પુનશ્ચ/સિત્યોતેરમે

સિત્યોતેરમે

વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ,
સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ;
વર્ષે વર્ષે એનો એ વૈશાખ,
દેહ પર ચોળી એણે એની એ જ રાખ;
એની એ લૂ ને એની એ લ્હાય,
એનો એ જ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય;
વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,
આજે પણ એનું એ જ, જેવું હતું કાલે;
વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુકપાઠ,
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.

પણ વચ્ચે વચ્ચે નવી નવી ગાંઠ જે મેં બાંધી,
ક્યારે કોઈ છૂટી હોય, તૂટી હોય તે મેં સાંધી;
રેશમની ને હીરની દોરીથી હળવે હાથે
સગાં ને સ્વજન સાથે, દેશ ને વિદેશ સાથે
જેમ જેમ બાંધી તેમ વધુ વધુ લાધી,
જેમ જેમ બાંધી તેમ નિત નિત વાધી;
તે સૌ રસી રસી એવી તો મેં સાધી,
તે સૌ કસી કસી એવી તો મેં બાંધી;
મનુષ્યોથી હવે નહિ કદીય તે છૂટી શકે,
મૃત્યુથી યે હવે નહિ એક પણ તૂટી શકે.

૨૦૦૩