બાળ કાવ્ય સંપદા/શિયાળો

શિયાળો

લેખક : વિનોદ જાની
(1935)

શિયાળો સુસવાટે આવ્યો.
ગાડું ભરીને ઠંડી લાવ્યો;
ના જુએ કૈં દિવસ-રાત,
થથરાવે સૌ માનવજાત.

આંખમાં પાણી આવી જાય,
શરદીની આગાહી થાય;
નાકનું ટેરવું થાયે લાલ,
સ્વેટર પ્હેરો કે ઓઢો શાલ.

પાક-વસાણાં કૈં કૈં થાય,
કચરિયું ને ઊંધિયું ખવાય;
શક્તિ-સંચય એથી થાય,
ઋતુ મજાની જલસા થાય.

વ્હેલા ઊઠીને ફરવા જઈએ,
તાજી હવા લૈ તાજા રહીએ;
તંદુરસ્તી લઈ આવે શિયાળો,
શીત ભલે પણ લાગે પ્યારો !