પુનશ્ચ/મહોરાં

મહોરાં

અચાનક બે મહોરાં વચ્ચે પ્રેમ થયો.
હવે તમે પૂછશો નહિ કે કેમ થયો ?
કેમકે એ તો બસ એમ ને એમ થયો.

વરસોના વરસો લગી તો એ બે હસ્યાં,
વચમાં વચમાં લડ્યાં,
ક્યારેક તો વળી રડ્યાં;
અંતે એકમેકના જીવનમાંથી ખસ્યાં.

આમ ને આમ મહોરાં ન રહ્યાં મહોરાં,
આમ ને આમ મહોરાં જ થયા ચહેરા;
ને ચહેરા ? પ્રથમથી જ હતાં મહોરાં.

૨૦૦૫