બાળ કાવ્ય સંપદા/ચલ જઈએ...

ચલ જઈએ...

લેખક : સુન્દરમ્
(1908-1991)

ચલ સોનલ, જઈએ સહેલગાહે,
કોક ડુંગરિયે, ને કોક બંદરગાહે. ચલ0

આ ડુંગર છે, દરિયા છે, પર્વત છે, નદીઓ છે.
ઊંચાં ઊંચાં પેલાં તરુઓ ને વાદળ છે.
પંખી છે, પાણી છે, કલકલતી કૂજતી મીઠેરી વાણી છે.
ચલ પીતાં પીતાં,
ચલ જોતાં જોતાં, ચલ જઈએ સોનલ, સહેલગાહે,
કોક ડુંગરિયે ને કોક બંદરગાહે.

જોને કેવું રૂડું આ છે, કેવી રૂડી એને જોનારી આંખ છે,
ઊડવાને આંખને શી લાધી કો પાંખ છે,
આંખ મીંચી ને ઊડ્યા બસ ઊડ્યા, ઊંચે ઊંચે,
કંઈક જોતા જોતા,
કંઈક ગાતા ગાતા, ચલ જઈએ સોનલ, સહેલગાહે,
કોક ડુંગરિયે ને કોક બંદરગાહે.