બરફનાં પંખી/વારતા

વારતા

ટાવરમાં ડંકાઈ ગઈ સમી સાંજની વેળ
‘હોવા’ની આ વારતા થઈને ઊભી કેળ
છે. નથી. ની ખીણમાં માધવ નામે ગામ
જીવતો રહેતો ખંતથી માણસ એનું નામ
એક દિવસ એવું થયું કે ગામ પડ્યો દુકાળ
રઘવાયો થૈ હાંફતો ગાઈ ઊઠ્યો તત્કાળ
મોહન! તોરી પ્રીતનો કિયો ન જાયે મોલ
આગે તો મૈં ક્યા કહું? કોઈ ન આવે તોલ
રોજ બિચારો ગાઈને જોયા કરતો વાટ
સાજન તો આવ્યા નહીં લોકનદીને ઘાટ
દિવસો તો વહેતા ગયા, ને રણમાં વરસી લૂ
માણસ-મીણનું પૂતળું થઈ ગયું ભૈ છૂ
જીવન તો ફુગ્ગામહીં સ્થિર થયેલી ફૂંક
ફૂગ્ગો ફૂટતા વાયરે ભળી જાય થૈ મૂક
ધુમ્મસ જેવી વારતા ને ધુમ્મસ જેવા લોક
આગળ પાછળ કંઈ નથી આ સૂના ઘર ને ચોક.

***