પ્રતિસાદ/“હું મારા દેશને ચાહીશ, પણ પૂજા તો સત્યની જ કરીશ”

From Ekatra Wiki
Jump to navigation Jump to search

...પણ આ બધા પછી પણ સમાજપરિવર્તન માટેની કેળવણી ગુજરાતમાં પણ દાખલ થઈ નથી... ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના અભ્યાસક્રમો ઊંચા ને ઊંચા લેવાની પ્રક્રિયા ચાલુ રહી છે. હકીકતમાં ઊંચા લેવાયા છે તેમ નથી... પ્રગતિ કે વિજ્ઞાનના ખોટા ખ્યાલો આ માટે પૂરતા જવાબદાર છે. પુછાતું નથી આ કે કોની પ્રગતિ, કયું વિજ્ઞાન, કેવું વિજ્ઞાન? તેને પરિણામે જ શિક્ષિત બેકારીની ઘોર સમસ્યા વધતી અને વધતી ચાલી છે. આમ થાય છે તેમાં નવાઈ નથી. જો તમે શિક્ષણમાં વધારો કરો, સાર્વત્રિક કરો, અને તેમાં ભણનારામાં પરિશ્રમ તરફ આદર, તેની ટેવ, સમાજસેવા, સાદાઈ જેવા ગુણો કેળવાય તેવું ન જુઓ, ઊલટું ઓછી મહેનતે વધારે મેળવવું, બીજા પર પોતાનો બોજો નાખવો જેવા સમાજવિરોધી ગુણો કેળવાય, બૌદ્ધિક સિદ્ધિઓ જ કિમતી છે તેવા કુસંસ્કારો આપો તો તેનું પરિણામ શિક્ષિતોની બેકારી કે શિક્ષિતોનાં તોફાનોમાં જ આવે. માત્ર વિસ્મય અને ખેદની વાત એ છે કે આવી પંગુ, પરોપજીવી, સ્વકેન્દ્રી કેળવણી જે લોકો સમાજવાદને પોતાનો આદર્શ માને છે કે ગાંધિયન કહેવરાવે છે તેમણે સત્તા હાથમાં હોવા છતાં ચાલુ રાખી તે છે.


મનુભાઈ પંચોળી



“હું મારા દેશને ચાહીશ, પણ પૂજા તો સત્યની જ કરીશ.”

ટાગોરની ‘ઘરે બાહિરે’માં આવતા મથાળાના આ વાક્યને શ્રી મનુભાઈ પંચોળીએ એમના જીવનમાં સામાજિક-રાજકીય સ્તરે લેવા પડતા નિર્ણયો માટે માપદંડ ગણવાનું મુનાસિબ માન્યું. આ વાક્યમાં દેખીતો વિરોધ લાગે, પણ જોવા જાવ તો એમાં એક ઘેરી સુસંગતતા રહેલી છે. ઈ. એમ. ફૉસ્ટરે કહેલું કે મારે જો મિત્રનો દ્રોહ કે રાષ્ટ્રનો દ્રોહ કરવા વચ્ચે પસંદગી કરવાનું આવે તો હું રાષ્ટ્રનો દ્રોહ કરવાનું વધુ પસંદ કરીશ. દેશને સ્વતંત્રતા મળી ગયા પછી પાકિસ્તાનને ભારત સરકારે કબૂલેલાં નાણાં ન આપ્યાં ત્યારે ગાંધીજી ઉપવાસ ઉપર ઊતર્યા હતા અને આપણી ભારત સરકારને એ નાણાં આપવાની ફરજ પાડી હતી. આ રીતે એમણે રાષ્ટ્રનું ચારિત્ર્ય ઘડવામાં ફાળો આપ્યો હતો – સાંકડા રાષ્ટ્રવાદની ઉપરવટ એમણે મૂલ્યનિષ્ઠ રાષ્ટ્રવાદનો ધ્વજ ફરકાવ્યો હતો. ફ્રાન્સમાં સાર્ત્ર અને થોડા બીજા લેખકોએ ફ્રાન્સના એલ્જિયર્સ દેશ ઉપર ચાલુ રહેલા આધિપત્ય સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. ઇંગ્લૅન્ડમાં પણ એવા અંગ્રેજો હતા જેમણે ઇંગ્લૅન્ડના સામ્રાજ્યવાદ સામે અવાજ ઉઠાવ્યો હતો. મનુભાઈ પંચોળીએ સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ વખતે ઘણા રાજકીય ગુજરાતી આગેવાનો અને બહુમતી ગુજરાતી પ્રજાનો મત હતો કે મુંબઈ સ્વતંત્ર રહેવું જોઈએ એની વિરુદ્ધ જઈ મુંબઈ ભૌગોલિક અને બધી રીતે મહારાષ્ટ્રનું જ ગણાવું જોઈએ એવો મત જાહેર કર્યો હતો. આ સંદર્ભમાં એમણે એમના પુસ્તક ‘સદ્દભિઃ સંગઃ’ના મથાળામાં ઉપરના ટાંકેલા વાક્યની પ્રસ્તુતતા છે.

દર્શકનું ‘સદ્ર્ભિઃ સંગઃ’ પુસ્તક એટલે એક બહુમુખી વ્યક્તિત્વની ઉદ્ઘાટિત થતી આવતી કાર્યક્ષેત્ર સંલગ્ન ઊર્મિશીલ વિચાર-સૃષ્ટિ. શિક્ષણ, ગ્રામ-સંસ્થાઓ, ઉદ્યોગ-સમસ્યા, રાજકારણ, પ્રવાસો વગેરેની બધી વાતો લેખકના વિશિષ્ટ દૃષ્ટિકોણ અને અભિગમથી વિચારપ્રેરક – રસપ્રદ બની છે. સંસ્થાઓ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલી અનેક વ્યક્તિઓનાં ચિત્રો લેખકે એમની કલમ વડે આપણી આંખ સમક્ષ ખડાં કર્યાં છે. પણ શ્રી દર્શક આપણને ચેતવે છે, “અને એ પણ એમને બધી બાજુથી મેં જોયા નથી કે કથ્યા નથી... ‘સદ્ભિઃ સંગ’ને સંબંધ છે ત્યાં સુધી બેઉ સંસ્થાના સંબંધે જેમના સંસર્ગમાં મારામાં જે આંદોલનો ઊઠ્યાં હતાં અને જેની સ્મૃતિવીણા હજુયે મારા ચિત્તતંત્રમાં વાગ્યા કરે છે તેટલો જ રણકાર આમાં છે.” પુસ્તક વિશે વળી વધુ સ્પષ્ટતા કરે છે અને કહે છે, “આ કોઈ આત્મકથા નથી... આ તો સંસ્થા અને એની જોડે ચાલેલા જાહેરજીવનની કથા છે... નાનાભાઈના વેણે અમે જે કામ કર્યું અને તે કરતાં જે સમજનો વિકાસ થયો તે આમાં છે અને વિશેષ તો છે તે કરતાં અનેક મોટી વિભૂતિઓનો સંસ્પર્શ થયો તે. સામાન્યતઃ વિભૂતિ વિશેષણ મહાપુરુષોને લગાડાય છે, અને તે સાર્થક છે; પણ તે જ વિશેષણ સામાન્યજનોનું વિશેષત્વ બતાવવા વાપરવું તે પણ અનુચિત નથી. આવી ઘણી વિભૂતિઓ સમાજમાં બીજે પણ હશે જ. તેના વિના પૃથ્વી ટકે કેમ કરીને? પણ આપણે ઝાકઝમાળ, હોકારા-દેકારા, આંખોને ઊઘડવા જ ન દે તેવા અંધાધૂંધ પ્રચાર-પ્રકાશના જમાનામાં જીવીએ છીએ; એટલે આવું વિભૂતિતત્ત્વ દેખાતું નથી એટલાં આપણાં પુણ્ય પણ ઓછાં થયાં ગણાય. આવા સજ્જનોનો સંગ બહુપુણ્યે મળે છે તેમ કવિએ ભાખ્યું છે.” પુસ્તકમાં ચિંતન કરવા યોગ્ય તો એટલી સામગ્રી છે, પણ એ બધાનો અછડતો નિર્દેશ કરવો પણ અહીં શક્ય નથી. અહીં કરેલી મોટી વાતો જ ઘણાંને પુસ્તક વાંચવા લોભાવે એવું બનવા પૂરો સંભવ છે. પુસ્તકમાંના શિક્ષણ અને સમાજરચનાના પ્રશ્નોનાં અમુક પાસાંઓને મુખ્યત્વે અહીં કેન્દ્રમાં રાખવાં છે, અને બને એટલું દર્શકની ભાષામાં જ જોઈશું. ઈ. સ. ૧૯૩૦માં લગભગ ૧૬ વર્ષની ઉંમરે પાંચમા ધોરણનો અભ્યાસ અધૂરો મૂકી દર્શક સત્યાગ્રહના સૈનિક બન્યા. પણ ૧૯૩૪માં પિતા નોકરીમાંથી નિવૃત્ત થતાં કાંઈક કામ કરવાનું એમણે વિચાર્યું. નાનાભાઈ ભટ્ટની ભાવનગરની દક્ષિણામૂર્તિમાં ગૃહપતિ તરીકે કામ કરવાની એમને તક મળી. નાનાભાઈની વિશાળ દૃષ્ટિ, અનુભવ અને નિષ્ઠાએ એમના ઘડતરમાં અનોખો ફાળો આપ્યો. એમાંનો એક પ્રસંગ જોઈએ. ત્યાં એક બીજા ગૃહપતિ તરીકે કોઈ મહાદેવ હતા. એક વખત એ કોઈ બે ત્રણ વિદ્યાર્થીઓને ઊંચે સાદે કહેતા હતા. “તમે કેમ છાત્રાલય વાળ્યું નથી? એ નહીં ચાલે. હું એવું નહીં ચલાવું.” નાનાભાઈએ આ સાંભળ્યું અને એમને પોતાની પાસે બોલાવી કહ્યું, “મેં તમને છાત્રાલયની સફાઈ કરાવવા માટે નથી રાખ્યા. વિદ્યાર્થી આપમેળે છાત્રાલય સાફ કરતા થાય તે માટે રાખ્યા છે. છાત્રાલય તો પંદર રૂપરડી આપીને કોઈ બાઈ પાસે હું સાફ કરાવી શકું. તમને પંચોતેર મળે છે તે છાત્રાલય સાફ રખાવવાના નહિ, બાળકો છાત્રાલય સાફ રાખતાં શીખે તે માટે.” દર્શક લખે છે કે મને શિક્ષણ અને વહીવટ વચ્ચેનો ભેદ દીવા જેવો દેખાઈ ગયો જે હું ડઝન પુસ્તકો વાંચીને પણ ન પામી શકત. મનુભાઈ પંચોળી પછી દક્ષિણામૂર્તિ છોડી જાય છે. તેમને લાગ્યું કે દક્ષિણામૂર્તિની ઘણી સિદ્ધિઓ હતી, પણ ગામડાંની જ પ્રજા સાચું ભારત છે તેને માટેની આ કેળવણી નહોતી. નાનાભાઈ જ્યારે આંબલામાં એક શિક્ષણ-પ્રયોગ શરૂ કરે છે ત્યારે એમની સાથે એ ફરી જોડાય છે. આ શિક્ષણ-પ્રયોગની વિશિષ્ટતા સમજાવતાં દર્શક કહે છે કે અમે ગામડામાં નિશાળ શરૂ નહોતી કરી. એવી શાળાઓ તો શ્રીમંતોએ અને સંપ્રદાયોએ દાન આપ્યાં હતાં એટલે એ પૂર્વે પણ ચાલતી જ હતી. અમે ગામડામાં નિશાળ નહીં, પણ ગામડાની નિશાળ શરૂ કરી. જેમણે માત્ર ગામડામાં નિશાળ શરૂ કરી એમની એ પાછળ શુભભાવના એ હતી કે ગામડાં શા માટે નોકરી દોડમાં શહેરથી પાછળ રહે. પણ અમે વિચાર્યું કે ગામડાં ભાંગી શહેરો બંધાય તેવી કેળવણી અધૂરી છે. વિદ્યાર્થીઓ ગામડાંમાં રહેવા ગામડાંને સુધારવા, ગામડાંની વકીલાત કરવા પ્રેરાય તેવી ગામડાંની કેળવણી હોવી જોઈએ. આ ભેદ સમજાય એટલા માટે નવા શિક્ષણમાં નવો અભ્યાસક્રમ, નવી પદ્ધતિઓ, નવાં પાઠ્યપુસ્તકો, નવાં શિક્ષકો, નવાં સાધનો ઊભાં કરવાનાં હતાં. સમગ્ર અભ્યાસક્રમ ખેતી, ગોપાલન, સહકાર, પંચાયત અને ગ્રામસમાજના પ્રશ્નોની આસપાસ ઊભો કર્યો. ગ્રામસમાજના પ્રશ્નો પરત્વે ગ્રામનિર્માણ નામનો નવો વિષય જ ઉમેર્યો. ખેતીનો અભ્યાસક્રમ રચતાં અમને ખાતરી થઈ કે એ વિષય જ અનેક પ્રશ્નો સાથે અનુબંધિત છે. જમીન તો ખરી જ, પણ સાથે કીટકો, પંખીઓ, પશુજીવન, ઋતુચક્ર, વનસ્પતિ, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર—આ બધાં ખેતીમાં એકરસ થઈ ગયાં છે. તે વખતે નઈ તાલીમમાં જે પ્રયોગો થતા હતા તેમાં વસ્ત્રવિદ્યાનો ઉદ્યોગ જ ચાલતો હતો. તેમાંયે કાંતણ જ મુખ્ય હતું. અમે તો ખેતીને જ મુખ્ય ગણી અને કાંતણને ગૌણ સ્થાન આપ્યું. વળી એક બીજી વાતની પણ અમને આરંભથી સ્પષ્ટતા હતી કે અમે કોઈ વ્યાવસાયિક શિક્ષણની શાળા કાઢી નહોતી. ભાષા માત્ર ઉદ્યોગને કારણે શરૂ નથી થઈ. તે તો માણસના પરસ્પરના અનેક પ્રકારના લાગણીભર્યા સંબંધોને કારણે અને તેમાંથી ઊઠતા અનેક પ્રકારના ભાવોને પ્રગટ કરવા માટે ઉત્પન્ન થઈ છે અને વિકસી છે. ‘સરમન ઑન ધ માઉન્ટ’ કોઈ ઉદ્યોગ શિક્ષણમાંથી નથી નીપજ્યું, પણ ગોથાં ખાતી માનવજાત માટે કકળતી આંતરડીમાંથી નીપજ્યું છે. એટલે અમે કવિતા બહુ શોખથી શીખવતા, શોખથી ગાતા, ગવડાવતા કારણ કે માનવહૃદયમાં ઉચ્છ્વાસિત થતાં ભાવનાં આંદોલનોના દૃઢીકરણ માટે પુનઃ પુનઃ તેને માણવાં તે જરૂરી હતું. અમે કવિતા-શિક્ષણમાં અનુક્રમને કદી પવિત્ર ગણેલ નહિ. નરસિંહ આદિ કવિ એટલે એને જ પહેલા ભણાવવું એવું નહિ. બધા જ કવિઓને ભણાવવા તેવું પણ અમે લક્ષ્ય રાખ્યું નહોતું. અમારે કવિતા ભણાવવી હતી, કવિઓ નહીં. આવું જ ઇતિહાસનું હતું. તે વખતે હવામાન સ્વરાજ્યની લડતનું હતું એટલે અમે ભારતીય ઇતિહાસની શરૂઆત ઔરંગઝેબ સામે થનાર શિવાજીથી કરતા અને સ્વરાજ-કાળ સુધી લાવી પછી પાછા જતા. આથી વિદ્યાર્થીને ઇતિહાસમાં તન્મય થવાનું સહેલું પડતું તેવો અનુભવ થયો. આ પદ્ધતિમાં કંઈ નવું નહોતું. શિક્ષણમાં ફ્રૉમ નોન ટુ અનનોન – જ્ઞાતથી શરૂ કરી અજ્ઞાતમાં જવાનો સિદ્ધાંત હતો જ, પણ અમલ કરાતો નહોતો. જે હકીકતોને આપણા ચિત્ત જોડે સંબંધ નથી હોતો તે હકીકતો આપણને નથી રસ ઉપજાવતી, નથી યાદ રહેતી એટલે કે વંધ્ય – બિન ઉપજાઉ રહે છે. યુગની માંગ સાથે સંલગ્ન કેળવણીને ગાંધીજીએ શિક્ષણમાં અનુબંધ કહ્યો. શરૂઆતમાં આંબલામાં માત્ર પ્રાથમિક શાળાથી જ અમે ચલાવતા – પાંચ-છ સાત ધોરણની શાળા. વિદ્યાર્થીઓને શાળા ગમે તે અમારું પહેલું કામ હતું. અમે તેમના નખ કાપતા, વાળ ઓળી આપતા, નવરાવતા, બપોરના દૂરના ધરા ઉપર લઈ જઈ તરતાં શીખવતા. તેમની જોડે રમતો રમતા, સાથે જ કાંતવા બેસતા, ગ્રામ-સફાઈ કરતા, પ્રવાસે લઈ જતા. કવિતા લલકારવાનું તો ચાલતું જ. થોડા વખત બાદ પાંચ ધોરણ પછી છાત્રાલયવાળી શાળા અમે શરૂ કરી. એ લોકશાળા કહેવાઈ. આરંભનાં વર્ષોમાં ન કસોટીઓ રાખી, ન નક્કી પાઠ્યપુસ્તકો રાખ્યાં. જડ વર્ગવ્યવસ્થા કે ભણાવવાનો અત્યુત્સાહ ન રાખ્યો. કેટલાંક ગામોમાં ગાંધીરંગ્યા કેટલાક ઉત્તમ કાર્યકરો હતા ત્યાંથી વિદ્યાર્થીઓ મળવા લાગ્યા. નેવું ટકા વિદ્યાર્થીઓ ખેડૂતો કે ખેત-મજૂરોનાં સંતાનો જ લેતા, માત્ર દસ ટકા શહેરી વિદ્યાર્થીઓ રહેતા; આ વિદ્યાર્થીઓએ કામ કરવામાં કોઈ દિવસ અણગમો બતાવ્યો નહોતો કારણ કે એ બધાને મહેનત કરવી એ નવી વાત નહોતી. અંગ મહેનતનો કંટાળો તે ઉપલા અને મધ્યમ વર્ગનું આગંતુક અપલક્ષણ છે, બાળકોનું સ્વભાવગત લક્ષણ નથી. આપણે ત્યાં શહેરી ભણેલાઓ આ ઠકરાતી મનોવૃત્તિમાંથી નીકળી શક્યા નથી. પણ ત્યાંની વિદ્યાર્થી આલમમાં જે ખાસ મુશ્કેલી ત્યારે પડતી હતી અને હજી પણ આજે એ પ્રવર્તમાન છે. ન્યાતજાતના વાડામાં ઊંચનીચના કળણમાં ફસાયેલાં આ બાળકોને અમારે એક બાજુ મહેનતનું ગૌરવ અને મહત્તા બતાવવાની હતી અને બીજી બાજુ ઉપનિષદના સ્વચ્છ નિરભ્ર આસમાનની ઝાંખી કરાવવાની હતી. ઊંડા અંધારિયા કૂવાને તિળયે પડેલાને અમારે નિહારિકાનાં દર્શન કરાવવાનાં હતાં. ભાષા અને ઇતિહાસ, ખેતી અને પશુપાલન અને ભૂગોળના વિષયો બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ પકડી શકે તેવા અનુબંધો સાથે શીખવતા. વર્ગમાં નિબંધ-લેખન હોય તો અમે રસોયા, કામવાળી બાઈ, સાથી કે ગોવાળ, ચોકીદાર વગેરેનાં રેખાચિત્રો લખાવતા. કવિતા ઋતુ જોયા વગર ભાગ્યે જ ભણાવાઈ હશે. હિટલરે ઝેક લોકો પર ચડાઈ કરી ત્યારે વર્ગમાં હિટલર ઉપર પત્ર લખાવેલો. એક વિદ્યાર્થીએ લખેલું, “અમે તમારા કરતાં પણ વધારે ગરીબ છીએ અને છતાં અમે તો કોઈ ઉપર ચડાઈ કરતા નથી.” દર્શક ટકોર કરે છે કે એને ક્યાં ખબર હતી કે હિટલરને મન આપણો આ સદ્ગુણ નહોતો, દુર્ગુણ હતો. અમે કોઈની બૌદ્ધિક પ્રગતિ જોઈને તેને આગલો નંબર આપતા નહિ. દરેક કોઈ ને કોઈ બાબતમાં હોશિયાર હોય. હોશિયારીનો આજનો ગજ એક ફિશીયારીથી વિશેષ નથી. ખરી રીતે એ ઉંમરે માહિતી આપવાનો સવાલ જ નહોતો. સવાલ આત્મવિશ્વાસ અને સમજદારી આપવાનો હતો. માહિતીના ડુંગર નીચે વિદ્યાર્થીઓને દાટી દઈને આપણે ટાગોરે વર્ણવેલા ‘પોપટની કેળવણી’ની કારુણિકા જ ભજવીએ છીએ. ૧૯૫૩માં સણોસરામાં ભારતમાં પ્રથમ ગ્રામવિદ્યાપીઠ ‘લોકભારતી’ સ્થાપવામાં આવી. નાનાભાઈના અવસાન પછી એના સંચાલનનો બધો ભાર દર્શક ઉપર આવ્યો. આ ગ્રામવિદ્યાપીઠનો મુખ્ય ઉદ્દેશ આવશ્યક નેતાગીરી નિર્માણ કરવાનો હતો. અહીં શૈક્ષણિક પ્રક્રિયાના ત્રણ ભાગ પાડ્યા હતા – અધ્યયન, સંશોધન અને વિસ્તરણ. વિસ્તરણ વિના શું સંશોધન કે અધ્યયન કરવાનું છે તે નક્કી ન થાય. વિસ્તરણ પ્રશ્નો લાવે અને બીજી બાજુ અધ્યયન પાકું કે સાચું થયું છે તેની કસોટી પણ થાય. એટલે દર્શક લખે છે કે અમે આરંભથી જ આજુબાજુનાં ગામોની શાળાઓ, પંચાયતો, મંડળીઓ અને ગ્રામસમૂહ સાથેનો સંપર્ક-વિભાગ પણ રાખ્યો હતો. થોડાં વર્ષો પછી સ્નાતકોનું એક બુનિયાદી તાલીમકેન્દ્ર શરૂ કર્યું. ઉત્તર બુનિયાદી શાળાઓને માન્યતા, અનુદાનના પ્રશ્નો ઊકલી ગયા હતા. પણ આવાં વિદ્યાલયો માટે બુનિયાદી તાલીમમાં શ્રદ્ધા ધરાવતા શિક્ષકો હોવા જોઈએ – આથી આવું તાલીમ કેન્દ્ર શરૂ કર્યું. બીજો એક ફેરફાર વિદ્યાવિસ્તાર શાખા નીચે કરવામાં આવ્યો. મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સ્નાતક થાય તે પહેલાં પોતાના વિષયને અનુરૂપ કોઈ ને કોઈ સ્થળે ચાર-પાંચ અઠવાડિયાં કે તેથી વધુ સમય પણ ગાળે; અધ્યાપક અને આચાર્યના સૂચન મુજબ ત્યાં પ્રત્યક્ષ કામ કરે; તે પછી પાછા આવી પોતાનો મહાનિબંધ પૂરો કરે; પછી પરીક્ષામાં બેસે તેવો રિવાજ હતો. આ મુજબ ફળવિદ્યાના સ્નાતકો બાગ-બગીચામાં જતા, સહકારવાળા સહકારી મંડળીઓમાં જતા, ગોપાલનવાળા ગૌશાળાઓમાં જતા, શિક્ષણવાળા ઉત્તર બુનિયાદી શિક્ષણ સંસ્થાઓમાં જતા. પછી વિચાર કરીને અમે આ શાળાના બે ભાગ પાડ્યા – એક ગ્રામનિવાસ અને એક શિક્ષણનિવાસ. ગ્રામનિવાસ વખતે સીધું ગામડામાં કોઈ કટુંબમાં જ રહેવાનું હતું અને તે કુટુંબની બધી ખેતી કુટુંબના વડાની દેખરેખ નીચે સંભાળવાની હતી. જો તેણે શિક્ષણ વિષય લીધો હોય તો ગ્રામશાળા અને ગામનાં ભાઈ-બહેનો કે બાળકોનું અવિધિસરનું શિક્ષણ હાથ લેવાનું હતું. એ વખતે સંકર-૪ કપાસનો પ્રવેશ થયો હતો. તેમાં ખેડૂતોને સારી આવક થાય તેમ હતું. ખેતીના વિદ્યાર્થીઓને સંકરણમાં કાબેલ થવાની તાલીમ અભ્યાસક્રમમાં ઉમેરી ભાઈ રતિલાલના ઉત્સાહભર્યા માર્ગદર્શન નીચે ડઝનબંધ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાંજે અને વહેલી સવારે ફૂલો બંધ કરવા, કે નરપરાગ ખેંચી લેવા, સવારે પરાગ મિક્ષણ કરી, વળી એ ફૂલ બંધ કરવાના કામે લાગી જતાં. તેઓ એક નવી સૃષ્ટિને જન્મ આપતાં હતાં. તેમનાં આંગળાં, તેમની આંખો, તેમનો જ્ઞાનોલ્લાસ એ વખતે નીરખવા સમાં હતાં. આ તાલીમે એ સમયે એ યુવક-યુવતીઓને ખેડૂતોના ઘરમાં ભારે આદર અપાવ્યો. કેટલેક સ્થળે અમારા સ્નાતકો જ ખેતી કરતા હતા; સંકરકપાસના આકર્ષણે આ બધાને નિમંત્રણો મળ્યાં. ખાવાનું-પીવાનું-રહેવાનું તો મળ્યું જ પણ ઉપરથી વિદ્યાર્થીઓને મજૂરી પણ આપવાનું આપોઆપ ચાલ્યું. આ બધાએ દસ દસ – બાર બાર કલાક કામ કર્યું. અને તક મળ્યે એ ઘરનાં બાળકોને વાર્તાઓ પણ કહી, ગીતો પણ ગવરાવ્યાં. અમે જઈને જોઈએ તો ઘણા તો વાડીએ જ હોય. આજે તો અમારા માટે આ પ્રયોગ સ્થાયી પરંપરા બની ગયો છે. આ પ્રયોગે મને નવી જ દિશા ખોલી આપી અને તે સમાજ વચ્ચે શાળાને લઈ જવાની. આ દેશની કેળવણીનું એ દુર્ભાગ્ય છે કે તે એકદંડિયા મહેલની જેમ જીવી છે, અને જીવે છે. પરિણામે સમાજ પણ વિદ્યાવિહીન, અરે નેત્રવિહીન રહ્યો છે. હવે છાત્રાલય-શિક્ષણ સાથેના આનુષંગિક પ્રશ્નો સંકળાયેલા છે તે દર્શકની આંખે જોઈએ. કોઈ પણ સંસ્થા થોડી શિસ્ત કે આત્મનિયમન વગર ચાલી શકે નહીં. જે કાંઈ સ્વેચ્છાએ થાય છે, પરિસ્થિતિને સમજીને થાય છે તે નિયમન છે. આ નિયમન આપણી સ્વતંત્રતાની ક્ષિતિજો વિસ્તારે છે. સમાજના લાભો લેવા અને સમાજ પ્રત્યેની ફરજો ન બજાવવી તે એક પ્રકારનું શોષણ જ છે. નાની ઉંમરે સમજ ન હોય તો આપણે તેને ચલાવી લઈએ કે તેના વતી કામ કરી લઈએ, પણ મહાવિદ્યાલયની કક્ષાએ તો જવાબદારી અદા કરતાં કરતાં જ સ્વાતંત્ર્ય ભોગવવાનું છે. નાનાભાઈ કહેતા કે નિયમન જેટલું ઓછું હોય એટલું સારું. તેઓ કહેતા કે મોટી ઉંમરે આપણે અમુક વર્તાવની અપેક્ષા રાખીએ. ભોજનમાં સમયસર આવવું જ જોઈએ – તે સામાજિક વર્તાવનો સવાલ છે. પ્રાર્થનામાં ભલે ન આવે, તે મનોવૃત્તિ ઘડવાનો કાર્યક્રમ છે. આત્મવિકાસના કાર્યક્રમો અભિમુખતા કેળવીને કરાય, પણ લઈ ગયેલ રકમનો હિસાબ આપવાનું કામ અભિમુખતા હોય કે ન હોય તેણે કરવું જ જોઈએ. નાનાભાઈએ એ પણ શીખવ્યું હતું કે સંસ્થા- સંચાલનમાં નિરાગ્રહનું ક્ષેત્ર વધારે અને આગ્રહનું ક્ષેત્ર ઓછું હોય છે, સિદ્ધાંતો ઝાઝા હોતા નથી. આ થોડા સિદ્ધાંતોને કારણે સંસ્થા બંધાઈ રહે છે અને સંસ્થાનું મહત્ત્વ શું તે સૌને સ્પષ્ટ રહે છે, આને બાદ કરતાં બીજી બધી બાબતોમાં બાંધછોડ કરવી, ઝાઝાની ઇચ્છા જેટલું જ માન થોડાની ઇચ્છાને પણ આપવું અને સૌના સ્વાતંત્ર્યને પુષ્ટિ મળે તે જોવું. લોકભારતીમાં સહશિક્ષણને શિક્ષણનો અનિવાર્ય ભાગ ગણવામાં આવ્યો છે. સહશિક્ષણના વિચાર સાથે જ જાતીય મનોવૃત્તિ, તેના પ્રાગટ્યના સવાલો સંકળાયેલા છે. નાનાભાઈએ કહેલું, “આપણે રુંધનના હિમાયતી નથી. પણ સમાજમાં આવ્યા એટલે મનફાવતી રીતે વર્તવાનું શક્ય નથી.” સહશિક્ષણના વ્યવહારમાં દર્શક લખે છે કે અમે ઉપલી બે વાતોને પ્રથમદર્શક માનેલી. બંને સંસ્થાઓમાં ભાઈ-બહેનો મળતાં-હળતાં, સાથે ભણતાં, સાથે કામ કરતાં, તેને રુકાવટ નહિ, ઉત્તેજન મળતું. પણ અમે બે મર્યાદાઓ રાખેલી. રાતના નવ વાગ્યા પછી ભાઈઓ-બહેનોએ નહીં મળવાનું, સામાન્ય રીતે બે જણે એકલાં તો નહીં જ મળવાનું. અમે એક બીજી પણ સ્પષ્ટતા કરી કે સહશિક્ષણનો અમારો આગ્રહ શિક્ષણને વધારે અર્થવાહક-પ્રાણવાન બનાવવા માટે છે; પરસ્પરની પસંદગી કે સંવનન કે પ્રેમ કરવા માટે સહશિક્ષણના પ્રયોગ અમે કરતા નથી. કામવૃત્તિથી પીડાઈને કોઈ ભણવાને બદલે બીજે રસ્તે ચડી જાય તો તેને ચલાવીએ નહીં, રસ્તો જરૂર કાઢીએ. આમ છતાં પણ આનાથી જુદું ન બનતું તેવું નથી. આવા પ્રસંગે અમે સમજાવતા કે તમને પ્રેમ થાય કે પરણવાનું મન થાય તો તેનો વાંધો નથી. તમારા વાલીઓને જણાવો અને અભ્યાસ પૂરો કર્યા પછી તેમને યોગ્ય લાગે તો લગ્ન કરજો. દર્શકનો આ અનુભવનિચોડ અને વિચારદર્શન પ્રગટ કરતું – કેળવણીનાં વિવિધ અંગો અને પાસાંઓને લગતું આ લખાણ આપણને વિચાર કરતા કરે અને આપણા શહેરી ભણતરના પરિવેશમાં એને નાણવાને પ્રેરે તો એ મોટી વાત થઈ ગણાય. દર્શકના આ શિક્ષણપ્રયોગની પાછળ એમનું એક સમાજદર્શન રહેલું છે તેનો ખ્યાલ મેળવવો સર્વાશ્લેષી દૃષ્ટિએ જરૂરી લાગે છે. દર્શક લખે છે કે જે સમાજપરિવર્તન ગાંધીએ સર્વજનસુખાય, સર્વજનહિતાય, ઇછ્યું હતું તેનો પાયો સમાજનો મૂળ ઘટક નાનો, પરસ્પરને ઓળખતો-સમજતો થઈ શકે તેવડો નાનો હોય તે હતું. વર્તમાન પરિભાષામાં તેને આપણે ‘face to face Society’ કહીએ છીએ. એક વિશાળકાય સમાજના સ્ક્રૂ તરીકે માણસ કહેવાતા વિકાસ પામેલા સમાજમાં જીવે છે, તેમાં તે પોતે જ ખોવાઈ અસ્તિત્વ અનુભવી શકતો નથી તેમ બધા સમાજવિદો હવે કહેવા લાગ્યા છે. પણ ગાંધીનો વાંક એ હતો કે એણે કહેનારાઓ પહેલાં આ કહ્યું અને સાદી ભાષામાં કહ્યું. આવું ઘટક સુવિધાઓ વિનાનું હોય તેવું અમે માન્યું નહોતું. ગાંધીજીએ હાલનાં ગામોને ઉકરડાં સમા વર્ણવ્યાં હતાં તેને તો અમે ઉખેડી નાખવાના મતના હતા જ. સૌરાષ્ટ્ર સરકારે ફોકહાઇસ્કૂલોનો અભ્યાસ કરવા માટે દર્શક અને નાનાભાઈને એક મંડળીમાં ત્રણ મહિના માટે ડેન્માર્ક મોકલ્યા હતા. દર્શક લખે છે કે ડેન્માર્કમાં પહેલી વાર પ્રત્યક્ષ જોવા મળ્યું કે યંત્રીકરણ મોટા પાયા ઉપર મહાકાય જ હોવું જોઈએ એવું નથી. મોટા ભાગના ઉદ્યોગો ૧૦થી ૨૦ માણસો દ્વારા જ ચાલતા હતા. તેમાં પણ અર્ધા ઉપરાંત તો કુટુંબના માણસો હોય. આ નાના ઉદ્યોગો મોટે ભાગે સહકારી ઢબે જ ચાલતા હતા. કેન્દ્રીકરણ નહિ, શોષણ નહિ, છતાં યંત્રોનો લાભ ખરો. ડેન્માર્કે યંત્ર અને ગાંધી આયોજનને અનિવાર્ય વિરોધ છે તેવો ભ્રમ ટાળવામાં મદદ કરી. જોકે આ પછી પણ અંબર ચરખાને વીજળી મૂકવાનું હજી કોઈએ હિમ્મતપૂર્વક કર્યું નથી એથી મિલોને કોઈ વિકેન્દ્રિત યંત્ર-ઉદ્યોગ હરીફ તરીકે મળ્યો નથી. ઘણા ઉદ્યોગોમાં આ વિચારને પોષક એટલું જ બહોળું ક્ષેત્ર પડ્યું છે. જો એમ કરવામાં આવે તો મોટા યંત્રોદ્યોગો પરનો આધાર ઓછો થાય અને હાથ-ઉદ્યોગો રાજ્યની આજની સબસીડીના આશ્રયમાંથી છૂટે. ડેન્માર્કે દર્શકને વિકેન્દ્રિત સહકારી યંત્રોદ્યોગો ઊભા કરી સામાજિક ન્યાયની સ્થાપનામાં નવો રસ્તો શક્ય છે તેમ દેખાડ્યું. દર્શક રાજકીય સ્તરે લોકશાહી એકસત્તા કેન્દ્રવાળી વ્યવસ્થા નથી જ નથી તેમ ભારપૂર્વક કહે છે. તેમાં વિવિધ સત્તાકેન્દ્રો હોવાં જોઈએ તેથી સ્વતંત્રતા સલામત રહે. એકહથ્થુ વિચાર અને એકહથ્થુ શાસનની બોલબાલા ન હોય. પછી ભૂદાન આંદોલનન સંદર્ભમાં એમણે એક વિશિષ્ટ વાત કરી છે. ભૂદાન આંદોલન જ્યારે જિલ્લાદાન સુધી પહોંચી ગયું ત્યારે દર્શક સાશંક બની ગયા; લખે છે કે હિંદુસ્તાનની વિચારધારામાં જ કંઈક એવું છે કે વિચારના આત્યંતિક છેડે જ પહોંચી જવાય છે. એકતામાં વિવિધતા અને વિવિધતામાં એકતાની વાત કરવા છતાં શુદ્ધ વિચારની શોધમાં માણસો એકતાના જ આશક બની જાય છે. વિવિધતા જાણે પાપ, એકતા જ જાણે સત્ય. આલ્ડસ હક્સલીએ યોગ્ય રીતે જ કહ્યું છે કે ચાક અને માખણ બંનેમાં કૅલિશ્યમ-ચૂનો છે, પણ માખણની જગ્યાએ ચાક ખવાતો નથી, અને એણે એક મહત્ત્વની વાત કહી છે કે જગતમાં એક ગુરુચાવી, એક જ પારસમણિ, એક જ અમૃતની શોધ કરવાનો આવેગ રહ્યો છે, પણ એક જ ગુરુચાવી જેવું કશું નથી. જગતને કે આપણને સરખા કરવા વિવિધ ચાવીઓ, વિવિધ ઉપાયો જોઈએ છે. અને આ સર્વની પછીતે અસ્તિત્વના રહસ્યનો સંસ્પર્શ દર્શકના ચિત્તતંત્રને કેવું તો ઝણઝણાવે છે તેનો તાદૃશ ખ્યાલ ડેન્માર્કમાં એક ગ્રામમાં સૌંદર્યમંડિત કબ્રતાન જોતાં એ કેવા હાલી ઊઠ્યા હતા એનું એમણે કરેલા વર્ણન ઉપરથી આવે : “અમારી ગાડી શહેરની પાસેથી પસાર થતી હતી ત્યારે એક વિશાળ ઉપવનમાં મેં સેંકડો હિમવત્ કબૂતરોને જોયાં. આટલાં બધાં કબૂતરો એકીસાથે ક્યાંથી, કહી ગાડી થોભાવી નીચે ઊતર્યો. જરાક ચાલ્યો ત્યાં જાણ્યું કે એ સંખ્યાબંધ આકાશ તરફ જતાં પાંખો ફફડાવતાં કબૂતરો આરસનાં કબૂતરો હતાં. પોતાના પ્રિયજનોની આ આરામભૂમિ પર ઊંચા સ્તંભો પર તેમને ગોઠવ્યાં હતાં. ખૂણે ખૂણે સ્વચ્છ ફૂલોથી ઢંકાઈ ગયેલું, કબૂતરોના આકાશ ગમનને જગાડતું એ સ્મશાન જોઈને પહેલી જ વાર એવું થયું કે અહીં જ આપણી આરામગાહ રચાઈ જાય તો કશો અફસોસ નથી. કબૂતરો આપણા આત્માને આકાશમાં લઈ જશે. આ પંચમહાભૂતો પેલાં ફૂલોને પોષણ આપ્યા કરશે. મૃત્યુના ભયનું વિસર્જન થયું એ જોઈને..” અંતમાં દર્શક કહે છે કે ઘણું કરવાનું બાકી છે. દેશના પ્રશ્નો જ એવા છે કે ગમે તેટલું કરો તોપણ દરિયામાં ખસખસ જેટલું જ દેખાય. પણ અમારી નજર સામે કવિ ઠાકુરનું ‘કોડિયું’ છે : અસ્ત જાતા રવિ પૂછતા અવનીને સારશે કોણ કર્તવ્ય મારાં? સાંભળી પ્રશ્ન એ, સ્તબ્ધ ઊભાં સહુ મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં તે સમે કોડિયું એક માટી તણું ભીડને કોક ખૂણેથી બોલ્યું મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ! એટલું સોંપશો તે કરીશ હું. પોતાની જગ્યાએ જ રહીને કોડિયું બનવાનો આશાવાદ કે તત્પરતા આપણી બચી છે ખરી? પણ આ ગૂંગળામણ અને ભીંસના દેશના વાતાવરણમાં આપણી પાસે બીજો ઉપાય પણ શો છે? ચાલો, આપણે મળીને આ બધા ઉપર વિચાર કરીએ.

તા. ૨૦-૯-૯૨