બાબુ સુથારની કવિતા/હું મૂકું છું


૧૫. હું મૂકું છું

હું મૂકું છું
એક સફરજન
અને
એક કેળું
ટેબલ પર
ડીશમાં
હું મૂકું છું
લાલ
અને
લીલો
અંત
અને
અનંત
નાભિ મોઢામોઢ
તત્ ત્વં અસિ !
પછી હું શોધું છું
લાલ
અને
લીલાની વચ્ચે
અંત
અને
અનંતની વચ્ચે
મારા ગામની વચ્ચે થઈને
એક વખતે વહેતી હતી એ નદીને
હું શોધું છું લાખા વણઝારાની પોઠોનાં પગલાંમાં
વેરાઈ ગયેલું મારું ગામ
હું શોધું છું પીપળાના પાંદડામાં
ડૂબી ગયેલો મારા ગામનો ફેરકૂવો
હું શોધું છું બકરાની લીંડીમાં
સાત માથોડું ઊંડે ઊતરી ગયેલો
મહાવાક્યોનો મુગટ
હું શોધું છું અવાજ
મારા પૂર્વજોનો
હું શોધું છું મારા જીભની નીચે
દટાઈ ગયેલાં હરપ્પા અને મુએ-જો-દડો
હું સ્વપ્નમાં છું
કે
સ્વપ્નની બહાર
મને ખબર નથી
હું ઊભો ઊભો
લણી રહ્યો છું
પાક
કક્કો અને બારાખડીનો.
(‘નદીચાલીસા’ માંથી)