બીજી થોડીક/કુરુક્ષેત્ર


કુરુક્ષેત્ર

સુરેશ જોષી

રાતે બે વાગે મેં ઘરમાં પગ મૂક્યો. ઘરની અંદરના અંધારામાં આંખમાં ભરાઈ ગયેલી શેરીના વીજળીના દીવાના પ્રકાશની કણી ખૂંચવા લાગી. ઘરમાં એક ખૂણે ઝીણી કરીને મૂકેલી ફાનસની જ્યોતને મેં જરા મોટી કરી. એના તૂટી ગયેલા કાચમાંથી પવન અંદર દાખલ થતાં એની જ્યોત થરકવા લાગી. એના થરકવાની સાથે બધી વસ્તુઓના પડછાયા પણ હાલવા લાગ્યા; ને મને લાગ્યું કે આખું ઘર તોફાનમાં ફસાયેલા વહાણની જેમ ડોલમડોલ થઈ રહ્યું છે. હું માથા પરની વળગણીને ઝાલી સહેજ ઊભો રહી ગયો. શહેરની શેરીઓમાં ભટકીને શ્વાસ સાથે અંદર લીધેલો અન્ધકાર ધીમે ધીમે ભારે બનીને શરીરમાં ક્યાંક તળિયે બેસવા લાગ્યો. એના ભારથી મારા પગ સહેજ સહેજ લથડ્યા. એકાદ સિગારેટ ફૂંકવાનું મન થયું, પણ એકેય બચી નહોતી. પથારી પાસેના ભરી રાખેલા પાણીના લોટામાંથી પાણી પીધું. પથારીની કોર પર બેસીને મેં આજુબાજુ નજર કરી. આગલા ઓરડાનાં બારણાંની નજીક ડોસા માથે મોંએ ધોતિયું ઓઢીને સૂતા હતા – સીધા સપાટ, જાણે હવે ઠાઠડી પર સુવડાવવાનું બાકી રહ્યું ન હોય! એમની જિંદગીનાં વાંકાંચૂંકાં પાંસઠ વરસોને મહામુશ્કેલીએ ચેહનાં લાકડાંની જેમ ખડકીને એની ઉપર એઓ જાણે આરામથી પોઢ્યા હતા. રાંધણીના ભેજની દુર્ગન્ધ વચ્ચે બા અને ભાભી સૂતાં હતાં. આજે મોટાભાઈને ‘નાઇટ’ હતી, એટલે વચલા ઓરડામાં ગૃહસ્થાશ્રમ અમારે ભોગવવાનો હતો. ઊંઘના દુ:શાસને ભાભીનાં વસ્ત્ર અસ્તવ્યસ્ત કરી નાંખ્યાં હતાં. બાના દાંત વગરના મોંની પોલી દાબડી એની બજરની દાબડીની જેમ અર્ધી ખુલ્લી રહી ગઈ હતી. ને પથારીમાં મારી બાજુમાં મારી પત્ની સૂતી હતી – ‘પત્ની’ શબ્દનોય ભાર ન વેઠી શકે એટલી નાની. એને ઓશીકે ‘સોમવારના વ્રતની વારતા’ની ચોપડી હતી. એનાં મોં અને આંખ અધખુલ્લાં હતાં ને એ સાવ ચત્તી સૂતી હતી. એ મરી જશે ત્યારે એનો ચહેરો એવો જ લાગશે, ને મારે એનાં મોંઆંખ બંધ કરવાં પડશે એવો વિચાર, કોણ જાણે શાથી, મારા મનમાં આવ્યો.

બહારથી જે ઠંડી લાવ્યો હતો તે ધીમે ધીમે આજુબાજુની ગરમીમાં શોષાઈ ગઈ, ને હું ફાનસ ઝીણું કરીને પથારીમાં પડ્યો. પાસે સૂતેલી નારીના અબુધ ચહેરા પરની બાઘાઈ જોઈને મને હસવું આવ્યું. અણજાણપણે એ કેટલા મોટા સાહસનું બીડું ઝડપી ચૂકી હતી! પળેપળે હજાર રીતે હજારો ખણ્ડોમાં છિન્નભિન્ન થઈને રઝળનારા મને એ ફરી એના નાના શા ગર્ભાશયમાં એકત્ર કરીને અવતારવા ઇચ્છતી હતી! કેવી અસાવધ એ સૂતી હતી! સોમવારના વ્રતનો આધાર પામીને એ નિશ્ચિન્ત હતી.

પાટલા ઘોની જીભની જેમ દીવાની ઝાંખી જ્યોત ફરક્યા કરતી હતી. થોડી વાર પછી હિંમત કરીને ઉંદરોએ એમની પ્રવૃત્તિ શરૂ કરી. મેં આંખો બીડી. દિવસ દરમિયાન જોયેલાં અનેક દૃશ્યોના ટુકડા આમથી તેમ, ધરી વગરના ગ્રહની જેમ, અથડાવા લાગ્યા. દિવસ દરમિયાન સાંભળેલા અનેક અવાજો પણ આછા આછા સંભળાવા લાગ્યા. આ બધું મને વળગેલું જ રહે છે, ઊંઘમાંય એ બધું આજુબાજુ ચક્કર માર્યા કરે છે. પણ આજુબાજુ ચાલતી વાતો સાંભળતો હોઉં છું કે એમાં ભાગ લેતો હોઉં છું ત્યારેય મારું એમાં ધ્યાન નથી હોતું, મારું મન એનાથી દૂર નીકળી ચૂક્યું હોય છે. આથી કોઈ વાર જાણીકરીને કૃત્રિમ જુસ્સો લાવીને દલીલોની ઝડી શરૂ કરું છું. સહેજ સહેજમાં મરણિયા બનીને ઝૂઝવાની મને ટેવ પડી ગઈ છે, એક પ્યાલો પાણી પીવું હોય તોય!

ને તેથી જ તો મનુભાઈ માસ્તરની ચન્દ્રકાન્તાને આજે તમાચો મારી દીધો. હું ગોરીનાં ગીત લખું છું. એટલા ખાતર એ મારા પર વારી જાય છે. ફાગણ ને શ્રાવણ, રાધા ને શ્યામ – થોડા શબ્દો આમતેમ ગોઠવું છું. એની આડશે મારી થોડી ભૂખને પણ સંતાડીને ગોઠવી દઉં છું. ચન્દ્રકાન્તા એ ગીત ગાય છે ત્યારે સાંભળવું ગમે છે. પછી, મારી ટેવ મુજબ લાગણીને જરા વધારે પડતી ખેંચું છું. તેર વરસની ચન્દ્રકાન્તાની ચિબુક ઝાલીને કહી નાખંુ છું: ચન્દ્રા, તું આવું મીઠું ગાય તો તારી આગળ ગીતોનો ઢગલો વાળું – પારિજાત જેમ ફૂલોનો ઢગલો વાળે તેમ. ચન્દ્રકાન્તા આ આકસ્મિક પ્રણયોક્તિ સાંભળીને મૂઢ બનીને મારી સામે મોં વકાસીને જોઈ રહે છે. એની સખીઓ નીચે ફેરફુદરડી ફરે છે, નાચે છે, કૂદે છે, ને ચન્દ્રકાન્તા મૂઢ જેવી અહીં બેસી રહી છે. એ એકાએક મારા ખોળામાં માથું મૂકીને એની આંખોને મારી સામે માંડે છે. કોણ જાણે કેમ, હું ત્રાસી ઊઠું છું. એની આ અકાળ પ્રેમચેષ્ટાથી મને જુગુપ્સાની લાગણી થાય છે. હું વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ ઊભો થઈ જાઉં છું, ચન્દ્રકાન્તા પડી જાય છે, ને પગને બાઝે છે. હું નીચો નમું છું – એના હાથની પકડમાં રહેલી લોલુપતા મને ઉશ્કેરે છે, ને હું એક તમાચો ખેંચી કાઢીને ચાલ્યો આવું છું.

આ ફાનસની આછી જ્યોત આંખનાં બંધ પોપચાં પર નાચ્યા કરે છે, ચન્દ્રકાન્તાના પેલા બે વિહ્વળ હાથની જેમ વળગ્યા કરે છે. મારાથી નથી રહેવાતું. હું એને બુઝાવી દઉં છું. બસ, હવે જો મોઢામાં સિગારેટ હોય તો મજા – એનો પલકારો અંધારામાં જોયા કરવો ગમે. પણ પથારીમાં લંબાવતાં પત્નીનો હાથ મારા પડખા નીચે દબાઈ જાય છે ને મને યાદ આવે છે: કેતકી મહેતા. ‘હેવમોર’માં ચાના પ્યાલામાં ચા રેડતી હતી ત્યારે એનો ખુલ્લો પડેલો અર્ધો હાથ કેવો કંપતો હતો! એના પરની આછી રુવાંટી, કોણીથી ઉપરના ભાગની મસૃણ માંસલતા – સહેજ જ શ્રમને કારણે કેવી રતાશ દોડી જતી હતી એના ચહેરા પર! હું ચાની ધારાને જોતો હતો, ફલોરેસન્ટ લાઇટના તેજમાં તરબોળ એ હાથને જોતો હતો, ચાની ઊની વરાળ સાથે ભળતી એની રેશમી સાડીમાંથી આવતી સુવાસને માણતો હતો, ને કંઈક બોલ્યે જતો હતો. ફરી એ હાથ એની સાડીમાં લપાઈ ગયો, ને હું અન્યમનસ્ક થઈ ગયો. કોઈ પણ સ્ત્રીને હું આખી જોઈ શકતો જ નથી. એ સ્ત્રીનું વ્યક્તિત્વ અંગના કોઈ એક ભાગમાં આવીને વસે છે એમ હું માનું છું, ને મને એની એવી પરખ છે કે સ્ત્રીને જોતાંની સાથે જ મને એ અંગની પણ ખબર પડી જાય છે. કોઈ પગ હલાવે છે, કોઈ વિના કારણે ફરી ફરીને ડોક વાંકી કરીને પાછળ જુએ છે, કોઈ રહી રહીને વાળમાં આંગળી પરોવે છે, કોઈના હોઠ ફરકે છે, બસ પછી એ સિવાય એ સ્ત્રીમાં હું કશું જોતો નથી. પણ મારી પત્ની ઊંઘમાં એના પતિના સ્પર્શને માણી શકતી નથી; એ નાના, મા વગરના, બાળકની જેમ કંઈક અસ્પષ્ટ બબડે છે, ને ફરી પડખું બદલીને ઘસઘસાટ ઊંઘવા માંડે છે. વરને વશમાં રાખવાની એની અનુભવી બહેનપણીઓએ આપેલી, બધી સલાહ આ ઊંઘને કારણે નકામી જાય છે, ને એ કિશોરવયની સૃષ્ટિનાં સ્વપ્નોમાં વિહાર કરતી પડી રહે છે. અંધારામાં એના શરીરની રેખાઓનો આછો આભાસ જ દેખાય છે; ને આમેય તે અંધારામાં જ મારી કલ્પના વધુ સતેજ બને છે. રીટાનો છટાથી વાળેલો ‘પોની ટેઇલ’ અંબોડો, રેખાનો વાર્તાલાપ – વાત કરતાં કરતાં અટકી જઈને આંખ પટપટાવીને ફરી વાતનો દોર સાંધવાની એની રીત, એનો અવાજ – હું એની વાત સાંભળું છું તે એના અવાજને ખાતર, એની વાતમાંથી હું કશો અર્થ કાઢતો નથી. પણ એનો અવાજ – મધુર કહેવાય એવો નથી, છતાં ખૂબ ગમે છે. એ અવાજ એક વાતાવરણ રચે છે. એ અવાજ સાંભળતાં એમ લાગે છે કે જાણે એણે આપણી આજુબાજુ એક અર્ધ-પારદર્શી પરદો પાડી દીધો છે. એ અવાજનો સ્વાદ પણ છે – પીચના જેવો, મીઠાશ ખરી, પણ એમાં માફકસરની કડવાશ પણ ભળેલી. એટલે વધારે ભાવે. હું એ રેખાનો અવાજ, મીનળની સહેજ સહેજમાં વંકાતી ભ્રમર; શીલુની, પવનમાં ડોલતી વૃક્ષની શાખાની જેમ શરીરને વિના કારણે છટાથી હલાવ્યા કરવાની, ટેવ – અંધારામાં આ બધા ટુકડા હું એકઠા કરતો ગયો. એ બધાંમાંથી અન્ધકારના ગર્ભમાં હું એક નવી નારીમૂતિર્ રચવા લાગ્યો. મારી પાસેના નારીદેહની રેખાકૃતિમાં એ બધા ટુકડા ગોઠવીને સાંધવાનું મન થાય છે. બંધ કરેલી આંખોને છંછેડાયેલી ઊંઘ બાળે છે, શિરાઓમાં લોહીના ધબકારા ધીમા પાડે છે; ને મારી પાસેના શરીરમાંના હૃદયના થડકારા સંભળાય છે. હમણાં જ પથ્થર જડેલી પોળના સૂનકારને મારાં પગલાંએ એવા જ થડકારથી ઢંઢોળી મૂક્યો હતો! અવાજ પણ કોઈક વાર ખરો પીછો પકડે છે! છંછેડાયેલી ભમરીની જેમ એ ચારે બાજુ ગણગણ્યા કરે છે.

ઊંઘના ભારથી લદાયેલા મારી પત્નીના દેહને મેં અનુકૂળ રીતે ફેરવ્યો. એનો એક પગ ઊંઘમાં અર્ધો વાળેલી દશામાં ઊંચો જ રહી ગયો. એ થોડી વાર એ સ્થિતિમાં રહીને મારી તરફ પડવા લાગ્યો, આખરે એક આંચકા સાથે એ મારી ઉપર આવી પડ્યો. મેં મનમાં એકઠા કરી રાખેલા પેલા ટુકડા ફરી તપાસી જોયા – શીલુનો પવનમાં ઝૂલતી વૃક્ષની શાખાની જેમ વિના કારણે ઝૂલતો દેહ – પણ એ પગ દ્વારા એ દેહના પરનો ઊંઘનો ભાર મારા પર ઠલવાવા લાગ્યો. છતાં પરવશ બનીને હું એ વધારે ને વધારે ભારે બનતા જતા પગ નીચે પડી રહ્યો. ત્યાં ડોસા ખોંખારો ખાઈને બેઠા થયા. આગલું બારણું ખોલીને બહાર ગયા, બહારની હવા અંદર આવી, બારણામાંના શેરીના દીવાનો પ્રકાશ પણ લપાતો લપાતો અંદર આવ્યો, ને મેં મારી ઉપરના પગને ખસેડવાની હિંમત કરી નાખી.

ફરી બારણું વસાયું, બહાર નાસી છૂટવા ઇચ્છતી ઘરની બંધિયાર હવા માથું પટકીને અંદર પછડાઈ. ફરી અંદરની ગરમી વધવા લાગી. એ ગરમ હવાની સાથે પાસેના માથામાંની ધૂપેલની વાસ ભળતાં મારો શ્વાસ રુંધાવા લાગ્યો. આમ એકલે હાથે અનેક રિપુઓની સામે ઝૂઝતા પુરાણકાળના મહારથીની જેમ હું પથારીમાં પડ્યો પડ્યો ઝૂઝવા લાગ્યો, ને એ ઝૂઝવાના ઝોકમાં જ મેં પાસે પડેલા પત્નીના દેહને ઢંઢોળ્યો. એ ફરી કશુંક બબડી: હેં હેં, કોણ? મેં ધીમે અવાજે કહ્યું: એ તો હું, ને એ સફાળી બેઠી થઈ ગઈ. મેં પૂછ્યું: શું કરે છે? એણે કહ્યું: તમારે માટે દૂધ ઢાંકી રાખ્યું છે તે લઈ આવું. મેં કહ્યું: રહેવા દે, મારે નથી પીવું. એ કાંઈક બોલતી જતી હતી ત્યાં મેં ઓચિંતાનો એના હાથને આંચકો આપીને એને પાસે ખેંચી લીધી. અંધારામાં મારા મુખ પરનો ત્રાસનો ભાવ તો એને દેખાયો નહીં, એટલે એ ભોળીને મન તો આ પ્રણયક્રીડા જ લાગી. એ મારી પાસે સરીને અસહાય શિશુની જેમ લપાવા લાગી. એના પાસે આવવાની સાથે ઉત્તાપની માત્રા વધતી ચાલી, મારો શ્વાસ રુંધાતો ચાલ્યો. બહારની શેરીમાં દોડી જવાનું મન થયું, પણ હવે પેલા બે હાથ મારી આજુબાજુ વીંટળાઈ વળ્યા હતા – ગામને પાદરે ઝાડની ડાળીએ હીંચકો લેતા, કૂવેથી પાણી ખેંચતા, વાડામાં છાણાં થાપતા એ બે હાથ. ત્યાં પડોશના દામુ ડોસાને ઊધરસનો હુમલો આવ્યો, એમણે કફનો ગળફો કાઢ્યો, કોગળા કર્યાં, ‘હે પ્રભુ’, ચાર વાર બોલ્યા, ને વળી શાન્તિ સ્થપાઈ.

એ અન્ધકાર ને એ નિસ્તબ્ધતા – એને તળિયે ધબકતા બે જીવ. અમે બંને કંઈક સરજવા મથતા હતા. તૂટેલાફૂટેલા સંસારના ટુકડામાંથી હું કાંઈક સાંધીસુધી રચવા મથતો હતો. પણ સૃષ્ટિ અન્ધકારના ગર્ભમાં રચાય છે. માતાના ગર્ભાશયના અન્ધકારમાં શિશુ પોષાય છે. મારી પાસે એટલો અન્ધકાર નહોતો. એથી તો હું રખડી રખડીને અન્ધકારને તાગતો હતો ને મારી પાસેની આ નારી – મારા છિન્નભિન્ન અંશોમાંથી અર્ક સારવી લઈને ગર્ભમાં એનો ઘાટ કંડારવા મથતી હતી. માતાના ગર્ભાશયમાં અન્ધકારની ખોટ નથી, જન્મોજન્મથી એ ચાલ્યો આવે છે. હું ધૂંધવાયો. એવા ધારદાર ટુકડાઓ એને આપું કે જે ગર્ભના અન્ધકારમાંય ન સંધાય, એના શરીરની શિરાશિરાને છિન્નભિન્ન કરે – એવા ઝનૂનથી મેં મારા શરીરને એની તરફ હડસેલ્યું – આ ઘરનું મૌન, આ ઘરનો સન્તાપ, આ ઘરમાં ટુકડાની જેમ વેરાયેલા જીવ – એ બધાંની યાદ સાથે મેં મારા શરીરને એને સોંપ્યું. બા પાણી પીવા ઊભાં થયાં. મારી પત્નીના બે હાથ મારે બરડે જળોની જેમ ચોંટી પડ્યા. અમારી બેની વચ્ચે દબાઈકચડાઈને ગરમી વધારે અસહ્ય બની. એ ગરમી શરીરમાં બધે રેલાવા લાગી – લાવાની જેમ. આંખો વધુ બળવા લાગી. ચોમાસામાં નીકળી આવતા હજાર પગવાળા જીવડાની જેમ મારું શરીર હજાર હજાર પગે ચાલવા માંડ્યું. એકાએક જાણે કોઈએ ઊંઘના ધસ્યા આવતા પૂર સામે બાંધેલો બંધ તોડી નાંખ્યો, હું ફસડાઈને ઢળી પડ્યો.

એ તન્દ્રાવસ્થામાં મારા મન સામે એક ચિત્ર ખડું થઈ ગયું. વિશાળ રણક્ષેત્ર પર પડેલાં શરીરોના ઢગલા વચ્ચે હું પડ્યો છું. હું આખો નથી. એક હાથ અહીં છે, બીજો ક્યાંક દૂર, માથું ક્યાંક દૂર ગબડી ગયું છે. ત્યાં મશાલ સળગાવીને મારી પત્ની મને શોધતી શોધતી મારી પાસે આવી ચઢે છે. એ મારાં અંગો ભેગાં કરે છે. એની સેંથીએ સિંદૂર છે, એના હાથે કંકુ. એ પોતાને હાથે ચિતા પ્રકટાવે છે ને મને ખોળામાં લઈને એમાં પ્રવેશે છે. દઝાડતી ઝાળ અમને લપેટી લે છે, હું દાઝ્યા જ કરું છું. આખરે ન સહેવાવાથી આંખો ખોલી નાખું છું. બહાર તડકો છે, એના થોડા તીક્ષ્ણ ટુકડા મારી આંખ પર વિખરાયા છે. હું બેઠો થાઉં છું. આંખ હજુ બળે છે. ઊભો થઈને રસોડામાં જાઉં છું: મારે માટે ઢાંકી રાખેલી ચા ગરમ કરીને બા મને આપે છે. એમાં ધુમાડાનો સ્વાદ છે. અમૃતની જેમ એને પીતો હું બેઠો રહું છું ને વાડામાં ચૂલામાંની રાખના ઢગલા પર વિખરાયેલા તડકાના રઝળતા ટુકડાને જોઉં છું ને એકાએક કવિતાની પંક્તિ સ્ફુરે છે: કુરુક્ષેત્ર પર ઓગણીસમા દિવસનું પ્રભાત ઊગ્યું છે. સૌભાગ્યવતીના ખણ્ડિત કંકણના જેવો પ્રકાશ વેરાયો છે, સહમરણની વધૂના હાથમાંથી ખરતા કંકુની જેમ એ પૂર્વ ક્ષિતિજની હથેળીમાંથી ખર્યે જાય છે…. બહાર અભ્યાસ કરવા બેઠેલા નાના ભાઈના આંક બોલવાના અવાજ સાથે મારી કાવ્યની પંક્તિઓ ગૂંચવાઈ જાય છે, હું લંગડા બાળકને દોરતો હોઉં તેમ આજુબાજુના વધતા જતા અવાજ વચ્ચે થઈને મારી નાનકડી ચાલવા ન શીખેલી કવિતાને બહાર લઈ જાઉં છું. બહારના પ્રખર તડકામાં એની આંખ ખૂલતી નથી. બીડેલી આંખવાળી એ કવિતાને ચિત્તમાં ક્યાંક સંગોપીને ફરી રાત્રિના સૂમસામ અન્ધકારની રાહ જોઉં છું. એ અન્ધકારમાં મારી કવિતા આંખો ખોલશે એના ઉત્સાહથી દિવસના બીજા છેડા સુધી પહોંચી જવાની હું હામ ભીડું છું.