ફેરો/૮

મારી જમણી આંખમાં કાંકરી પડે છે. આગળ બોલવા-સાંભળવાનો મૂડ નથી રહેતો. જોડે બેઠેલા ભાઈ મને કહે છે, ‘આંખ ઉઘાડવાખ કરો, કાંકરી નીકળી જશે.’ ‘પણ એમ કરતાં બીજી પડશે તો?’ ‘તમે બહુ ગભરાઓ છો. લ્યો, તમારી આંખમાંથી કાંકરી કાઢી દઉં.’ તેના હાથરૂમાલના છેડાને મોંમાં નાખી ભીનો કરી (કેટલું ગંદું!) એ મારી આંખમાં ફેરવે છે અને સારું લાગે છે. સવારે જગાડવા આવતો ભૈ કાનમાં આ રીતે જ રૂમાલનો છેડો નાંખી ગલી કરે છે. ‘નીકળી ગઈને કાંકરી?’ ‘હા, એવું લાગે છે ખરું. તમે ખરું કર્યું!’ એ સેલ્સમેન જણાયા. લેધર બૅગ ઉપરના આઈડેન્ટિટી કાર્ડ ઉપરથી મેડિકલ રિપ્રેઝન્ટેટીવ. ભીડમાં વારંવાર એ ગામડાની બૅગ ખોલતા. અંદર દવાની બાટલીઓના સેમ્પલ અને બહેરખબરના આકર્ષક પરિપત્રો ભેળો શુદ્ધ ગુજરાતી ભાષાની ‘શ્રી ચંડીપાઠ’ પણ મને એવા મળેલો. એ વિષે હું કશું બોલ્યો નથી. અને વાત કરવાનો પારાવાર કંટાળો આવે છે એ સમજી ગયા હોય (અને આ બહુ અગત્યનું છે) કે ગમે તે, તેમણે મારા હાથમાં એક પુસ્તિકા પકડાવી. પુસ્તિકાના ટુ-કલર મુખપૃષ્ઠ ઉપર સૂર્યોદય થતો હતો, નીચે એક સ્ત્રી દીવો પેટાવતી હતી અને એની જ્યોતમાંથી તેમ જ સૂર્યનાં કિરણોમાંથી ઘડ્યા હોય એવા અક્ષરમાં કોઈ થર્ડ ક્લાસ એમેચ્યોર ચિત્રકારે ‘સુવિચાર’ એવું લખ્યું હતું. મારી પાછળ ઊભેલી એક બારેક વર્ષની છોકરી પુસ્તિકાનું આ શીર્ષક મારા ખભા પાછળથી તૂટક તૂટક વાંચી ગઈ... સુ-વિ-ચા-ર. સેલ્સમેનભાઈએ એ બૅગમાંથી તુરત ‘મંગલ મનન’ એવી જ છપાઈવાળી પણ ‘સુવિચાર’થી નાની પુસ્તિકા કાઢી. એ છોકરીને આપી અને પોતે ‘શ્રી ચંડીપાઠ ’વાંચવા લાગ્યા. મેં એમના કપાળ સામે એવી આશાથી જેવું કે ત્યાં કદાચ ચાંલ્લો હોય! હા, એમની હાફ બુશકોટમાંથી જમણા હાથે કાળો દોરો બંધાયેલો ડોકાયો. ડાબા હાથે રોલ્ડગોલ્ડની ચેનવાળું ઘડિયાળ. મારા ઘડિયાળમાં જે નહોતું તે એમના ઘડિયાળમાં હતું–તારીખો. વળી ઑટોમેટિક. મારા ઘડિયાળને ચાવી દેવાનું આળસથી કેટલીય વાર ભૂલી જતો, પણ કોઈક શક્તિ મારી ઘડિયાળને ભાગ્યે જ બંધ પડવા દેતી. ચામડાનો પટ્ટો સતત સખત બાંધી રાખવાથી મારા ડાબા હાથે ખરજવાને મળતું ઝામું પડી ગયું છે. હવે ઘડિયાળ બાંધી રાખીને એને સતત સંતાડું છું. મારી પત્ની પણ આ જાણતી નથી. ભૈના કાંડે એનું ઘડિયાળ તગે છે. ‘સુવિચાર’ ધાર્મિક માસિક લાગે છે. પાનાં ઉથલાવું છું. એક પૃષ્ઠ ઉપરનું એક ભજન – (રાગ – તેરી પ્યારી પ્યારી સૂરત કો કિસીકી... એ ઢાળ) ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે

મારો ચાલે છે વહેવાર
રહીશ ના દૂર.... ટેક
મારે આંટીઘૂંટી આવે છે.
એનો તું જ નિવડો લાવે છે...

મારી દૃષ્ટિ સમક્ષ રૂપેરી પરદાનો નાયક, વા-નરની જેમ નટીને કૂદીકૂદી રિઝાવે છે. અભિનેત્રીના ગૌર ગાલે ઘણા ખીલ છે. મારી પત્નીને ય... પણ ના આ ભજન સારું છે, ગાવાની તો મજા આવી. ‘વિશ્વપતિ તારા...’ એય, પેલી બારીની ચાકી ઢીલી છે. ભૈનો હાથ આવી જશે. બારીથી આઘો કર ભૈને. બીજા પૃષ્ઠ ઉપર કોઈ મહારાજે ‘ધંધો’ શબ્દ સમજાવ્યો છે, તેની વ્યુત્પત્તિ આપી છે. ધન+ધો. કાળાંધોળાં કરી પેદા કરેલા ધનને ધોવાની, શુદ્ધ કરવાની જરૂર છે. ‘જે ધનને ધોતો નથી, તેને ધોલ પડશે!’ એવું એ આગળ વાંચવા મળશે એ ખ્યાલથી ‘સુવિચાર’ સેલ્સમેનભાઈને પાછુ સોંપી દીધું. એમણે પૂછ્યું, ‘બીજું કંઈ આપું?’ મેં બગાસું ખાધું અને પૂછ્યું, ‘તમે ચંડીપાઠ કરતાં કરતાં બોલો છો ખરા?’ ‘જગદ્‌ કલ્યાણાર્થે, વિશ્વશાંતિ અર્થે બોલવુંય પડે.’ તેમણે કહ્યું. ‘પણ આપણા મૌનથી કોઈના વિશ્વમાં શાંતિ પ્રવર્તતી હોય, અને આપણું પોતાનુંય કલ્યાણ થતું હોય તો એ પૂરતું નથી શું?’ મેં કહ્યું. ‘શું કહ્યું તમે ભાઈ? મને તો તમારી વાત સમજાણી નહીં. મૌન રાખવા માટે પણ કહેનારાની જરૂર પડે છે કે મૌન પાળો. મૌનના અનેક લાભ છે.’ ‘હુંયે એ જ કહું છું. મૌન પાળો એવું કહેનારો પોતે જરૂર મૂંગો નહીં રહી શકતો હોય. એને અન્નપાચનમાં તકલીફ હોવી જેઈએ, નહીંતર બોલીને બીજાના કીમતી મૌનનો ભંગ કરત નહીં. એણે યુક્તિ શોધી કાઢી – બીજાને મૌનના લાભ શીખવવા અને પોતાનુ મૌન તોડવા.’ ‘તમે કોઈ મૌની બાબાના શિષ્ય છો? મને એમનું સરનામું લખાવો ને.’ તેમને ડાયરી ખેંચતા રોકી મેં કહ્યું, ‘કોઈ મારો ગુરુ નથી, હું કોઈનો ગુરુ નથી, કોઈનો શિષ્ય નથી, મારું સરનામું...’ ‘તમારું દિલ દુભાયું હોય તો ક્ષમા કરો, મને તમારી વાતમાં થોડો રસ પડ્યો એટલે પૂછી બેઠો. હવે નહીં સતાવું, આગલા સ્ટેશને જ મારે ઊતરી જવાનું છે.’