પુનરપિ/બીજો ચંદ્ર


બીજો ચંદ્ર

વસુંધરાએ માંડી આજે શનિની સાથે હોડ.
નેપચ્યૂન રહી ગયો પછાડી,
પૃથ્વીએ મારી દોટ;
પામી ચંદ્રક-જોડ!
પણ હજી છે અધૂરા કોડ:
કરવી છે ચાંદાની વાડી
પૂરીને આભલડાની ખાડી.
શનિની પડશે ઝાંખી સાડી.

કળિને છેલ્લો યુગ કાં વાંચ?
સન સત્તાવન શતક ચણી,
કળશ કરી ઓક્ટોબર પાંચ
લે ડગલું યુગ પંચમ ભણી.
સત્ય ગયો, ત્રેતા ને દ્વાપર.
માનવ સર્જવતો સચરાચર;
આ યુગ ઊગી પાંચ
કુદરતને આણે આંચ.
મનુષ્યનો બ્રહ્મા છે ચાકર.

પામ્યા ચંદ્રક-જોડ!
પણ હજી છે અધૂરા કોડ:
કરવી છે ચાંદાની વાડી
પૂરીને આભલડાની ખાડી.
દિવસરાત મહીં દેખાશે.
પૂનમ સો-સો એક અમાસે.
અંધારું જ્યાં દુર્લભ થાશે,
દુર્લભ થાશે સોડ
ને સ્વપ્નપરીના મોડ.

એક હતો ચાંદો ત્યાં સુધી
કવિએ ગુંજ્યું ગાન.
રસના ચટકા કદી ન પાન.
ચુંબન છે પળનો પલકારો,
વધતાં હોઠ તણું અપમાન.
કવિ! પછી તું શું ગાશે?
પ્રેમી! ક્યાં તું સંતાશે?
ભરતી ક્યારે ક્યાં જાશે?
ચકવો ઊડશે આકાશે?
કુમુદિની ખીલશે શી આશે?
સર્જન, આળસના નાશે
મૂરઝાશે!
અંધારું જ્યારે ખોવાશે
દિવસ-દિવસ ખાતો જાશે.
જીવન એકાકી થાશે:
દીપ્ત બગાસું લંબાશે!

5-10-’57