બાંધણી/આડા હાથે મુકાયેલું ગીત


૧૦. આડા હાથે મુકાયેલું ગીત

સુજાતાએ મિ. વોરા અને માલતીને રાત રોકાઈ જવા કહ્યું, પણ ના પાડતાં માલતી બોલી. ‘ના રે ભાઈ, તારી સુહાગરાતમાં હડ્ડી નથી બનવું અમારે!’ જવાબમાં સુજાતા આછું હસી. માલતી જાણે છે કે આજે દસ વર્ષે સુજાતા અને વિશ્વાસ લગ્નની વર્ષગાંઠ પહેલી વાર સાથે ઊજવે છે અને આ માટે પતિ- પત્નીએ એમનાં બાળકો જૂઈ-વિવેકનો આભાર માનવો જ રહ્યો! દર વર્ષે નૈનીતાલમાં શિયાળો આવે અને સુજાતા પહોંચી જાય અમદાવાદ. સળંગ ત્રણ મહિના પિયરમાં રહી માતા-પિતાથી આટલે દૂર રહેવાની કસર પૂરી કરી લે. એકની એક લાડકી દીકરી અને વળી ક્યારે ય અમદાવાદની બહાર નીકળેલી નહીં. અરે! ટ્રેનમાં ય માંડ એકાદ વાર બેઠેલી. જ્યારે પહેલી વાર નૈનીતાલ ગઈ. ત્યારે બે રાત ટ્રેનમાં પસાર કરવાના વિચારે જ એની ઊંઘ ઊડી ગયેલી પહેલી તો એ જ મૂંઝવણ કે દિવસભર પહેરેલાં કપડાંમાં ઊંઘ કેવી રીતે આવે? પણ રસ્તામાં કાઠગોદામની ગાડી પકડવા માટે આખો દિવસ આગ્રા સ્ટેશને રહેવું પડશે, જાણી એને ધરપત થઈ. એકાંતમાં મજાક કરતાં વિશ્વાસે કહ્યું પણ ખરું, ‘અરે હા, સુજાતા તે ઊંઘવાની સાથોસાથ પ્રેમ કરવાનો ડ્રેસ તો સાથે લીધો છે ને! પરંતુ વેઈટિંગ રૂમમાં બૅગ ખોલતાં જ સુજાતાને ધ્રાસકો પડ્યો. એ ડ્રેસ તો લાવી હતી પણ એનો મેકઅપ બોક્સ મમ્મીના કબાટમાં જ રહી ગયો! પહેલાં છ મહિના ક્યાં જતા રહ્યા, કંઈ ખબર ન પડી. પણ પછી જ્યારે જ્યારે એ અગાશી પર જતી. એની નજર ગુંગળાવા લાગતી. એ પહેલો સ્નોફોલ જોવાય ના રોકાઈ અને વિશ્વાસ એને અમદાવાદ મૂકી આવેલો. ત્યારથી શિયાળો એટલે અમદાવાદ! જ્યારે એ પાછી આવતી ત્યારે વિશ્વાસ કહેતો, ‘સાચ્ચે જ સુજા, તું અમદાવાદથી આવે છે ત્યારે એકદમ નવી નક્કોર લાગે છે.’ સામો શિયાળો આવતાં સુજાતાનું પોત ધીરે ધીરે એકદમ પોચું પડી જતું. પછી તો પતિપત્નીનાં વેકેશન સાથે બાળકોનાં વેકેશન પણ જોડાયાં. એટલે બાવીસમી ડિસેમ્બરે પરસ્પરને કાર્ડ પાઠવીને લગ્નતિથી ઊજવવાનો વણલખ્યો નિયમ થઈ ગયો. આ વર્ષે બાળકોએ સ્નો ફોલ જોવાની જીદ કરી નિયમ તોડ્યો. માલતીને વિદાય કરી સુજાતા બાળકોના બેડરૂમમાં ગઈ. આસમાની ગાઉનમાં સૂતેલી જૂઈનો ચહેરો જોઈ લાગ્યું. પરીઓ આકાશમાં આવા જ કોઈ ધીરા ધીરા લયમાં થીરકતી હશે. એણે જૂઈ ઉપર ઝૂકી ને ઊંડો શ્વાસ લીધો ત્યાં સામેના બેડ પર સૂતેલા વિવેક પર નજર ગઈ. એ જ પાર્ટીનો ડ્રેસ! વિશ્વાસની જેમ વિવેકને સખત કંટાળો છે નાઈટસૂટનો. જોકે વિશ્વાસ જાણે છે કે સુજાતા માટે દિવસ ભરના કપડામાં સૂવું એટલે આખા દિવસને છાતીએ વળગાડી સૂવું. કેટલીવાર પડખું ફેરવી ગયેલી સુજાતાને મનાવવા વિશ્વાસે ઊઠીને નાઈટ સૂટ પહેર્યો છે. અને તે પણ એટલું જ સાચું છે કે એ રાત્રે સુજાતા વિશ્વાસ પર અનરાધાર વરસી પણ છે. અત્યારે રાતના સાડાબાર થાય છે. બધા મહેમાન જતા રહ્યાં છે. વિશ્વાસ સ્ટડીમાં છે. એ હમણાં બેડરૂમમાં નહિ જાય. આજે એણે મિત્રોને કંપની આપવા માટે અર્ધો પેગ વ્હિસ્કી લીધી છે. સુજાતાને એમનાં લગ્નની પાર્ટી યાદ આવી. એ દિવસે એણે પહેલી વાર શરાબનો રંગ જોયો હતો. વિશ્વાસે એને આગ્રહ કરતાં ગ્લાસ મોં સામે ધર્યો ત્યારે એને લાગેલું કે આ ગંધ એને બેભાન કરી દેશે! એ લગભગ ઊલટી કરતી ટોયલેટ તરફ દોડી ગયેલી. હાથમાં પત્તા અને વચ્ચે વચ્ચે શરાબની ચૂસકીઓ લેતા ડાયરેક્ટરનાં પત્નીના હાસ્યમાં એણે ‘બેબી’ શબ્દ સાંભળેલો. ત્યારથી સુજાતા પાર્ટી કે કલબમાં જવાનું ટાળતી. પછી તો વિશ્વાસે સ્પોર્ટ્સ ક્લબમાંય જવાનું લગભગ છોડી દીધું. બસ, હવે ઘર, ઑફિસ અને સ્ટડી. ગઈ હોળીની પાર્ટીમાં વિશ્વાસનો ટેબલ-ટેનિસનો પાર્ટનર ગુપ્તા મળી ગયેલો. બોલ્યો, ‘ક્યા યાર તુમ તો હમે રંડુવા બના કે ચલ દિયે!’ પછી વિશ્વાસની વધેલી ફાંદ ઉપર મુક્કો મારતાં ઉમેર્યું. ‘બીબી કી હર બાત માનતે હો પર ફિર બીવી હી દૂર હો જાયેગી. કલસે આ જાઓ. ચૂટકીઓમે ફિર વહી હેન્ડસમ હીરો બન જાઓગે! ક્યોં ભાભીજી?’ સુજાતાએ કંઈક બોલવા હોઠ ઉઘાડ્યા ને ભીંસી દીધા. સુજાતા અંધારામાં પલંગ પર દીવાલને અઢેલીને બેઠી છે. ના, એ કશું જોતી નથી. રાહ પણ નહીં. કારણ જો આંખ કાંઈક જોતી હોત તો એના પલકારામાં દૃશ્ય અંદર સુધી પહોંચ્યાની પહોંચ હોત અને રાહ જોતો ચહેરો શિખાઉ નિશાળિયાની પાટી જેવો લિટોડાથી ખરડાયેલો હોત! સુજાતા કોઈ ગૂંથેલું સ્વેટર ના ઉકેલતી હોય એમ બેઠી છે. હળવે હળવે દોરો ખેંચાય, થોભીને હાથ એનું પિલ્લું વિટાળતા જાય — કોઈક’ ગીતના લય અને ગતિમાં. આમ તો એ બપોરથી એકાંત ખોળતી હતી. એવું ય નથી કે પાછલાં દસ વર્ષમાં એને આવી ઇચ્છા ક્યારેય નથી થઈ! પરંતુ આજે માલતીએ આવીને એના હાથમાં આડા હાથે મુકાઈ ગયેલા ગીતનો દોર પકડાવી દીધો હતો. સવારે અગિયાર વાગ્યે સુજાતા અને વિશ્વાસ ખરીદી કરવા ગયાં હતાં. સ્ટોપ પર કુલીઓનું ટોળું હુડુડુહટ્ટ કરતું બસને ઘેરી વળ્યું…. નૈનીતાલના થીજવા સાથે બોટિંગવાળા પણ કુલીનું કામ કરતાં. સુજાતાને આશ્રર્ય થયું કે ડિસેમ્બરની હાડ ગાળી નાખે એવી ઠંડીમાંય કુલીઓની ‘બિલ્લાશાબ’, ‘બિલ્લાશાબ’ની બૂમો ગઠ્ઠાની જેમ હવામાં તરતી, એની હથોડા જેવી ગતિ ગાઢ ધુમ્મસને કરચોમાં બદલવા મથતી હતી. હજુ મલ્લીતાલનું બજાર ઊંઘરેટી આંખો ચોળતું હતું. ખુલ્લી દુકાનો પાસેથી પસાર થતાં અગરબત્તીની ધૂમ્રસેર જોઈ સુંગધની સ્મૃતિ તાજી થતી. રસ્તા પર એકલ દોકલ માણસ દેખાય એ ય ઠીંગરાયેલો. આ વખતે એમણે ‘ઘર’ને ભેટ આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં સ્ટોરમાં માલતી મળી ગઈ. સુજાતાની સ્કૂલની બહેનપણી. એ દુકાનની સામેની ફૂટપાથ પર કોઈની રાહ જોતી ઊભી હતી. દુકાનમાં પ્રવેશતાં સુજાતાએ એની ઘેરી મરુન લિપસ્ટીક અને એના લોંગ કોટમાંથી ડોકાતી પેરટ ગ્રીન સાડીની રંગીન બોર્ડર નોંધેલી. એને થયેલું કે આ સારું. આ ઋતુમાં પ્રકૃતિ જે રંગ ન પહેરી શકે એ સ્ત્રીઓએ પહેરવા જોઈએ જેથી બેલેન્સ જળવાઈ રહે. આમ વિચારતાં જ એનું ધ્યાન પોતાની આસમાની સાડી પર ગયું. વિશ્વાસનો અતિપ્રિય રંગ! એનું ચાલે તો દુનિયામાંથી બીજા બધા રંગોને રંગવટો આપી દે. જોકે થોડીઘણી જીદ્દ કરીને સુજાતાએ કેટલાક રંગ બચાવી રાખ્યા છે. સુજાતાએ પાછું વાળીને જોયું તો એ સ્ત્રી તેને ધારી ને જોઈ રહી હતી. એને ચહેરો કાંઈક પરિચિત લાગ્યો પરંતુ એ જ વખતે વિશ્વાસે એને બોલાવી એ ક્રોકરીના સિલેક્શનમાં પડી ગઈ. ત્યાં એના ખભા પર કોઈનો સ્પર્શ થયો. પાછળ ડોક ઘૂમાવતાં, વધારીને શેપ કરેલા નખનો મરુન રંગ આંખમાં આવી ગયો. સન્મુખ એ જ સ્ત્રી. બોલી, ‘તું સુજાતા છે ને? અમદાવાદની મોહિનાબા સ્કૂલમાં હતી ને? સુજાતા કાંઈ સમજે તે પહેલાં એ ફરી બોલી, ‘યાદ છે તને સુગમસંગીતનું પ્રાઈઝ મળેલું ત્યારે તબલાં કોણે વગાડેલાં?’ ‘અરે માલતી તું?’ કહેતાં સુજાતા તેને ભેટી પડી. પણ માલતીના ખભા પાછળથી વિશ્વાસના ચહેરા પર એને ઉડાવતો હોય એવું હાસ્ય જોતાં એ અળગી થઈ ગઈ. એણે માલતીને વિશ્વાસનો પરિચય કરાવ્યો. ‘અચ્છા! તો તમે ઓબ્ઝરવેટરીમાં છો! લઈ જશો ને જોવા? અલી સુજાતા, ત્યાનું ટેલિસ્કોપ તો જબરું હશે!’ કહેતી માલતીનો પ્રશ્ન વિશ્વાસે ઝીલી લીધો. ‘એ પણ તમારી સાથે પહેલી વાર જોશે?’ માલતીના મોંમાંથી કોઈ પણ ઉદ્ગાર નીકળે એ પહેલાં સુજાતા બોલી ઊઠી સાંજે અમારી લગ્નતિથિની વર્ષગાંઠની પાર્ટી છે. ચોક્કસ આવવાનું છે.’ ‘આવીશ પણ એક શરતે. તારે પેલું ગીત સંભળાવવું પડશે? અરે સુજાતા, તારા મિસ્ટરને તો ખબર છે ને કે તું સરસ ગાય છે કે પછી...’ માલતીએ અધૂરા છોડેલા વાક્યનો ઉઝરડો વિશ્વાસના ચહેરા પર પડયો. સુજાતા એક ક્ષણ ધ્રૂજી ઊઠી. એણે વાત ટાળતાં કહ્યું, ‘છોડ એ જૂની વાતો તારા સમાચાર તો આપ.’ ત્યાં મ્હોંમાં સિગાર સાથે મિ. વોરા આવ્યા. સુરતમાં ટેક્સટાઈલનો બિઝનેસ છે. બાળકોને દાદા-દાદી પાસે મૂકી, પતિ-પત્ની ખાસ સ્નોફોલ માણવા આવ્યાં છે. સ્કૂલમાં બોચીયણ જેવી રહેતી માલતીના મેકઅપ પર પતિના લહેરી સ્વભાવની અસર દેખાતી હતી. વારંવાર કપાળ પર ઢળી જતા વાળને સંવારતી માલતીને યાદ આવ્યું. જ્યારે એણે સ્કૂલમાં સ્ટેપ કટ વાળ કરાવેલા ત્યારે માલતી બોલી ઊઠેલી, ‘અલી, વાળ પર કાતર મૂકતાં જીવ કેમ ચાલે? તારી મમ્મી ના લડી? સુજાતાએ આજે પણ એ જ ટોન સાંભળ્યો, ‘અલી સુજાતા, હું તો તને ઓળખી જ ના શકી. સ્કૂલ પછી આજે મળ્યાં. લાગે છે હવે તને ચોટલો લેતાં આવડી ગયું પણ લિસ્ટીક વગર કોળિયો ગળે ઊતરે છે? ‘હવે મારો મેકઅપ બદલાઈ ગયો છે.’ બોલતાં સુજાતાની નજર વિશ્વાસ સાથે અથડાઈ પડી. એને થયું. મારો અવાજ કેમ છબછબિયાં કરે છે! એને ફરી એક વાર વાતને બીજી દિશામાં ઘસડી જતાં કહ્યું. ‘પણ એ તો કહે કે તારાં તબલાંનું શું થયું?’ ‘સરસ ચાલે છે. કાર્યક્રમોમાંય જાઉં છું.’ ફરી ત્યાં ને ત્યાં જ લગભગ હાંફી ગયેલી સુજાતાનો હાથ સાહતો હોય એમ વિશ્વાસ પૂછી બેઠો. ‘સુજા તેં કયું ગીત ગાયું હતું?’ ‘મને તો યાદ પણ...’ સુજાતાનું અર્ધું વાક્ય ઝૂંટવી લેતાં માલતી બોલી. ‘અરે તું ય ભૂલી ગઈ? પેલું... ના, ના, નહીં આવું મેળે નહીં આવું. મેળાનો મને થાક લાગે...’ અને આમ અચાનક આડા હાથે મુકાઈ ગયેલું ગીત સુજાતાના હાથમાં આવી ગયું હતું અને આ ગીત ખોવાયાનો અફસોસ વિશ્વાસના હાથમાં! સ્ટડીની લાઈટ બંધ કરતાં વિશ્વાસને વિચાર આવ્યો આજ સુધી બંને પતિપત્ની પોતાના અણગમાની વાત પહેલાં કહેતાં આવ્યાં છે. ગમા તો ક્યારેક પ્રસંગોપાત પ્રગટ થઈ જાય. આમ કેમ? એને યાદ આવ્યું સ્ટ્રાઈક આઉટ વીચ ઈઝ નોટ એપ્રોપ્રીએટ... એ બાથરૂમમાં ગયો. સુજાતાએ સ્ટડીની બંધ થતી સ્વિચનો અવાજ સાંભળ્યો. ક્ષણિક અંધકારમાં ડૂબતું પછી બાથરૂમના દરવાજાની તિરાડમાંથી આવતા આછા અજવાળામાં સપાટી પર આવતું ઘર સુજાતા જોઈ રહી. જોઈ રહી એ વીત્યાં વર્ષોને પણ. અભ્યાસમાં ઠીક ઠીક ગમતાં કામ-સંગીત અને ફૅશન્સ. કૉલેજ પણ એટલે જ જોઈન કરેલી. ટેલેન્ટ ઈવનિંગનો સ્પેશિયલ ડ્રેસ સિવડાવવા એ કાંઈ પણ જતું કરે. હા, મેકઅપ સિવાય! એક સાધારણ લાઈફમાં ગોઠવાવા સિવાય ખાસ કોઈ લક્ષ્ય નહીં. બી.એ. થયા પછી સંબંધીની પ્રાઈવેટ કંપનીમાં છ મહિના નોકરી કરી. સગાઈ થતાં છોડી દીધી. ખાસ કોઈ અફસોસ નહીં. તો પછી આજે કેમ વિશ્વાસ જેવા પતિને પામ્યાનાં સુખમાં આછેરો કચવાટ જાગે છે? લગભગ અર્ધું જમ્યા પછી એકાદ કાંકરી આવે ને તમે ખાતાં ખાતાં થંભી જાવ એવું જ કાંઈક થંભીને એ મથતી હતી. બાથરૂમમાં શાવર ચાલુ થયો. અવાજ સાંભળતાં સુજાતા ચોંકી ગઈ... આ ઠંડીમાં શાવર? ગિઝરનું પાણી અર્ધી સેકન્ડમાં ઠંડુગાર... પણ વિશ્વાસને ઘણી વાર આવો મૂડ આવે છે. રાત્રે મોડે સુધી સ્ટડીમાં કામ કરતો હોય અને કોઈ વાતની ગડ ના બેસે એટલે શાવર નીચે ઊભો રહી જાય પછી બંનેને અતિપ્રિય બ્લેક કોફી બનાવે. એને ખાતરી હોય જ કે શાવરના અવાજથી જાગીને સુજાતા પલંગમાં રજાઈ ઓઢીને બેઠી હશે, એની રાહ જોતી. નાઈટલેમ્પના આછા અજવાળામાં સામસામા બેસીને ધીમે ધીમે બ્લેક કોફીના ઘૂંટ લેતાં બંને હીરના દોર ગૂંથતા રહે... શાવરનો વધતો-ઘટતો પ્રવાહ સંભળાય છે. સુજાતા કલ્પના કરે છે... શાવર નીચે ઊભેલો વિશ્વાસ... એના પહોળા પુષ્ટ ખભા અને ડાબા ખભા પરનું પ્રિય લાખું... વાળમાં ધીરે ધીરે ફરતા એના હાથ. શું વિશ્વાસ પણ કંઈક ઉકેલે છે? શું એની પાસે કોઈ આડા હાથે મુકાઈ ગયેલું ગીત આવી ગયું હશે? સુજાતા સમજી શકતી નથી કે આ ગીતના મળવાથી ખુશ થવું કે ઉદાસ? જ્યારે માલતીએ પહેલી વાર યાદ કરાવ્યું ત્યારે તો થયું કે અરે ક્યાં ગયું? પાછી માલતી વળી વળીને વાતને ઘૂંટતી હતી. એની વાચાળતા એની આંખની ચમક કોઈ હિંસક આનંદની સાક્ષી પૂરતાં હતાં. અને સુજાતા સતત દહેશતમાં કે જો વિશ્વાસ આરોપીના પાંજરામાં આવી જશે તો? શાવરનો અવાજ બંધ થઈ ગયો છે. વિશ્વાસ બાથરૂમના અરીસા સામે ઊભો ઊભો ડ્રાયરથી વાળ કોરા કરી રહ્યો છે. એને યાદ છે કે સુજાતા ભીના વાળના સ્પર્શમાત્રથી છળી ઉઠે છે... જાણે ચત્તી પડેલી ગરોળી ન જોઈ હોય! વિશ્વાસને જેટલા પોતાના અણગમા યાદ છે એટલાં જ સુજાતાના પણ. એ પોતાને ન ગમતી વાત તરત જ કહી દે છે. પહેલી જ મુલાકાતમાં એણે સુજાતાને સ્પષ્ટ કહેલું, મને ફૅશન્સ અને મેકઅપ બિલકુલ પસંદ નથી છતાં તમારી મરજી. પરંતુ તમે તો આટલા સુંદર છો પછી... વાક્યના ઉતરાર્ધનો નશો કેટલાય દિવસો સુધી સુજાતા પર છવાયેલો રહેલો અને એ જ ધૂનમાં એણે મેકઅપ છોડી પણ દીધો. વિશ્વાસના ગૌર પડછંદ દેહને જોઈને પ્રશ્ન થયેલો કે નૈનીતાલથી હિમાલય દેખાતો હશે? બાથરૂમની સ્ટોપર ખૂલી. લાઈટ ઑફ થઈ. ફરી એક વાર ઘર અંધકારમાં ડૂબતું લાગ્યું. સુજાતાને એક ક્ષણ થયું. ઊભી થઈને જુએ કે વિશ્વાસ શું કહે છે? પરંતુ જેવી ઇચ્છા જાગી એવી જ ઠરી ગઈ. આ જ બપોરથી આવું જ થાય છે. જોકે એણે બધું જ કર્યું—ઘર સજાવ્યું, વિશ્વાસને ગમતી સાડી પહેરી, બાળકોને ભાવતી રસોઈ – બધું જ બધું જ ઉત્સવ સમું બને એની એ સતત કાળજી લેતી રહી પણ કોણ જાણે એ વારે વારે ભૂલી પડી જતી હતી. સાંજે પાર્ટીમાં સંગીતની મહેફિલ પણ થઈ. માલતીએ જીદ કરીને સુજાતા પાસે ગીત ગવડાવ્યું. વિસરાયેલા ગીતના ઊંડા શબ્દોને એ ખોદી ખોદીને હાથમાં આપતી હતી. સુજાતા ગાતી હતી અને એને લાગતું હતું કે વચ્ચે-વચ્ચે ગીત કોરડું લાગે છે. આડા હાથે મુકાઈ ગયેલું ગીત મળ્યું પણ વીત્યાં વર્ષોથી રજોટાયેલું, ‘ખટ’ અવાજ સાથે ઓરડો અજવાળાંથી છલકાઈ ગયો. ‘સુજાતાએ જોયું, સામે બંને હાથમાં બ્લેક કોફીના મગ લઈને વિશ્વાસ ઊભો હતો.

(દસમો દાયકો)

****