બહુવચન/કવિઓ ઘડાતા હોય છે, જન્મતા નથી

Bahuvachan Photo 4.jpg


કવિઓ ઘડાતા હોય છે, જન્મતા નથી
હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય

એક કવિ હતો; શેખીખોર હતો; એ એવી ભ્રાંતિમાં રાચ્યા કરતો કે પોતે એક જન્મજાત કવિ છે. મારા જીવનમાં આવા એકાધિક કવિઓનો મને ભેટો થયો છે. આપણા આ ‘જન્મજાત’ કવિ-પ્રાણીએ પોતે રચેલાં કાવ્યોની સ્વહસ્તે લખેલી વહી એક પછી એક પ્રકાશકો પર મોકલવા માંડી. જુઓ તો ખરા, પ્રકાશકો પણ કેવા કે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એ હસ્તપ્રત કવિ મહાશયને પરત મોકલી આપતા, અલબત્ત સાભાર અને વિનયપૂર્વક. જન્મજાત કવિથી આવી વિડંબના ઝાઝો વખત સહી ન ગઈ. એક વાર, અકવિત્વમય એવા આવેગ અને રોષથી છીંકોટા નાખતા મૂડમાં એમણે તો દોટ મૂકી. એ વેળા એમનું હૈયું સેકંડના એકસો પચાસના દરે ધબકતું હતું, એમનાં જટિયાં વેરવિખેર હતાં, જાણે ઘનઘોર ઝંઝાવાતનાં મોજાં ઊછળી રહ્યાં હોય. આખરે એક પછી એક પ્રકાશકના કમાડ ખખડાવતા ધૂંવાંપૂવાં થતા કહેવા લાગ્યા, “મહેરબાન, આપ લોકોને શું એટલીય સમજણ નથી પડતી કે હું એક જન્મજાત કવિ છું?” પ્રકાશકોએ વળતો પ્રહાર કરવામાં કુનેહ અને પ્રેમથી કામ લીધું, “ધીરો પડ, ધીરો પડ, જુવાન! તું તો ભાઈ ભારે અથરો; ત્રૂટિઓ તારી અને દોષનો ટોપલો તારા જન્મદાતાઓ પર કાં ઢોળે?” શૈશવના દિવસોમાં પણ અમારી આસપાસનાં મોટેરાંઓ ક્યારેક એવા શબ્દપ્રયોગ કરતા કે, “કવિઓ જન્મતા હોય છે, બનતા નથી હોતા.” એ અમારે કાને અથડાયા કરતા. સાંભળવામાં ઉપરનો પ્રયોગ મને ખૂબ ગંભીર અને સુંદર વરતાતો. એ આખા વાક્યપ્રયોગના અર્થની તો મને ઝાઝી સમજ નહોતી પડતી, પરંતુ એમાંના ‘કવિ’ શબ્દમાં મને રસ પડતો. શૈશવ વળોટીને કિશોરાવસ્થામાં પગ મૂકતાંમાં મને એટલું સમજાઈ ચૂક્યું કે એ વાક્યપ્રયોગોમાં કેવળ અર્ધસત્ય હતું. નરાતળ જૂઠાણાં કરતાં એ વધુ ગેરસમજણ અને તોફાન ફેલાવે એવું હતું. અપ્રામાણિક અર્ધસત્ય કરતાં પ્રામાણિક જૂઠાણું અનેક દરજ્જે સારું. કવિઓ જન્મજાત હોય છે એ વાતનો કોઈ પણ સમજુ માણસ ઈનકાર ન જ કરે, પરંતુ તે ક્યાં જન્મતા હોય છે, ક્યારે જન્મતા હોય છે, ઇતિહાસના કયા સમયબિંદુએ, કયા કુટુંબમાં, કયા વર્ગમાં, કયા સમાજમાં એના પર સઘળું નિર્ભર હોય છે. સાહિત્યના ઇતિહાસમાં ઉલ્લેખનીય એવા કોઈ કવિની ઉત્ક્રાંતિનો ક્રમ તપાસ્યા પછી એવું કહેવું કે કવિઓ કર્મજાત હોતા જ નથી, તો એ વાત સત્યથી છેક વેગળી લાગે. કવિ એટલે ફાંદેબાજ કુદરતનો એકાદ અકસ્માત્‌, વિરલ ઉલ્કાની જેમ એ પૃથ્વીતલ પર ટપકી પડે અને પોતાની સાથે જીવન વિષેનું આગોતરું આર્ષદર્શન અને પૂર્વસંચિત પયગંબરી વાણીનું ભંડોળ લેતો આવે એવી ઘટના જાણે! કદાચ એક વાત સાચ્ચી કે કવિ પોતાની સાથે આટલું તો લેતો જ આવે છે – સંવેદનશીલતાનું ભંડોળ, અનોખી ગ્રહણશીલતા, છેક બાલ્યકાળથી પોતાની આસપાસ પ્રવર્તમાન પરિબળોને પચાવવાનું ભરપૂર સામર્થ્ય. આ સઘળાંને એ જે–તે ભાષામાં પ્રાવીણ્ય મેળવી પોતાની અભિવ્યક્તિનું એને વાહક બનાવી એના દ્વારા ટ્રાન્સમીટ કરતાં શીખી લેતો હોય છે. તેમ છતાં એક હકીકત કાયમ રહે છે – કવિપ્રતિભાના આપણે ગણાવ્યા એ લાક્ષણિક ગુણો પોતે જ, બીજા કોઈ કરતાં, કવિને સૂર મેળવેલા તારવાળી સિતાર સમો કરી મૂકે છે; એવા તાર પ્રત્યેક વળાંકે ઘટનાઓ અને હસ્તીઓ વડે ઝંકૃત થઈ ઊઠે છે અને કવિના સતત વિકસતા રહેલા ‘સ્વ’ને તેમ જ એની બહુવિધ મનીષાઓ એમ બેઉને આકાર આપતા રહે છે. મોટા ભાગના માનવીઓ કરતાં અનેકગણી વેધકતાથી કવિ સતત ઘડાતો રહેતો હોય છે, માનવજાતના પરિવર્તનશીલ ઇતિહાસના નિપુણતા અને ચોક્કસાઈથી કામ કરી રહેલાં પરિબળોની અગોચર આંગળીઓ વડે એને આકાર પ્રાપ્ત થતો રહે છે. આઠ વર્ષની કાચી વયે મેં કવિતા રચવાનો પ્રારંભ કર્યો, પરંતુ હું જ્યારે જન્મ્યો હોઈશ ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે એવું કોઈયે નહીં કહ્યું હોય કે હું એક વિશિષ્ટ જન્મજાત કહેવાય એવી ઘટના છું. ૧૮૯૮નું વર્ષ રૂડી રાણી વિક્ટોરિયા પ્રત્યેના ઊંડા આદરથી ભર્યું ભર્યું હતું. મારી પેઢીનાં મોટા ભાગનાં બાળકોનાં માબાપો એ રાણીના અહોભાવથી ગુણગાન ગાતાં, એને શાંતિની દૂત સમી મહારાણીના બિરુદથી નવાજતાં. મારા શૈશવનું સઘળું જ દેખીતી રીતે એની રાજવટની મુદ્રાથી અંકિત હતું. એ વર્ષોમાં જીવન અને એ વિષેનાં સ્વપ્નો અંગે કશી ઉત્તેજના કે ભારે ઊથલપાથલ મચી હોય એવા પરિવેશ વચ્ચે અમે જીવ્યા હોવાનું મને સ્મરણ નથી. પ્રકૃતિ અને એનું સૌન્દર્ય, આધ્યાત્મિક સ્વરૂપનાં વાર્તાલાપો અને ચર્ચાઓ, એ બધાંને આનુષંગિક વાતાવરણમાં જીવન સમથળ વહ્યે જતું. એ અરસામાં અંગ્રેજી ભાષાને ભારે માન-મરતબો ને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ ચૂક્યાં હતાં અને મારી આસપાસના વ્યવહારમાં બોલાતી ભાષા તરીકે સતત સાંભળવા મળતી અંગ્રેજી ભાષા મને એટલી સહજતાથી સાધ્ય બની કે મેં એ ભાષામાં જ કવિતા રચવાનું શરૂ કર્યું, એમાં કશું અસ્વાભાવિક નહોતું. એ વેળા ટેનિસનની હજુય બોલબાલા. એનું ‘લેડી ઑવ શૅલોટ’ કાવ્ય મેં વાંચ્યું, પછી પણ વારંવાર વાંચ્યું. હું એ કાવ્યના પ્રવાહી લયના પ્રેમમાં પડી ગયો. એ કાવ્યે મને મારું પ્રથમ કાવ્ય રચવા પ્રેર્યો. જુઓ આ રહ્યો એનો નમૂનો! ટેનિસનના કાવ્યનો લય પકડવાનો એમાં પ્રયત્ન કર્યો છે–પરંતુ ફજેતો કેવો થયો છે એ તમે જાતે જ જોઈ લો!

As I was walking in the street
I spied a maiden fair and sweet
She hurried down her little feet
Towards a lonely desert.
I got enchanted with her face
And by her footprints tried to trace
Her lovely little dwelling place
In that wide open desert.
We were soon tired. ‘Twas half-past four,
We slept upon the open floor
Like cannon we began to snore
In that wild open desert...

કદાચ છેલ્લી કડીમાં આવતી તોપનું કલ્પન હું જ્યારે બચૂકડો બાળક હોઈશ અને પહેલપ્રથમ આંખ ખોલી હશે તે વેળા ખેલાયલા રૂસો-જાપાનીસ યુદ્ધની યાદ અપાવે છે. જાપલાઓએ મેળવેલી ઝળહળતી ફત્તેહને અમે ભારે ધામધૂમથી ઊજવ્યાનું મને આજેય યાદ છે. ઇતિહાસ પણ કેવા કેવા રંગ બદલતો હોય છે અને સાથે સાથે બદલાતી આપણી પણ સહાનુભૂતિઓ! આ કાવ્ય હું મારા પિતાશ્રી પાસે વંચાવવા લઈ ગયો. મારામાં ‘જન્મજાત’ કવિ હોવાની લાગણી જાગે એટલી હદે એમણે ગંભીર રૂપ લીધું. મૂછમાં મરકતા હોય એમ એમના નાકનાં ફોયણાં ચમકી ઊઠ્યાં. એમણે ટકોર કરી, એ તો ઠીક, પરંતુ કોઈ માણસ તોપની જેમ નસકોરાં બોલાવી શી રીતે શકે? વિચાર કરતાં મને પિતાજીની વાતમાં વજૂદ જણાયું. મારા ઓરડાના ખૂણે જઈને ‘Snore’ શબ્દ બદલીને એ ઠેકાણે મને યોગ્ય લાગ્યો એવો બીજો શબ્દ ગોઠવી દીધો; ગમે તેમ પણ, એ ફેરફાર ખૂબ સરસ અને પ્રાસની અવેજીને ઓપ આપે એવો તો હતો જ. હું ફરી પિતાજી પાસે ગયો અને મઠાર્યા પછીની છેલ્લી કડી એમને વાંચી સંભળાવી.

“We were soon tired. ’Twas half-past four
We slept upon the open floor
Like cannon we began to roar
In that wild open desert.”...

ઊંડી ગવેષણા કરતા હોય એમ મારા પિતાજીની ભૃકુટિ સંકોચાઈ, પાઠાંતરની યોગ્યતા ચકાસી જોવા એમણે અપનાવેલી ગંભીરતા હમણાં જ ખડખડાટ હાસ્યમાં ફેરવાઈ જશે એવું હું જોઈ શક્યો. પરંતુ શિક્ષણશાસ્ત્રી હોવાને નાતે તેઓ કુનેહ અને પ્રોત્સાહનથી ભર્યાભર્યા હતા. એમણે માત્ર એટલું જ કહ્યું, “દીકરા, મારું એવું સૂચન છે કે મઠારેલા પાઠમાં તેં જે roaring like a cannon એવો ફેરફાર કર્યો છે એને ઠેકાણે મૂળ પાઠમાંંનો snoring like one એ જ રાખ.” આ વાત તમને મેં એટલા માટે કરી કે હું એક એવા સંસ્કારી ઘરમાં જન્મેલો જ્યાં મને વિના રોકટોક કવિતા રચવાનું સ્વાતંત્ર્ય હતું. હું કચરા જેવું લખું છું એનો અણસાર સરખોય મારા પિતાશ્રીએ મને આપ્યો હોત તો આજે હું કોઈ સરકારી દફતરમાં કારકૂની કરતો હોત અથવા તો પછી શેરબજારની બુમરાણમાં મારો ઘાંટો ઉમેરતું પ્રાણી હોત. મારા દશમા જન્મદિવસે મને એક અદ્‌ભુત સોગાદ મળી. અમારા કુટુંબ-વર્તુળના મોટેરા મિત્રોએ એકાદ ડઝન કવિતાનાં પુસ્તકો મને ભેટ આપ્યાં. આટલા વખતમાં કોઈ ને કોઈ રીતે હું એમના મનમાં વિકસતી કળી જેવા કવિ તરીકે વસી ગયો હોઈશ. ગાઢા લીલા રંગના પૂંઠામાં મઢેલું શેલીની સમગ્ર કવિતાનું પુસ્તક, મરુન રંગથી દીપી ઊઠતું ટેનિસનનું, ઊંડા આસમાનીમાં લોંગફેલો, આકર્ષક કિરમજીમાં સ્કોટ અને એવાં જ અન્ય બીજાં તાજાં નવાંનક્કોર પાનાંની ગંધે મને ઉન્મત્ત કરી મૂક્યો. એકાદ વાર તો આવેશમાં આવી શેલીના એક પાનામાંથી પ્રસરતી ગંધને જીભથી ચાટીને ચાખી જોયાનું પણ યાદ આવે છે. પ્રસંગવશાત્‌, હું માનું છું કે એમાંની કેટલીક કવિતાઓને પણ મેં જાદુઈ રીતે અપનાવેલી. એક દિવસ મારી બહેન મૃણાલિનીએ એક મસમોટી નોટબુક મારા હાથમાં મૂકી. સ્વચ્છ, સફેદ, મનને મોહી લે એવાં કોરાં પાનાં-એ કોરાં પાનાં જાણે કવિતાની પંક્તિઓથી ઊભરાઈ જવા આતુર હતાં. મેં એકપણ પાનું છોડ્યું નહીં; કોઈ સરમુખત્યારની અદાથી મેં એ પાનાંઓ પર જુલમ ગુજાર્યો. મને એવું લાગ્યા કરતું કે એ નોટબુકનાં પાનાંઓની એક એક ઇંચ હું મારી કવિતાથી ભરી મૂકું અને એના પર કબ્જો જમાવી દઉં, કાળીભૂરી શાહી વડે ચિતરામણ કરી એના પર વિજય પ્રાપ્ત કરું. થોડા જ વખતમાં નોટબુકનાં પાનાં કાળા અક્ષરોથી ઊભરાઈ ઊઠ્યાં, મોટે ભાગે કચરા જેવાં કવિતોથી. અમારા કુટુંબના એક સમવયસ્ક મિત્રને એ વાંચવા આપવામાં આવી. મેં જે કંઈ લખ્યું હોય એ વાંચવા તેઓ ભારે ઉત્સુક હતા! એક દિવસ નમતે પહોરે એમને ત્યાંથી એક નોકર સંદેશો લઈને આવ્યો કે “નાના બચુ”એ એટલે કે મારે અબઘડી એ વડીલ મિત્રને ત્યાં હાજર થવું. હું તો પહોંચી ગયો. ગુલાબી ગાલવાળા, માથે મરાઠી પાઘડીથી શોભતા, એક આનંદી સજ્જને મારું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું, મને પોતાના ખોળામાં બેસાડ્યો અને મારી હસ્તપ્રતમાનું અમુક પાનું ઉઘાડીને એ તરફ આંગળી ચીંધતાં મને પૂછ્યું કે એ કાવ્ય મેં ક્યારે રચ્યું? મેં જવાબ વાળ્યો, ‘કેમ વળી ભર મધરાતે હરિકેન ફાનસના અજવાળે, લોકો બધા ઘસઘસાટ ઊંઘતા હતા ત્યારે સ્તો.’ સાચું પૂછો તો આ નાટકી જૂઠાણું હતું. કેવળ વટ પાડવા ખાતર મેં આવું કહેલું. નાનકડો એક બાળક ‘રાત્રિની વચાળે’ જગતઆખું નિદ્રાદેવીને ખોળે પોઢી રહ્યું હોય ત્યારે સાહિત્યનું સર્જન કરવા મથી પડ્યો હોય એ સાંભળવામાં ઘણું રોમેન્ટિક લાગે નહીં? વાસ્તવમાં તો એ પંક્તિઓ ધોળે દહાડે જ લખાયલી... “મરણોન્મુખ દેશભક્ત”ને ઉદ્દેશીને એ રચાયું હતું. દસ વર્ષનો એક બાળકવિ, જેલની દીવાલો વીંધીને ફાંસીને માંચડેથી આવતો અવાજ સાંભળતો હોય એવી કલ્પના કરે છે–

“When I am lifeless and upon the pyre,...
Mine ashes will arise and sing in joy;
It will proceed like music from the fire :
Weep not, my country! for this patriot boy!
Why weepest thou? though I, now captured, be
I’ll rise again and smash the bonds and set thee free!”

મારા મિત્રના ઘરે પધારેલા એ પરોણાની આંખનાં અણિયાળાં ભીનાં થયેલાં ભાસ્યાં. “ઈશ્વર તને સુખી રાખે, દીકરા! લખતો રહેજે...” એ વેળા મને આવી આશિષ આપનાર હતા ગોપાલકૃષ્ણ ગોખલે. પાછળથી એમના એક લખાણમાં એમણે દશ વર્ષના બાળકવિ વિશે આ પ્રમાણે જણાવેલું : “એ બાળકની પ્રતિભાએ મારાં રૂંવાડાં ખડાં કરી દીધાં છે.”*[1]

(ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૦)

  1. * ૧૯૪૮માં શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે લખેલા આત્મકથનાત્મક પુસ્તક ‘Life and Myself’-માંના એક પ્રકરણ ‘Poets are made not born’નો આંશિક અનુવાદ.