બાળ કાવ્ય સંપદા/સાંભળોને ચાંદામામા

સાંભળોને ચાંદામામા

લેખક : વિનોદ જાની
(1935)

સાંભળોને ચાંદામામા !
આખી રાત ફરો છો નભમાં;
થાક કદી ન લાગે તમને ?
આવે ઊંઘ મજાની અમને !

તમારું દરશન જ્યારે થાય,
રફુચક્કર અંધારું થાય;
વિશ્વ રૂપાળું તમે જ કરતા,
હૈયે ડાઘ જે, કેમ ન હરતા ?

દૂર દૂર તારાઓ ટમકે
તમારી હૂંફે એ સૌ મલકે !
નિત નિત રૂપ નવીન ધરો
રજા પાડીને ક્યાં ક્યાં ફરો ?

અરે ! એકલા કૈં ફરવું ગમે ?
શોધો મિત્ર ફરવા તમે;
જો મળે ના કોઈ જોડી,
બોલાવજોને આવીશ દોડી !