બારી બહાર/૨૪. મારા રે હૈયાને તેનું પારખું
ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટિર;
કઈ રે ૠતુના આભે વાયરા, કઈ મેં ઝાલી છે દિશ;
નહીં રે અંતર મારું જાણતું.
કેવાં રે વટાવ્યાં વન મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી, ઊભી માર્ગમાં, અંધારાની એ આડ:
નહીં રે અંત્ર મારું જાણતું.
વગડે ઊભી છે નાની ઝૂંપડી, ઘર ઘર થાયે છે દીપ;
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત :
મારા રે હૈયાને તેનું પારખું.
પડયા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડયા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.
ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર;
પછી રે હૈયે બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર !
મારા રે હૈયાને તેનું પારખું.