બાળ કાવ્ય સંપદા/મમ્મી
મમ્મી
લેખક : ધીરેન્દ્ર મહેતા
(1944)
આજે હું તો મમ્મી બનું ચાલ !
સરસ મજાની સાડી પહેરું, પહેરું મોતીમાળા,
હાથમાં ઝાલું પર્સ રૂપાળી, સેન્ડલ એડીવાળાં;
લિપસ્ટિકથી બે હોઠ છે લાલંલાલ !
ઘડિયાળ બાંધ્યું કાંડે ને બે બંગડીઓ મજાની,
મોટા મોટા ગૉગલ્સ, માથે બિંદી નાની નાની.
ઉતાવળી હું ચાલું કેવી ચાલ !
આયના સામે ઊભી રહીને જોઉં વારંવાર,
મમ્મી જેવી લાગું અદ્દલ, આવે ત્યાં જ વિચાર :
લાવીશ ક્યાંથી મમ્મી જેટલું વ્હાલ ?