બાળ કાવ્ય સંપદા/ખીલીશું

ખીલીશું

લેખક : સુન્દરમ્
(1908-1991)

પ્રભાતમાં જ્યમ પુષ્પ ખીલે ત્યમ અમે અહા ખીલીશું,
સૂર્યકિરણની સોનલ વરષા અંગ અંગ ઝીલીશું.

અમે ભમંતા પવનો સંગે વન વનમાં ઘૂમીશું,
ફૂલ ફૂલની સુગંધી પીતાં શિખરો જઈ ચૂમીશું.

અમે સરિતનાં જલમાં વહેતા કલકલ નાદ કરીશું,
પથ્થર પર પટકાતા, ભમતા, સાગર મેર સરીશું.

અમે વીજના ઝબકારામાં ઝબ્બ દઈ ઝળકીશું,
વાદળનાં ઘન ગર્જન મધ્યે સિંહ સમા, ડણકીશું.

અમે ગરુડની પાંખ પરે સૌ ગગનોમાં વિચરીશું,
ગરુડ પરે બેઠા ગિરિધારી સંગે ગોઠ કરીશું.

અમે કૃષ્ણના શંખ લઈ સૌ દિશા દિશા ગજવીશું,
અમે ભીમ અર્જુનની સંગે યોદ્ધા મસ્ત બનીશું.

અમે ગુફામાં હિમપર્વતની, તપ કૈં ઉગ્ર રચીશું,
અમે સિદ્ધિની વિજય ધજાઓ શત શત વ્યોમ ખચીશું.