બાળ કાવ્ય સંપદા/બાળપણમાં મજા કરી તે ખરી!

બાળપણમાં મજા કરી તે ખરી!

લેખક : રેખા ભટ્ટ
(1960)

પીઠે મોટું દફતર ભેરવી,
રસ્તે ધૂળ ઊડાડી જરી,
બાળપણમાં મજા કરી તે ખરી!

સ્કૂલવાનમાં ગીતો ગાતાં,
તાણ્યા રાગડા જરી,
બાળપણમાં મજા કરી તે ખરી!

રિસેસ પડતાં ડબ્બા ખોલી,
ઝાપટ્યાં નાસ્તા જરી,
બાળપણમાં મજા કરી તે ખરી!

ટીચૂક પેન્સિલના ટુકડા સાટુ,
આવ્યા બથ્થમ બથ્થા જરી,
બાળપણમાં મજા કરી તે ખરી!

પતંગિયાંની પાછળ-પાછળ,
દોડ્યાં ઊભેરસ્તે જરી
બાળપણમાં મજા કરી તે ખરી!

બગીચાના ઝૂલે ઝૂલવા,
કરતાં ધક્કામુક્કી જરી,
બાળપણમાં મજા કરી તે ખરી!