પ્રતિપદા/૧૬. રાજેશ પંડ્યા

૧૬. રાજેશ પંડ્યા

કાવ્યસંગ્રહોઃ

પૃથ્વીને આ છેડે અને સુવર્ણમૃગ (દીર્ઘ કથાકાવ્ય)

પરિચય:

સવા બે દાયકાનો શૈક્ષણિક અનુભવ ધરાવતા આ કવિ હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કાર્યરત તેજસ્વી અધ્યાપક છે. અનુ-આધુનિકોની બીજી પેઢીના આ કવિ કવિતા ઉપરાંત વિવેચનમાં પણ સાતત્યપૂર્ણ રીતે નોંધપાત્ર કામ કરી રહ્યા છે. રચનારીતિ મુખ્યત્વે અછાંદાસ, ક્યારેક ક્યારેક ગીત અને માત્રામેળી કૃતિઓ પણ રચે છે. ‘નિમિત્ત’ અને ‘મહાભારતની લોકપરંપરાનાં કથાનકો’ એ બન્ને એમનાં વિવેચન અને સંશોધનના ગ્રંથો છે.

કાવ્યો:

૧. ’આમ તો એ’-ની વાત

આમ તો એ ભલો માણસ હતો.
મરતાને મર ન કેય એવો.
બીડી પીતો ક્યારેક દારૂ પણ
ક્યારેક છોકરાને મારતો
ને પત્નીને ઇચ્છા હોય કે ન હોય તોય ભોગવતો
પછી નસકોરાં બોલાવતોક ઊંઘી જતો
સવારે જાગ્યા પછી પડોશણને જોયા કરતો
પણ એકંદરે એ ભલો હતો.

નાનો હતો ત્યારે
એને પતંગ ચગાવતા આવડતી નહીં
એક ઊતરાણે એની પતંગ પેલ્લી વાર ચગી
પછી કપાઈ ગઈ ત્યારથી
એણે સાઈકલમાંથી હવા કાઢવાનું છોડી દીધું
એટલું જ નહીં, સાઈકલ શીખવાનું માંડી વાળ્યું
આજેય એ બધે ચાલતો જાય છે
કે પછી સીટી બસમાં જવાનું પસંદ કરે છે.

આમ તો એ તાલુકા પંચાયતમાં ક્લાર્ક છે
ઓચિંતા આવી પડેલા ખરચાને પહોંચી વળવા
થોડીક લાંચ લીધી હશે એણે
રિસેસ પછી ઘણી વાર કામ કર્યું નહીં હોય
પણ એથી કાંઈ એ ભલો માણસ થોડો મટી જાય છે?

બાકી રોજ સવારે
એ ઘંટડી વગાડી અગરબત્તી ફેરવે
કાનની બૂટ પકડી નતમસ્તક મંદિરમાં જઈ ઊભો રહે
શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે
ને દર એકાદશીએ ગાયનું પૂંછડું આંખે અડાડે
પૂનમ ભરવા ડાકોર જાય
આ બધાં કારણોસર
તમે એને ખરાબ કહી શકો નહીં
ભલે ભલો ન કહો
એનો એને વાંધો નથી બિલકુલ
એને વાંધો છે કોઈ એને
ધાર્મિક કે ધર્મભીરુ એવું કાંઈ કહે એની સામે
એના વિશે કોઈ ગેરસમજ કરે એ એને ગમતું નથી.
અને છતાં આવી ઘણી નાનીનાની ગેરસમજ
એના વિશે ફેલાય ત્યારે એ દુઃખી થઈ જાય છે.
એને આવતો જોઈ ઘણી વાર
ઑફિસના મિત્રો ગુપસુપ બંધ કરી દઈ
વાત વાળી લે ત્યારે પણ એ થોડો દુઃખી થાય છે.
આવું જ્યારે જ્યારે બને છે ત્યારે
એ ઑફિસેથી સીધો પબ્લિક પાર્કમાં જઈ
કોઈ ઝાડ નીચેની બેંચ પર ઉદાસ બેસી રહે છે, મોડે સુધી
સાંજ પોતાનો રંગ ભૂંસી નાંખે ત્યાં સુધી
પછી એનો પડછાયો પણ
એકલતામાં ભાગ પડાવતો નથી.

એક વખત
એ આમ જ બેઠો’તો
બાંકડા પર વીજળીનો દીવો ઝળહળી ઊઠ્યો ત્યારથી
એણે બાંકડો બદલી નાંખ્યો કેમકે
અજવાળાંમાં એ શાંત રહી શકતો નથી
અને વિચારી શકતો નથી.
એ વિચારોનાં પગલાં જોતો જોતો
દૂર નીકળી જાય ક્યાંનો ક્યાંય
અંધારું હોય તો.
પછી સૂરજ ઊગે ત્યારે જ એને ખબર પડે
કે અંધારાંમાં ચાલતો ચાલતો એ
છેક સવાર સુધી આવી પહોંચ્યો છે છતાંય
રસ્તો તો ખૂટ્યો નથી જરાય.
એ રસ્તા વચ્ચે થોડી વાર ઊભો રહે
એમનો એમ

પોતાના ઘરની દિશા કઈ છે એ શોધવા
ઘણા ફાંફા મારે પછી
અડધી અટકળે ને અડધા અણસારે
એ ફરી ચાલવાનું શરૂ કરે.

આવી રીતે રસ્તા પર ચાલતા
તમે કોઈને જુઓ
તો સમજી જજો કે
એ એ જ હોવો જોઈએ
એ એ જ હોઈ શકે
એ એ જ છે.

જો તમે મોટરકારમાં જતા હો તો
તમે એને લિફ્ટ આપી શકો.
એ જુદી વાત છે
કે એ તમારી ઑફર સ્વીકારે નહીં
ત્યારે તમને એમ થાય કે
આપણી પાસે સ્કૂટર હોત તો સારું.
સ્કૂટર પર એને ઘોડો પલાણીને બેસવું ફાવે છે.
એમ બેસવામાં એને કાર કરતા વધુ કમ્ફર્ટ લાગે છે.
આમેય આટલું બધું ચાલ્યા પછી તો
એ લિફ્ટ માટે તૈયાર થઈ જ જાત.
અત્યારે સડસડાટ કેટલાંયે સ્કૂટર
એની બાજુમાંથી પસાર થઈ જાય છે.
એ જોયા કરે છે
ક્યાંય તમે સ્કૂટર લઈને નીકળ્યા છો ખરા?!

૨. બધું જ, બધા માટે

તમે મચ્છી ખાઓ કે ભાત
ચાહે માંસ ખાઓ
ચાહે ધાન્ય
જમીન પર કૂદકે કૂદકે દોડતી
મરઘીની ટાંગ ખાઓ
કે પછી જમીનથી ઊંચે ઝળુંબતાં
લેલૂંબ ફળ
ઈંડાં ખાઓ કે બટાકા
બધું પચી જાય
તમને એવી મજબૂત હોજરી મળી છે.

તમે દિવસે ઊંઘો કે રાતે
ચાહે સપનાં જુઓ
ચાહે ટી.વી.
દીવાલ પર ગોળ ગોળ સરકતી
ગરોળીની જાંઘ જુઓ
કે પછી મલઈકાની છાતી
બધું ગમી જાય
એવી આંખ મળી છે તમને.

તમે ઓજાર રાખો કે હથિયાર
ચાહે રંધો હથોડો ખુરપી રાખો
ચાહે એ.કે.૪૭
ટેબલ પર કમ્પ્યુટર રાખો
અને કબાટમાં પુસ્તક
સતત છાતી સાથે જડી રાખો મોબાઈલ
પાસે ઊભેલા માણસની વાત સાંભળવા
કાનમાં ઈયરફોન રાખો
બધું રાખી શકાય
એવી સગવડ મળી છે.

તમે ઊભા રહો કે ચાલો
રસ્તો મળી ગયો છે
એમ માની ચાલ્યા કરો
કે રસ્તો જડતો નથી
એમ માની ઊભા રહો
આજુબાજુ વૃક્ષો ઊભા છે
એમ તમે પણ ઊભા રહો.
જરા ખસીને, રસ્તાની ધારે
જેથી ચાલનારાં વાહનોને મુશ્કેલી ન પડે
આટલું તો તમે કરી શકો
એવી સમજણ જરૂર મળી છે તમને.

તમે મૂંગા રહો કે બોલો
બધું સરખું છે
તમે હા પાડો કે ના
કોણ પૂછે છે?

૩. ચાંદો

તારા હાથમાં શું છે?
‘ચાંદો.’
કે’તાં તો કે’વાઈ ગયું
પણ પછી...

રાત પડે ને રોજ હાજર
આખી સૃષ્ટિ એમાં આવી વસે
ધીમે ધીમે બધા આકાર ઊઘડે

એક પંખી ઊડતું આવે
જળનું ટીપું મૂકે
એટલામાં તો હિલ્લોળાવા લાગે
ચાંદે જળ.
એક ઘડીમાં ચંદનતળાવ
બીજી ઘડીએ કમળનાં વન
રામજીમંદિરને ઓટલે વાગતું
રામસાગર જંપે
ત્યાં સુધીમાં તો મ્હેલ ઊભો.
એક પછી એક પરદા વળોટતો
છેક ઝરુખે આવી
સાવ અડોઅડ બેસું.
સાત સાગરની ખેપનો થાક શમે
એવું હવ્વાથીય હળવું પંપાળે.

ઊંડે ઊંડે ધરબાઈ જવાનું મન મને.
હંમેશ માટે આમ જ પડ્યો રહું
બસ સુખ પીધા કરું.
હાથ ફરતો રહે આંખ ખૂલે નહીં
બંધ આંખે બધું સચવાઈ રહે તો
મોતી નીપજે.

પણ તમે પૂછ્યુંઃ
‘તારા હાથમાં શું છે?’
કે’તાં તો કે’વાઈ ગયું
‘આ રહ્યો ચાંદો’
... ને મુઠ્ઠી ખૂલી ગઈ.

૪. નિર્જન

કોઈ આવતું જતું નથી

રડ્યું ખડ્યું કૂતરું ફળિયામાં પૂરેલી
રંગોળી પર આળોટ્યા કરે છે ક્યારનું.
રાંધણિયામાં રાંધ્યાં ધાન રખડી પડ્યાં છે.
ગોટેગોટા ધુમાડો ઊંચે ને ઊંચે
ચઢતો જાય છે કશી રોકટોક વગર
વાદળ બંધાતાં જાય છે વિખેરાતાં જાય છે.
પાણિયારે ચળકતી હેલ
ઓચિંતી છલકાઈ હેબતાવી દે
તાંબાકૂંડીમાં ઉચાટ ફદફદ્યા કરે
શેરી સોંસરી ધૂળ ઊડ્યા કરે
ઘોડાના ડાબલા હજીય કાનમાં પડઘાય
ખરી તળેે ચગડાઈ કેટલીય
છાતીએ લોહીના ટશિયા ફૂટી નીકળી
ઝમી ઝમી કાળામૅશ ગંઠાઈ ગયા છે.
મંદિરની ધજા ભાંગી પડી
હવાને લીરેલીરા કરતી રજોટાઈ ગઈ.
કૂવામાંથી ઊંચકાયેલું જળ
ગરેડીથી તળિયાલગ ઘુમચકરડી
પીપળાનાં પાન-થડ-મૂળમાં કીડીઓ ઊતરતી જાય
મેલડીના પાણે વધેરાયેલું નાળિયેર
રંગી દે દરિયાદીમને હીંગળો
રાખોડી ભોં ભીની થાય ગજ બે ગજ
ગરભ ખોતરતા જનાવરના મોં લોહીલુહાણ.

અટકી પડ્યું છે સઘળુંય અધવચ્ચે
સીમમાં ગયેલાં હજુ પાછા વળ્યાં નથી.
ઘઉંનાં ખેતરોમાં ગેરુ ફરી વળ્યો છે.
લીલીછમ વરખડીઓમાં કીડા સરકતાં છેક
ઝીંડવે જઈ ઊજળા રૂને પીંખી નાંખે છે.
અડખે પડખે ઉપર ઊડ્યા કરે છે કીટાણુ
પગ મૂકો ત્યાં ગોખરુ
આવળ બાવળ ઝાડ-ઝાંખરાં
જ્યાં જુઓ ત્યાં ધરોડીના કૂંડા
રસકસને ધાવી આડેધડ ફેલાતા જાય

ગળિયા બળદને ઇતડિયોં હજાર
ઊપડે નહીં પગ
રણકે નહીં ઘૂઘરા
ફરે નહીં પૈં અરધો આંટો પણ
ચીલા ઊંડા ને ઊંડા ઊતરતા જાય

આ છેડાથી પેલા છેડા સુધી

ગામની ભીંતેભીંતમાં અંધારાં મર્યાં છે.
ખૂણેખૂણા કોહવાતા ગંધાઈ ઊઠ્યા છે.
લૂણો લાગતો જાય છે ઘરવખરીમાં
એનાથી અજાણ લોક હજીય
આણાંની રજાઈઓ રેશમી ધડકીઓ
આભલાં ભરેલાં ગલેફ તડકે મૂકે છે.
હાડ ઠારી નાંખતા કેટલાય શિયાળા
એની હૂંફે હેમખેમ તરી જવાયા છે.
કડકડતી રાતે નસેનસમાં જામી પડેલું લોહી
ફરી ધગધગતું સીસું થઈ વહેવા માંડ્યું છે.
તપેલા તાંબા જેવા દેહ રગદોળાઈ
માટીનો ગુંદો થઈ ગયા છે

ચાકડે ચડી છે એ માટી
ઘાટ ઘડાયા છે પાત્ર રચાયાં છે

એમાં ઝીલાયું છે આખ્ખું આયખું
એ બધું કડીબંધ તાજું છે આજેય
આટઆટલાં ભૂકંપ પૂર હોનારત દુકાળ પછીય.
આટઆટલાં ભૂકંપ પૂર હોનારત દુકાળ પછીય
અડીખમ ઊભી હતી
એ ભીંતોને હવે લૂણો લાગી ગયો છે
આખા ને આખા ઘરેઘર પૃથ્વીમાં બેસતાં જાય છે

રોજ રાતે
વાળુમાં વધી રહી છે
ગુજરાતીમાં બોલી ન શકાય એવી વાનગીઓ
નૂડલ્સ કે પિત્ઝા એમ ચીની કે ઈટાલિયનમાં
બોલવામાં આવે ત્યારે જ
એનો પૂરેપૂરો સ્વાદ લઈ શકાય છે
બોલવું ને ચાખવુંના બંને ઉચ્ચારો
જીભને થોડી આઘીપાછી હડસેલે (છે) એટલું જ.

જોકે
ક્યારેક બહુ યાદ આવી જાય છે
મને ગુજરાતી થાળી ત્યારે

હું ‘પૃથ્વીચંદ્રચરિત્’ ઉઘાડી વાંચું છું આ કડીઃ
ऊपरी फूरकरंबा दहीं वापरई
ईए परि लोक भोजन करई ।
... પણ નેટ ઉપર ક્યાંય ઓનલાઈન મૂકવામાં
આવી નથી આ રચનાની રેસિપી.

અને લાઈબ્રેરી તો બધી હસ્તપ્રત ભંડારો જેવી
બની ગઈ છે આજકાલ એટલે
હું ટેરવે ટેરવે સર્ચ કરતો રહું છું મધ્યકાલ
પછી મોડી રાતે શોધવા નીકળી પડું છું
સિધ્ધરાજ જયસિંહને મુનશીની આંગળી ઝાલી
‘ગુજરાતનો નાથ’ વાંચતાં વાંચતાં
આંખોમાં ઊંઘ ઘેરાવા લાગે
ઊંઘરેટી આંખે ગુજરાતનો સુવર્ણયુગ
ચમકારા કરી ઝબકાવી દે
છેવટ બેય પાંપણો વચ્ચે બંધ કરી
ગુજરાતનો નાથ મૂકી દઉં છું ઓશિકા નીચે
કે તરત સપનાંઓ મને તાણી જાય
ક્યાંના ક્યાંય જ્યાં ખંભાતનો અખાત તરીને
ઊપડેલાં વહાણ ચાલ્યાં જાય છે
અંધારાં પાણીમાં
અધમધરાતે.

૬. ઝાડ

મારી બરાબર સામે
એક ઝાડ છે.
ગુલામમોહમ્મદ શેખના ચિત્રમાં હોય છે તેવું.
જેના પાંદડેપાંદડે પોપટ બેઠા છે.
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ – એ વાર્તામાંથી
ઊડીને આવી ગયા હશે અહીં.
શેખ ઝાડ ચીતરતા હશે ત્યારે
આશરો શોધી લીધો એણે, આ ચિત્રમાં.
પછી તો આંબા વઢાઈ ગયા
સરોવર સૂકાઈ ગયા એટલે પોપટ બધા
પાંખો ફફડાવતા ઊડી ગયા
એક પછી એક
પોપટ ઊડતા જાય
એમ પાન ખરતાં જાય
એક પછી એક.
થોડીવારમાં તો પાંદડાંનો ઢગલો થઈ ગયો. કેનવાસ બ્હાર.
કોઈ સાંજે હવા વહે છે આ સૂક્કાં પાંદડાં સોંસરવી
ત્યારે અછાંદસ કાવ્યના લય જેવો ધ્વનિ સંભળાય છે ક્યારેક ક્યારેક.
બાકી આંખના પલકારા વચ્ચે ઊભું રહે છે આ ઝાડ
અડીખમ. સ્તબ્ધ, સ્થિર.
અતુલ ડોડિયાના ચિત્રમાં હોય છે તેવું.
નર્યું રેખાઓનું માળખું છે એ.
ઉમાશંકરના કાવ્યમાંથી મૂળિયાં ફેલાવતું આવી ગયું છે છેક અહીં.
હવે, તારાઓથી ખીચોખીચ આકાશ એની સામેય જોતું નથી.
તોય કવિ સિતાંશુ એને જોઈને કહે
છે
આ ઝાડ છે.

૭. અનેકા સ્વરૂપા ગંગા

ચારે બાજુ નદી
હજી વહે છે આજે પણ ને વહી કેટલી સદી

વહે જેટલી બહાર
એથી અદકી ઊંડે વહે
વહે દૂર ને તોંય
ઉરની વાત કાનમાં કહે

હું સાંભળતો રહું એ મારી આંખ ભીંજવી જતી.

ક્યાંક ગંધના રેલા જેવી
દડે અને ખળખળ
ક્યાંક હવાનાં ઝાંઝર જેવી
જડે મને ઝળહળ

ક્યાંક દીવાનું અજવાળું થઈ અંધારામાં મળી.
સદીઓ પહેલા હતી અને છે હજી
ચારેબાજુ નદી