ફેરો/૧

ધક્કો આવ્યો. ગાડી ઊપડી. એક સ્તનથી બીજા સ્તને શિશુને ફેરવતી હોય એવી ટ્રેન મને એ ઘડીએ તો લાગી, નવાંનવાં નગર અને નવાંનવાં સ્ટેશન જોવાં ગમે છે; પણ જૂનાં, વહી ગયેલાં સૂનાં સ્ટેશનની સ્મૃતિ કોઈ મીઠો સણકો ઉપાડે છે. ટ્રેનમાં બેઠા હોઈએ, આંખ ઉપર અનેક દૃશ્યોની છબીઓ ઝિલાય છે પણ બધાં દૃશ્યો કાંઈ યાદગાર નથી હોતાં. પૅસેન્જરની જેમ દૃશ્યો તો આવે અને જાય... એક ટૂંકું નાટક અનેક ‘વન્સ મોર’ પડવાથી લાંબું બની જાય છે. જાણે કંટાળો પોતે પણ આદતથી કે દેખાદેખીથી તાળીઓ પાડતો હોય છે. પોતાની જાતની અંદર જ મેં કોણ જાણે ક્યારથી ‘વન્સ મોર’ પાડવા શરૂ કરી દીધા હતા. હું મને નાયક તરીકે અનિવાર્યપણે પાઠ ભજવતો કોઈને લાગું પણ એ ભ્રમ છે. મારા સ્થાને મારા જેવા કોઈનેય કલ્પી સ્થળકાળમાં આગળ કે પાછળ ગતિ કરી શકાય છે. અગવડભરી રીતે હું ઊભો હતો. ચોખંડી બારી બહાર દૃશ્યો એકબીજાંને વટાવતાં અને વીંટળાતાં પસાર થતાં હતાં. પવનની દિશા ટ્રેનથી ઊલટી બાજુની હતી. હમણાંનું બધું જ ચિત્તમાં તરવરવા લાગ્યું.... આમતેમ આથડતી ગાયો પોળોમાં—મારી પોળમાં તો પહેલી—દરવાજા નીચે ભેગી થઈ શાંત ઊભી છે. હું મારી, બીજી વાર રંગાયેલી હોવાથી નવી જેવી દેખાતી સાઇકલને પોળમાં વાળું છું.... ગાય પૃથ્વી છે... તડકો શૂદ્ર છે, પોળ બહાર એ વાટ જોતો ઊભો છે....ક્યાં છે પરીક્ષિત? —પરીક્ષિત ઘોરતો હશે કાં પેપર વાંચતો હશે. આ ગાયો તો વિષ્ટા ય ખાય છે. સાઇકલ ઓટલાને ટેકે ઊભી કરું છું. મારાં ગોગલ્સને હાથ-રૂમાલથી સાફ કરું છું. ઓટલાની પાળ પર લોકોએ પછાડેલાં, મોંમાં નાંખેલાં, ગંધાતાં દાતણનાં છોતરાં ચોંટી ગયાં છે. છોતરાં મારી સીટનેય વળગે છે. પુરાવી દીધેલા કૂવાની જાળી પર છોકરાં રમે છે...મારે મોડું થશે. હું દાદરો ચઢું છું; બિલ્લીપગે, મારી પત્ની મને કહે છે કે મારા પગને તળિયે (અને બૂટેય?) મશરૂની ગાદીઓ છે. અવાજ થતો જ નથી—ક્યારે પણ. અવાજથી—લાઇટની સ્વિચના કે માટલામાં લોટી બોળવાથી થતા અવાજથી એકદમ એ ઝબકી જાય છે. મને એના પર કંઈક વહેમ છે માટે હું બિલ્લીપગે ચાલું છું એવું હમણાં હમણાંથી એ મને કહે છે, પણ મને એવું કશું નથી. શું કામ હોય? સ્વપ્નમાં એક વાર એ વહેલી પરોઢે કશુંક અસ્પષ્ટ બબડતી સંભળાયેલી. ત્યારથી મારામાં — ‘એન્ડ ઑફ ધ ઍફેર’નો કચૂડાટ કરતો દાદરો આવા કેટલાય દાદરા, નિસરણીઓ સરજી દેવાની અભિલાષા છે, પછી એકદમ લાં...બો કૂદકો લગાવવો છે. પણ, પણ ક્યાં ? ધબ... ધબ ધબ...ધબ. આ પગ! જરૂર કરતાં અતિશય લાંબા છે. હું મને કંઈક રૂપાળો માનું છું...પણ આ પગ...મારા ઢીંચણની બેય ઢાંકણીઓ ઝડપથી ચાલવા જતાં એકબીજા સાથે જે અથડાઈ પડે છે (તણખા જ ઝરવાના બાકી રહે છે!) એના અવાજથી તો - અરે, એ અવાજ ન થાય તે માટે તો હું જાગતાં ય ઝબકેલો ફરું છું. આદિવાસીઓનાં ઝૂંપડાંને બારણે મારેલા જાનવરના ટાંટિયાનાં તોરણ કરી ટિંગાવવામાં આવે છે. મારી પત્નીનું ચાલે તો...અમારું લગ્નજીવન...હું દાદરાને માથે પહોંચ્યો. ટેબલફૅન બીજી બાજુ ફરી જઈ, બારીના કર્ટનને પવન વાઈ રહ્યો છે. લોખંડના કોટમાં ભારે વજનની ‘એ’ પડી છે. ટેબલ પર એલાર્મનું ટિક ટિક. ઘોડિયામાં પાંચ વર્ષનો મારો છોકરો સૂતો છે. એ જાગશે તો...? એ હજુ બોલી શકતો નથી. પત્નીને ઢંઢોળી જગાડું છું. વિચિત્ર રીતે એ ‘ના ન...આ...આ...ના’ એમ બબડે છે.. કૉર્ટના કઠેડામાં ઊભી ઊભી ‘ના, ના, વકીલ સાહેબ, ના’ એમ કહેવાની આ? આવી ભદ્દી સ્ત્રીને શરદી થાય, શરદી થાય તો ય એ ઓગળે નહીં અને શરદીને પિગળાવવા એ છીંકણી સૂંઘે... છીંકણી સૂંઘવાની ટેવ તો એ મારું જોઈને શીખી હશે. મારા પિતા પણ સૂંઘતા...તેમના પિતા સૂંઘતા નહોતા, કદાચ. મારું ટેરેલીનનું પેન્ટ ઊંચું ચઢાવી ખુરશીમાં બેસું છું. એ સળવળી રહી છે...મોડું થશે તો? એક થયો. સાડા ત્રણે તો ટ્રેન ઊપડી જશે...છીંકણીનો એક સડાકો. થોડી નાકમાં, થોડી બ્રશકટ મૂછમાં. મને કશાનું ખાસ વ્યસન નથી. મારી નવલકથાઓ શરૂ શરૂમાં વંચાતી અને વખણાતી ત્યારે થોડોક વખત હું ચેઈનસ્મોકર બની ગયેલો. છીંકણી તો, આજે સૂંઘી તે પાછી ક્યારેય. મારી હડપચી જોઈ કેટલાક મશ્કરીમાં મને જેમ્સ જૉય્‌સ કહે છે. જૉય્‌સ કહેતા હોય મને તો એને મશ્કરી માનવાની ઉતાવળ કરું એટલો ભોળો તો ભાગ્યે જ કહેવાઉં. આ મારી હડપચી તો, નાનપણમાં ગામડે ભજવાતી રામલીલાના હારમોનિયમવાળાના પગ પાસે બેસી જોયેલી પગપેટીની નીચે ધસી આવેલી ધમણ જેવી છે! કોઈ વાતમાં સમજ ન પડતી હોય, સમજ પડે છે એવું દેખાડવું હોય. ‘બૉસ’ ખોટી રીતે લડ્યા હોય છતાં એની નજેવી અસર ચહેરા પર લહેરાતી હોય અથવા આશ્ચર્ય-પ્રદર્શન અર્થે આ હડપચી ઉપલા હોઠને અધ્ધર, નોંધારો લટકતો રાખી નીચલા હોઠ સાથે, એની આગવી જ હસ્તી હોય તેમ, નીચે ઊતરે છે. નાટકમાં વન્સ મોર ક્યારે પડે? સહીસલામતીની આબોહવા વરતાતાં જ એ ઝપ્પ કરતી ઉપર ખેંચાતી ઊપડે છે અને બે હોઠ દાબડીની જેમ પટ્ટ કરતાં વખાય છે. મારી જાણના એક જ્યોતિષી કોઈ વાર ઊઘડી ગયેલી આવી આને જોઈ ઘણી વાર કહેતા કે તમારી ભૂખ ક્યારેય ભાંગશે? હું સાચું કહું છું. હું આમ ભલો માણસ છું. મેં પેટની બધી વાતો ઉલેચી કહી છે; એનો લોકો ગેરલાભ ઉઠાવે છે. ભૂખ તો એમનેય હોય, પણ સૌ અને ‘ભૂખનું દુઃખ’ કે એવું કાંઈ કહેવાને બદલે ‘અધિકાર’, ‘હક્ક’ અને સાદી ‘જરૂરિયાતો’ જેવા શબ્દો વાપરી જાણે છે. હું એક લેખક હોવા છતાં અમુક શબ્દો વાપરવાનું મારી જાતને શિખવાડી શક્યો નથી. પીઢોની વચમાં ઝુમ્મરની જેમ ઝૂલતાં બા’વાંની પેઠે કેટલાક એવા શબ્દો વણવપરાયેલા ઝૂલે છે, એક જ ફૂંક અને... ‘એય ઊઠ, બે થવા આવ્યા. ગાડી જશે તો પછી શું...?’ સાલ્લાના છેડામાં નાક નસીકતી એ ઊઠે છે. અમને ભાન નથી ને મારો છોકરો ઘોડિયામાં બેઠો થઈ મૂંગો મૂંગો આજુબાજુ તાકતો ખિલખિલ હસી રહ્યો છે. ‘હરામખોર, લુચ્ચા, શું જોઈ રહ્યો’તો ક્યારનો ? બોલ તો...’ એવું કહી તેના ગાલને બચીઓથી નવાજું છું. રડવાની ટહુવાડ કરે એ પહેલાં હું તેને ઘોડિયામાંથી બહાર કાઢી બારી તરફની દિશા દેખાડું છું – નીચે બરફવાળાની એક લારી ઊભી છે. આટલો સુંદર છોકરો બોલતો કેમ નહીં હોય? એ એટલો રૂપાળો છે કે જાણે મારો પુત્ર જ નહીં. તો એનો હોય એવુંય નથી! પ્રસૂતિગૃહમાં કોઈક ગફલતથી આ છોકરો અમારો બની બેઠો હોય કદાચ. પણ એ બોલતો નથી... દાક્તરની સારવાર પછી પણ એ બોલી શકતો નથી, ત્યારથી ખાતરી થતી આવે છે કે – સ્ટવ સળગવાનો અવાજ, ચા મુકાય છે. મારી સ્ત્રીને સ્ટવ સળગાવતાં કદી નથી આવડતો. ભડકા ઊઠતા હોય અને ચાલુ સ્ટવે પાણિયારે પાણી લેવા ઊભી થાય ત્યારે કેટલીય વાર ચણિયાની ફડક આવી આવીને બળતાં બચી ગઈ. મને કેટલીય વાર ક્રોધ ચઢ્યો હશે, પણ કોને ય કહે છે! હું હોઉં તો ઠીક પણ આ છોકરો એકલો હોય અને ઝૉળ અડી જાય, તો શું દશા? હમણાં વચમાં ઝઘડા વધી પડ્યા ત્યારે એ સ્ટવ સળગાવતી હતી. હું કૉટમાં બેસી વાંચતો હતો. વાંચતો જોઉં... આ બલાથી કેમ છુટાય? તુરત સ્ટવ ભપક્યો, કપાળની કરચલીઓ સરખી થઈ ગઈ. હડપચી નીચે લબડતી તે પટ દઈ પાછી વખાઈ ગઈ. વન્સ મોર... હું ઊભો થયો. કોણ જાણવાનું છે કે...મારી દૃષ્ટિ કલાઈ ઘસાઈ ગયેલા દર્પણમાં પડી... બીજા હરીફ સિંહને મારવાને ઇરાદે શિયાળનો દોર્યો પેલો સિંહ પોતાનું પ્રતિબિંબ નિહાળતો હતો.... ‘હટ કુત્તા! મારા મોંમાંથી થૂંકની લાળ લબડી તે મૂંગો ભૈ (મારા છોકરાને હું ભૈ કહું છું) જોઈ ન જાય તેમ બુશશર્ટની ચાળથી લૂછી લીધી. ચા આવી. મેં કહ્યું : ‘જલદી તૈયાર થા, આપણે ઊપડીએ.’ ‘શી ઉતાવળ છે? ગાડી જશે તો બસ ક્યાં નથી? તમે તો કાયમના રઘવાયા.’ એક તપ જેટલા લગ્નજીવનમાં અમારો આ સંવાદ કેટલામી વાર ઉચ્ચારાયો હશે એ ગણીને તો શું કલ્પીનેય કહી શકાતું નથી... એની આ ટાઢપ અને બેકાળજી મને પરણતી વખતે ક્યાં સૂઈ ગઈ હતી...? ‘તમને તો જીવવાનું યે ઉતાવળે ઉતાવળે ગમે.’ એવું મને એ કહેતી ત્યારે ઘણી વાર મનમાં તો કોઈ વાર પ્રગટ કહેતો, ‘ધીરે ધીરેય મરવાનું તું મન કેમ નથી કરતી? ઉતાવળે ઉતાવળે જ જીવીને જ ધીમે ધીમે મરવાની કળા કદાચ હું સિદ્ધ કરવા માગતો હોઉં.’ ‘પણ મોત આવે ત્યારે મરી જવાનું. અગાઉથી ધીમે ધીમે મરવાની કળા શીખવાનું કંઈ કારણ?’ (કોઈ કોઈ વાર આશ્ચર્ય પમાડે એવી રીતે એ બુદ્ધિભર્યું બોલે છે.) વેળા-કવેળા જોયા વિના મરવાના ને માંદા પડવાના વિચારો જ લાવ્યા કરો છો. (આણે તો હદ કરી.) આગળ જતાં મરવાનું શીખતાં શીખતાં મારવાનું શીખી ન જાઓ ક્યાંક.’ ઓલવાઈને પાણિયારા નીચે મુકાયેલા સ્ટવની વાસ હજુ મારા નાકમાંથી ગઈ ન હતી. હું એ બોલે ત્યારે ખાસ કંઈ બોલ્યા વિના એની સામે જોઈ રહેવાનું પસંદ કરું છું. એ ગમે છે ત્યારે, જ્યારે એ બોલે છે. હું બહુ બોલતો નથી એટલે ખોટુંખરું પણ બોલનારાં તરફ મને એક પ્રકારનું આકર્ષણ છે. મારી વાર્તાઓમાં પણ વિવેચકોની એ ચાલુ ફરિયાદો હોય છે.... ‘...નાં પાત્રો મૂંગાં (મારા ભૈ જેવાં) મરે છે. ખાસ કશું બોલતાં નથી. લાકડી મારીએ તોય કદાચ ન બોલે. કૂતરાં કરતાંય બદતર. કૂતરાને મારીએ તો ભસે કે પૂંછડી દબાય તો આરડે, પણ આ તો જગતમાં ખાસ કાંઈ સંભળાવવા સર્જાયાં જ નથી. શબ્દોનાં ભારે કંજૂસ. મોંમાં મગ ઓર્યા હોય અને આજુબાજુની સૃષ્ટિને ફાટી આંખે તાકી રહેતાં હોય છે. આ લેખકે આવાં પાત્રોને ‘નૉવેલ’ કરતાં શાશ્વત શ્રોતાજન તરીકે કોઈ આચાર્યની કથામાં એક ભાષણશૂરા નેતાના સંભાષણમાં ધકેલી દેવાની જરૂર છે.’ ‘અમારી ભલામણ છે કે પોતાના ચીઢ ચડાવે એવા શબ્દવિહીન મૌનની જળો વડે ભલા વાચકોનું લોહી પીવાનું આપણા આ લેખક જીવદયાની ખાતર પણ માંડી વાળશે.’ – એક પ્રૌઢ લેખક-વિવેચકન વિધાન.