બારી બહાર/૮૧. તારો ઇતબાર


૮૧. તારો ઇતબાર

તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને :
આ પારે શું વા સામે પાર,
જેને તારો ઇતબાર !
શાને આ ભીતર એવું, શાને એ બા’રે કે’વું ?
એક તુંબીના બેઉ તાર,
જેને તારો ઇતબાર !
લઈ લેજે તારી પાસે,–માગે એવું શાની આશે ?
સરખાં વૌકુંઠ ને આ સંસાર,
જેને તારો ઇતબાર !
તરશે કે ડૂબશે હોડી, દિયે એ ઉચાટ છોડી :
એવા વળી શાને ભરે ભાર,
જેને તારો ઇતબાર !