પ્રથમ સ્નાન/શ્રી ભગવાન ઉવાચ

શ્રી ભગવાન ઉવાચ


— પછી ત્યાં ઊમટ્યા જાદવ જોદ્ધા.
સહુની આંખ મહીંથી સાંધ્યરંગનું આભ ખરે છે.
આંખ આભને રચે—ખરે ને ફરી રચે ને ફરી ખરે
ને ફરી—
મહીંથી
માત્ર રાખથી ભરી ચસોચસ કાય નિજની,
અને પ્રવાહી શબનો રેલો ઝર્યા કરંતું નાક, લઈને
વીર. પૌરુષી, જોદ્ધાના પેટે પ્રસવેલું સ્વપ્ન,
ઋષિનો શાપ બનીને,
કરી એક ચિત્કાર, ધસે છે.
હે મદ્યકુંભના દેવ, યુદ્ધના યૂપસ્તંભપે લક્ષ જાદવો
યજ્ઞસમિધે હવિ ભક્ષવા હવે કરું આહ્વાન તમોને,
સ્વાહા.
સ્વાહા,…
કુંજગલનની વાંસળીઓનાં પગલાં આવ્યાં?
સ્વાહા,
મોરપિચ્છશા મુખની ઉપર
વૃંદાદલની પામરીઓનું તેજવલય પ્રગટેલું
(કો દી સ્વર્ણ દ્વારિકા તામ્ર બને તો
સ્વર્ણ બનાવે એવું,
તડકા જેવું) લાવ્યા?
ક્યાં છે?
અસ્ત્રશસ્ત્રથી ચમકેલા વાયુને જોતું
એક પિપ્પલી વૃક્ષ અચાનક લબડે.
એનાં લીલાં પર્ણો પરથી ઓસબંદુિઓ ખરે તૃણપે
પલાશરંગી ઉત્તરીય પે ખરે,
સ્વાહા-ખરે કેશ પે-સ્વાહા-સ્વાહા—
ખરે કપોેલે-સ્વાહા
સ્વાહા,—શ્યામ રંગના શરીર ઉપર પડે.
આંખમાં આંસુનો આભાસ બનીને ઝરે.
અને હથેળી મહીં ચૂંથલાં મોરપિચ્છના છિન્ન
તાંતણા કંપી કંપી ઊડે
સ્વાહા, સ્વાહા.
પ્રિય સખા ત્યાં નથી ધનંજય
નથી પાંડવો, ધાર્તરાષ્ટ્ર યે નથી.
છતાં યે કુરુક્ષેત્રને કૃષ્ણ એકલો,
ધીરે ધીરે વધુ લબડતા તુંગ પિપ્પલી
વૃક્ષ વીચેથી, કહે.
હવે ક્યાંકથી અટવીએ અટવીએ ફરતોે,
મુજ જીતેલા સ્વર્ણ વિશ્વથી સાવ અજાણ્યો,
કોક પારધી આવે;
મારા ચરણપદ્મના હરિણ છદ્મને કેમ, કરીને એ સાંખે?

૧૯૬૯