બિપિન પટેલની વાર્તાઓ/૧૧. ઊધઈ

૧૧. ઊધઈ
(૧)

ચોકમાં મૂકેલા બ્લેકબોર્ડ પર લાઈટ થઈ કે હું અને મારો ભાઈ મહિલો ચમક્યા. ગેઈમ પડતી મૂકીને ચોક તરફ ભાગ્યા. ‘સાંજે પણ સૂચના વાંચવાની, પછી ઉપદેશ સાંભળવાનો? ત્રાસ છે યાર.’ મહિલો બબડ્યો. નિવૃત્તિનાં વીસ વર્ષ પછી પણ દાદાજીએ બ્લેકબોર્ડનો સાથ નહોતો છોડ્યો. અવારનવાર સુવિચાર અને સુભાષિત લખતા, વાંચવા ફરજ પાડતાં. ‘લો વાંચો’ કહી એક હાથમાં ધોતીનો છેડો અને બીજા હાથમાં ચોક લઈને ચોકની વચ્ચોવચ ગોઠવેલી એમની રાજા ચેરમાં બેઠા. બ્લેકબોર્ડ પર લખ્યું હતું : આજે રાત્રે જમતાં પહેલાં, બરાબર સાત વાગે કુટુંબના સહુ સભ્યોની – બાળગોપાળ સહિત – તાકીદની બેઠક રાખી છે. સર્વએ હાજર રહેવું ફરજિયાત છે.

સહી દસ્તક પોતે, લાલાજીદાસ નારણદાસ પટેલ

મારા પપ્પાએ સભાસ્થળે એમની ખુરશી મૂકી. દાદાએ ખોંખારીને શરૂ કર્યું, ‘કાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું. મારા ખાટલાની આસપાસ ગરોળીયો ચીલઝડપે જીવડાં ખાવા દોડતી હતી. દીવાલની ધારેધારે કીડી-મકોડા ધીમી ધારે ફરતાં હતાં. વંદા પણ આમતેમ દોડતા હતા. કોક કોક વળી ઊડતા પણ હતા. મેં બેઠા થઈ હાથ-પગ સંકોરી લીધા. થાકીને જેવો પગ મૂકવા ગયો કે ગરોળી પગ પર ચડી ગઈ. આજકાલની ગરોળીયોને માણસની બીક નથી રહી. વંદા ત્રાટક કરતા હોય એમ મારી બાજુ દોડ્યા. ઘડિયાળમાં જોયું તો હજુ બે જ વાગ્યા હતા. આ ખદખદની વચ્ચે આમ ક્યાં સુધી બેસી રહેવું? ખાટલાના પાયા સિવાય એક વેંત જ જગ્યા નહોતી રહેવા દીધી. કયા મુલકમાંથી આવી આટલા બધાં ઘૂસી ગયાં હશે? હું મૂંઝાતો બેસી રહ્યો. ક્યારે ઝોકું આવી ગયું એની સરત ન રહી. સવારે છ વાગે દૂધવાળાએ બૂમ મારી ત્યારે જાગ્યો. મોડું થઈ ગયું. ખાટલા નીચે પગ મૂકવાની હિંમત ન ચાલી. પણ નીચે જોયું તો, આ શું? ગરોળી, વંદા, કીડીઓ, મકોડા અલોપ. તો શું રાતે જોયું એ ભ્રમ હશે? માયાલોક? નચિંત થઈ જેવો પગ નીચે મૂક્યો ને સામે ખૂણે વંદો મૂછ ફરકાવતો બેઠો હતો. મને વિચાર આવ્યો કે, દિવાળી આવી રહી છે. દિવાળી સફાઈ એટલે ઝાપટ-ઝૂપટ અને વાસણ અજવાળવાં એટલું જ નહીં, પેઢીઓથી અડ્ડો જમાવીને બેઠેલાં આ જીવ-જંતુ વિશે પણ વિચારવું જોઈએ. મને ખબર છે, સુજ્ઞાને ગરોળીની બહુ બીક લાગે. દિવસમાં એકવાર તો એની ચીસ સંભળાય જ. લક્ષ્મણરેખાને પણ અત્યારનાં જીવડાં ક્યાં ગાંઠે છે? નથી ને ઊંઘમાં કાનમાં ઘૂસી જાય તો? તમારાં બાને પૂછો, એકવાર આખી રાત મને જગાડ્યો’તો. તમને બધાંને મંજૂર હોય તો હું, બાવો ને મંગળદાસ, એટલે કે મહેન્દ્ર, જયેન્દ્ર અને મારી એક ટીમ બનાવીએ. પ્રથમ તબક્કામાં વંદા અને ગરોળીની ગણતરી કરીએ. એનું શું કરવું એ અંગે પછી જોઈશું. મેનાબાએ દાદાની ખિલ્લી ઉડાવતાં કહ્યું, ‘બી જ્યા ક શ્યૂ?’ – બીવાની ક્યાં વાત છે? – મી જોયું છ ક, એ બચાડોં આપડાથી બીવ. તાણ તમે ચ્યમ પોચકોં નોખો છો? – કોઈક દિવસ તો તાપ કાઢવું પડે કે નહીં? – તમાર શ્યૂ લેવા કાઢવોં છ? મન તો નહિ નડતોં. આટલોં વરહોથી ઘરમ પડ્યોં રયોં છ, અત્યાર હુધી ચ્યોં જ્યાં’તા? – જાગ્યા ત્યાંથી સવાર. અને સાંભળી લે, મને એ દીઠાં ગમતાં નથી. – જોવ તાણ, કરો કરવું હોય એ. ઓમેય તંત મેલો એવા નહીં. મમ્મી-પપ્પા તો દાદાજીનો વિરોધ કરે જ નહીં. પપ્પા તો કહે, એ પરશુરામને વતાવવા જ નહીં. દાદાના ‘સફાઈયજ્ઞ’ના પહેલા દિવસે સવારથી જ હું અને મહિલો ચાલુ પડી ગયા. મહિલો ગરોળીઓ ગણે ને હું વંદા. બપોર સુધીમાં મહિલાનો સ્કોર સોએ પહોંચ્યો ને હું માંડ અર્ધી સદીએ પહોંચ્યો. મહિલો મારા કરતાં મોટો નઈ? એ, મારો વહાલો માળિયે ચડી ગયો. મોટો ટેબલ પર ચડી ખૂણેખાંચરે ફરી વળ્યો. મારે વંદા ક્યાં શોધવા? એ તો ગટરમાં પણ હોય, બકારી ન આવે? અમે બંને અમારો સ્કોર સરખાવતા હતા ને મગજમાં બત્તી થઈ. જોરજોરથી હસવા માંડ્યા. ગરોળી ઘડીકમાં ફર્શ પર દોડીને જીવડું પકડે, આપણી સામે તાકી રહે, ને સડસડાટ સિલિંગ પર. વળી પાછી બીજા રૂમમાં માથું કાઢે. વંદા વળી બે જાતના. એક સ્થળચર ને બીજા ઉડતા. આપણી જેમ બેસી ન રહે. મેં મહિલાને પૂછ્યું, ‘તો આપણી ગણતરી ફેઇક?’ – ફેઇક તો નહીં, પણ હાફ ફેઇક્ડ. ચાલ દાદાજીને પૂછીએ. એમની પાસે આઇડિયા હોય. અમે ચોકમાં પહોંચ્યા ત્યારે દાદા ખુરશીમાં બેઠા વામકુક્ષી કરતા હતા, ‘કાલે વાત.’ બોલીને અમે પાછા ફરવા ગયા કે દાદાનાં નસકોરાં બંધ થયાં. આંખ ઝીણી થઈ, ને ખુલી. એમણે કશું જાણ્યા વગર રાજીપો દેખાડતાં પૂછ્યું, ‘વાહ મેરે બહાદુર! સિંહ કે શિયાળ?’ મારું મોં પડી ગયું. મેં કહ્યું, ‘આમ તો શેર... પણ... ખોટી છે... ગણતરી’ બોલું એ પહેલાં, ‘આટલી બધી ગરોળીઓ ખોટી થોડી હોય? તારી માને બીવડાવવા તો એક પણ ઘણી, એ સાસરે આવી ત્યારે ફોઈ રબરની ગરોળી એના પગ પાસે નાંખતી.’ – એમ નહીં દાદાજી, એ તો મહિલો ગણે છે, મારે વંદા ગણવાના છે. – તો પછી? – બીજું કંઈ નહીં. ગરોળીઓ વંદાને મારવા દોડે ને વંદો બચવા માટે આમથી તેમ દોટાદોટ કરે. એટલે અમારી ગણતરી અવળી પડે છે. – એમાં ગભરાઓ છો શું લેવા? તમારી પાસે પાકો કલર છે? પાણીમાં ભેળવી પિચકારી ભરો. એ દુષ્ટ દેખાય કે પિચકારીથી રંગી નાખો. હા, એક ધ્યાન રાખજો. રૂમ બંધ કરીને જ યજ્ઞ કરવાનો. બહાર ચસકી નહીં શકે. બે કલાકમાં તમારું અર્ધું કામ ઊંચું મુકાઈ જશે. મહિલો ઇમ્પ્રેસ થઈ ગયો. એણે કહ્યું, ‘દાદાજી સોલિડ આઇડિયા.’ એ દિવસે અમે થાક્યા હતા, ને કેરમ રમવાનું બાકી હતું. છુપાઈને ઉપરના માળે જતા રહ્યા.

(૩)

બીજે દિવસે નાસ્તો કરી, તાજામાજા થઈ મંડી પડ્યા. દિવાળી સફાઈ કરવા રાખેલા નોકરોમાંથી એકને દાદાજીએ અમારી મદદમાં મૂકેલો. એ ખૂણેખૂણેથી ગરોળીઓ અને વંદાને અમારી તરફ ભગાડે અને અમારી પિચકારીઓ ફુવારા છોડતી જાય. રૂમ બંધ હતો તેથી રંગીન નજારો જોવાની મજા પડતી હતી. દાદાએ મને આસમાની ગોલ્ડન યલો રંગ ફાળવ્યા હતા ને મહિલાને માત્ર કેસરી. રંગબેરંગી ગરોળીઓ અને વંદાથી રૂમ ઝગમગી ઊઠ્યો. મેં મારા મોબાઈલમાં નાનો વીડીઓ પણ ઉતારી લીધો. દોસ્તોને શેર કરી રોફ મારીશ. દાદી સોફામાં બેઠાં બેઠાં મલકતા હતા. ડેડી પણ એકવાર આંટો મારી ગયા. એમને ખાસ વાંધો હોય એમ ન લાગ્યું. દાદાજીથી બીએ પણ ખરા. સહુ બીએ. પણ ‘સફાઈયજ્ઞ’ પછી મારા ને મહિલાના દોસ્ત થઈ ગયા હતા. અમારા બેડરૂમમાં રંગેલા વંદા બાથરૂમના ખુલ્લા રહી ગયેલા બારણે થઈ જીવ લઈને ગટરજાળી બાજુ ભાગ્યા. મેં પિચકારી પડતી મૂકીને, મારાં મેનાબા નોટમાં રામ રામ લખે એમ ઝડપથી એકડા કરવા માંડ્યા. કેટલાક વંદા મારી પાછળ થઈને બારણા નીચેની ધારમાં ઘૂસીને બહાર જવા મથ્યા. મને ઝાંઝ ચડી તે સાવરણો ઝાપટ્યો. ચાર-પાંચ ચીત થઈ ગયા. વળી, ચત્તાપાટ પડેલા એક-બે સીધા થવા પગ ફફડાવતા હતા. મને દયા આવી. એક વંદાને લાત મારી સીધો કર્યો. એટલામાં હું ચીત થયેલા માનતો હતો એમનામાં ચેતન આવ્યું હોય એમ મૂછ ફરકાવવા સહેજ ખસ્યા. હું માળિયે ચડેલા મહિલાને કહેવા જાઉં કે, ‘જો આની મૂછો ઊંઘેલા દાદાજીની જેમ કેવી ફરફરે છે.’ પણ એ પહેલાં મહિલો માળિયેથી ઝટપટ ઊતર્યો. આંખ મારીને મને કહે, ‘યાર માળિયામાં બે ચોંટેલી ગરોળી જોઈ. સોલીડ ચોંટેલી. પિચકારી મારું તોય નીચેવાળી તો કોરી જ રહે.’ – મેં કહ્યું, ‘ચાલને બકા, મને માળિયે ચડાવને? મારે સેલ્ફી લેવી છે. મજા પડી જશે.’ – મજાવાળી! દાદાજી જોયા છે? બોચીમાં એક ઠોકશે. એના કરતાં ચલ દાદાજીને પૂછીએ, ના, ના, તું જ પૂછને, ચોંટેલી ગરોળીને કેમ રંગવી? પછી અમે તો પહોંચ્યા દાદાજીના દરબારમાં. મને ખબર નહીં, મહિલાએ મને ભરાવી દીધો છે. મેં તો સીધેસીધું પૂછ્યું, ‘દાદાજી, ગરોળી સજ્જડ ચોંટી ગઈ હોય તો શું કરવાનું? રંગવાની કે જવા દેવાની?’ દાદાજી ગૂંચવાયા. શરમાઈને નીચું જોઈ કહ્યું, ‘અલ્યા તમે બે, કામ કરવા કરતાં પ્રશ્નો વધારે કરો છો. આખું ઘર કેવું શાંતિથી સફાઈ કરે છે? એના કરતાં રહેવા દો. આ પ્રકલ્પ માણસોને જ સોંપી દઉં.’ અમને ફડક પેઠી. ક્યાંક અમારી મજા લૂંટાઈ ન જાય. બોલ્યા કે ચાલ્યા વગર પિચકારી ને નોટ લઈ બીજા રૂમમાં ગયા.

(૪)

દાદાજીની યોજના પ્રમાણે મહિલાએ રંગેલી ગરોળીઓ નોંધી. ગાર્ડનમાં કરેલા મોટા ખાડામાં ધકેલવાની. એ ખાડામાંથી કામવાળાએ મોટી કોથળીમાં સપડાવી સોસાયટીની બહાર મોટા ડસ્ટબીનમાં નાંખવાની. બધો ખેલ જોતાં મેનાબાએ દાદાજીને સલાહ આપતાં કહ્યું, ‘તમોન ખબર નહીં? ગરોળીને પોંચ ગઉ આઘી મેલી આવો તોય એ પોતાના ઘેર પાછી આબબાની, એ જોણી લેજો. ઈન આ ભૂમિ ના મોણહોથી માયા-મોબત થઈ જઈ હોય છે.’ દાદાજીએ ઇશારાથી ચૂપ રહેવાનો આદેશ આપતાં બાને ધમકાવ્યાં, ‘તું સારા કામમાં પથરો નાંખ્યા વગર ચૂપ મરને? એવું હશે તો નોકરોને કહીશ. સોસાયટીમાં દૂર ખેતરોમાં છોડી આવશે.’ પછી બાએ માળા ફેરવવા માંડી. ત્રણ દિવસમાં મહિલાએ ૩૭૬ ગરોળીઓ ઘર બહાર કાઢી. એણે આંકડો જાહેર કર્યો ત્યારે દાદાજી અવાક્‌ થઈ ગયા, કહ્યું, ‘મારી વહાલી આટલી બધી ક્યાં સંતાઈ ગઈ હશે? ક્યારની અહીં ઠબાવી હશે? શાબાશ મેરે ચિત્તે કહી, મહિલાનો વાંસો થાબડ્યો.’ મારે તો સાવરણાથી ઉસેડીને વંદાને ઘર બહારની મોટી ગટરમાં ધકેલવાના, પછી એમને જ્યાં જવું હોય ત્યાં જાય. અઠવાડિયાના અંતે ૯૩૬નો સ્કોર થયો. વળી, એ હરામખોરો પાછા ઘરમાં ન ઘૂસે એટલે બધી ગટરો પર દાદાએ ઝીણી, બારીક જાળીઓ ફીટ કરવી હતી. એમને અંદર ધકેલી ફટાફટ જાળી ફીટ કરવાનું પણ મારી ડ્યુટીમાં આવે. મને પણ દાદાએ ‘બબ્બન શેર’ કહી શાબાશી આપી. તે દિવસથી હું અને મહિલો કોલર ઊંચા રાખી ફરતા. પછી મહિલાએ શનિવારે જમતી વખતે દાદાજીને કહ્યું, ‘દાદાજી હવે રિલેક્સ થઈ જાઓ. સવાર-સાંજ ફરવા પણ જઈ શકાય. પ્રોગ્રામ પૂરો થવામાં છે.’ – પૂરો તો નથી થયો ને? ફરવાની નોકરી થોડી કરું છું? કાલે તારા પપ્પાને રજા છે. આખા ઘરમાં ફરી વળે, ને આલબેલ પોકારે. પછી મારો રાબેતો શરૂ થશે.

(૫)

મમ્મી તો ગરોળીઓથી બીતી એટલે દાદાજીએ એને છૂટી રાખી હતી. અને રસોડું તો એણે જ સાફ કરવાનુંને? રવિવારે એણે આજીજી કરીને પપ્પાને આખા ઘરનો ખૂણે ખૂણો ફરીને બચેલી ગરોળીઓ અને વંદા શોધી કાઢવા જોતરી દીધા. પપ્પા ભૂલ પહેલી પકડે. અમારા બંગલાની બહારની સીડી પાછળ ગયા. પાછળ પાછળ હું અને મહિલો. બે ગરોળીઓ વંદા પકડવા આમથી તેમ દોડતી હતી. અમને બંનેને ધમકાવીને કહ્યું, ‘શું શકોરું ગણતરી કરી છે? આખું કોળું શાકમાં ગયું છે.’ જાઓ પિચકારી લઈ આવો. ‘દોડતા અમને પાછળ સંભળાયું ‘અને નોટ પણ લેતા આવજો. આ ડોસાને મોટો સ્કોર કરવો છે. બગડશે પાછા. પિચકારીમાંથી રંગ છાંટતાં સાંકડી જગ્યામાં પપ્પાનું માથું રંગાયું. એમનો પિત્તો છટક્યો તે ઘરમાં જઈ સાયકલની નક્કામી ટ્યુબ લઈ આવ્યા. ને દે ધનાધન. એમની એક બાજુ ગણ્યા ગણાય નહીં એટલા વંદા ઢાળી દીધા. બીજી બાજુથી એક બાંડી ગરોળી એક વંદાને મોંમાં પકડી ધાબા તરફ નાઠી. હું અને મહિલો, એને સળવળતી પૂંછડી પર ટ્યુબ ફટકારતા પપ્પાને જોઈ ગભરાઈ ગયા. પપ્પા અટક્યા કે વંદા ગટર તરફ ભાગ્યા. હું જાળી ઉપર કરવા દોડવા ગયો, ને ગરોળીઓ ગાર્ડનના મોટા ખાડા બાજુ નાઠી. મને થયું આટલા તો બચે. દાદી પૂજા માટે ફૂલ લેતાં હતાં ને અવાજ સાંભળીને સીડી પાસે આવ્યાં. નિસાસો નાખતાં અમને વઢ્યાં, ‘અરર! નરધનિયા, પાપીઓ! આ શ્યૂ કર્યું? ઓમ વગર વૉકે? તમારું શ્યૂ લૂંટી લીધું છે તે?’ મેં ખુલાસો કર્યો, ‘મારા પપ્પા.’ – હોતોં હશે? એ ગોંડો થોડો છ? મી જાણ્યો છ. દાદા પણ એમની પાછળ ઊભાં ઊભાં તાલ જોતા હતા. એમણે બાને કહ્યું, ‘ટાઢી પડ હવે. મોટો પ્રોગ્રામ હાથ ધરીએ તો નાની-મોટી ભૂલો થાય. ઈશ્વર સહુનું કલ્યાણ કરે. અલ્યા છોકરાં, હવેથી ધ્યાનથી રાખજો. આપણે હાલ માત્ર ગણતરી કરવાની છે. પછીની વાત પછી. અને હા, સોમવારે વાઘબારસ છે. આજે કાર્યક્રમ પૂરો કરીએ. હવે બધાં તહેવારોની મજા કરો. પંદર દિવસથી પગ વાળીને બેઠાં નથી. મારા આ સૈનિકોને શાબાશી.’, કહી, ઈમોજીનું ‘Yes’નું જેસ્ચર કર્યું. સાચું કહું, અમને તો કામ જેવું લાગ્યું જ નહોતું. મજા પડતી હતી.

(૬)

રવિવારે હું અને મહિલો જમ્યા પછી રાતે ચોકી કરતા ચોકીદારની જેમ હાથ પૂંઠે ભરાવીને રાત્રિચર્યા કરવા નીકળ્યા. ઘરના દરેક ખૂણે લાકડી ઠપઠપાવતા અને દુશ્મનોને લલકારતા. હરામ છે એક પણ બચ્ચો બહાર આવે તો! હોય તો બહાર નીકળેને? બધાને તગેડી મૂક્યા હતા. ઉપર નીચે ફરીને અંતે દાદાજી કાયમ બેસતા એ રાજા ચેરમાં મહિલો બેઠો. હું એને સલામની અદામાં ‘જી હજૂર!’ કહીને ઊભો રહ્યો. એણે આશીર્વાદની મુદ્રામાં ‘બેસ વત્સ’ કહ્યું ને હું એનાથી નાની ખુરશીમાં બેઠો. બધાં સૂઈ ગયાં હતાં એનો લાભ લઈ ડ્રોઇંગરૂમમાં ઝુમ્મર સહિત બધી લાઈટો ચાલુ કરી. ડાઇનિંગ હોલને પણ અજવાળ્યો. મોટું કામ પાર પાડ્યાના કેફમાં હું અને મહિલો પગ લાંબા કરીને અર્ધા સૂતા હોય એમ રિલેક્સ થયા ને અચાનક લોઅર વિન્ડોના કાચ પર એક ગરોળી જોઈ. મેં ઊભા થઈને જોયું તો એ મને તાકી રહી હતી, જાણે કહેતી હોય, પ્લીઝ મને અંદર આવવા દો ને? મારા હાથ સ્ટોપર પર ગયો, ને ઘસઘસાટ ઊંઘતા મહિલા તરફ નજર ગઈ. મને થયું એને પૂછું. મેં સપનામાં ડૂબી ગયેલા મહિલાને ઢંઢોળ્યો. એ છળી મર્યો હોય એમ, ‘ઓત્તારી’ કહીને એ બારી તરફ દોડ્યો. પછી બીજી, ત્રીજી, કાચના બારણે, બધે, જ્યાં જોયું ત્યાં વંદા અને ગરોળીઓએ ઉધમ મચાવ્યો હતો. અમે રંગેલી, તે તો હતી જ, પણ સાથે કોરી પણ હતી. નવી ક્યાંથી આવી ગઈ હશે? મેં મહિલાને કહ્યું, ‘મેનાબા સાચું કહેતાં’તાં, નહીં મહિલા? ચાલ બધી બારીઓ ખોલી નાખીએ.’ – દાદા મારી નાંખે. ત્યાં જ ડાઇનિંગ હોલના ક્રોકરી ટેબલ ઉપરની ધારે ઊધઈની હાર જોઈ. સોફાના પાયા પર, બારણાની સાખ પર. મને યાદ આવ્યું. દાદાએ યોજના રમતી મૂકી ત્યારે ઊધઈની વાત પણ થઈ હતી. મહિલાએ મને ઉશ્કેર્યો, ‘ચલ પપ્પાની જેમ ટ્યુબવાળી કરીએ?’ મેં ‘રહેવા દે’ એમ કહ્યું, પણ એ કબાડી રૂમમાંથી બે ટ્યુબ શોધી લાવ્યો. એણે ટ્યુબ ઉગામી ને ઘડિયાળ પર મારી નજર ગઈ. બારના કાંટા ભેગા થવામાં હતા. ભેગા થતાં જ કકુ બહાર આવીને ટહુકા કરશે બાર. કોઈને ટ્યુબના સબાકા સંભળાશે નહીં. મહિલાએ દાદાજીની જેમ આંખ કાઢી એટલે મેં પણ ટ્યુબ પકડી. જેવી કકુ નીકળી કે અમે બંને સબાસબ મંડી પડ્યા. પણ ઊધઈ તો લાખોની સંખ્યામાં. એમ કંઈ મરે? જરા અઘરો ટાસ્ક પકડાઈ ગયો. મેં કહ્યું, ‘રહેવા દે મહિલા, દાદાજીને પૂછીએ.’ બહાર જોયું તો, બધી બારીઓ અને કાચના બારણા પર ગરોળીઓ ઉભરાતી હતી. એ બારણાની ધારમાંથી અંદર ઘૂસવા મથતી હતી. વંદાનાં નાનાં બચ્ચાં તો ઘૂસી પણ ગયાં. મેં મહિલાને કહ્યું, ‘આપણી બધી મહેનત પાણીમાં? દાદાજીની યોજના ફેઈલ? ઊધઈનું કામ તો બાકી જ રહી ગયું. દાદાજીએ પડતી મૂકી હશે એ વાત?’ – અત્યારે એમને પૂછવા જઈએ તો ચિડાય, મહિલાએ કહ્યું. – ના ચિડાય, શાબાશી આપે. બહાર વંદા, ગરોળીઓ અને અંદર ઊધઈનાં નવાં નવાં ઠેકાણાં જડવા લાગ્યાં. શું કરવું? અમે બંને મોં લટકાવીને ખુરશીમાં ફસડાઈ પડ્યા. ખબર નથી ક્યારે ઊંઘી ગયા હોઈશું. અમારા ઘરમાં પહેલાં દાદાજી જાગે, સવારે ચાર વાગે. મને ઊંઘમાં ‘પ્રભાતે કરદર્શનમ્‌’નો શ્લોક સંભળાયો. દાદાજીની આદત, જાગીને ઘરનાં બધાં બારી-બારણાં ખોલી નાંખે. કહે, ‘ચોખ્ખી હવા આવે.’ બધું ખૂલતાં જ ટોળાબંધ ગરોળીઓ અને વંદાની ફોજ ઘૂસી આવી. બે ત્રણ વંદા મારા પર ચડી ગયા ને હું બેઠો થઈ ગયો. દૃશ્ય જોઈને જ મેં મહિલાના નામની બૂમ મારી. મહિલો ગભરાઈને ઊભો થઈ ગયો. સડસડાટ માળિયામાં ચડતી ગરોળીઓ જોઈ સડક થઈ ગયો. એણે બૂમ મારી, ‘દાદાજી આ તો બધી ગરોળીઓ પાછી અંદર આવી ગઈ! બારણા પાસે ઊભેલા દાદાજીને શું કરવું એની સમજ ન પડી. એમની આગળ પાછળ ગરોળી અને વંદા. એ ચિત્તાની જેમ બારણા પર ત્રાટક્યા હોય એમ ધડામ્‌ દઈને બારણું બંધ કર્યું. મને અને મહિલાને બૂમ પાડી, ‘દોડો મારા સૈનિકો, બધું સજ્જડબમ બંધ કરી દો.’ એ હાંફતા ખુરશીમાં બેઠા. અમે પણ બારીઓ બંધ કરી એમના પગ પાસે બેઠા. મહિલો તો બીએ, પણ હું નાનો એટલે ફટ કરતું પૂછ્યું, ‘દાદાજી આપણો યજ્ઞ ફેઈલ? ફરી એકડે એક?’ – હોતું હશે ગાંડા? ‘પ્લાન બી’ તૈયાર જ છે, કેમ ભૂલી ગયો? ડેટા તૈયાર થયો કે નહીં? આજના ટાઇમમાં ડેટા ઇઝ ઓઈલ. – પણ આ ઘૂસી ગયાં એનું શું? – એ માટે પણ ‘પ્લાન સી’ રેડી જ છે. હાથ ધરેલી યોજના પડતી મૂકે એ લાલજીદાસ નારણદાસ પટેલ નહીં; સમજા બચ્ચા? – પણ ઊધઈનો પ્લાન તો બનાવ્યો જ નહીં? – મારી નજરમાંથી કોઈ છટકે નહીં. એને તો હું દુશ્મન નંબર વન ગણું છું. એને કાઢવાની હજાર દવાઓ બજારમાં મળે છે. પણ હું એવી દવાની શોધમાં છું. જે અજમાવીએ તો દુષ્ટ ફીર ક્યારેય માથું બહાર ના કાઢે. એક દેશી દવા હમણાં ધ્યાનમાં આવી છે. તો બી રેડી મેરે બહાદુર જવાન. દેવદિવાળીના શુભદિવસથી છેલ્લો તબક્કો શરૂ. મેં મહિલાના કાનમાં કહ્યું, ‘દાદાજી હિંદી, ઇંગ્લિશ પર આવી જાય એટલે સમજી જવાનું.’ આ વખતે મેં એના કાનમાં ફૂંક મારી. મેં અને મહિલાએ જિંદગીમાં પહેલીવાર દાદાજીને સંભળાવી દીધું. ‘એ ન બને, અમારે પરીક્ષા છે.’ દાદાજી હબક ખાઈ ગયા. એમણે ગુસ્સામાં પૂછ્યું. – અલ્યા લલ્લુઓ, ઘર મોટું કે પરીક્ષા? – અમે કહ્યું, પરીક્ષા.