં છે. ‘બંધન અને મુક્તિ’ (૧૯૩૯)માં ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામનું કથાવસ્તુ છે. ‘દીપનિર્વાણ’ (૧૯૪૪) નવલકથાનું કથાવસ્તુ બે હજાર વર્ષ પહેલાંના ગણરાજ્યની વાતનું છે. ‘ઝેર તો પીધાં છે જાણી-જાણી’ ભાગ – ૧-૨-૩ (૧૯૫૨, ૧૯૫૮, ૧૯૮૫) તેમની અત્યંત જાણીતી નવલકથા છે. ‘પ્રેમ અને પૂજા’ ભાગ – ૧-૨ (૧૯૩૯)માં ભારતીય આઝાદીના ઉષઃકાળનું નિરૂપણ થયું છે. ‘કુરુક્ષેત્ર’ (૧૯૯૨) અને ‘કલ્યાણયાત્રા’ (૧૯૩૯) તેમની અન્ય જાણીતી નવલકથાઓ છે. ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ (૧૯૬૩) અને ‘મંદારમાલા’ (૧૯૮૫) તેમના વિવેચનગ્રંથો છે. ઝવેરચંદ મેઘાણી ઉપર આપેલાં વ્યાખ્યાનો ‘ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી’ (૧૯૭૩)માં સમાયાં છે. ‘મારી વાચનકથા’ (૧૯૬૯)માં સાહિત્યિક રચનાઓનો તેમણે ઝીલેલો પ્રભાવ આલેખાયો છે. ઇતિહાસ અને સંસ્કૃતિ દર્શકના અભ્યાસના વિષયો છે. ‘આપણો વારસો અને વૈભવ’(૧૯૫૩)માં મૌલિક સંસ્કૃતિચિંતન આલેખાયું છે. ઇતિહાસના અર્થઘટનનું મહત્ત્વ ‘ઇતિહાસ અને કેળવણી’ (૧૯૭૩) આ પુસ્તકમાં સમજાવ્યું છે. ગાંધીવિચાર અને સમાજવાદને સમજાવવાનો પ્રયાસ ‘બે વિચારધારા’ (૧૯૪૫)માં તેમણે કર્યો છે. ‘શાંતિના પાયા’ (૧૯૬૩)માં શાંતિના ઉપાયોની ચર્ચા કરી છે. ‘લોકશાહી’ (૧૯૭૩) દીર્ઘ નિબંધ છે. ‘નઈતાલીમ અને નવવિધાન’ ૧-૨ (૧૯૫૭)માં સમાજ, રાષ્ટ્ર અને ગ્રામજીવનને આલેખ્યું છે. ‘અમૃતવલ્લી’ (૧૯૭૩)માં ગાંધીવિચાર પ્રગટ થયા છે. આ ઉપરાંત ‘ઇતિહાસકાથાઓ : રોમ, ગ્રીસ’ (૧૯૪૬) પણ તેમનું ચિંતનનું પુસ્તક છે. ‘સદ્‌ભિઃ સંગઃ’ (૧૯૮૯)માં તેમના પચાસ વર્ષના શિક્ષણક્ષેત્રના અનુભવનું કથન છે. ‘ચેતોવિસ્તારની યાત્રા’ (૧૯૮૮)માં તેમણે તેમનાં શિષ્યા મૃદુલાબહેન ઉપર લખેલા પત્રો છે. દર્શકને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર મળેલો, ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. ‘સૉક્રેટિસ’ નવલકથાને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલો. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ હતા. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા. દર્શકનું અવસાન ૨૯ ઑગસ્ટ ૨૦૦૧ના રોજ અમદાવાદમાં થયું હતું. ખંડ દ્વારા અખંડની યાત્રા (અખંડ શબ્દની શોધ) આનંદશંકરભાઈ જેવા દિગ્ગજ સાહિત્યવિદો જે સભાના પ્રમુખસ્થાને બેઠા તે સ્થાને બેસતાં મારા જેવા અલ્પશિક્ષિત જ નહિ, અલ્પજ્ઞને કેટલો ક્ષોભ થાય છે તે સમજવું પણ અજાણ્યાને મુશ્કેલ લાગે તેવું છે. મારે હાથે કાંઈક સારું સાહિત્યસર્જન થયું છે, તે સ્વીકારી લઉં તોપણ એ મૂડી પર આ સાહિત્ય પરિષદ, જેનાં ગોવર્ધનરામ જેવા મનીષીએ બીજ રોપ્યાં, અને મહાત્મા ગાંધીજીના આશીર્વાદ જેને સાંપડ્યા તેના પ્રમુખસ્થાને બેસવું મારા માટે કમમાં કમ અસહજ છે. પણ ઈશ્વર નાના માણસો પાસેથી ઘણી વાર કામ કઢાવે છે. ઇતિહાસ અને જાહેરજીવનમાં તેની સાહેદીઓ પડી છે. આપણી જ સાંભરણના લાલબહાદુરજી વંશે કે વગે મોટા માણસ નહોતા, પણ તેમણે આ દેશને ઉજ્જ્વળ વિજય અપાવ્યો હતો. એવું જ આમાં કાંઈક થશે તેમ આશ્વાસન લઉં છું. આ સભા શબ્દનો મહિમા તપાસનારી અ શબ્દનું અભિવાદન કરનારી સંસ્થા છે, આ શબ્દ તે આપણા રોજબરોજના કામમાં વપરાતો શબ્દ નથી, પણ શાસ્ત્રે જેને ‘આદિમાં શબ્દ હતો’ તેવું કહી અભિવાદન કર્યું તે સત્યપૂત, વરેણ્ય, પૂષન્‌ના તેજે મઢેલો શબ્દ છે. જે મનુષ્યના બાહ્ય-અભ્યંતર જીવનને આલોક્તિ અને આર્દ્ર કરે છે, જેને ઉચ્ચારતાં જીવનના સાર્થક્યનો સંસ્પર્શ થાય છે. સવારના મોંસૂઝણા જેવું આ જીવન. તાજગીભર્યું પણ ઝાંખું; હોવામાંથી થવાની, પ્રસૂતિ-અવસ્થાનું જીવન. ઋષિનો છંદોમય-લયાન્વિત શબ્દ તેને અનાવરિત કરે છે. અવગુંઠિત, પ્રછન્ન, પાણીથી પાતળું, છતાં કઠણ પહાડો જેવા પ્રશ્નો ભેદી નાખવાનું સામર્થ્ય ધરાવતું આ બળ અપ્રત્યક્ષ-પ્રત્યક્ષ જીવનના રહસ્યને ઉદ્‌ઘાટિત કરે છે. વસ્તુતઃ તે જ મુક્તિ, ज्ञानाद् मुक्तिः – માનવ માટે તો અર્થબોધ સિવાય મુક્તિનો બીજો અર્થ નથી. જે મૂંઝવે છે, અસ્વસ્થ કરે છે, અર્થહીનતાના ભયે થકવી દે છે તેનો અર્થબોધ કરાવી, આશ્ચર્યના આનંદપ્રકાશમાં પ્રવેશ કરાવે તે જ મુક્તિવિદ્યા, તે જ સ્વર્ગારોહણ. આવા શબ્દોએ અનેકને સ્થૂળ અને સૂક્ષ્મ મુક્તિ અપાવી છે. પ્લુટાર્કે નોંધ્યું છે કે એથેનિયન સૈનિકો હાર પામી સિસિલીની પથ્થર- ખાણોમાં પુરાયા હતા, આંખનું અને હૈયાનું તેજ ઓલવાતું જતું હતું; વતન, વતનનાં પહાડો, ઝરણાં, વતનના ઉત્સવો, નાટ્ય-સમારંભો. વતનમાં વિયોગે ઝૂરતાં પ્રિયજનો—આ બધાંની સ્મૃતિએ કેટલાકને કરુણ રસના સ્વામી યુરિપીડીસનું ગીત ગાવા પ્રેર્યા, ગીતનો અર્થબોધ એ જ આશ્વાસન. ખાણ ઉપર ચોકી કરતા દુશ્મન સૈનિકોએ એ સાંભળ્યું અને ડોલી ઊઠી કહે, ‘બીજું ગાઓ, વધુ ગાઓ. જે નવું ગીત ગાશે તેને અમે મુક્ત કરશું.’ યુરિપીડીસની કવિતા ગાવાની જાણે સ્પર્ધા ચાલી અને એક ગીતે એક જણ મુક્ત થતો ગયો, કહે છે છપ્પન નવાં ગીતો ગવાયાં – છપ્પન જણા સ્વાધીન બન્યા. સીધા ગયા યુરિપીડીસ પાસે. પગે લાગી કહે : ‘રાજ્યલક્ષ્મીએ અમને બંદીખાને નાખ્યા હતા, તમે અમને મુક્ત કરાવ્યા.’ મુક્તિ – ક્રોધ, વ્યામોહ, દૂજાભાવનાં બંધનોમાંથી મુક્તિ. પ્લુટાર્કની આ કથાને ઘડીભર બાજુ પર મૂકીએ તોપણ પ્રકાશવંત શબ્દોને પ્રતાપે કોના અંતરનાં અંધારાં નથી ઉલેચાયાં? વર્તમાન જગતની જે કાંઈ સંસ્કારિતા છે, જે કાંઈ ખુશબો છે, જે કાંઈ હાસ્ય-કિલ્લોલ, કરુણા, મુદિતા, ઉપેક્ષા જે છે તે કોઈક ખ્રિસ્ત, કોઈક બુદ્ધ, કોઈક વ્યાસ-કાલિદાસ, કોઈક એસ્કિલસ-સોફોક્લીસ કે શેક્‌સ્પિયરના શબ્દનો પમરાટ છે. હા, એ વ્યવહારનો શબ્દ નથી, વ્યવહાર અલ્પાયુષી છે. ક્ષીણ—ક્ષણભંગુર છે; તેને પ્રગટ કરતા શબ્દો પણ તેવા જ હોય છે. પણ જે ચિરાયુષી શબ્દોએ ક્ષણે ક્ષણે સરી જતા આ સંસારને અમરત્વ આપ્યું છે તે શબ્દનું આધારસ્થાન જુદું જ છે, કાશીના અસ્સી ઘાટ પર બેસીને તુલસીદાસજીએ જે શબ્દગાન કર્યું તેની આધારશિલા કાશી નથી, કૈલાસ છે. આ શુભ્ર કૈલાસનાં આછેરાં દર્શન પછી જે શબ્દ પ્રગટે છે તે જીવંત શબ્દ. એટલે જ તેમણે સાહિત્યનું અધિષ્ઠાન વર્ણવતાં કહ્યું, “કીન્હે પ્રાકૃત જન ગુન ગાના, સિરધુની ગિરા લાગી પછિતાના” અહીં પ્રાકૃતનો અર્થ અન્ન અને પ્રાણમય કોશમાં બદ્ધ, પ્રકૃતિ-પરાધીન માણસ — એટલો જ છે. જીવંત એટલે જીવે છે તે નહિ, પણ બીજાનેય જીવન આપે છે, અને તે પણ જીવતાને જ નહિ, મરેલાને પણ જીવન. મૃતસંજીવની. કાળ અને મનુષ્ય વચ્ચે એક હોડ ચાલી રહી છે. કાળ કહે છે, હું બધું વીસરાવી દઈશ. બધું જ ગ્રસી-ઓગાળી, વિલોપી નાંખીશ. અને માણસ કહે છે, હું એમ નહિ થવા દઉં. જે અસુંદર છે, અલ્પ છે, તે ભલે નાશ પામતું, પણ જે ભૂમાનો અંશ છે તેને નાશ કેમ થવા દેવાય? કલામાત્રનો પુરુષાર્થ આ છે, ભૂમાનો નાશ ન થવા દેવો. શબ્દ, શિલ્પ, ચિત્ર, સૂર કે ગીત-નૃત્ય, કાળ સામેની આ હોડમાં ઊતર્યાં છે. પણ શબ્દ તે સૌમાં અગ્રિમ છે, કારણ કે શિલ્પ ખંડિત થાય છે, ચિત્ર ઝાંખાં થાય છે, હૃદયમાં વસેલા, કંઠે ચડેલા શબ્દને અને તેના અમૃતત્વને કાળ લઈ જઈ શકતો નથી. અણગણિત સૈકાઓ વીંધીને પણ શબ્દ આવે છે, તમસા-તીરેથી : मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीसमा, यत्क्रौंचमिथुनादेकमवधिः काममोहितम् ।। કે ઓલિમ્પસના બરફે ચળકતા હેમવર્ણા પ્રકાશમાં ગાન ઊઠે છે : This not my nature to join in hating For life is not of to-day or yesterday But from all time. Wonders are many but none more wonderful than man. કારણ? શબ્દમાં રૂપ, ગતિ, છંદ વિરામ, રાગ-વિરાગ – બધું પ્રત્યક્ષ કરવાની શક્તિ છે. તેનો દીર્ઘ પથ પૃથ્વીથી હજારો પ્રકાશવર્ષ દૂરની આકાશગંગા સુધી પથરાયેલો છે. સાહિત્ય સર્વાશ્લેષી સાધના છે અને એથી જ તે દુરારાધ્ય છે. ભાગવત કહે છે કે ભગવાને ગોપીઓનાં વસ્ત્રો હરી લીધાં હતાં. અને તે કથા સમજાવતાં વળી કહે છે કે ‘હું જેના પર પ્રસન્ન થાઉં છું તેનું બધું હરી લઉં છું.’ સાહિત્યના ઉપાસકે તો ભગવાન તેનું બધું હરી લે તેની રાહ પણ જોવાની નથી. બધું આપી દીધા પછી જ બધું પ્રાપ્ત થવાની ઘડી આવે છે. જાતને ભૂલી જવાની, શબ્દસંપદાની પ્રાપ્તિની ક્ષણ વિસર્જિત થવાની ક્ષણ હોય છે. કોઈક વાર નહિ અવારનવાર મને પ્રશ્ન થાય છે કે મેં મારી જિંદગી વિદ્યાવ્યાસંગમાં ગાળી, કેટલાંય વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની વચ્ચે બહુ સ્નેહભાવે રહ્યો, સુખેદુઃખે સિઝાતાં ગામજનોનાં કામો કરી દીધાં. કેટકેટલાં કામો કર્યાં! – માંદાનાં, સાજાનાં, દીન-પીડિતોનાં! પણ આ બધું – આનું અર્ધું, અરે, એક ચતુર્થાંશ, એક દશાંશ પણ મારી કૃતિઓમાં કેમ નથી પ્રતિફલિત થતું? કોઈ વાર મારી જાત પર ચીડ ચડે છે, મારે ગ્રીસ સુધી કે વાહિકપ્રદેશ સુધી કોઈક મીડિયા, એસ્પેશિયા, નારીઝા કે સૂરજમુખી માટે જવાની જરૂર શી છે? રોહિણી, સત્યકામ, સુચરિતા, મૈનેન્દ્ર, કૃષ્ણા – આ બધાંની પછવાડે તું શા સારુ દોડે છે, તારી આજુબાજુના ગ્રામસમાજ—વિદ્યાર્થીસમાજને તું કેમ સર્જતો નથી? જેના પર તું ઊભો છે તેનું ગીત કેમ તારામાં નથી સ્ફુરતું? બહુ ટંટોળું છું મારા મનને, ત્યારે બુદ્ધિથી જવાબ મળે છે કે આ બધાંયની પાસે હું શૂન્ય બનીને, નિર્વ્યાજ બનીને નથી ગયો. મારા યુગની વાણીનો પ્રેર્યો તેમની સેવા કરવા, ખરું કહીએ તો તેમની કેટલીયે સામાજિક દુર્બળતાઓ દૂર કરવા ગયો છું. તેમના પ્રત્યે સહજ અકારણ પ્રેમ નથી મને, એમના સમાજની કેટકેટલી દુર્બળતાઓ મેં ગણી ગણીને નોંધી છે, અને તેને દૂર કર્યા વિના સકલભયહરા મુક્તિનું વહાણું વાવાનું નથી તેમ માની એકનિષ્ઠ સુધારક કે સમાજપરિવર્તકની જેમ હું તેમની વચ્ચે રહ્યો છું. લોકને ચાહવાનો ભાવ પણ એક સાત્ત્વિક, રાજસી, અહંનિષ્ઠાનો જ અંશ છે, તે અધૂરા છે. હું તેમની અધૂરપને દૂર કરવા મથનારો છું. હા, સ્વાર્થબુદ્ધિથી નહિ પણ મોટપબુદ્ધિ તો ખરી જ. મારી સર્જનવૃત્તિને એ ક્ષેત્રમાં જાણે પ્રચ્છન્ન મોટપબુદ્ધિએ, સાત્ત્વિક અહંકારની મહાશિલાએ ઢાંકી દીધી છે. ત્યાં પણ કાંઈક અનન્યતા પડી છે, તેનું મને ભાન નથી, મને તેમની અપૂર્ણતાનું જ સ્મરણ છે. એટલે અહોભાવ કે મુગ્ધતાનો શબ્દ કેમ પ્રગટે? એટલે થાય છે કે આ શબ્દની, જીવંત શબ્દની પ્રાપ્તિ દુષ્કર સાધના છે. સાધના કે સહજતા છે અહોભાવે પ્રેરેલા અહંકારવિલયની. રચનાત્મક વાણીમાં કહું તો ‘યુક્ત કરો હે સબાર સંગે મુક્ત કરો હે બંધ’ની સાધના જીવંત શબ્દની જન્મદાત્રી છે. મુક્ત કરો હે બંધ – મારાં રચેલાં કે સમાજે મને રચી આપેલાં મોટપનાં બંધનોમાંથી સર્જન-અવસ્થામાં મુક્ત થવાની વાત કે સર્જકનો પુરુષાર્થ છે. હું સારાં-નરસાંના, શુભ-અશુભના ખ્યાલોમાંથી મુક્ત થવાનું નથી કહેતો, તેના અહંકારમાંથી મુક્ત થવાનું છે, પણ તેના ખુદથી મુક્ત થવાનું બનતું નથી. તો તો સુંદર-અસુંદરથી પણ મુક્ત થવાનું ને? અસુંદરમાં પણ સુંદરનો અંશ જોવો તે જુદી વાત છે, પાકી આંબલીમાં પણ ખટાશની જોડેની મીઠાશ સ્પૃહણીય બને છે. કેવળ સુંદર કે કેવળ અસુંદર ભૂમિતિનાં બિંદુ જેવાં છે પણ બંને ભિન્ન ભિન્ન છે, મિશ્ર હોવા છતાં ભિન્ન ભિન્ન છે તેમાં શંકા નથી અને અસુંદરમાં રહેલી સુંદરની જ ચાહના મનુષ્યને થાય છે, અને સુંદરમાં રહેલ અસુંદર પ્રત્યે વિરાગ પણ થાય છે. પણ આ બધાની પ્રાપ્તિ કે ઝાંખી માટે પહેલી શરત અહંકારવિલય છે. મારો સુધારક કે સમાજ પરિવર્તકનો અહંકારવિલય નથી થતો, અને તેથી અણગણ્યા અનુભવો હોવા છતાં તે અનુભવોમાંથી કલા નીપજતી નથી. સર્જનમાં અહંકારવિલય અઘરો છે તેમ પણ નથી, સુંદરની ઝાંખી થતાં પોતાપણું ઓલવાઈ જાય છે. સૌંદર્યનું એ જ જાદુ છે. પણ મારા અલ્પાનુભવે એમ પણ કહું કે જેમાં સુધારકનો કર્તાભાવ છે ત્યાં સૌંદર્ય હોય તોય દેખાતું નથી. તેની સામાજિક દુર્બળતાઓ, રાજકીય અલ્પતાઓ જ મોટું સ્વરૂપ ધારણ કરી બીજું દેખાવા દેતી નથી. આંખ છતાં અંધાપો, જલ બીચ મીન પિયાસી જેવી એ બીના છે. પણ હું ઊંડા પાણીમાં ઊતરી ગયો, અને સામાન્ય તરવૈયાએ ઊંડા પાણીમાં જવું જોખમી છે. આપણે શબ્દના મહિમાનું મૂળ શોધવાનું છે અને તે છે જીવનના અખંડ દર્શનમાં કે અખંડ દર્શનાનુભવની સ્મૃતિમાં. અક્ષય શબ્દ, એ આપે છે. હિબ્રુ યુનિવર્સિટીના ઇતિહાસના જાણીતા ચિંતક પ્રો. ટાલમાન જોડેનો વાર્તાલાપ મને યાદ આવે છે. ઇતિહાસના તથ્ય અને સત્ય વિશે અમે વાતો કરતા હતા, ત્યારે ઓચિંતાનું હું પૂછી બેઠો, ‘પ્રોફેસર ટાલમાન, ઇતિહાસની દૃષ્ટિએ આખરે સત્ય કે અસત્ય શું છે? ૧૯૮૦ વર્ષ પર પાઇલેટે ઈશુને આ જ સવાલ પૂછેલો – ‘What is truth?’ ટાલમાન ઘડીભર નીરવતામાં સરી ગયા. પછી કહે, ‘પરિસ્થિતિનું કે માણસનું ખંડદર્શન તે અસત્ય અને અખંડદર્શન તે સત્ય.’ ગ્રીકોએ તેને એકાગ્ર અને અખંડ કહેલ છે, આપણે થોડું સુધારી શકીએ કે અખંડમાં એકાગ્ર દૃષ્ટિ. ટાલમાન પોતાના કથનને વિસ્તારતાં કહે, ‘આમ હોવાથી જ ઇતિહાસ નવી નવી રીતે લખાતો રહે છે. બધી હકીકતો એકીક્ષણે પ્રગટ થતી નથી, જેમ હકીકતો મળતી જાય તેમ ખંડસત્યમાંથી અખંડસત્ય તરફ જતા જઈએ છીએ.’ પોતે પહેલાં જેને અસત્ય કહેલું તેને જ પાછળથી વિલક્ષણતાથી ખંડસત્ય કહ્યું. જે અપૂર્ણ છે તે પણ આંશિક સત્ય છે. અને આંશિક સત્ય હોવાથી તે અસત્ય પણ છે. આ તર્કજાળ નથી, પણ જીવનના ઊંડા પાણીની વાણી છે. સ્વામી વિવેકાનંદે આ જ વાત ‘असतो मा सद्‌गमय’નું શ્રુતિવાક્ય બદલીને કહેલું, ‘Man does not march from untruth to truth, Man marches from lower truth to higher truth.’ આ રીતે આપણે સાહિત્યકૃતિઓ તપાસીએ તો ઘણો નવો પ્રકાશ સાંપડે. અખંડ સત્યનું દર્શન થયા પછી જ કલમ હાથમાં લેવાનું કોઈ વ્રત લે તો ભાગ્યે જ એકાદો શબ્દ ઉતારી શકે. અને છતાં સત્યાધારિત સૌંદર્ય કે સૌંદર્યપૂર્ણ સત્ય એ શબ્દના મૂળ મહિમાનો આધાર અવશ્ય છે, અમર શબ્દનાં મૂળિયાં તકલાદી ન હોઈ શકે. સારાં, મધ્યમ, નબળાં – બધા પ્રકારનાં સાહિત્યનું સર્જન બધા કાળે થતું જ રહ્યું છે – અખંડદર્શનની વાત જોઈને બેસી રહેવાનું નથી. એટલે ખંડની મદદથી અખંડની દિશામાં યાત્રા એ જ ઉપાય રહે છે. માણસ પોતાની ઇન્દ્રિયોની મદદથી ખંડદર્શન કરી શકે છે, પણ તેનું મન, તેની કલ્પનાશક્તિ તેને ખંડિત સત્યમાં જ રહેવા દેતાં નથી – ‘ન ઇતિ, ન ઇતિ’ – કહીને તેને વધારે ને વધારે અખંડતાની દિશામાં ખેંચ્યે જાય છે. સાહિત્યસર્જનમાં આનો કાંઈક અણસારો મેં મારા ત્રણ નવલકથાવાળા લેખમાં કર્યો છે. ગોવર્ધનરામ, મુનશી અને પન્નાલાલ ત્રણેએ પોતાની સર્જન-અવસ્થામાં અનાયાસે આંશિકમાંથી પૂર્ણ યુગચેતના તરફ જવાનો કેવો પ્રયાસ કર્યો છે તેની ચર્ચા મેં ‘સરસ્વતીચંદ્ર’, ‘ગુજરાતનો નાથ’ અને ‘માનવીની ભવાઈ’માં રહેલો એકતાર દર્શાવતાં કરી છે. માણસ પોતાની અર્થવ્યવસ્થાથી પરિબદ્ધ છે તેમ માર્ક્‌સે અદ્‌ભુત રીતે પ્રતિપાદિત કર્યું છે, અને ઇતિહાસના આર્થિક અર્થઘટનના સિદ્ધાંત દ્વારા રાજકારણ, સાહિત્ય, ધર્મ, તત્ત્વજ્ઞાન – બધાં ઉપરના મજલા પાયાના આર્થિક મજલા પર કેમ ઊભા છે તેનું સૂક્ષ્મ વિવરણ કર્યું છે. આ વિવરણ ઠીક ઠીક સાબૂત પાયા પર ઊભું છે તેની સાબિતી આપણી સાહિત્યકૃતિઓમાંથી મળી રહે તેમ છે. હરેક યુગની સામાજિક ચેતના તે તે સમયના સામાજિક ઉત્પાદનનો અરીસો છે, તેમ તેણે મનાવ્યું છે. આપણું નવા યુગનું સાહિત્ય લખવા માંડ્યું ત્યારથી છેક આજસુધી આપણા સાહિત્યની લીલાભૂમિ નવા ઊભા થતા મધ્યમ વર્ગની જ આસપાસ રહી છે? આપણા આમસમાજનાં પાત્રો પણ લેબાશમાં ભલે આમપ્રજાનાં લાગે, પણ અંદરથી બહુધા મધ્યમવર્ગનાં જ કેમ રહ્યાં છે? ખુલાસો એક જ જડે તેમ છે કે સામાજિક ચેતનાનો પ્રતિનિધિ આ બધા ગાળામાં અને હજી પણ નવો મધ્યમ વેપારી કે નોકરિયાત મધ્યમવર્ગ જ રહ્યો છે. આપણી સ્વાતંત્ર્યની અભીપ્સા – આપણી નવા સમાજના પરિવર્તનની અભીપ્સા – આપણી છેલ્લા માણસને પહેલાં સંભાળવાની અભીપ્સા, દરેક પાસેથી શક્તિ મુજબ કામ અને જરૂરિયાત મુજબનું દામનું રૂડું મનોહર સ્વપ્નું, – આ બધાંનો વાહક આ ગાળામાં કોણ છે? મધ્યમવર્ગ. દુર્ગારામ મહેતાથી માંડીને કિશોરલાલ મશરૂવાળા સુધીના લેખકો-ચિંતકો નવા મધ્યમવર્ગના છે. આ નવો મધ્યમવર્ગ આમપ્રજા માટે મથે છે, પણ તે પોતે આમપ્રજા નથી, ‘માનવીની ભવાઈ’ એક મૂલ્યવાન પ્રસ્થાન છે આપણા સાહિત્યમાં; પણ રાજુ કે કાળુનું આંતરજગત પૂર્ણતઃ ઈશાનિયા ખૂણાનું નથી, યુરોપના રેનેસાં – નવજાગરણે વિચાર તેમજ આચારના કેન્દ્રમાં માણસને પ્રસ્થાપિત કર્યો – જેમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ગાયત્રી પ્રગટી, તેનાં તેઓ પ્રતિનિધિ છે. આમપ્રજાનાં સાચાં પાત્રો સર્જવાનું, તેમનાં હૃદય પ્રગટાવવાનું તો હજુ બાકી જ છે, બદલાતા કૃષિપ્રધાન સમાજનું હૂબહૂ દર્શન તો વાટ જોતું પડ્યું છે. અને તેથીયે આઘે આઘે પડ્યું છે કશા વર્ગ, જાતિ, રંગ, પંથની બાધા વિનાનાં નર-નારીઓનું દર્શન. પણ તે નથી થયું કારણ કે સામાજિક ચેતના હજુ તે તબક્કે પહોંચી નથી. આપણે તેનું ધ્યાન કે ગાન કરી શકીએ છીએ – કરીએ છીએ. ઉમાશંકરે ‘દે વરદાન એટલું’ – માં અનુપમ રીતે એ ગાન કર્યું છે :

‘ન ભોમકા ગાય વસૂકી શી હો!
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો.’
પણ હજુયે અગણિત શિશુઓનાં સ્મિતો વિલાયેલાં છે અને —
‘ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથીય છેલ્લા.’
ક્યાંયાં છે આ? કે –
‘ને બ્રાહ્મણો – સૌમ્ય વિચારકો–, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.’
છે? બહુધા નથી.

પણ જે છે તેના જ ગાનથી શબ્દમાં મહિમા પ્રગટ્યો નથી. જે થવા મથે છે તેનું અણિશુદ્ધ અવતરણ કરનારા શબ્દનો મહિમા છે. મનુષ્યનું તત્ક્ષણનું સ્વરૂપ જ નહિ પણ મનુષ્યનું ઉદ્‌ઘાટિત થતું સ્વરૂપ પણ જેમાં વ્યંજિત થાય તે શબ્દ સ્મરણીય, અરે પ્રણમ્ય બને છે. આપણા દશાવતારની કથા એ આખરે આ કૂટસ્થના ઉદ્‌ઘાટિત થતા સ્વરૂપ સિવાય શેની કથા છે? જે વિભુ, મત્સ્યાવતારમાં પ્રગટ્યો તે ત્યાં અટકી નથી જતો, વરાહ-નરસિંહ-વામન-પરશુરામ-રામ-ગોપાળ અને બુદ્ધ રૂપે પ્રગટ થયા વિના વિરમતો નથી. રમતા રમતા જ વિરમવું. આ લીલામાં જે મનુષ્ય પ્રગટ થાય છે તે અન્ન કે પ્રાણ કે મનના કોશોથી પૂર્ણ પરિબદ્ધ મનુષ્ય નથી. પરિબદ્ધ નથી તેવું નથી, પણ સીમામાંથી અસીમમાં જવું – તે માટે પરિબદ્ધતા તોડવાની મથામણ તે જ મનુષ્યનું આગવું લક્ષણ છે. દશાવતાર ભગવાનની કથા નથી, મનુષ્યની આંતર-અભીપ્સા અને પ્રસ્થાનની કથા છે. ડાર્વિને એ મોડું મોડું પારખ્યું, પણ ઋષિઓએ તો પહેલેથી જ પુરાણપુરુષને એના બાલસ્વરૂપમાં પણ ઓળખી લીધો હતો, જેમ ભક્તિરત ગોપીઓએ બાલકૃષ્ણમાં તે જ પુરુષોત્તમને પામી લીધા હતા. એટલે જ ઋષિઓએ પુરુષને ‘અધ્યતિષ્ઠત દશાંગુલમ્’ કહીને ઓળખાવ્યો. પ્રકૃતિના બધા કોશોથી દશ આંગળ ઊંચો રહેવા મથતો પુરુષ. આનું હૂબહૂ દર્શન તો બાકી જ છે અને હોય જ, કારણ કે તેને અવતરવાને એકાદશમો અવતાર થવાનું હજું બાકી જ છે, પણ ગુજરાતી સાહિત્યસ્વામીઓએ એ કૈલાસની કાંઈ જ ઝાંખી નથી કરી તેવું નથી – ગોવર્ધનરામના ‘કલ્યાણગ્રામ’થી વર્ષા અડાલજાના ‘ગાંઠ છૂટ્યાની વેળા’ સુધી તેનું પગેરું નીકળી શકે તેવું છે. ભલે આજની ક્ષણે આપણે મધ્યમવર્ગના સ્તરે ઊભા હોઈએ. આ ચિત્તપાવનયાત્રા ‘કંટકછાયો પંથ’ છે – સામાજિક સંઘર્ષ અને વેદનાનો અનુભવ છે, એટલે ચામડી જાતે ઉતરડવાની તેની કહાણી ઘણી વાર તો કષ્ટપ્રથા બની જાય છે, આપણામાં જામી ગયેલી પણ નિરર્થક બનેલી સામાજિક માન્યતાઓને ઉતરડીને ફેંકી દેવાની કષ્ટકથા. ઉમાશંકરે એમના એક અપરિચિત રહી ગયેલા ‘પિપાસા’ કાવ્યમાં આ વેદનાને વણી છે : ‘એ યુગતરસ્યા જગકંઠ! જરી તું પુકાર કરજે ધીરે, આ જાગી જશે અંધાર વિંધાતાં તવ રવ-કંપ-સમીરે. જો! નિશા ન ઝબકી જાગે! ને થાતાં પુનઃ પ્રભાત સ્વજન મુજ જીવન ભેટ ન માગે!’ સ્વજન, એટલે જૂની માન્યતાઓની આંતરિક સૃષ્ટિ. અંધાર વીંધવા જતાં–યુગતરસ્યા જગકંઠની તરસ છિપાવવા જતાં આ જૂના સ્વજનો તને કદાચ રોકશે. ‘નિજ અંગ પછાડી પંથે મારા ચરણ રંગશે રાતા!’ માર્ક્‌સે કોઈક જગ્યાએ એને જ વરેલી લાક્ષણિકતાથી કહ્યું છે, ‘મનુષ્યની પ્રગતિનો રાહ પેલા હિંદુ દેવતા જેવો છે. જે અમૃત પીએ છે, પણ મનુષ્યની ખોપરીમાં.’ એટલે આ યાત્રામાં બધું સુષ્ઠુ સુષ્ઠુ નથી, અનેક આંતરવિરોધોવાળું ચઢાણ છે. એક અવતારમાંથી બીજા અવતારમાં પ્રવેશ આંતર-બાહ્ય સંઘર્ષ વિના શક્ય નથી – એમાંયે કઠિનતમ છે આંતરસંઘર્ષ. હવે આંતરસંઘર્ષમાં મનુષ્યનો જેટલો વિજય તેટલો બાહ્યસંઘર્ષ ઓછો ભીષણ બને. ગાંધીજીએ તેની સાદી ભાષામાં આને રચનાત્મક કાર્ય કહ્યું. રચના એટલે પોતાની નવરચના અને પછી સમાજની બાહ્યરચના. આમ થાય તો બળપ્રયોગ ઘટે. સવર્ણો અસ્પૃશ્યોને ભેટે તો વિગ્રહ ઘટે. સાહિત્ય આ આંતરસંઘર્ષને કલાના અસબાબથી વિભૂષિત કરે છે ત્યારે બાહ્ય સંઘર્ષ ઓછો તીવ્ર, ઓછો લોહિયાળ રહે છે, કારણ કે આ આંતરસંઘર્ષનો ચૈતસિક અનુભવ હરેક મનુષ્યને પરગેટરીમાંથી પ્યુરિફિકેશન – પ્રાયશ્ચિત્તમાંથી પુનર્જીવનમાં સ્વતઃ લઈ જાય છે અને બળના રાજ્યને બદલે સહાનુભૂતિનો પ્રદેશ શરૂ થાય છે. સાહિત્યની આ અસર સામાજિક પરિવર્તન ઇચ્છનારાઓને મોટી મદદરૂપ છે. જે વર્ગમાં વિદ્યાર્થીઓ વધારે ને વધારે સ્વશાસિત થાય છે તે વર્ગમાં શિક્ષકની કરડી આંખ કે સોટીનું શાસન કમ અને કમ થતું જાય છે. આને જ સૉક્રેટિસે આત્મચિકિત્સાની આદત કહી છે. અને એટલે સુધી કહી નાખ્યું છે કે આ આત્મચિકિત્સા વિનાનું જીવન વ્યર્થ છે. આ દેશનું એ પરમ સૌભાગ્ય છે કે પ્રજાને આત્મચિકિત્સા, આત્મશોધન તરફ લઈ જતી સાહિત્યકૃતિઓ અવતરતી રહી છે. વર્તમાન કાળમાં રવીન્દ્રનાથનું ‘ગોરા’ અને ‘ઘરે બાહિરે’ આના ઉત્તમ નમૂના છે, એમાં ભૂત-વર્તમાન અને ભવિષ્ય જોડાજોડ, સંઘર્ષ અને સમન્વય સ્વરૂપે ઊભાં છે. હિંદુ ધર્મ પરનાં બધાં યોગ્ય કે અયોગ્ય આક્રમણોનો સામનો ગોરા કટિબદ્ધ થઈ કરે છે. ગોરા જાણે ભૂતનો સમર્થક છે, પણ કથાના અંતનો પરિવર્તિત ગોરા જુદો છે. પોતે ખરે જ વિદેશનું સંતાન છે એ જાણ થતાં જૂના સ્થિતિચુસ્ત હિંદુ – ધર્મનું કઠોર સ્વરૂપ તે અનુભવે છે, તેમાંથી પરિવર્તિત થયેલ ગોરા સમન્વિત સત્ય synthesis છે, આત્મશોધને આ વેદનાસંભવ સત્ય આપ્યું છે. સ્થિતિચુસ્ત અહંમન્ય હિંદુમાંથી હિંદી ભારતીય અવતારની પ્રસૂતિવેદના ‘ગોરા’નો વિષય છે. અને ‘ઘરે બાહિરે’? જગતની ગણગાંઠી અનવદ્ય સુંદર, અને પ્રગાઢ સત્યની કથા. વિમલા-સંદીપ-નિખિલનાં આંતરકુરુક્ષેત્રની, અક્ષૌહિણીવિદારણ કથા. તે પણ આખરે શું છે? આત્મચિકિત્સા – આત્મશોધનની કહાણી. પ્રેમ જતાં એનું જીવન બળી ગયેલ વનરાજી જેવું બની જાય છે – તે નિખિલ વિમલાને પરાણે પોતાની કરવાનું તો કલ્પી શકતો નથી, કારણ કે પરાણે કોઈનેય રાખવું તે મિથ્યા છે – અનૃત છે. વિમલા પોતાની હતી એ ભ્રમ સાબિત થાય અને તેથી ગમે તેટલી પીડા થાય – તોયે તેને આશ્વાસક ભ્રમ નથી જોઈતો. પીડાજનક સત્ય જોઈએ છે. તે કહે છે – ‘હું મારા દેશને ચાહીશ, પણ પૂજા તો સત્યની જ કરીશ.’ ‘ઘરે બાહિરે’ બંધિયાર ઘરમાંથી પ્રકાશના આંગણામાં આવવાની કથા છે. સમગ્ર ભારતવર્ષની. મધ્યયુગમાંથી નવા યુગના પ્રકાશમાં આવતાં અંજાઈ જઈ અથડાઈ પડતાં સ્ત્રીપુરુષોની તીવ્ર અસહ્ય મનોવેદનાનો આલેખ છે. પરમ પ્રકાશ એમ ને એમ પ્રાપ્ત થતો નથી. તે તો આકરું મૂલ્ય, પોતાની ચામડી જાતે ઉતરડી આપવાનું દાનેશ્વરી કર્ણ જેવું પરાક્રમ માગે છે. આવા પરાક્રમ માટેની પ્રેરણા જે ભાષાના સાહિત્યકારો આપી શકે છે, આપતા રહે છે તે સમાજ ક્ષેમકુશળ છે. ભારતીય સમાજ આજ લગી ગઈ-પચ્ચીશી સુધી ક્ષેમકુશળ રહ્યો છે તેનું શ્રેય આવા સાહિત્યસ્વામીઓને, ભક્તો-કવિઓને જાય છે. એક કાળે આ દેશમાં યજ્ઞયાગાદિકમાં થતી ઘોર પશુહિંસા સામે પ્રકોપ ઊઠ્યો હતો. ઉપનિષદો અને બુદ્ધવાણીમાં, નાગાનંદ, સૌંદરનંદ, જાતકકથાઓ, અશ્વઘોષનું બુદ્ધચરિત – ધમ્મપદ, થેરીગાથા જેવા સાહિત્યમાં. સમાજ તેને સાંભળી, સ્મરી, પુનર્ગાન કરી તેના અલૌકિક પ્રભાવમાં ઋજુ,કોમળ બન્યો. બુદ્ધ વેદપ્રામાણ્યમાં માનતા નહોતા છતાં તેમના ચાલીશ વર્ષ સુધી ચાલેલા અભિક્રમણમાં એકાદ અપવાદ સિવાય ક્યાંયે તેમને રંજાડ નથી થઈ. પણ તેમની આલોકિત આત્મચિકિત્સા તરફ કરુણાભાવે લઈ જતી વાણીને પ્રતાપે આખો સમાજ કોઈક અલૌકિક સ્પર્શે, નવો અવતાર પામ્યો. યજ્ઞહિંસા, આચારકઠોરતા, બ્રાહ્મણત્વનું મિથ્યાભિમાન ઓગળી ગયાં. તથાગતના ઉપદેશનો સાર પણ આખરે કરુણાભરી આત્મચિકિત્સા જ હતી. અંગુલીમાલની કથા આનો શ્રેષ્ઠ નમૂનો છે. ફરી કેટલાય સૈકાઓ પછી વળી પ્રશ્ન ઊભો થયો. ધર્મના નામે, શાસ્ત્રવાદના નામે ઊભા થયેલા વાડાઓ મુસ્લિમોના સ્થૂળ આક્રમણ અને વૈચારિક આક્રમણ નીચે કોટલામાં પુરાઈ હિંદુ ધર્મ છિન્ન-વિચ્છિન્ન થઈ ગયો હતો. આત્મહનન કરતો હતો. એ વખતેય તેજસ્વી, ન્યાય અને કરુણાપ્રવણ ભક્ત-કવિઓની હારમાળા આ દેશના એક છેડેથી બીજા છેડા સુધી એક બારમા શતકથી શરૂ કરી સત્તરમા શતક સુધી ચાલુ રહી. કોને સંભારવાં, કોને ભૂલવાં! પદોમાં રસગંગા અવતારનાર ચંડીદાસ, વિદ્યાપતિ, એકલમલ્લ વીર કવયિત્રી મીરાં કે કબીર, નાનક, સૂર, તુલસી, એકનાથ, તુકારામ, મનાંચે શ્લોકવાળા રામદાસ કે મહારાષ્ટ્રી સંતમંડળના મેરુસમા, મરાઠી ભાષાના ઉદ્ધારક અને આભૂષણસમા જ્ઞાનદેવ-મુક્તાબાઈ, સોયરાબાઈ, જનાબાઈ – અમારા ખોબા જેવડા સૌરાષ્ટ્રનાં ભીમચરણે બેઠેલા હરિપ્રેમે ઉજ્જ્વળ દાસીજીવણ – મર્મવેધી ચિકિત્સા કરનારો અખો! આ બધાએ જ્ઞાતિના અત્યાચારોથી પીડિત, ક્ષુદ્ર આચારની ગંધાતી ખાડ્યમાં સબડતા સમાજને શબ્દ દ્વારા આહ્‌વાન કર્યું અને કોઈક વાર પ્રેમથી, કોઈક વાર રોષથી, કોઈક વાર સખેદ, કોઈ વાર સવેગ ગાયા કર્યું. ‘અરે ભાઈઓ – અરે બુદ્ધુઓ, ગાય કાળી હોય કે પીળી – પણ દૂધ બધાનું સફેદ જ હોય છે,’ અને તુલસીને પાંદડે રીઝનાર ભગવાનના નામે સાખ દીધી કે ‘હરિ ભજે સો હરિકા કોઈ’ – જે હરિએ ‘અનબોલત મેરી બીરથા જાની’ મને અલગ અને મુક્ત કર્યો છે, આધાર વિના ક્ષતવિક્ષત થતા સમાજને આ વાણીના અમૃતથી સજીવન રાખ્યો. આજેય ગામડામાં એ વાણી સમૂહગાનમાં વહ્યા કરે છે : ‘અજરા કાંઈ જરિયા ન જાય, ધીરે ધીરે સંત પીઓ હો જી.’ અરે સાધુ, અજર-અમરની પ્રાપ્તિ એમ સહેલી નથી, એ જ્ઞાન પચાવવું અઘરું છે – અથર્યા ન થાઓ મારા વીર. જયણાનાં જીન ધરો હો જી— ધીરજના પલાણ માંડો ભગત— આમ આ અર્ધસંસારી – અર્ધ સાધુ – અભણ છતાં સાજા કોઠાના, અંદરના અનભે દીવાને પ્રગટાવી ચૂકેલા એ ભક્તોએ આવનારા ગાંધીની અસ્પૃશ્યતાનિવારણ, આદિવાસી સેવાના યજ્ઞની ભૂમિકા બાંધી હતી. ભારતીય સમાજની આત્મચિકિત્સા કરી નીરોગી રાખ્યો. અકિંચન ગાંધીનું આ દેશમાં એ કાળે ઊપજ્યું તેને થોકે થોકે લોક – વર્ણાવર્ણી વિના આરોહણયાત્રામાં મળ્યા તેનું કારણ આ ભક્તોનું ભૂમિખેડાણ છે, એ ચાલુ રહેશે ત્યાં સુધી જેવારો છે. આ ચિકિત્સા અત્યારે કરવા જઈએ છીએ ત્યારે શું દેખાય છે આજની ઘડીએ? છિન્નભિન્ન માનવી, ઉમાશંકરે ‘છિન્નભિન્ન છું’ લખ્યું તે પહેલાંની એ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે; સ્થાનિક જ નહિ, જાગતિક. યંત્રવિદ્યાના છેલ્લા દોઢ સૈકાના વિકાસે સમસ્ત યંત્રવિજ્ઞાનની તાંત્રિક બાજુને બે સ્વરૂપે બહાર આણેલ છે. ઝીણામાં ઝીણો શ્રમવિભાગ અને શ્રમ કરનાર માનવીની પોતાની વધારે ને વધારે નિરૂપયોગિતા કે અનુપસ્થિતિ. શ્રમવિભાગ જેમ વધારે તેમ ઉત્પન્ન થતી વસ્તુ, તેનો હેતુ, તેની વપરાશ વિષે ઉત્પાદકનું અજ્ઞાન વધારે ને વધારે. તે, વસ્તુ કેમ પેદા થાય છે, શા માટે પેદા થાય છે, તે તો જાણી શકતો જ નથી – પણ વસ્તુને તે જોઈ પણ શકતો નથી, વસ્તુના હજારમા ભાગનો કોઈક અંશ તે પોતાની સામે બનતો જુએ છે, પણ વસ્તુને નહિ. વિપુલ ઉત્પાદન માટે આ જરૂરી હશે, પણ મનુષ્યત્વના ઉત્પાદન કે સંશોધન માટે તો તે પૂર્ણપણે ઘાતક સિદ્ધ થયેલ છે. માણસ પોતે હેતુલક્ષી પ્રાણી છે. આમ તો બધા જીવો હેતુલક્ષી છે. નાની કીડી કે ઊધઈ પણ. પણ મનુષ્ય સિવાય બીજા જીવોનો હેતુ વૃત્તિગત હોય છે અને તે જીવવા અને નવા જીવો જન્માવવા પૂરતો મર્યાદિત છે. મનુષ્યના જીવવાનો હેતુ કોઈ એક શબ્દમાં વર્ણવવો હોય તો તે આનંદ છે – એને માટે વૃત્તિ મુખ્ય નથી પણ કલ્પનાશક્તિ અને સારાસારની શોધ મુખ્ય છે. અતિ શ્રમવિભાજિતવાળો, અતિ પરસ્પરાવલંબી ઉત્પાદન પ્રક્રિયાવાળો સમાજ નહોતો ત્યાં સુધી માણસની જરૂરિયાતોના ઉત્પાદનની કામગીરી અને આનંદની કામગીરી વચ્ચે ખાઈ નહોતી. પીંજતાં પીંજતાં કાવ્યો રચાતાં, જનાબાઈને દળતાં દળતાં ભજનો સ્ફુરતાં, અને કબીર જેવાને તો મનુષ્યજીવનની ચાદર, અને પોતે વણતા હતા તે ચાદર જાણે એક હતી. માણસ જેનો હેતુ સમજે છે તેમાં ઓછોવત્તો આનંદ લઈ શકે છે, પણ જેનો હેતુ કે ઉપયોગ જાણતો-સમજતો નથી તે પ્રક્રિયા તેને બોજારૂપ થઈ પડે છે, આગળ જતાં પ્રક્રિયા તેના પર કાબૂ જમાવે છે, અને આખરે તે, તે ઉત્પાદનથી, વિરક્ત બની, આખરે વિરોધી થઈ જાય છે, એકાકીપણાથી આરંભ અને વિરોધમાં અવસાન. આને માર્ક્‌સે એલિયેનેશનની પ્રક્રિયા કહી છે. સ્વાભાવિક જીવનમાં પોતાના કામ પર માણસ પોતાની મુદ્રા સ્થાપે છે. મહાન સ્થાપત્યો કે નાની કલાકૃતિઓમાં પણ આ જોઈ શકાય છે. કર્તાની મુદ્રા કર્મ પર પડે છે. પણ અહીં ઊંધું થઈ જાય છે – કર્મની મુદ્રા કર્તા પર પડે છે. યંત્ર ચલાવતાં ચલાવતાં પોતે જ યંત્ર બની જાય છે. પણ મનુષ્યને યંત્ર બનવાનું અંદરથી પસંદ નથી, છતાં તે યંત્રનો નાશ કરવાનું પણ સામર્થ્ય ધરાવતો નથી, પણ તેને આ સમગ્ર રચના અર્થહીન લાગે છે. ઉત્પાદન-વિતરણ-ઉપભોગ કશું તેને સમજાતું નથી. એમાંથી આ બધું Absurd લાગે છે. અર્થહીન. ગાંડાનો પ્રલાપ છે તેવું તે કહેવા માંડે છે. પશ્ચિમી સાહિત્યમાં આ ઍબ્સર્ડવાદ એ ઉત્પાદન-વિતરણની અતિ યાંત્રિક પદ્ધતિની પ્રતિછબી છે. ગણ્યાગાંઠ્યા સિવાય ભાગ્યે જ કોઈને ખબર પડે છે કે આ તોતિંગ વ્યવસ્થાનો હેતુ શું છે – અને હેતુને હું કેમ મારો પોતીકો હેતુ બનાવી શકું. એલિયેનેશન અને ઍબ્સર્ડિઝમ, એકાકીપણું અને અર્થહીનવાદ જોડિયાં સંતાનો છે. એ સત્યનો નહિ, અસત્યનો પડછાયો છે. છેલ્લી પચીસીમાં તો આ જટિલ વ્યવસ્થા અતિ જટિલ બની છે. તે ઉત્પાદનવધારો કરે છે, તે આકાશમાં મોકલી શકે છે, પણ મોકલનારાઓને માટે તે સાહસનો પોતાના રોજિંદા કાર્ય સાથે ભાગ્યે જ આનંદસંબંધ હોય. આ આનંદસંબંધ તો નથી, ઊલટું કામના કલાકો તો આનંદના ન જ હોય તેમ તેને ઠસાવવામાં આવે છે, આથી આનંદ અને કામનો વિચ્છેદ થાય છે, તેટલું જ નથી – આનંદના અભાવે સ્થૂળ વસ્તુની પ્રાપ્તિ કે માલિકી હોવી તે ભાવ કે આનંદનું સ્થાન લે છે. ‘હૅવિંગ’ અને ‘લવિંગ’ અલગ છે. પ્રેમ કરવામાં અવશ્ય આનંદ છે – પોતાની જાતને અભિવ્યક્ત કરવાનો, પોતાની હજારો રાત્રિઓની સંચિત ખુશબો પ્રસરાવી, બીજાને તેમાં તરબતર કરવાનો આનંદ અવર્ણનીય છે, નાનું ફૂલ પણ તે આપી શકે છે, પણ મનુષ્યને પોતાની આવી અભિવ્યક્તિ માટે કોઈ ઓજાર કે કર્મ નથી, તેને વધારે વસ્તુઓ અવશ્ય મળે છે. બસો વર્ષ પર ઘેર ઘેર વીજળી અવશ્ય નહોતી. કોકાકોલા કે વિમટો ગામેગામ નહોતાં. નહોતાં જહાજ કે પોપસંગીત. આજે વસ્તુઓનો વધારો છે, પણ કર્મનો આનંદ નથી – એથી માનસશાસ્ત્રીય કાનૂન પ્રમાણે વસ્તુઓની માલિકી દ્વારા એ આનંદપ્રાપ્તિ કર્યાનો અર્થહીન દેખાવ કરે છે, ‘હૅવિંગ વિધાઉટ લવિંગ’. સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં, વિવિધ વાદોમાં આ પરિસ્થિતિનો ઘોષ ચાલ્યા કરે છે. રોજિંદું કામ આનંદ વિનાની તીવ્ર એકાગ્રતા માગે છે. પણ જીવન તો અર્થહીન બને છે તો. પછી વાર્તાનો અર્થ શા સારુ હોવો જોઈએ, કવિતામાં વળી કાંઈ બોધ શા સારુ જરૂરી? અને કદાચ આ જ ઢબે ચાલ્યું તો કહેશે કે આકારની પણ શું જરૂર? નામ-રૂપ જ્ઞાનીને જ મિથ્યા નથી. આપણે માટે પણ મિથ્યા જ છે, ભલે આપણે જ્ઞાની ન હોઈએ – આપણે આંકડા માત્ર છીએ. એકાગ્રભાવે અને અખંડભાવે જોવાથી શબ્દનો મહિમા સાંપડે છે તે તો ખરું પણ અખંડ ભાવે જોવાની અનુકૂળતા કે ત્રેવડ કોને છે? ક્યાં છે? મોટી કલાકૃતિઓ ન નીપજતી હોય કે નીપજવી કઠણ હોય તો તેનું આ કારણ છે. હજુ આપણે ત્યાં ઉત્પાદન કે વિતરણવ્યવસ્થામાં યુરોપ જેટલું વિભાગીકરણ આવ્યું નથી, એટલે ઍબ્સર્ડવાદ પણ એટલા પૂરતો અપ્રાસંગિક છે. પણ આપણે વેળાસર આનંદનું જન્મસ્થાન, તે માટેની આવશ્યક શરતો, તેની કસોટીઓ વિશે સચિંતભાવે નહિ વિચારીએ તો આપણે ત્યાં પણ બધું વાજતું-ગાજતું માંડવે આવશે. આ વિચાર સાથે, પ્રાચીન અને મધ્યયુગનાં મહાકાવ્યો કે વીર રસકથાઓને સરકાવવા જેવાં છે. આ બંને યુગોમાં વ્યક્તિત્વનું આજ જેવું છિન્નભિન્નપણું નથી. માણસની રોજિંદી નાની કે મોટી કામગીરી બહુ વિભક્ત નથી તેનું કર્મ સર્જન થવાની શક્યતા ખોઈ બેઠું નથી. આથી તે સમયની નાની કૃતિ પણ સંપૂર્ણ કરવાનો અવકાશ અને શક્યતા છે. પછી તે ધાતુ હોય, કાષ્ઠની હોય કે પથ્થરની કે હસ્તપ્રતરૂપ હોય. તેમાં પોતાના સર્જનસ્વરૂપને પ્રગટ કરવા તે કોશિશ કરે છે. અલબત્ત તેમાં માઇકલૅન્જેલો જે સિદ્ધિ મેળવે તે સામાન્ય શિલ્પી નહિ મેળવે, એ ઉઘાડું છે, પણ તેના આંતરિક આનંદમાં બહુ ફેર નહિ હોય. બધાં બાળકો કૃષ્ણ અને બધી માતાઓ યશોદા નથી હોતાં, પણ બધી માતાઓને પોતાનાં બાળકો હુલાવતાં, ઝુલાવતાં યશોદાત્વનો અનુભવ થાય છે. કારણ કે તેનું સર્જન એક અખંડ કર્મ છે. કર્મમાંથી કૃતિત્વ નષ્ટ થાય, અને તેના સૂક્ષ્માતિસૂક્ષ્મ, દૂરાતિદૂર અંશને ઉત્પાદિત કરવાનું, જ્યારે અને જેને ભાગે આવે ત્યારે કૃતિમાંથી સર્જનના આનંદને બદલે બોજ, થાક કે નિરર્થકતાનો જન્મ થાય છે. એક બીજી બાબત પણ આવા અતિવિભાજિત ઉત્પાદનની પેદાશ છે. અને તે સંયોજનની સાર્વભૌમતા. જેમ ઉત્પાદન વધુ વિભાજિત તેમ સંયોજન વધારે જરૂરી અને વધારે બળવાન. આનું બીજું પાસું એ કે ઉત્પાદક વધારે દુર્બળ, લાચાર અને આનંદહીન. અખંડ અને એકાગ્ર સર્જનને માટે આ પરિસ્થિતિ સંપૂર્ણતઃ પ્રતિકૂળ છે. આજના રશિયાના પુશ્કીન, ગોગોલ, તુર્ગનેવ, ટૉલ્સ્ટોય, દોસ્તોયવસ્કી જેવા મહાકથાકારોની હારમાળા મહાન ક્રાંતિ પછી પણ પેદા થઈ, તો પછી બીજા નંબરે ઊભો રહે તેવા સોલ્ઝનિત્શિન કે પાસ્તરનાક, નિર્વાસિત કે અર્ધનિર્વાસિત અને ભગ્નહૃદય કેમ છે? તે આ દૃષ્ટિએ તપાસવા જેવું છે. એટલું જ નહિ, મને એમ પણ સૂચવવાનું મન થાય છે, બીજા વધારે વિકસિત દેશોમાં મોટી કૃતિઓનું સર્જન આ અતિયંત્રવાદ પહેલાં થયું છે કે પછી, તે તપાસવા જેવું છે. ઇલિયડ મહાકાવ્ય છે તેમ સહુ સ્વીકારે છે પણ હોમરને રેડિયો કે ટેલિવિઝનની ઝાંખી પણ નહોતી, ઘરઘરાટથી વાતાવરણને દૂષિત કરતા વિમાન – વહેવારની તો કલ્પનાય ક્યાંથી હોય? દેવતાઓ ઓલિંપસ પરથી ઊડીને આવતા, પણ હવામાન શ્વાસ ન લેવા જેવું દૂષિત થઈ જાય તેવો તેને અણસારેય નહોતો. તેનું ભોજન, વસ્ત્રો સાદાં જ હતાં. આજની ભૌતિક વિપુલતાથી તે યુગ અસ્પૃશ્ય જ હતો. પણ તે છતાં ઇલિયડ અખંડ રસની કલાકૃતિ છે તે વિષે બેમત નથી, તેનાં નાનાં કે મોટાં પાત્રો પોતાનું વ્યક્તિત્વ, વીરતા, ચાતુર્ય, કોમળતા કે કઠોરતા જાગ્રતભાવે પ્રગટ કરી શકે છે. ઇલિયડનો આરંભ જ કેવો વ્યક્તિત્વપૂર્ણ ઢબે થાય છે, મેનલેઅસ સાથે નાસી ગયેલ હેલનને પાછી મેળવવા ગ્રીક નૌકા-કાફલો એગેમેમ્નોનની સરદારી નીચે ટ્રોય પાસે પડ્યો છે. એગેમેમ્નોન સૂર્યના પૂજારીની પુત્રીને ઉપાડી લાવેલ છે અને પૂજારીની પોતાની દીકરીને પાછી આપવાની આજીજી, કાકલૂદીઓને તેણે દાદ આપી નથી, આથી નૌકા-કાફલા પર રોગનું સંકટ આવ્યું છે તેમ કાફલાનો નજૂમી કહે છે. વયોવૃદ્ધ નેસ્ટર એગેમેમ્નોનને, પૂજારીની પુત્રીને સૌના ભલા માટે પાછી આપી દેવા સમજાવે છે, પણ તેનું સંભળાતું નથી. એક બાજુ ટ્રોજનોના વળતા હુમલા, બીજી બાજુ સૂર્ય(એપોલો)નો શાપ, આ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાનો આગેવાન કોઈનું સાંભળતો નથી. નઠોર કે નીંભરની જેમ વર્તે છે ત્યારે એકીલીઝનો પુણ્યપ્રકોપ ઊછળે છે. ઇલિયડનું બીજું નામ ‘એક્તલીઝનો પુણ્યપ્રકોપ’ પણ છે. તે કશાય સંકોચ વિના સંભળાવે છે – ‘સ્વાર્થીના સરદાર, દારૂડિયા, તને તારા લાભ સિવાય કશેય કશું દેખાયું છે? અમે લડીએ, ઘાયલ થઈએ અને લૂંટમાં તું બેઠો બેઠો મોટો ભાગ લઈ જાય તોય અમે તને આગેવાન ગણી કાંઈ કહેતા નથી. મારે તો ટ્રોજનો સાથે કાંઈ વેર નથી. તેમણે મારાં ઢોર વાળ્યાં નથી, કે નથી તેઓ મારો પાક લણી ગયા. તારા ભાઈની સ્ત્રીનું અપહરણ કરી ગયા એટલે અમે તારી મદદે આવ્યા, પણ તું તો બેકદર આગેવાન છે. પણ હવે મારી પ્રતિજ્ઞા સાંભળી લે. એવો દિવસ આવશે જ્યારે તમને એક્તલીઝ સાંભરશે, હેક્‌ટર તમને બધાને રહેંસી નાંખશે તે દહાડે મને સંભારજો. તે દહાડે ઝાડથી છૂટી પડેલી ડાળીને નવી કૂંપળો નહિ ફૂટે.’ આ પુણ્યપ્રકોપ એકીલીઝ કરી શકે છે, તેનું કારણ તેને આ કૃત્યના ન્યાયાન્યાયની પૂરી ખબર છે. પોતાની જવાબદારી અને અધિકારોનું ભાન છે, અને જો આ એપોલોના પૂજારીની દીકરી પાછી નહિ અપાય તો આખા ગ્રીક કાફલા પર કેવી આફત આવશે તેની તેને સ્પષ્ટ સમજ છે. આ બધું વિવિધ બાજુએથી તેને પ્રત્યક્ષ હોવાથી, તે પોતાના આગેવાનને પ્રકોપપૂર્વક, કાંઈક ગર્વથી ઠપકારે છે. એટલું જ નહિ, અસહકાર કરી પોતાના તંબૂમાં ચાલ્યો જાય છે એનું મુખ્ય કારણ એગેમેમ્નોન સાર્વભૌમ સંયોજક નથી અને એકીલીઝ તેનું નિર્જીવ કે દુર્બળ સોગઠું કે ખીલી નથી. વર્તમાન યુગે વિપુલતા માટે સ્વીકારેલ ઉત્પાદનવિતરણની પદ્ધતિને કારણે મોટા ભાગને જવાબદારીનું ભાન, અને તેમાંથી નીપજતી કર્તવ્યપ્રેરણા જ નથી. ‘હું શું જાણું?’ ‘મારે આમાં શું કરવાનું છે?’ ‘મારા બૉસ જાણે’ જેવું નથી? હવે જ્યાં જાણવાનું નથી, કરવાનું નથી ત્યાં સર્જન રહ્યું ક્યાં? રહી માત્ર અવઢવ, પછી એકલતા, તેમાંથી વિશૃંખલતા અને પછી નિરર્થકતાવાદ. જમા પાસામાં સ્વની જગ્યાએ વસ્તુઓનું આધિપત્ય. રામાયણ જે ફૂલો અને પંખીના સૂરોથી ઊભરાતાં ઉપવનોમાં સર્જાયું તે પણ સાદો સમાજ છે. કવિએ આરંભમાં પોતાના સંભવિત કથાનાયકના જે ગુણોનું વર્ણન કર્યું છે તે જુઓ. એકાકી કે વિશૃંખલ માણસનું નથી, અખંડભાવે સમન્વિત માનવની તે રૂડી છબી છે. હા, તે માનવ જ છે. વાલ્મીકિએ સ્પષ્ટપણે પોતે નરચરિત્ર વર્ણવવા માગે છે તેમ કહ્યું છે, અને તેથીય વધારે ચોકસાઈથી કહ્યું છે કે ‘સાંપ્રત નર’ કોઈ કલ્પનાનો તો નહિ જ, પણ ભૂતકાળનો પણ નહિ, હાલ જ હોય તેવો. અને છેક કાલિદાસ સુધી આવીએ. શકુંતલાવિદાયનો પ્રસંગ કોણ નથી જાણતું? તે અખંડ કરુણરસનો આવિષ્કાર છે. શકુંતલા કાંઈ કણ્વની દીકરી નથી, અને ઉપવનમાં હરણાં કે વૃક્ષ-વેલીઓ શકુંતલાનાં સંતાનો નથી, છતાં કેવો પ્રીતિજન્ય વિયોગ ઊભરાય છે! આ બધું પુનરાવર્તન કરીને એવું સૂચવવા નથી ધારતો કે આપણે જૂના યુગમાં પાછા જઈએ. જઈ શકીએ તો સાહિત્યસર્જનની દૃષ્ટિએ ખોટ જવાનો સંભવ નથી, પણ તે શક્ય જ નથી. પણ જો આપણને પૂર્ણ કલામય કૃતિઓ સાહિત્ય કે અન્ય કલાઓના ક્ષેત્રે જોઈતી હશે તો આ અતિ યંત્રયુગની ઘેલછામાંથી રસ્તો કાઢી સદ્‌ગત શૂમાખરે સૂચવેલ ‘Small is beautiful’ જવાનાં પગલાં ભરવાં પડશે, માણસ અને પરિસ્થિતિ વચ્ચે મેળ પાડી સખ્યભાવનું સ્વર્ગ રચવું પડશે. કોઈને થશે, અમારે સાહિત્યકારોને આ અર્થરચના, સમાજરચના સાથે શો સંબંધ? અમને તેમાં શા સારુ નોતરો છો? અમને અમારી છંદોબદ્ધ કે અછાંદસ કવિતાઓ કે સ્વલ્પ કથાઓ રચવા દો. હું સમજી શકું છું આવી લાગણી, પણ મિત્રો, આ ઘેલછા – વણજાર ચાલુ રહી તો તે ભાગ્યે જ શક્ય છે. હવા જેવું મલમલ વણવા માટે પણ આખરે તેને અનુકૂળ કપાસ-કતાઈ, પીંજાઈ કે વણકરીનાં સાધનો જોઈએ છે. પછી આપણે વીંટીમાંથી પસાર થતી પશ્મીના શાલ પેદા કરી શકીએ. પણ મઠિયા કપાસમાંથી મખમલ નહિ બને, હવામાંથી હવાઈ વસ્ત્રો નથી વણાતાં. આપણે એકદંડિયા મહેલમાં ઝાઝો વખત નહિ રહી શકીએ. મોક્ષાર્થી ગાંધીને પણ બહાર આવવું પડ્યું હતું. સાહિત્યકારોની પણ સાહિત્યસર્જન પરત્વે સામાજિક ભૂમિકા છે, ઝાંઝી નહિ તો થોડી પણ કાંઈક ભૂમિકા છે. તે ભૂમિકા કે જવાબદારી આ છે. માનવીના અંતસ્થ મહિમાને પ્રગટ કરનારું ગાન રચવાની. ઈસપની પશુપંખીઓની કથાઓ કે હૅન્સ ઍન્ડરસન કે ગ્રીસ ભાઈઓની પરીકથાઓ પણ ત્યારે જ રમણીય અને આસ્વાદ્ય બની છે જ્યારે એ પશુપંખી કે પરીઓમાં માનવીની મથામણ અને મહિમાનું આરોપણ કર્યું. ઍન્ડરસનની ‘રાજાનાં નવાં કપડાં’ તેની કીર્તિધ્વજા આ કારણે બની છે. દશાવતારે તો આ મહિમ્નસ્તોત્ર પ્રગટ કર્યું જ છે, ડાર્વિને તેને દીર્ઘ અભ્યાસની સહાયથી સમર્થન આપ્યું છે અને બ્રાઉનોવસ્કીએ તેના ‘એસેન્ટ ઑફ મૅન’વાળા અનુપમ ગ્રંથમાં તેના પર ભાષ્ય રચ્યું છે. તેણે આરંભે એક વાક્યમાં જ લાક્ષણિક રીતે આ આરોહણને સમાવી દીધું છે – માણસ એટલે? ‘Higher than the animal and lower than the Angel.’ કદાચ ‘ફિરસ્તા કરતાં ઊતરતો’ એ ખ્રિસ્તી ધર્મની, મનુષ્ય પાપજન્મા છે તેની અસર નીચે લખાયું હશે. પણ જે હોય તે, મનુષ્યનું આરોહણ નિશ્ચિત રૂપે પ્રગટ થયા કર્યું છે – તે પાપ કે સ્વાર્થનું જ પૂતળું નથી. પરિસ્થિતિ તેના પર અમુક કાબૂ અવશ્ય ધરાવે છે. પણ તે સંપૂર્ણ કાબૂ ધરાવતી નથી અને ક્રમશઃ તેનું વર્તુળ નાનું થતું જાય છે. માર્ક્‌સને આર્થિક નિયતિવાદનો પુરસ્કર્તા માનવામાં આવે છે, પણ તેણેય કહ્યું છે કે ‘પરિસ્થિતિ એ મનુષ્યનો શિક્ષક છે. પણ શિક્ષકનેય કોઈકે શિક્ષણ આપવું પડશે. Educator must be educated.’ કોઈક એટલે? ઓલિંપસનો ઝીયસ કે સ્વર્ગનો ઇન્દ્ર નહિ – કોઈક એટલે આપણે જ. આવું ન કહ્યું હોત તોપણ માર્ક્‌સવાદની છાયા નીચે થયેલી બધી ક્રાંતિઓએ માર્ક્‌સના અફર નિયતિવાદને નાસાબિત કરેલ છે રશિયા, ચીન કે યુગોસ્લાવિયાની ક્રાંતિઓ ખેડૂતપ્રધાન દેશોમાં થઈ છે. મજૂરપ્રધાન દેશોમાં નહિ. એક કૃતનિશ્ચયી મંડળે કઠોર શાસનથી સમાજપરિવર્તન કરેલ છે. આર્થિક પરિબળો ત્યાં હયાત નહોતાં. હા, અનવસ્થા, અવઢવ હતાં. વસ્તુતઃ આ ક્રાંતિઓએ ઊંધું જ સાબિત કર્યું છે કે રાજકીય સત્તા દ્વારા આર્થિક અને સાંસ્કૃતિક રચના નિર્માણ થઈ શકે છે. આર્થિક રચના પર રાજકીય અને સાંસ્કૃતિક રચના નિર્માણ થાય છે તેવા માર્ક્‌સના પ્રતિપાદનથી આ ઊધું જ છે. સાબિત થયું હોય તો એટલું જ કે દૃષ્ટિસંપન્ન કૃતનિશ્ચયી મનુષ્ય કે મનુષ્યોનું ઘટક પોતાનું ભાવિ રચવા માટે ઘણા પ્રમાણમાં સ્વતંત્ર છે, પ્રકૃતિ કે સામાજિક માન્યતાઓની પરવશતામાંથી તે બળોને વાળી કે નાથીને આગળ વધી શકાય છે. એટલે આપણે જેને કોઈકે ‘આત્માના ઇજનેરો’નું મોટું નામ આપ્યું છે, જેઓ વાંચનારાના ચિત્તને કાંઈક ઘાટઘૂટ, કાંઈક ગતિ આપી શકે છે તેમની એ સામાજિક જવાબદારી છે કે વાંચનારના ચિત્તને આજની ક્લેશમય પરિસ્થિતિનું રસમય દર્શન કરાવી તેને સખ્યભાવે, સહિષ્ણુતા અને સક્રિયતાથી પોતાનું ભાવિ ઘડવાની આત્મશ્રદ્ધા, સ્વચિકિત્સામાંથી જન્મતી આત્મશ્રદ્ધાનું નિર્માણ કરીએ. આ કવિકર્મ છે. પોતાના પ્રદેશમાં સોંપાયેલી કામગીરીનો જ એ ભાગ છે.’ આ કામ માટે સાહિત્યકારે પોતાની શસ્ત્રસજ્જતા કેળવવી પડશે, અહીં શસ્ત્રસજ્જતા એટલે શાસ્ત્રસજ્જતા. એકાગ્ર અને અખંડ દર્શન માટેની અનુકૂળતા પેદા કરવા માટેનું યુયુત્સુ ચિત્તતંત્ર ઘડવા સાહિત્યકારે અનેક શાસ્ત્રોનું અધ્યયન અને ક્યાંક આચમન તો અવશ્ય કરવાં પડશે, જે તે રાજકારણ કે અર્થકારણમાં ભલે ન પડે, પણ તેની જટિલતા કે તેની મૂર્ખામીનો તેણે અભ્યાસ તો કરવો જ પડશે, તે માનસશાસ્ત્રી ભલે ન હોય, તે નૃવંશશાસ્ત્રી તો ન બની શકે, પણ તેની ગતિ-વિધિ યોગ્ય દિશામાં માનવ્યને મદદરૂપ થાય છે કે નહિ તે કહેવા જેટલું તો તેણે જાણવું પડશે. અને ઇતિહાસ? તેના સેવન વિના મનુષ્યની મોટાઈ કે છોટાઈનું દર્શન એને બીજે ક્યાં મળશે? જીવનની અસંબદ્ધતા વચ્ચે સંબદ્ધતા તેને કેમ સમજાશે? ઇતિહાસ કલ્પનાલોક નથી. બનેલી વાતો છે. અને બનેલ હોવાથી તેમાં મનુષ્યની, તેના મંડળો કે સંસ્થાઓની, મૂર્ખામીઓ, કરુણિકાઓ કે પ્રશસ્તિઓને વાંચીને મનુષ્ય વિશેની તેની સમજ મેળવી, દૃઢાવી શકાશે. અને તત્ત્વજ્ઞાન? આમ જોઈએ તો સાવ નિરૂપયોગી વિષય, જીવ-જગત ઈશ્વરના અનંતકાળના સંબંધોનાં આપણા સાંત જીવનના અનુબંધે જે ઉડ્ડયનો થયાં છે તેનો રોજિંદા જીવન સાથે કેટલો સંબંધ? કહે છે કે, વ્યવહારડાહ્યા લોકો તેમાં પડતા નથી. પણ મૈત્રેયી જેવાં વ્યવહારશૂન્ય પાગલ લોકો છે, તે બોલી ઊઠે છે કે ‘જેના વડે મને અમૃત ન મળવાનું હોય તે લઈને મારે શું કરવું છે?’ કે બાળક નચિકેતાની જેમ યમને વીનવી શકે કે ‘દેવો પણ જે મૃત્યુનું રહસ્ય જાણવાને ઉત્સુક છે તે મૃત્યુનું રહસ્ય મને સમજાવો, મારે આ તમારા રથો, સુંદરીઓ અને લાંબું આયુષ્ય નથી જોઈતાં. श्वोभावा मर्त्यस्य सर्वेन्द्रियाणां हरयन्ति तेजः तवैव वाहाः तव नृत्यगीते । · જો નૃત્યગીત મારું તેજ ઓછું કરતાં હોય તો તેને લઈને શું કરવું છે? હું તો અમૃતસંતાન છું. મને તમે મૃત્યુનું રહસ્ય દર્શાવો.’ મિત્રો, આવાં ઉપનિષદો તે કેવળ તત્ત્વજ્ઞાન નથી – તે તો જીવનનાં ઉચ્ચાતિઉચ્ચ શિખરોથીયે ઊંચેરું ઉદ્‌ગાર-ઉડ્ડયન છે. ઉદ્‌ગારો – કવિના ઉદ્‌ગારો; તે ભાવસંતર્પક હોય, બુદ્ધિ, લાગણી, કર્મ, સમગ્ર ચેતનાને સંતર્પક હોય. આ બધાંનાં અધ્યયન, સેવન કે આચમન વિના આપણે ભાગ્યે જ વાચકના ચિત્તતંત્રને પ્રફુલ્લિત કરી શકીશું. આવો અભ્યાસ કરવો કઠણ છે એમ કોઈ ન માને. હું તો ધૂળિયાં ગામડાંના શિક્ષકનું સંતાન – મોટું કુટુંબ, સરખું પોષણ કરવા જેટલું પણ વેતન નહિ, પણ Man does not live by bread alone — કેવળ રોટીને આધારે માણસ માણસ બનતો નથી. મારા લૂણસર ગામની શાળાની નાનકડી લાઇબ્રેરી! એ જમાનામાં રંગ-બેરંગી ચિત્રાવલીથી શોભતાં પુસ્તકો તો છપાતાં નહિ; પાનાં ઉથલાવીએ તો ભાંગી જાય તેવાં આછાં-પીળાં પાનાં પર છપાયેલું નર્મગદ્ય કે વિજ્ઞાનવિલાસ અને તે પછી ઇચ્છારામ સૂર્યરામનું ‘ગુજરાતી’ – રતિપતિરામના મહાભારતનો સંક્ષેપ અને પછી આવી મેઘાણીની રસધાર. તેમાં પૂર્તિ કરી ઠસ્સાદાર અશ્વ પર સવાર થયેલા સાહસિક ‘કુમારે’. આટલામાં મારી ઇતિશ્રી આવી ગઈ; પણ એ બધાંએ મને નિર્ધન, છતાં ભલાં-ભોળાં માતાપિતાના સંતાનને, લૌકિક અભાવના જગતમાંથી ઉપાડી અલૌકિક સંતર્પકત્વ આપતા જગતમાં ખેંચી લીધો. એનું મુખ્ય કારણ આ બધાં ગ્રંથો સામાજિક સંદર્ભથી સંયુક્ત ગ્રંથો હતા. ‘રસધાર’ જેમ મારા ગામની કથા હતી, તેમ જ નર્મદાશંકર મારા ગુજરાત માટે જાગનારા પહેરેગીર હતા. અને આ ગુજરાત, શ્રીકૃષ્ણના સંબંધે છેક કુરુક્ષેત્રના પાંચજન્ય ઘોષ સુધી વિસ્તરેલું હતું; વચમાં આવતા મરુપ્રદેશમાં ઊભો હતો દુર્ગાદાસ. થંભ વિનાના આકાશને ટેકો દેતો ભાલો લઈને, શાહેઆલમ ઔરંગઝેબને પોતાની વીરતા અને દિલાવરીના દર્શન કરાવતો. હા – દિલાવરી અને વીરતા – દિલાવરી વિનાની વીરતા તો ક્રૂરતા બની જતી જોઈ છે ઇતિહાસે. અને તે પછી આવ્યો સ્વાતંત્ર્યસંગ્રામ, સ્વરાજઉત્સવો અને આજની વાદળે ઢંકાયેલી સંધ્યા. આ બધાં ચડતાં-ઊતરતાં સંસાર-સમુદ્રનાં મોજાં વચ્ચે પણ ચાલ્યા કર્યું છે વાંચન; વાંચન એટલે જ સત્સંગ. પ્લેટોનું ‘રિપબ્લિક’ એ કોઈ ગ્રંથ નથી. બુદ્ધિમંત સત્સંગીઓની મિજબાની છે; ‘કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો’ કોઈ પ્રચાર-પતાકડું નથી, એક તીક્ષ્ણ મેધાવાળી, અન્યાયે વ્યાકુળ પ્રતિભાનો સંતાપ છે. આ બધું આરામખુરશી પર બેસીને નથી વંચાયું. તળાવની પાળે, નિર્જન, તૂટેલ ઓટલા પર; જેલની કોટડીઓમાં, બસ અને ટ્રેનની ઘોંઘાટભરી ભીડમાં વંચાયે ગયું છે, બહારની બાધાઓ નથી નડી. અને આ બધા ગ્રંથોમાં કેટલાય તો શાસ્ત્રીય કહી શકાય તેવા હતા. ગેલબ્રેથનું ‘ઇંડસ્ટ્રિયલ સ્ટેટ’, એફલ્યુએંટ સોસાયટી’ કે લાસ્કીનું ‘ગ્રામર ઑફ પોલિટિક્સ’ રસમય – સરલ ગ્રંથો નથી. પણ તેમનું યત્‌કિંચિત્ રહસ્ય મેં તેમની પાસેથી જ મેળવવા કોશિશ કરી છે. કૉલેજમાં જવાનો તો સમય ક્યાં હતો? અને મને દાખલ કરે પણ કોણ? પણ જેની તરસ છે તેને કૂવો, વાવડી, પરબ, કાંઈક મળી રહે છે. જેહીકો જેહી પર સત્ય સનેહુ સો તેહી મિલત ન કછુ સંદેહુ. ગુંસાઈજીની આ ચોપાઈ કવિતાનું સત્ય અને સત્યનું કાવ્ય છે. – એ કાંઈ માત્ર નર-નારીપ્રેમની સાહેદી નથી – બધા પિપાસુઓ માટેનું આશ્વાસન છે. હા, આવું પામવા માટે છોડવું પડે છે. શિલ્પ, સ્થાપત્ય, સંગીત, ચિત્ર બધી જ કલાસાધનાના સાધકોએ ઘણું છોડવું પડે છે. ઘણી વાર તો કલા કેટલી ઊંચી તેનો આધાર કલાકારે પાર વગરની સાધનસામગ્રીમાંથી કેટલું બધું છોડી દીધું છે તેના પર રહે છે. ઘણી લાલચો, આકર્ષણો કે સગવડો છોડવાં પડે છે પણ તેનું અમૂલું વળતર મળી રહે છે. એટલે હું જ્યારે સાહિત્યકારની સામાજિક જવાબદારીની વાત કરું છું ત્યારે કોઈ મોરચા પર જાઓ કે સરઘસોમાં જોડાવ તેમ કહેતો નથી. હું તો પોતાના મોરચા પર સજ્જ થઈને લડે તેટલું જ કહું છું. ‘ખેમી’ની વાર્તા પાઠ્યપુસ્તકમાં ન લેવાય તેવું કેટલાક અણસમજુ હરિજનોએ કહ્યું, અને એથીયે અણસમજુ સરકારે તે સ્વીકાર્યું. એ પ્રશ્ન આપણી લડાઈનો, આપણા મોરચાનો હતો; હમણાં રાવણદહનની વાત વખતે કેટલાક ઉત્સાહી દલિત જુવાનોએ રામાયણને ઉત્તરના ઉજળિયાતોના દક્ષિણના પછાત લોકો પરના વિજય તરીકે ખપાવવા કોશિશ કરી, તે આપણા મોરચાનો પ્રશ્ન હતો. આપણે મન કોઈ ઉત્તરાપથી નથી, કોઈ દક્ષિણાપથી નથી – કોઈ પૂર્વનો નથી. કોઈ પશ્ચિમનો નથી – કોઈ કાળો નથી, કોઈ ગોરો નથી; આપણે પડતા-આખડતા છતાં અણનમ, અમર્ત્ય માણસનું ગાન ગાનારા છીએ. એ માણસનાં બહારનાં આવરણો જ્ઞાતિ-જાતિ કે દેશ-વિદેશનાં વાઘાં આપણને અલ્પ મહત્ત્વનાં છે. તે તેનું આગંતુક સ્વરૂપ છે, મૂળ નહિ. આગંતુકને ભલે રાજકારણીઓ મૂળ ગણે, અને તેને લીધે ભલે તેઓ અભિમન્યુના ચક્રાવામાં ફસાય, પણ આપણે સર્વાશ્લેષી અભ્યાસના પ્રકાશમાં ફસાશું નહિ જ, પણ ફસાયેલાને બહાર કાઢશું – ભલે તે લાંબા કાળે બને; ચિત્તતંત્રની માવજત કે પરિવર્તન તત્કાળ થતું નથી. Long is the way and narrow is the gate that leadeth of Heaven. કુળકન્યાને રીઝવવા જેટલી ધીરજ માગનારું આ કામ છે. પણ આ કામ આપણામાં વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કે પરિચય માગશે. આ યુગ જ, વિશેષ અને સમન્વિત અધ્યયનનો છે, જ્ઞાન-વિજ્ઞાનના સંયોગનો છે. આ માટેની જેને તરસ હોય તેને માટેની વ્યવસ્થા અને સગવડો સાહિત્ય પરિષદ કરે તેવું મારું સૂચન છે. કારણ કે આખરે સાહિત્ય પરિષદની ફરતી મૂડી – Fluid asset તો આ પ્રગટવા મથતી સાહિત્યિક પ્રતિભાઓ છે. તેમને ઘેર બેઠાં, કે પરિષદના બંધાનારા અતિથિગૃહમાં આવા જ્ઞાનવિજ્ઞાનના સમન્વિત અભ્યાસની સુવિધાઓ પ્રાપ્ત થાય તેવું કરવું જોઈએ. આવા અભ્યાસની જરૂરિયાત વિશે શંકા નથી. પણ એકાગ્ર અને અખંડ સર્જનવ્યાપાર માટે લોકાનુભવ પણ જોઈશે. આપણું સારું, મધ્યમ કે નબળું સાહિત્ય મધ્યમવર્ગની આજુબાજુ રચાયું છે. તેનું એક કારણ શિક્ષણપ્રથાએ આપણા તથા લોકસમાજ વચ્ચે નિપજાવેલી ખાઈ છે. આથી દેશ તો દુર્બળ બન્યો છે, પણ સાહિત્ય પણ મર્યાદિત થયું છે. આનો અર્થ એ નથી કે મધ્યમવર્ગની આજુબાજુ રચાતું સાહિત્ય કમ ગુણવત્તાવાળું હોય, કે છે. છતાં હાર્ડીની એસેક્સ પરગણાની કથામાળા જેવું આપણે ત્યાં કેમ સર્જન નથી થયું? ૧૮૨૦થી આપણો લોકસમાજ કોઈ વાર મંદ ગતિએ, કોઈ વાર ઉતાવળે પરિવર્તન પામી રહ્યો છે. એનું સુશ્લિષ્ટ રસમય વર્ણન આપણને કેમ નથી મળ્યું? કોઈકે પ્રયત્ન કર્યો હોય તો ઉપરછલ્લો જ કેમ રહ્યો છે? બદલાતા-અમળાતા લોકસમાજનાં હર્ષ, ક્લેશ, સુખ-દુઃખ, પરંપરા અને પ્રત્યાઘાતો, તેમનો પ્રેમ-દ્વેષ તેમની ખુમારી કે દાસતા, તેમની નદીઓ-નાળાં, ખળાં-ખેતરો, તેમનાં ઢોર-ઢાંખર, તેમનાં મંદિરો, ઉપાશ્રયો, તેમનાં હાટ-બજાર આ બધાંનો પ્રતીતિકર અવતાર કેમ નથી થયો? કારણ, આપણે આ અનાદિપુરુષ, લોક, પાસે નમ્રભાવે જવાનું અઢી શતકથી બંધ કરી દીધું છે. લોકો વચ્ચે સહજભાવે આપણા સર્જકો કે સર્જનેચ્છુઓ જઈ શકે, કશીય ઉતાવળ વિના રહી શકે એ માટેની ગોઠવણ આપણી પરિષદે – આપણા શ્રેષ્ઠીસમાજે કે સમાજધુરીઓએ કરવી પડશે. તે સિવાય લોકસમાજ પ્રત્યક્ષ નહિ થાય. તેને અપરિચય કે અલ્પપરિચય રહેશે. અને તે હૃદયોના અનુસંધાન આડે આવતી દૃઢ દીવાલ બની જશે. દીવાલ તો છે જ પણ તેને દૃઢ થવા દેવી નથી, તેને ભાંગવી છે. આ તો તેમની વચ્ચે નિર્વ્યાજ સ્નેહભાવે રહેવાનું કરીએ તો જ થાય. ગુજરાત વ્યાપાર, ઉદ્યોગ માટે જાણીતું છે, તેના શ્રેષ્ઠીઓ દાન દેવામાં સંકોચ રાખતા નથી. સારસ્વતોના સ્વયંશિક્ષણ – આત્મશિલ્પ માટે ધન કેમ ન મળે? અને માત્ર આટલેથી જ અટક્યે ચાલશે નહિ. આજની દુનિયા નાની થઈ ગઈ છે, અને હજુ પણ નાની થશે – પણ તેની જોડે પણ અપરિચય જ રહે તો? કર્ણ-અર્જુન બેઉ ભાઈઓ વચ્ચે અપરિચયને કારણે જ કુરુક્ષેત્ર મચ્યું તેવું જ આ દુનિયાનું બને. બનવા ઉપર છે; અમેરિકન હેમિંગ્વે For Whom the Bell Tolls – સ્પૅનિશ આંતરવિગ્રહની ચોટદાર નવલકથા – યથાતથા નવલકથા લખી શકે, બીજા એવા જ અમેરિકન લેખક તે જ પ્રસંગની ‘નહિ જવા દેવાય’ નવલકથા લખી શકે, તો ગુજરાતી સર્જક કુલુ-કુમાઉં, રાજસ્થાન કે સાંતાલોની કથા કેમ ન લખી શકે? અને ત્યાં જ શા સારુ અટકે? ઉપગ્રહની વસાહતમાં ભલે ન જવાય, પણ વિપુલ જલરાશિના વહેતા ભંડાર સમી ડાન્યુબના કાંઠે ઝૂકેલી અંગુરવાડીઓની કથા લખવાની સગવડ ગુજરાતી સર્જકને કેમ ન મળે? કે, અમેરિકન આંતરવિગ્રહમાં જેણે ગુલામીનું કલંક નાબૂદ કર્યું, તે મહામના લિંકનની કથા લખવા એકાદ ધીરુબહેન કે એકાદ રઘુવીર કે પન્નાલાલને કેમ સગવડ ન મળે? મિત્રો, આ સ્વપ્નું નથી. વિશાળ થવાની આવશ્યકતા માટેની તવાઈ છે. દક્ષિણની આ જાહોજલાલીપૂર્ણ રાજનગરીમાં આપણે આવાં સ્વપ્નાં લઈને ઊઠીએ તેટલું પ્રાર્થીને હું પૂરું કરું છું.