બારી બહાર/૩૬. અવધૂત


૩૬. અવધૂત

અસીમ અવકાશ માંહી નીરખું મહાકાળને,
વિરાટ અવધૂતને, પરમ એ અનાસક્તને;
અનંત મહીં ઊડતો ઉપરણો રહે વાયુનો,
અને કદીક મેઘ-શંખ ધરી હાથ એ ફૂંકતો.

નિશાસમય નાચતો નીરખું તારલાસંગમાં,
પ્રચંડ કદી પૂરમાં, કદીક ચંડ વંટોળમાં;
નિહાળું ભરતી તણા તરલ ડુંગરે કૂદતો,
ભભૂકી ઊઠતા દવે વન તણા થતો તું છતો.

ભયાનક વગાડતો કદીક વાદ્ય-જ્વાલામુખી;
સુણી અવનિ ગુંબજે ઘડીક નાદ એ, ડોલતો;
અસંખ્ય જલધાર-તાર તણું વાદ્ય-વર્ષા લઈ,
વગાડી, નચવે સરોવર, નદી અને નિર્ઝરો.

ઉમંગભર કોઈ પાગલ ઊઠી મને નાચતો,
વિરાટ અવધૂતને નીરખીને અનાસક્ત આ.