બાંધણી/ઉંબર વચ્ચે


૧૨. ઉંબર વચ્ચે

એક કલાકમાં ઋજુએ આઠમી વાર રેલવે ઈન્કવાયરીમાં ફોન જોડ્યો પણ સતત એંગેજ. એને થયું મારી જેમ શું આખુંય શહેર કોઈ એક ક્ષણના ટોપકે એક પગે ઊભું હશે. એણે ઘડિયાળમાં જોયું. નવ વાગ્યા હતા. કર્ણાવતી જો સમયસર હશે તો તો પહોંચવામાં જ હશે. એ હિંચકે આવીને બેઠી અને ફરી ટી.વી. ચાલુ કર્યું. છેલ્લા ત્રણ દિવસથી ૠજુનું આખું ઘર લિવિંગરૂમમાં સમેટાઈ ગયું છે. ઘર જ શા માટે આખોય સંસાર. મુંબઈ જતાં પહેલાં એનો પતિ તેજસ અને દીકરી પિંકી ઋજુને આ લિવિંગરૂમમાં જાણે ટી.વી.ની નજરકેદમાં મૂકી ગયા છે. બેસવા માટે હીંચકો, જોવા માટે ટી.વી. અને કરવા માટે પ્રતીક્ષા. હીંચકો હલે છે પણ ક્યાંય પહોંચાડતો નથી. હા અને ના-ની સરહદોને અડી અડીને પાછો વળી જાય છે. ટી.વી.નાં દૃશ્યો ક્લોઝઅપ અને લોંગશોટની દોડપકડ રમે જાય છે. એક પળ રંગો, આકારો, અને અવાજો એને પકડીને આઉટ અને કરી દે છે તો, બીજી પળે હાથતાળી આપતા દૂર સરી જાય છે. એ દાવ લેતી અને આપતી રહે છે. ઋજુ રમત પૂરી થવાની રાહ જોયા કરે છે. આ પ્રતીક્ષાની ડાળે કોઈ મંજરી મહેકશે ખરી? ‘કીટાણુંરહિત સ્વચ્છતા કે લિયે લાઈબોય’ હીંચકો નજીક જતા પરદા પરનો ડૉક્ટર નાળિયેર જેવું માથું ઉગામતો ઢીંક મારે છે અને ઋજુ હાથમાં રિમોટ લઈ લે છે. ચેનલ બદલતાં પહેલાંમાં એની નજર રિમોટ પર ચંપાયેલા અંગુઠાના નખના મૂળમાં ટપકાં ટપકાં બંધાયેલી સફેદ કોર પર પડે છે. એ વિચારે છે. એક દિવસ આ સફેદ કોર ધીરે ધીરે વિસ્તરતી આખું ય પોત બની જશે. ડાબા હાથની મુઠ્ઠી વાળી એ આંગળીઓના ઉપસેલા સાંધા પર જમણા હાથની આંગળીઓ ફેરવે છે. સફેદ ચાઠાંનો સ્પર્શ કેમ જુદો અનુભવાતો નથી? એના ટેરવાં કાનની બૂટ પંપાળવા લાગે છે. બંને હોઠ મ્હોંમાં ભીંચતાં એને થયું લાવ અરીસામાં જોઉં. એ ઊભી થઈ. બેડરૂમમાં પેસતાં ટેવવશ હાથ લાઈટના સ્વીચબોર્ડ તરફ ગયો. આંગળીઓ સ્વીચ પર ચંપાય એ પહેલાં એને થયું અજવાળાનું શું કામ છે? એ અંધારામાં જ ડ્રેસિંગ ટેબલના અરીસા સામે જઈ ઊભી રહી. એક ધૂંધળો ઓળો આખેઆખો સાબુત સામે ઊભો હતો. એનો કેવળ આકાર કળાતો હતો, રંગ નહીં. આ અંધકાર ઓઢીને ક્યાંક દૂર લપાઈ જવું જોઈએ. અહીં બધું એકરૂપ એકરસ. ઋજુને એકદમ એ ધુંધળા ઓળા પર અઢળક વ્હાલ ઊભરાયું એ કેટલો આત્મીય પોતીકો લાગતો હતો? એણે ઓળાના ચહેરાને સ્પર્શવા હાથ લંબાવ્યો અને ‘ટપ’ આદતને કારણે સ્વીચ થઈ ગઈ. ડ્રેસીંગ ટેબલ ઉપર ઝળુંબતા અજવાળાએ અરીસામાં એક ચહેરો કોતરી કાઢ્યો. લડી લડીને થાકેલો ચહેરો. અસ્તવ્યસ્ત માથું, ઢીલી પોની, જરા ખેંચાઈને ત્રાંસી થઈ ગયેલી હેર પીન, મેલો ચોળાયેલો સાડલો, ઉજાગરો હાંફતી આંખો... જ્યારથી પિંકી અને એના પપ્પા મુંબઈ ગયા છે ઋજુની દિનચર્યા ઉપરતળે થઈ ગઈ છે. કશાનું ઠેકાણું નથી. ન નાવાનું ન ખાવાનું ન ઊઠવાનું ન ઊંઘવાનું એ જાણે ચાર રસ્તે ઊભી છે ને માત્ર એક જ દિશા ચાલુ છે. આ વખતે તો ચોક્કસ કંઈક... નહીં થાય તો? માંડ માંડ બંધ કરેલી બૅગ ફટાક કરતી ઊઘડી જાય એમ ઋજુ ઝબકી ગઈ. ફરી એક વાર બહાર લટકતાં. લટકવા મથતાં કપડાંને બેગમાં ઠાંસી એણે બળપૂર્વક બૅગ બંધ કરી. એણે એ દિશામાં જોવું બંધ કર્યું તો એક પળ સાવ શૂન્યાવકાશમાં ફેંકાઈ ગઈ. એ શા માટે આ રૂમમાં આવી હતી. યાદ આવ્યું. અરીસામાં જોતાં એણે પોતાના ચહેરા પર નજર ફેરવી. કાનની બુટ. આંખના પોપચાં - પાંપણ પર થઈને એ નજર ઉપલા હોઠની કોરે જઈ અટકી. બેંતાલીસ બેંતાલીસ વર્ષ સુધી જે ચહેરાને એકધારો જોયો છે. સજાવ્યો છે. ચાહ્યો છે એ છેલ્લા બે વર્ષથી એકદમ ધરમૂળથી બદલાતો ચાલ્યો છે. ધડ એ જ પોતીકું પરિચિત. પણ ચહેરો અતરાપી ધડ વારંવાર આ અજાણ્યા ચહેરાને ઉપાડવાની ના પાડે છે. લોકોની નજરે ચેતવે છે. મન નથી માનતું આખા શરીરના એકએક અંગનાં ગલીકૂંચી વળાંકો ઢોળાવો એવા તો આત્મીય જાણે વતનની શેરીઓ. પણ અહીં તો ગામનું નામ જ બદલાઈ ગયું છે. સ્વીકારવું સરળ નથી. વીસ વર્ષ પહેલાં તેજસે કહેલું, ‘ૠજુ મેં તો તારી આંખો જોઈને જ તને પસંદ કરી હતી. મોટી મોટી કાળી આંખો અને લાંબી પાંપણો. અજબ મદભરી સ્વપ્નિલ આંખો.’ ગયા વર્ષે ઋજુએ બેડરૂમમાંથી નાઈટલેમ્પ કાઢી નાખ્યો છે. બને ત્યાં સુધી તેજસ સૂઈ જાય પછી જ ઊંઘે છે. દિવસે સૂવે તો પણ સાડીનો છેડો મોં પર ઓઢીને કોઈના દેખતા અરીસામાં જોતી નથી. સફેદ પોપચાં ને સફેદ પાંપણો જોતાં એને સસલાની આંખો અચૂક યાદ આવી જાય છે. શરૂઆતમાં હાથપગના નખના મૂળમાં આછા સફેદ ટપકાં જોઈ થયું લોહીની ઊણપ હશે. પછી થયું કદાચ સાબુ કે ડિટરર્જન્ટની એલર્જી હશે. પછી તો કાનની બૂટ, પોપચાં, હોઠ, આંગળીઓનાં ટેરવાં વેઢા, કોણી. ઢીંચણ, ઘૂંટી બધે ફેલાવા લાગ્યા આ સફેદ ટપકાં. ડૉક્ટર કહે, ‘લ્યુકોરડમા શરીરમાં સૌથી પહેલાં આવા સંવેદનશીલ કેન્દ્રો ઉપર જ આક્રમણ કરે છે.’ એમને ખબર હશે કે અહીં તો તલ જેવડું તાળું તૂટતાં જ આખો ગઢ ભાંગીને ભર ભર ભૂકો! આમ જુઓ તો આ ચાલીસ વર્ષે શો ફેર પડે? અને આમ જુઓ તો આ ચાલીસ વર્ષ ભૂંસી ને એકડે એકથી કેવી રીતે શરૂઆત થાય? પિંકી જેવી પરણવાની ઉંમરે થયું હોત તો? પિંકી તો ચહેરા પર ખીલ થયા હોય તો જ્યાં સુધી ખીલ મટે નહીં ત્યાં સુધી ઘર બહાર નીકળે નહીં સારું થયું કે ડૉક્ટર પાસે એકલી ગઈ હતી. ડૉક્ટર જાણીતી હતી. પિંકીની ફ્રેન્ડ દવાખાનાની બહાર નીકળતાં ઋજુને થયું કે આ રોગ વારસાગત તો નહીં હોય ને? પછી જાતે જ જવાબ શોધ્યો. મારા કાકા કે મામાના પક્ષે સાત પેઢી સુધી ક્યાં કોઈને છે? ડોક્ટર કહે છે એમ આ લોહીનો વિકાર જ હશે. પણ ચેપી હશે તો? ઘેર આવી એણે બીજા જ દિવસથી રસોઈમાં મહારાજ પણ રાખી લીધો. તેજસ – પિંકીને કહી દીધું કે એલર્જી છે એટલે હમણાં ઘરમાં નાના નાના કામમાં સેલ્ફ સર્વિસ! બેએક મહિના માટે આવેલો મહારાજ કાયમી થઈ ગયો. રાત્રે રોજ જમ્યા પછી સાથે બેસીને ટી.વી જોવાનો ક્રમ. પિંકીને તો મમ્મીનો ખોળો ક્યારેય ખાલી ન સહેવાય. હાલતાં ચાલતાં કામ કરતી ઋજુને દિવસમાં દસ વાર વળગે નહીં તો પિંકી નહીં ઋજુને આજે પિંકી ભેટે તો ‘હવે તો તું મોટી થઈ એમ કહી અળગી કરાય પણ દીકરીની દૂધમલ સુગંધને કેમ ઊતરડી શકાય? તેજસને અણસાર આવતો હતો પણ એ પ્રગટ થતો ન હતો. ‘આપણી પિંકી પરણાવવા જેવડી થઈ’ કહી જુદી પથારી કરતી ઋજુને એ કઈ રીતે કહે કે યાદ છે હું બહારગામ જાઉં ત્યારે તારે ઊંઘની ગોળી લેવી પડે છે. દિવસમાં એક વાર પણ જો તેજસનો સ્પર્શ ન મળે તો ઋજુને દહેશત થાય કે મારું લોહી થીજી જશે તો? પિંકી અને તેજસ બંને જણાં જાણે છે કે શું થઈ રહ્યું છે પરંતુ નહીં બોલીને અજાણ્યા થઈ રહ્યાં છે. ૠજુને ક્યારેક તો થાય કે કેમ આ બાપ-દીકરી કંઈ પૂછતાં નથી. મને ઝંઝોડતાં નથી. મને ધરપત આપતાં નથી. એ લોકોએ બધું સ્વીકારી લીધું હશે? શું એમને કંઈ ફેર પડતો નહીં હોય? પોતે તો અંદરને અંદર સખત વલોવાય છે. દિવસભર ઘરગૃહસ્થીનો પાઠ ભજવવામાં વારેવારે ભૂલો પડે છે. પિંકીના લાંબા વાળ ધોઈ આપવા, તેજસના ચોળેલા દાળ-ભાતમાં ઘી નાખવા હાથ સળવળે છે. રાત્રે ઊંઘ ઊડી જાય છે અને પિંકીના રૂમમાં પગ આપોઆપ પહોંચી જાય છે. પથારીમાં સૂતેલી પિંકીનો માસુમ ચહેરો નાઈટલેમ્પના આછા અજવાળામાં જોઈ એની છાતીમાં દૂધની ભરતી ચઢે છે. પડખું ફરીને સૂતેલા તેજસની બાજુમાં લંબાવી દેવા લલચાતા શરીરને રોકવા એ ઊઠીને પાણી પીવે છે. પતિના ખુલ્લા પુષ્ટ સીનામાંથી ઊઠતી માંસલ ગંધને ખાળવા એ મ્હોં ઓશીકામાં ખોસી દે છે. ઊંડો શ્વાસ લઈ એણે ઉપર નજર કરી. દીવાલ પર ગરોળી એક પતંગિયાની દિશામાં ધીરે ધીરે આગળ વધતી હતી. હમણાં એક સુંદર જગત.... એ ત્યાંથી ખસી ગઈ. લિવિંગરૂમમાં આવીને જોયું તો ચેનલના કનેક્શનમાં કંઈક પ્રોબ્લેમ થયો હતો. ટી.વી.ના સ્કીન ઉપર કાળા-સફેદ ટપકાંઓનો વરસાદ શરૂ થઈ ગયો હતો. હમણાં ધોળો ફટોર થઈ જશે પરદો. ઋજુ કલ્પના માત્રથી ધ્રૂજી ઊઠી. એને ધોળો રંગ દીઠા ડોળે ગમતો નથી. બેસણામાં જાય તોય કાળી કોરવાળો આછો આસમાની સાલ્લો પહેરે છે. એણે ચેનલ બદલી. ફિલ્મનો કોઈ લગ્નપ્રસંગ ચાલતો હતો. વિશાળ શમિયાણો લટકતાં ઝુમ્મર, ગહેકતી શરણાઈ, ઢોલકીને તાલે નાચતી ગાતી સ્ત્રીઓ રંગબેરંગી વસ્ત્રો ને વાતોની ઝાકઝમાળ મંડપમાં કન્યાદાન કરતાં માતા-પિતા. કન્યાનો હાથ ગ્રહણ કરતો કોઈ રાજકુમાર ઋજુની નજર ઘૂંઘટમાં ઢંકાયેલ ચહેરાને ફંફોસે છે. એ ગુલાબનો ચહેરો હથેળીમાં લે છે ત્યાં. તેજસ એકલો બેઠો છે કન્યાદાન કરતો... ઋજુ ઊઠીને ચાલી જતી સ્ત્રીની પીઠ તાકી રહે છે. ચશ્માં ઉતારી આંખ લૂછતાં ઋજુએ એ દુઃસ્વપ્નને ભૂંસી નાખવા પ્રયત્ન કર્યો. દૃશ્ય બદલાય છે પણ સંવાદો તો... ‘જો બેટા, રંજનફૈબાને ત્યાં નવચંડી છે અને મારે અગવડ છે. તું ને તારા પપ્પા જઈ આવો.’ ‘પણ મમ્મી હું બોર થઈ જઈશ.’ ‘ના રે જોજે ત્યાં તને સરસ કંપની મળશે. અરે હા, ફૈબાના જેઠનો છોકરો, શું નામ એનું યાદ આવ્યું રોનક એ તારા જેવું જ ભણ્યો છે. તને એની જોડે ફાવશે. અને હવે તો એ કંઈક નોકરી પણ કરે છે. એનો પગાર —’ ‘તું બી ખરી છે. મારે એનો પગાર જાણીને શું કરવું છે? સાચ્ચે તું ચેંપી ડોશી થતી જાય છે.’ ઋજુ કઈ રીતે કહે કે દીકરા હું ડોશી નથી થઈ રહી, હા ધીરે ધીરે મેદાન છોડતી જઈ રહી છું. પિંકી ગઈ. તેજસ પણ. ઋજુએ કોઈના મ્હોંએ ફોડ પાડયો નહીં. એ બંને ગયાં ત્યારે એક કસકભરી હાશ થઈ. એકબાજુ એ ઇચ્છતી હતી કે તેજસ તેને સાથે આવવા આગ્રહ કરે. ‘તારી દીકરીના ભવિષ્યના નિર્ણયમાં તું ગેરહાજર? તું એની જનેતા?’ ઋજુએ મનોમન જવાબ પણ તૈયાર રાખ્યો હતો. ‘દીકરીએ જાતે જ પસંદ કર્યું હોત તો?’ તેજસને તો સમજાવી શકાશે પણ પિંકીને. ‘મમ્મી નહીં આવે તો હું નહીં જાઉં.’ પોતે સોગંદ આપીને પિંકીને મોકલત પરંતુ બંને બાપ- દીકરી ગયા. આખીય વાતનું નામ પાડ્યા વિના. ત્રણે જાણે છે કે નામ પડ્યા વિના પણ નથી રહેવાય એમ અને પાડ્યું હોય તો સહેવું કેમ? એ રાત્રે ઋજુએ સપનામાં જોયું એનો માત્ર ચહેરો છે અને હાથપગ કોઈ અજાણ્યા રસ્તે ચાલ્યા જાય છે એકલા. એનું હૃદય અને કૂખ ક્યાંક પાછળ અટવાઈ ગયાં છે. પિંકીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું એ પછી છેલ્લા એક વર્ષમાં ચાર-પાંચ સારાં સારાં માગાં આવ્યાં. એમાં બે તો પરદેશનાં પણ કંઈ ગોઠવાયું નહીં. મુલાકાત પૂર્વે બધું જ અનુકૂળ લાગે. બાયોડેટા અપ ટુ ડેટ, જન્માક્ષર મળે, ફોટા ગમે પણ છેક છેલ્લે ગોરંભાયેલાં વાદળ વિખરાઈ જાય. દર વખતે જુદા જુદા જવાબ મળે. જન્માક્ષર નથી મળતા. હમણાં નથી કરવું. અમારા વડીલોને અનુકૂળ નથી. નોકરી કરતી છોકરી જોઈએ છે. દિવસો સુધી ઘરમાં આવા જવાબો ધૂંધવતા રહે. ત્રણે જણાં માસ્ક પહેરીને શ્વાસ લેતા રહે. ગયા મહિને મુંબઈથી નણંદનો પત્ર આવ્યો. જેઠના એન્જિનિયર દીકરા માટે પિંકીનું માગું નાખ્યું હતું. જન્માક્ષર મળતા હતા. કુટુંબ જાણીતું હતું. સગામાં સગું. ઋજુએ તક ઝડપી લેતાં તેજસ અને પિંકીને મોકલ્યાં. એક વખત જો છોકરો છોકરીને ગમી જાય પછી બીજી બધી વાતો તો... ઝાંપે રિક્ષા ઊભા રહેવાનો અવાજ સંભળાયો. ટી.વી. બંધ કરી ઋજુએ બારણું ખોલ્યું અને ઓટલે ઊભી રહી. એના ધબકારા વધી ગયા હતા. તેજસ રિક્ષાવાળાને પૈસા ચૂકવતો હતો. પિંકી ચૂપચાપ ઊભી હતી. શું આ વખતે પણ? ૠજુ બે ડગલાં આગળ ચાલી પિંકી સામે ગઈ. એની સામે નજર મેળવ્યા વિના પિંકી ઝડપથી ઘરમાં જતી રહી. તેજસે એના હાથમાં વોટરબેગ આપી. તેજસની પાછળ પાછળ ચાલતી ઋજુ અચાનક ઊભી રહી ગઈ. એની સાડીનો ખૂંપણો બારણાની આંકડીમાં ભરાયો હતો. પાછળ વળી સાડીનો છેડો કાઢતાં એણે સાંભળ્યું, ‘એ લોકો આવતા મંગળવારે તને મળવા અને ઘર જોવા આવવાનાં છે’ ઋજુ ઉંબર વચ્ચે ઊભી રહી ગઈ!

(પરસ્પર)

****