પ્રતિસાદ/તારસ્વરે લખાયેલી ભાવનાશીલ જીવનકથા


ત્રણ સાદા પણ અતિશય દૃઢ આવેગોએ મારા જીવનને દોર્યું છે – પ્રેમ માટેનો તલસાટ, જ્ઞાનની ખોજ અને માનવજાત માટેની જીરવી ન શકાય એવી અનુકંપા. જોરથી વાતા પવનો જેવા આ આવેગોએ વેદનાના ઊંડા સાગર ઉપર હતાશાને આરે મને અહીંતહીં આડેઅવળે રસ્તે ફંગોળ્યો છે.

મેં પ્રેમને શોધ્યો છે કારણ કે એનો ઉન્માદ એટલો તો તીવ્ર હોય છે કે થોડા કલાકોના આ આનંદ માટે બાકીની આખી જિંદગી હું હોમી દેવાને તૈયાર થાઉં... આવા જ બીજા આવેગથી મેં જ્ઞાનની ખોજ કરી છે. મને માણસોના હૃદયને સમજવાની ઇચ્છા છે. મને તારાઓ શા માટે ઝળકે છે એ જાણવાની ઇચ્છા છે, અને મેં પાયથોગરિયન પ્રભાવને સમજવાનો યત્ન કર્યો છે... પ્રેમ અને જ્ઞાન, શક્ય બન્યું ત્યાં સુધી મને ઉપર દેવલોક તરફ દોરી ગયા, પણ દયાએ મને હંમેશાં ફરી પૃથ્વી ઉપર ધકેલ્યો છે. દર્દભરી બૂમો મારા હૃદયમાં સતત પડઘાયા કરે છે. દુકાળગ્રસ્ત બાળકો, શોષકોનો શોષિતો ઉપરનો જુલમ, નિરાધાર વૃદ્ધો જે પોતાના પુત્રો ઉપર અણગમતો બોજ બની રહ્યા છે – આ બધું માનવીય જીવન કેવું હોવું જોઈએ એનો ઉપહાસ છે.

બર્ટ્રાન્ડ રસેલ



તારસ્વરે લખાયેલી ભાવનાશીલ જીવનકથા

ફ્રૉઇડની વસ્તુનિષ્ઠ, વૈજ્ઞાનિક રીતિથી લખાયેલી દ્વિર્ભાવ કે બહુર્ભાવની વાતો કે હિંસા-મૃત્યુની કઠોર આલોચના કે અચેતન મનમાં ઢબુરાયેલી વાસનાઓની તપાસ કે ખોજ લગતું એમનું લખાણ કે સુનીતા દેશપાંડેનો સર્વ બાજુથી પોતાનું દંપતીજીવન તપાસતો વિશ્લેષીય અભિગમ – આમની સાથે જવું, સહભાગી થવું, પ્રશ્નો ઉઠાવવા પ્રમાણમાં સહેલું લાગ્યું છે, પણ અહીં તીવ્ર સ્વરે લખાયેલી ભાવનાશીલ જીવનકથા સાથે કામ પાડવું અતિ મુશ્કેલ લાગ્યું છે, છતાં જરૂરી લાગ્યું છે.

પુસ્તકનું મથાળું ‘એકત્વની આરાધના’ અપાયું છે ત્યારથી જ જાણે પુસ્તકનો tone set થઈ ગયો છે; અથવા તો મથાળું પછી પણ અપાયું હોય અને સારા પુસ્તકના toneની એ પરિણિતિ પણ હોય. પુસ્તક હાથમાં લીધું અને ‘એકત્વની આરાધના’ મથાળું જ કંઈક ખૂંચ્યું; આવું bombastic વાક્ય જાણે યથાતથ દર્શનના અભાવની ચાડી તો નથી ખાતું ને? – એવી લાગણી થઈ. આપણને આત્મકથા-જીવનકથા વાંચવાનું આકર્ષણ કેમ હોય છે? આ માણસ, આ જીવન શું છે એનું આપણને કુતૂહલ છે; વાસ્તવના યથાતથ રૂપને આપણે સમજવું છે–નિહાળવું છે. લેખકની જેટલી સજગતા-પ્રમાણિકતા વધારે એટલી એ આપણે માટે વધુ તૃપ્તિકર બને. કાન્તિભાઈને કાન્તાબેનનું જીવન સમાજ માટે ઉદાહરણરૂપ લાગ્યું છે એથી એ પુસ્તક લખવા પ્રેરાયા છે. ઉદાહરણરૂપ કહ્યું એટલે મનમાં પ્રશ્ન ઊઠે કે જે ઉદાહરણરૂપ ન હોય એવી વિગતો આમાંથી બાકાત તો નહીં રાખી હોય ને? કાન્તિભાઈને આપવું છે તો વિશ્લેષણ; પોતાનામાં સારી એવી ખોજવૃત્તિ છે એવો ઇતબાર પણ એમને છે. પણ એકત્વ, ગમતાંનો કરીએ ગુલાલ, અશેષ આત્મીયતા વગેરે ધ્યેયો ઊભાં કરીને એ મહદ્અંશે ભાવનાશીલતામાં સરી પડ્યા છે અને અભિવ્યક્તિની તાજગી ખોરંભે ચડી ગઈ છે. પણ આ ભરમારમાંથી જે બચાવવું છે તે એક નાની કન્યાના વીતકના ચિત્રને અને મોટી થતાં અનેક રોગોથી ગ્રસ્ત એવી એક વીરત્વભરી સ્ત્રીની છબિને. એકદમ પછાત, સહેલાઈથી પહોંચી ન શકાય એવા આદિવાસી વિસ્તાર, પિંડવળમાં કાર્ય કરતાં કાન્તાબેનનું નામ હવે બહાર પણ ઠીક ઠીક જાણીતું છે. એમની સાથે બીજાં એમના સાથીદાર હરવિલાસબેન છે. કાન્તાબેન આ માર્ગે આવ્યાં એ પાછળ એમના બાળપણના પરિવેશનો કશો ઉત્તેજનાત્મક ભાગ હતો કે ટૂંપો દેનારો પરિવેશ જ એમને એમના પ્રકૃતિગત બળને લીધે બહારની દુનિયામાં ધકેલવા માટે નિમિત્ત બન્યો હતો? આ બાળ-કિશોરી કથા ઉપર થોડી નજર નાખીશું? કાન્તાબેનનો ઉછેર મુંબઈમાં – બહુધા મુંબઈના પરા દહિસરમાં થયો હતો. એમના પિતા ઉગ્ર સ્વભાવના, શંકાશીલ મનના પણ કામકાજમાં પ્રમાણિક અને નિષ્ઠાવાળા હતા. એ પરદેશી કાપડની દલાલી કરતા. એ ત્રીસીનો દાયકો હતો. ગાંધીજીએ સ્વદેશીનું આંદોલન શરૂ કર્યું હતું. વિદેશી કાપડની હોળી થતી અને મોટા પાયા ઉપર એનો બહિષ્કાર થવો શરૂ થયો હતો. આથી પિતાનો ધંધો બેસી ગયો અને કુટુંબ ભીષણ ગરીબાઈમાં આવી ગયું. ખાવાપીવામાં, પહેરવા-ઓઢવામાં ખૂબ કરકસર ભોગવવાની આવી. બે ટંક માંડ ખાવા મળતું ત્યાં નિશાળમાં નાસ્તાનો ડબ્બો લઈ જવાનું કે ત્યાં કંઈ ખરીદીને ખાવાનું તો નાની કાન્તાને બને જ ક્યાંથી? વળી નિશાળ બોરિવલી હતી. દહિસરથી બોરિવલી જતી ટ્રેનનો પાસ કઢાવી દેવો પિતા માટે શક્ય જ નહોતું. તેથી કાન્તાને રોજ દહિસરથી બોરિવલી બેએક માઈલ ચાલીને જવાનું થતું અને ફરી બેએક માઈલ ચાલીને પાછા ફરવાનું રહેતું. સાઠેક વર્ષ પહેલાં દહિસર પણ સાવ સૂમસામ જંગલ જેવું હતું, નહોતા રસ્તા, વીજળી કે નહોતી પૂરી પાણીની સગવડ કે નહોતો ખાસ પડોશ. કાન્તાનાં બા ખાસ્સાં જુનવાણી હતાં અને વળી છોકરા-છોકરીનો ભેદભાવ એમના મનમાં ખૂબ જ પાકો હતો. કાન્તિભાઈ લખે છે, ‘દીકરો તો ઘરનો દીવો, વંશવેલો વધારનારો તેને બધાં જ લાડ કરવાના હોય. તેનું લાલનપાલન કરવાનું હોય. દીકરી સાપનો ભારો, પારકું ધન, દૂધ-ઘી કાંઈ છોકરીને અપાય? સારું ખાવાનું, સારું પહેરવા-ઓઢવાનું છોકરીને ન હોય. બહાર હરવા-ફરવાનું છોકરીને ન શોભે. ભાઈ ભલે બેઠો બેઠો માખી મારે, છોકરીથી તો નવરા બેસાય જ નહીં. ભાઈ ભલે રોફ જમાવે, છોકરીએ બધું જ સાંખી લેવાનું.” કાન્તા નવેક વર્ષની થઈ ત્યારથી જ બાએ ઘરકામનો ભાર એના માથે નાખવા માંડ્યો હતો. કાન્તાએ સવારે વહેલું ઊઠી જવું પડતું. ઊઠીને કૂવેથી પાણી ખેંચી ઘર આખાનું પાણી ગરમ કરવા મૂકી દેવાનું. પછી ઘર આખામાં કચરો કાઢી પોતું કરી લેવાનું. રાતનાં વાસણો તગારામાં ભરી ઘરની પાછળ નદીમાં જઈને સાફ કરી આવવાનાં, ત્યાં સુધીમાં ગરમ થઈ ગયેલું પાણી બાલદીમાં કાઢી બાપુજી, ભાઈ વગેરેને નાહવા માટે ખાળમાં મૂકી આપવાનું. બધાં નાહી ધોઈ લે એટલે કપડાં નદીએ જઈ ધોઈ આવવાનાં, ત્યાં સુધીમાં જેટલાં વાસણ થયાં હોય તે સાફ કરી દોડતાં દફતર લઈ નિશાળે જવાનું. સાંજે ઘરે આવી ફરી વાળુ માટે રોટલા એણે ઘડવાના હોય. એ ઉપરાંત શનિ-રવિવારની રજામાં બીજાં થોડાં વિશેષ કાર્યો કરવાનાં હોય. પછી તે વખતના રૂઢિગત રિવાજ પ્રમાણે તેર-ચૌદ વર્ષની વયે જ કાન્તાને પરણાવી દેવામાં આવી. લગ્નજીવન વિશે કોઈ ઝાઝી ગતાગમ નહીં, અને ગતાગમ આવે એ પહેલાં જ વરનું અકસ્માતમાં અવસાન થતાં એકાદ વર્ષમાં જ કાન્તા બાપને ઘેરે ફરી આવી અને કાન્તિભાઈ લખે છે એ પ્રમાણે “આવી રીતે બાળપણ કિશોરાવસ્થા અને ગૃહસ્થાશ્રમ બધું જ પંદર-સોળ વર્ષની ઉંમર સુધીમાં આટોપાઈ ગયું.” વિધવા અંગે તે વખતના ચિરપરિચિત ખ્યાલો ધરાવતી સગી માએ દીકરીને મહેણાં-ટોણાં મારવાં શરૂ કર્યાં – સાવ અભાગણ, કાળમુખી, છપ્પરપગી વારે વારે કહેતાં. બેસવા-ઊઠવા, હરવા-ફરવા, બોલવા-ચાલવા ઉપરનો જાપ્તો વધુ ને વધુ કડક બનતો ગયો. વિધવાથી પુરુષ સાથે તો હસાય જ કેમ, બોલાય જ કેમ. કાન્તાને આ બધું સમજાય નહીં, પણ મન વિદ્રોહ કરી ઊઠે. બાએ એક વાર સંભળાવ્યું કે વિધવાને વળી ચાના કેવા શોખ? અને તે ઘડીથી કાન્તાએ ચા છોડી દીધી. હાથમાંની કાચની બંગડી તો ઊતરી જ ગયેલી, બંને હાથે એક એક સોનાની બંગડી હતી. વાસણ માંજતાં એક વખત બંગડી ઉપર રાખ લાગી ગઈ. તરત જ રાડ પડી – ‘આ સોનું ઘસાય છે તે સમજાતું નથી? સોનું પહેરવાવાળા ન જોયા હોય તો!’ ત્યારથી કદી એ હાથે બંગડી ચઢી નથી. કાન્તાનાં લગ્ન થયાં ત્યાં સુધી એ આઠમા ધોરણ સુધી પહોંચી હતી. પણ વિધવાને ભણાવાય કેમ? એને નિશાળે જવા જ કેમ દેવાય? પણ બાપુજી જરા દૂરનું જોતા થયા હતા. પોતાની આર્થિક પરિસ્થિતિ જાણતા. આ છોકરી પગભર ન થઈ તો જીવતર કઈ રીતે કાઢશે? એટલે બાના અનેક ધમપછાડા છતાં બાપુજીની ઇચ્છાથી કાન્તાએ એક વર્ષનો કર્વે મૅટ્રિકનો કોર્સ કર્યો. સાથે સાથે હેન્ડીક્રાફ્ટનો ડિપ્લોમા મેળવ્યો. રત્નચિંતામણિ હાઈસ્કૂલમાં હેન્ડીક્રાફ્ટ ટીચરની નોકરી એને મળી ગઈ. ટ્યૂશનો શરૂ કર્યાં. એ આઠ વાગ્યે ખાઈને ઘેરથી નીકળે; ટ્રેનમાં બોરિવલી ઊતરે; ત્યાં એક ટ્યૂશન કરે; ત્યાંથી ચાલીને કાંદિવલી પહોંચે, ત્યાં બીજું ટ્યૂશન હોય; કાંદિવલીથી ચાલતાં મલાડ જાય અને ત્યાં ત્રીજું ટ્યૂશન અને મલાડથી ટ્રેન પકડી સાયન જાય અને ત્યાં એ ચોથું ટ્યૂશન કરે. સાયનથી ટ્રેનમાં બોરીબંદર અને ત્યાંથી ચાલતા રત્નચિંતામણિ હાઈસ્કૂલ નોકરી કરવા જાય. કાન્તાબેન લખે છે “અથાક કામ, મારે માટે એ કાંઈ નવું નહોતું. સવારથી રાત સુધી સતત કામ કરવાનું થતું. પરંતુ હવે સ્વતંત્રતાનો આનંદ હતો. પીંજરામાંથી છૂટેલા મુક્ત પંખીનો કિલકિલાટ હતો. ડૂબકાં ખાધા વિના માથું ઊંચું રાખીને સમાજમાં યથેચ્છ તરવાનો મનસૂબો હતો.” બાને આ બધું ગળે નહોતું ઊતરતું. એમનો કકળાટ ચાલુ હતો. બાપુજી પણ જૂના વિચારના જ હતા. પણ આર્થિક રીતે લાચાર હતા. પછી બાનો કકળાટ અસહ્ય થઈ પડ્યો અને કાન્તા તંગ આવી ગઈ. બાપુજીએ દહિસરના જ ઘરમાં ત્રણમાંથી એક જુદી રૂમ એને આપી દીધી. ત્યાં કાન્તા એકલી રહેતી – રાંધતી થઈ. દિવસથી રાત સુધી કમાવા માટેનો પુરુષાર્થ ચાલુ હતો. પછી એણે હિન્દી-કોવિદ કર્યું; તરવાનું–સાઇકલ ચલાવવાનું શીખી લીધું. પણ જે નાતો અલ્પજીવી હતો તે છૂટવાની ઘડી હવે પાકી ચૂકી હતી. એક ઘટના બની. એક પરિચિતનાં લગ્ન સૂરતમાં હતાં. કાન્તાએ તેમાં જવાનું નક્કી કર્યું, ઘરમાં ખળભળાટ મચી ગયો. બાએ ના પાડી. સારી એવી બોલચાલ થઈ – બાબાપુજીએ હવે ધમકી આપવા માંડી : ‘તું નહીં માને તો તારું ગળું દબાવી મારી નાખીશું. તારે ગળે ટૂંપો દઈ દેશું, ભલે અમારે જેલમાં જવું પડે. જોઈએ છીએ, તું ઘર બહાર પગ કેમ મૂકે છે તે!’ કાન્તાએ હઠ ચાલુ રાખી. ગુસ્સામાં બાપુજી એકદમ ત્રાટક્યા. કાન્તાને ગળચીથી પકડી ગળે ટૂંપો દેવા તૈયાર થઈ ગયા. કાન્તાને ગળે, મોઢે બધે વલોરિયાં ઊઠી આવ્યાં; ઢસડીને રૂમમાં નાખી બહારથી તાળું મારી દીધું. બે દિવસ સુધી રૂમમાં પૂરી રાખી. ઊંટની પીઠ પરનું આ છેલ્લું તરણું હતું. કાન્તાનું અસ્તિત્વ આખું હચમચી ઊઠ્યું. કાન્તાબેન લખે છે, “હું કોઈને પૂછવા ન ગઈ, કોઈની મેં સલાહ ન લીધી. કોઈએ મને કાંઈ શીખવ્યું નહીં. બસ, મનોમન મારો નિશ્ચય થઈ ગયો. આ ઘરનાં અન્ન-જળ પૂરાં થયાં. આ કુટુંબ સાથેનો નાતો ખતમ થઈ ગયો. આજેય મને નવાઈ લાગે છે કે મારામાં આવી હિંમત આવી ક્યાંથી? આ શક્તિ મને મળી ક્યાંથી? ક્યાં જઈશ, ક્યાં રહીશ, કશી જ ખબર નહીં. કોઈ દિવસ બહાર રહી નહોતી. દુનિયા ઝાઝી જોઈ નહોતી. મારી એકલીનું શું થશે, કોઈ જ વિચાર નહીં. બસ હવે નથી રહેવું. આ ઘર હવે છોડી દેવું છે...” એક દિવસ એક નાનકડી પેટીમાં પોતાનાં બે કપડાં નાખી બા-બાપુજીને કહી દીધું, ‘હું ઘર છોડીને જાઉં છું!’ અને કાન્તાબેન ચાલી નીકળ્યાં. એક પરિચિતને ઘરે રાત રહ્યાં. એ ભાઈ એમને મુંબઈમાં લેમિંગ્ટન રોડ ઉપર ભગિની સમાજની હોસ્ટેલમાં લઈ ગયા. નોકરી-ધંધો કરતી ઘરબાર વગરની સ્ત્રીઓને ત્યાં રહેવા મળતું. રૂમ બધા ભરાયેલા હતા. એટલે પહેલા સાત-આઠ મહિના બહાર પેસેજમાં રહેવું પડ્યું. આ રીતે કાન્તાબેનનો બહારની દુનિયામાં પૂર્ણ પ્રવેશ થયો. કાન્તાબેને ક્યાંથી આવી ભયાનક વિધ્વંસી કૌટુંબિક પરિસ્થિતિમાંથી મુક્ત થવાની તાકાત મેળવી? સ્પષ્ટતઃ ઘરમાં તો એવું કોઈ વાતાવરણ-સંસ્કાર નહોતા. માત્ર સ્કૂલમાં એક આદર્શ શિક્ષક, ગુણવંતભાઈ તારકસની પ્રેરણાથી ગાંધીજી વિશે અને ખાદી વિશે થોડી ભાવના જાગી હતી. પહેલા ટ્યૂશનના પંદર રૂપિયામાંથી કાન્તાબેને પહેલી ખાદીની સાડી ખરીદી હતી. એમ કહેવું યોગ્ય ગણાય કે એમની આંતરિક તાકાત અને વિદ્રોહી પ્રકૃતિ સહજસ્ફૂર્ત રીતે એમને આ વિધાયક માર્ગે દોરી ગઈ. ભવિષ્યમાં એમણે અનેક જીવલેણ શારીરિક રોગોનો સામનો પણ આ જ પ્રકૃતિની સ્વસ્થતાથી અને હિંમતથી કર્યો. આપણે હવે પિંડવળનું કાર્યક્ષેત્ર કાન્તાબેને પસંદ કર્યું ત્યાં સુધીની વિગતો ઉપર ઝડપી નજર ફેરવી લઈએ. વીસેક વર્ષની ઉંમરે કાન્તાબેનનું આ નવું જીવન શરૂ થયું. ત્યારે એ કર્વે મેટ્રિક તો થઈ ચૂક્યાં હતાં. પછી એમણે શિક્ષણ-કાર્ય સાથે બી.એ.ની અને બી.ટી.ની ઉપાધિ પણ મેળવી લીધી. ‘વિઝ્યુલ એજ્યુકેશન’નો કોર્સ પણ એમણે કર્યો. કુટુંબ સાથેનો નાતો આમ તો તૂટી ગયો હતો, છતાં જરૂર પડે ત્યારે કુટુંબને મદદ કરવાનું ચૂકતાં નહીં. એમના કૉલેજકાળના અભ્યાસ દરમ્યાન એમને એક અમૂલ્ય સાથીદાર, હરવિલાસબેન સાથે રિશ્તો બંધાયો, જે જીવનભર હજી સુધી ટક્યો છે. હરવિલાસબેન પણ એક પારસી સ્કૂલમાં ભણાવતાં. પણ બંનેનો ઉછેર, બંનેની પરિસ્થિતિ બધું ભિન્ન હતું. હરવિલાસબેનનું કુટુંબનું વાતાવરણ ઘણું જુદું હતું. હરવિલાસબેનમાં રાષ્ટ્રીયભાવના પણ પોષાયેલી. એમને ગાંધીજીનાં દર્શનની તીવ્ર ઇચ્છા હતી. પણ તે બર ન આવી. ગાંધીજીની હત્યા થઈ ત્યારે એમને સખત આઘાત લાગ્યા હતો. જૈનધર્મના પણ એમના ઉપર સંસ્કાર હતા. એમને દીક્ષા લેવાની પણ ઇચ્છા થતી રહેતી. ગાંધીજીનો રંગ બંનેને લાગ્યો હતો અને એ દૃઢ થતો ગયો. દરમ્યાન મુંબઈના ભૂદાનના કાર્યકરો સાથે બંને સંપર્કમાં આવ્યાં. નૈરોબીમાં સારા પગારે શિક્ષકની નોકરી બંનેને મળતી હતી, જવા તૈયાર પણ થયાં હતાં, પણ છેલ્લી ઘડીએ એમનો વિચાર ફરી ગયો. એ સાલ ૧૯૫૭ની હતી. ભૂદાન આંદોલનના એ દિવસો હતા. એમણે ઘર છોડી, મુંબઈ છોડી, ભૂદાન આંદોલનમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો. આમ બંનેની સહિયારી યાત્રા શરૂ થઈ. વિનોબાજીના માર્ગદર્શન હેઠળ એમણે કાર્ય શરૂ કર્યું. પિંડવળ સ્થાયી થયા પહેલાં કેટલાંક વર્ષો ભૂદાન માટેની પદયાત્રાઓ અને બહોળા પાયા ઉપર ભૂમિપુત્ર અને બીજા સાહિત્યનો પ્રચાર-વેચાણ એમની મુખ્ય પ્રવૃત્તિ રહી. સૌથી વધુ ચકચાર આ પુસ્તકના ‘એકત્વના સાક્ષાત્કાર’ પ્રકરણે જગાવી છે. કેટલીક એવી ચર્ચાઓ મુંબઈના ‘સમકાલીન’ અખબારમાં છાપી. શ્રી ગુણવંતભાઈ શાહનો લેખ એ ઉપર હતો. પણ એ મેં વાંચ્યો નથી. સત્યશોધક સભાના બી.એ. પરીખ જેવા કેટલાકે પ્રસ્તુત પ્રકરણને લઈને ચર્ચા કરી છે. આ પ્રકરણમાં કાન્તાબેન અનેકવાર ભાવાવાસ્થામાં આવી જતાં અને એમને થયેલા ચમત્કારોનું વિગતે વર્ણન છે. કાન્તાબેનને બાલ્યાવસ્થાથી જ રામરટણ ઉપર અનન્ય શ્રદ્ધા અને આધાર ઉત્પન્ન થયાં હતાં. ક્યાંય ભય-પ્રસંગ ઊભો થાય કે એ રામનામનું શરણું લેતાં. બાળપણથી જ એમણે જે જાતનું જીવન વીતાવ્યું હતું એથી એમનામાં અમુક ભયગ્રંથિઓ ઘર કરી ગઈ. બંને બહેનો નગરયાત્રા દરમ્યાન લુણાવાડા આવી પહોંચ્યાં તે વખતનો પ્રસંગ આનો દ્યોતક છે. કાન્તિભાઈ લખે છે, “બંને એક રૂમમાં સૂતેલાં. મોડી રાતે ક્યાંક ભૂત-પ્રેતને ભગાડવા ડાકલાં વાગતાં હશે. મુંબઈથી આવેલ બહેનો માટે આ નવું હતું. કાન્તાબેનના મનમાં નાનપણમાં પેસી ગયેલ ભયગ્રંથિ એકાએક જાગી ઊઠી. એમના મન ઉપર અસર થઈ ગઈ. ભૂતપ્રેતની એકદમ બીક પેસી ગઈ તેની અસર થોડા દિવસ સુધી રહી.” કાન્તાબેનની ભાવાવસ્થાઓમાં આ ભયગ્રંથિઓ, માનસિક પ્રક્ષેપો, જાતીયવૃત્તિએ ભાગ નહીં જ ભજવ્યો હોય એમ કહી શકાય ખરું? આપણે જાણીએ છીએ કે મનમાં તો અનેક વિરોધી વિચારો એક સામટા આવતા જતા હોય છે. એનો તાગ મેળવવો મુશ્કેલ. થોડુંક જોઈએ. હરવિલાસબેને વિનોબાજીને ૨૭-૨-૧૯૬૧ની તારીખના પત્રમાં લખ્યું, “સામાન્ય રીતે દર વરસે શિયાળામાં કાન્તાને ‘ક્રોનિક કોલ્ડ’ને કારણે માથાનો તથા પડખાનો અસહ્ય દુખાવો થાય છે. દસ-પંદર દિવસ લગભગ પથારીવશ રહે છે. અત્યાર સુધી એસ્પ્રો-એનેસિનની છ-છ, સાત-સાત ગોળી લઈને તત્કાળ પૂરતો તેમાંથી આરામ મેળવતી. આ વખતે મેં આગ્રહ કરીને તેને આ ગોળીઓ ન લેવા દીધી. દસ-બાર દિવસ માથાનો સખત દુખાવો! બેચાર વાર ચક્કરને લીધે પડી જતી. દિવસ ને રાત ઊંઘનું નામ નહીં. સ્વભાવ પણ ખૂબ ચીડિયો અને આળો બની ગયો... એક દિવસ કોઈકે એવી રીતે કહ્યું કે કાન્તાની માંદગી માનસિક કારણોને લીધે થાય છે. જાતીય વૃત્તિઓના ‘સપ્રેશન’ને લીધે પણ આવું થાય. કોઈક રીતે આ વાત તેને કાને પડી ગઈ. તેની એના ઉપર ખૂબ અસર થઈ. બે દિવસ સુધી એ ખૂબ રડી.. રાત્રે તે સૂતી. અસ્વસ્થ હતી. થોડી વારે તે ઊંઘમાં પડી. રાત્રે લગભગ બાર વાગ્યા હશે. ઊંઘમાં જ બોલવા માંડી. મને શરદીને કારણે જ આ બધું થાય છે. પણ બધાંને કેમ આવા વિચારો આવે છે? મને બીજી કોઈ ભૂખ નથી. પણ મારું દિલ ખોલીને કેમ બતાવું? હે ભગવાનડા! તને તો ખબર છે ને? હું છ-સાત વર્ષની હતી ત્યારથી તને યાદ કરું છું. તું ક્યાં મારું અંતર નથી જાણતો? તું વારે વારે શાને મને આવી માંદગી આપે છે! જા, હવે બે દિવસમાં મારું માથું મટાદી દે, તો તું ખરો! એમ નહીં કરે તો આપણે હવે નહીં બને... રામડા! બસ, તું આટલું કર, નહીં તો તારી સાથે કીટ્ટા!’ આટલું બોલ્યા બાદ તે થોડો વખત સૂઈ ગઈ પછી ખૂબ ઉત્સાહમાં આવી ગઈ. અને જાણે કાંઈક જોતી હોય એમ વર્ણન કરવા લાગી. એ બધું વર્ણન ફરી શબ્દોમાં કરવાનું તો શક્ય નથી. પણ તે દિવ્ય સ્વરૂપનું વર્ણન કરતી હતી. એનો સ્પર્શ અનુભવતી હોય એમ હર્ષ પામતી હતી. પ્રકાશમાં એનું મોં જોયું, તો અવનવો ભાવ ત્યાં જણાતો હતો. પછી કહે કે ઊભો રહે. મારે તારી પૂજા કરવી છે. પડી જાય એ બીકે અમે તેને રોકી અને ઊઠવા ન દીધી. ત્યાં તો ઊંઘમાં જ બોલવા મંડી કે ‘મારે તારી પાસે આવવું છે, પણ મને કોઈ રોકે છે.’ એટલે અમે ઊઠવા દીધી. ઊભી થઈને હાથ જોડીને હર્ષોલ્લાસપૂર્વક પ્રાર્થના કરીને લાંબી થઈને સૂઈ જઈ પ્રણામ કર્યા.” કાન્તાબેનનું આ ઊંઘમાં બોલવું – શરૂઆતના ભાગમાં સ્વપ્નિલ કરતાં ખાસ્સું તર્કબદ્ધ લાગે છે. આ જાગૃતાવસ્થાની વાણી છે કે નિદ્રાની એ ભેદ કળાતો નથી. ‘ઊભો રહે, મારે તારી પૂજા કરવી છે.’ – એ વાણીના અંશમાં માનસિક પ્રક્ષેપોને બિલકુલ નકારી ન શકાય. આમાં એમની રામનામની આસ્થાનો ભાવ પણ ક્રિયાત્મક છે એની ના નહીં પણ શુદ્ધ અનુભૂતિની ચોટ આપણને વાંચતાં લાગતી નથી. બાકી હાથમાં કંકુ નીકળી આવવું, પગમાં ઝાંઝરનું આવી જવું, મોગરાનો કે એવો અચાનક પમરાટ ફેલાઈ જવો એ વિશે સત્યશોધક સભાની જેમ હું મત ઉચ્ચારી શકતી નથી. આમાં માનસિક પ્રક્ષેપોનો કોઈ અવકાશ દેખાતો નથી. હવે આપણી પાસે બે જ રસ્તા છે. કાં તો આપણે વિનોબાજી-કાન્તિભાઈ વગેરે જેમણે પ્રત્યક્ષ જોયું છે એમની વાત સ્વીકારવી અથવા એ ખોટું કહે છે એમ માનવું. મારા મન ઉપર એમના વ્યક્તિત્વની જે છાપ અંકિત થઈ છે એ મને એમને ખોટા કહેવા પ્રેરતી નથી. પણ આ પ્રકરણ અહીં સમાપ્ત. આપણી પાસે કાન્તાબેન-હરવિલાસબેનના સહજીવનને આદર્શ ઉદાહરણ તરીકે ધરવામાં આવ્યું છે. કાન્તિભાઈ લખે છે, “સમજણો થયો ત્યારથી આ શબ્દ જીભે રમતો થઈ ગયેલો – અશેષ આત્મીયતા. જીવનમાં મેળવવા જેવું, પામવા જેવું કાંઈક હોય, તો તે આ છે – અશેષ આત્મીયતાભરી મૈત્રી, જેમાં કશું છુપાવવાનું ન હોય, કંઈ ઢાંકવાનું ન હોય, વચ્ચે કશું આવરણ ન હોય, કશું મહોરું ન હોય. એવી આત્મીયતા, જેમાં જુદાપણું કશું શેષ ન રહ્યું હોય. દેહ ભલે ભિન્ન હોય, બે દેહની અશેષ નગ્નતા પરસ્પર છતી થઈ ગઈ હોય, એ દેહમાંના માંહ્યલા એકરૂપ થઈ ગયા હોય... મારી આવી મનોભૂમિમાં મેં જ્યારે મારા સપનાને સાકાર કરતું એક જીવતું જાગતું ઉદાહરણ મારી આંખ સામે જોયું, ત્યારે મારી ખુશીનો પાર ન રહ્યો.” આ ભાવનાશીલતાની પ્રચુરતાને બાજુએ રાખીને વિચારીએ કે બે વ્યક્તિ વચ્ચે મૈત્રી પરિણમતી હોય છે એટલે શું બનતું હોય છે? વિચાર-સામ્યને કારણે મૈત્રી વિકસતી હોય છે? વિચાર-સામ્ય ઉપર જૂથો રચાઈ શકે, રચાતાં હોય છે. અકસ્માત રીતે બે મિત્રો વચ્ચે વિચાર-સામ્ય હોઈ શકે. પણ મૈત્રીનો પાયો વિચાર-સામ્ય નહીં પણ બે વ્યક્તિ વચ્ચેની માનસિક સંવાદિતા (Psychic harmony) હોય છે. રજનીશજીએ મૈત્રીને આ રીતે વ્યાખ્યાયિત કરી છે એ એકદમ યોગ્ય લાગે છે. આધ્યાત્મિક પરિભાષામાં એક ઘરના લોકોમાં મૈત્રી સંભવી શકે એમ કહેવાય છે. મૈત્રી એ કોઈ એકદમ વિરલ ઘટના નથી. પ્રેમીઓ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે પણ આવી મૈત્રી ન વિકસે એવું નથી. એ બે વચ્ચે જાતીયતા હોય એટલે આપણે એનો દરજ્જો નીચો ગણીશું? કાન્તાબેન-હરવિલાસબેન વચ્ચે આવી માનસિક સંવાદિતા હોઈ શકે છે. વળી બંનેની પસંદગીનું કાર્યક્ષેત્ર એક બની રહ્યું અને સાથે રહેવાનું થયું. છતાં એમના સંબંધમાં પણ આસક્તિ નથી એમ કહી શકાય? જુઓ ડાયરીમાં બેન શું લખે છે. “...નાની ને હું ઘણાં ઘણાં નજીક આવ્યાં છીએ. હવે તો એકબીજા સિવાય કામ કરવું જ અશક્ય લાગે છે... દિવસે દિવસે ખૂબ જ નજીક આવીએ છીએ. થોડા સમય માટેની અન્યોન્યની ગેરહાજરી એકબીજાને ખૂબ સાલે છે. છતાં સામાજિક કામ માટે છૂટાં તો પડવું જ પડે છે. અને ત્યારે એકબીજા માટેનો ઝુરાપો બહુ સતાવે છે.” બિંદુ ભટ્ટના ‘મીરાં યાજ્ઞિકની ડાયરી’ પુસ્તકમાંનું એક પાનું આ નથી લાગતું? આ લેખના ટીકાત્મક ભાગનો આશય કાન્તાબેન, હરવિલાસબેન, કાન્તિભાઈ અને ડૉ. નવનીતભાઈ ફોજદાર જે પિંડવળ-આદિવિસ્તારમાં ધૂણી ધખાવીને બેઠા છે – એમના કાર્યનું મહત્ત્વ ઘટાડી નાખવાનો નથી, બલકે અનેક સ્તરે ત્યાં થઈ રહેલા કામને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવાનું કેટલું તો જરૂરી છે એ તરફ આંગળી ચીંધવાનું મેં મુનાસિબ માન્યું છે. યથાતથ જોવું એ એક માત્ર પુરુષાર્થ આપણે કરી શકીએ એમ છીએ અને જ્યાં ન કરી શકીએ તો એ પણ જોવાની આપણામાં શક્તિ આવે એ તીવ્ર ઇચ્છા સાથે વિરમું છું. આ સંદર્ભમાં જ હું એક બીજા પુસ્તકનો નિર્દેશ કર્યા વગર રહી શકતી નથી. ‘અતીતના આયનાની આરપાર’ એ શ્રી રમણલાલ પાઠકની સરોજ પાઠક ઉપરની જીવનકથા છે. કંઈક અકલાત્મક એવા લે-આઉટવાળા આ પુસ્તકની નિજી સચ્ચાઈ આપણને સ્પર્શે છે. સારી જીવન કથા-આત્મકથાના દુકાળમાં એ ઉપેક્ષા ન પામે એ જ ઇચ્છા.

તા. ૨૦-૯-૧૯૯૩