બરફનાં પંખી/સાંજ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સાંજ

ધણ છૂટયાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું કણકણ થઈને ગોરજમાં વિખરાય
ધણ છૂટયાની ઘંટડીઓના....
સાવ અચાનક કાબરટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઈને લાલ પાંદડુ ફૂટ્યું
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતા મારા શૈશવના કણ પાદરમાં ઘૂમરાય
ધણ છૂટયાની ઘંટડીઓના.....
ખડના પૂળા લઈ હાથમાં પાછા વળતા લોક વાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઈને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઈને સાંજ ઓસરી જાય
ધણ છૂટયાની ઘંટડીઓના....

***