બાળ કાવ્ય સંપદા/તરબૂચમાંથી ગામ
તરબૂચમાંથી ગામ
લેખક : રમેશ પારેખ
(1940-2006)
એક તરબૂચ લાવ્યા પપ્પા રાતુંરાતું રામ
ડગળી કાપી જોયું તો અંદરથી નીકળ્યું ગામ
ગામ વચ્ચે મહેલ એમાં તરબૂચની એક રાણી
બેઠી રાતાં કપડાં પહેરી, લાંબો ઘૂમટો તાણી
કાલાં કાળાં કપડાં પહેરી સિપાઈ પહેરો ભરતા
તરબૂચની રાણીને કરતા ઝૂકી ઝૂકી સલામ
તરબૂચની રાણી બોલી કે, આવો નીરજ ભૈયા
ચલો, આપણે બેઉ નાચીએ સાથે તાતા થૈયા
નાચ્યાં, કૂદ્યાં, ગીતો ગાયાં, રાણી થઈ ગૈ ખુશ
તરબૂચની ત્રણચાર ચીરનું દીધું મને ઈનામ
એક તરબૂચ લાવ્યા પપ્પા રાતુંરાતું રામ
ડગળી કાપી જોયું તો અંદરથી નીકળ્યું ગામ