બારી બહાર/૯૩. એક ગોરીને


૯૩. એક ગોરીને

‘ગોરી ! રે હો ગોરી ! તારી કોરી રે ચૂંદલડી
વૌશાખે ક્યાંથી રે ભીંજાણી ?’
‘વૌશાખી માસે મારા મનનો મેહુલિયો
આવ્યો, તેણે ચૂંદડી ભીંજવી હો !’
‘તારી રે આંખોનાં આંજણ કાલે, ગોરી ! કાળાં હોતાં;
આસમાની આજે ક્યાંથી આવ્યાં હો ?’
‘આવ્યો જે, એ આસમાની આંજણ સાથે લેતો આવ્યો :
એથી મારાં નયણાં અંજાયાં હો !’ ગોરી !.
‘તારાં રે જોયાં’તાં મનનાં આછાં રે અજવાળાં, ગોરી !
આજે ક્યાંથી પૂનમ, આ પથરાણી હો ?’
‘બારે રે મહિનાની પૂનમ, આવ્યો જે, એ સાથે લાવ્યો :
એથી તો અજવાળાં આ રેલાણાં હો !’ ગોરી !.