બીડેલાં દ્વાર/કડી છઠ્ઠી

કડી છઠ્ઠી


ડૉ. પ્રતાપકાકાની કને એ ગયો. પોતાની ‘મૌલિક રચનાઓ’નું મૂલ આંકવા જગત જ્યાં સુધી તૈયાર નથી ત્યાં સુધી સંતતિને પોતે કયા ગજવામાં સાચવશે વગેરે વગેરે ચિંતાઓ વ્યક્ત કરી. અને ગર્ભનો નિકાલ કરી નાખવા વિષે સલાહ પૂછી,

પ્રતાપકાકાએ પોતાની આંખોની અંગાર-અણીઓ અજિત તરફ તાકી. પૂછ્યું : “તું અને પ્રભા શું ‘એબોર્શન’ (ગર્ભપાત) કરવાના મનસૂબા ગોઠવો છો?” “મને — મને બરાબર ખબર નથી.” અજિત થોથરાયો. ‘એબોર્શન’ શબ્દ એને અતિ અસભ્ય લાગ્યો. “પ્રભાના મનોભાવ મને એવા જણાયા.” ડૉ. પ્રતાપે કહ્યું : “પણ હું તને ચેતાવું છું, અજિતડા, કે એ પગલું તને એવા તો સત્યાનાશમાં ઉતારશે, કે તું જીવનભર એના જખમને ભૂલી નહીં શકે. તું તારી પ્રભાને ખોઈ બેસીશ. એ ભયંકર ઉપચાર પછી ભાગ્યે જ કોઈ સ્ત્રી હતી તેવી રહી શકી છે; ફરીવાર કદાચ ગર્ભધારણને માટે તું એને કાયમની નકામી બનાવી બેસીશ; ને એ રીતે એનો અવતાર બગાડી મૂકીશ. વળી તારે એને કોઈક બદમાશના પંજામાં મૂકવી પડશે; ને તું જાણે છે, કે ગર્ભપાત તો ફોજદારી ગુનો છે?” “હા.” “સરકારનો જ નહિ, પણ ઈશ્વરનો પણ ગુનો છે. આપણા આ યુગનું એ ઘોર પાપ છે. એણે આપણી ભૂમિને રૌરવ નરક બનાવી મૂકી છે.” ચુપકીદીનો એક આંતરો પડ્યો. “પણ પ્રભાને પોતાને આમાં શો વાંધો છે?” ડૉ. પ્રતાપે પૂછ્યું. “એ — એ હજુ નાની છે.” “નોન્સેન્સ, એ ઓગણીસ વર્ષની તો થઈ છે, નહિ? અને એના શરીરની સંપત્તિ તો હાલ છે તેવી સુંદર કદી જ નહોતી, કદી જ નહિ હોય.” “પણ એનો માનસિક વિકાસ હજુ ઘણો અધૂરો છે.” “તો તો એને દુનિયામાં બીજું કશું પણ ન આપી શકે તેવો માનસિક વિકાસ માતૃત્વ આપશે; અને એટલું જોતો નથી તું, કે એને બાળક જોઈએ છે?” “એને જોઈએ છે?” અજિત ચમક્યો. “હા, હા, બેશક એ માગી રહી છે. તારા પરના હેતમાં એ ડૂબાડૂબ છે. એ પ્રીતિનું પક્વ ફૂલ પ્રભા માગી રહી છે. કેમ ન માગે?” “ઓ ડૉક્ટરકાકા, હું તમને શી રીતે સમજાવું?” “મારે કશું જ બીજું સમજવાની જરૂર નથી. મારી કને અનેક સગર્ભાઓ આવે છે, સહુ પોતપોતાની ખાસ મુસીબત રજૂ કરે છે. કોઈને ગરીબી નડે છે, કોઈને સામાજિક ફરજોમાં વિક્ષેપ પડે છે, તો કોઈને પોતાની કલા-સાહિત્યની કામગીરીમાં નડતર થાય છે. કોઈને વળી ધાર્મિક કર્તવ્યોની, તો કોઈને પરમાર્થસેવાની આડે આવે છે આ સંતતિ-સાલ! સહુને એવાં એવાં નિમિત્તે ગર્ભપાત કરાવવા છે. અંતરની વેદનાએ વલોવાતાં તેઓ મને મોંમાગી રકમો આપવા તૈયાર થાય છે, ને હું ધારું તો દસ-દસ મિનિટે રૂપિયાની કોથળીઓ ભરી શકું; પરંતુ મારે અંતરાત્મા જેવી એક ચીજ હજુ છે, ભાઈ! માટે જા, અને આ બધું ભૂસું ભેજામાંથી ફગાવી નાખ.” મનમાં બબડતો અજિત દાક્તરકાકાની પાસેથી છેલ્લો ધબ્બો ખાઈને નીકળી પડ્યો. એ બડબડાટ હતા ‘બાળક’ વિશેના. બસ, બાળકો એ તો દાક્તરોના લાભની વાત છે. આખા જગતનો એ ધંધો થઈ પડ્યો છે. લોકો લગ્ન કરે છે — બાળક મેળવવા માટે; બસ, અહીં પૃથ્વી પર અવતાર ધરે છે જ જાણે સંતાન સારુ, બાકીનું બધું કેમ જાણે ધાંધલ જ હોય! આજકાલ લોકોને જીવવાનું નિમિત્ત માત્ર બાળક છે. બાળકનાં રૂપલાવણ્ય પ્રભુતાભર્યાં : બાળકનાં હૈયાં નિર્દોષ : બાળકની આંખો પવિત્ર : બાળક તો ઈશ્વરી ભેટ, સ્વર્ગનો પરાગ, જગતનું પુષ્પ : બાળકો જેમ વધુ તેમ જગત પર હાસ્યકલ્લોલની છોળો વધારે : આવી આવી ઘેલછાએ અત્યારે સારા વિશ્વને આવરી લીધેલ છે! સ્ત્રીઓને પણ જાણે કે સંતતિ નિપજાવવાનો જ ધંધો, કવિતા કે સંગીતનું જ્ઞાન લેવાનો નહિ! શરૂશરૂમાં નારાજી બતાવે, પણ પછી તો એમ જ માની બેસે, કે કુદરતના સંકેત પાસે આપણું શાણપણ શા ખપનું? ઈશ્વરથી વધુ ડાહ્યલાં થનારાં આપણે કોણ? બાળકોથી સ્ત્રીઓના જીવનની અપૂર્ણતા પુરાય, ને તેઓના જ્ઞાનતંતુઓ શાંતિ પામે; બાળકો મળ્યાં એટલે આ શૂન્ય જગતમાં તેઓને કશુંક ચિત્ત ઠેરવવાનું સાંપડ્યું, આ ખારા ઊંડા સાગરમાં કોઈ કિનારો હાથ લાગ્યો. હિસ્ટીરિયા, ચીડિયાપણું અને વાતવાતમાં ઉશ્કેરાટમાંથી બચાયું! આવી આપદાઓને હૃદયમાં ફેરવતો ફેરવતો અજિત દાક્તર કનેથી ચાલ્યો જતો હતો ને એને પ્રતીતિ થઈ રહી હતી કે પોતાનાં મનોરથો, યોજનાઓ, પેરવીઓ ચાહે તે હોય, પોતે તો કુદરતની આંધળી જનન-લીલાનું જ રમકડું હતો. પોતાની તમામ યોજનાઓની સંગાથે એ આજ પ્રકૃતિની જ પરમ યોજનાના મહાધોધમાં તણાયે ચાલ્યો હતો. બાર મહિના ઉપર જ અજિત એક કુમળો જુવાન હતો; ચિંતાવિમુક્ત, સંતોષી અને પોતાની કલાના સ્વપ્નમાં લપેટાયેલો હતો. આજ એ વિવાહિત પતિ હતો ને એના બરડા ઉપર પિતાપદનો મણીકો લટકતો હતો. આવું ટીખળ, આવો તમાશો પોતાના ઉપર ખેલાવાનો છે એવું કોઈએ એને એક વર્ષ પર કહ્યું હોત, તો એ અટ્ટહાસ્ય કરત; પણ આજે એણે જોયું, કે પ્રકૃતિના ફાંસલામાં એ આબાદ આવી ગયો છે. પોતાનાં સ્વપ્નો સિદ્ધ કરવા સારુ પોતે અને પ્રભાએ કેવા કેવા ગંભીર નિશ્ચયો ને પ્રતિજ્ઞાઓ કર્યાં હતાં ને કેવી બારીકાઈથી અમુક પ્રકારનું જીવન જીવવાની પાર વિનાની ગડમથલ કરી મૂકી હતી : તે સર્વ ભુક્કેભુક્કા થઈને આજે ક્યાંય ઊડી ગયું : કુદરતે પોતાના જુગાન્તર-જૂના જનન-નાટકના પ્રત્યેક પ્રવેશની અંદર બેઉને રમાડવાની રચેલી બાજી કેવી આબાદ ખેલાઈ ગઈ હતી : એ બધો ભૂતકાળ યાદ કરતાં અજિતથી ઇચ્છા વિરુદ્ધ પણ હસી જવાયું. ઊકળતા અંતઃકરણે પણ એક કલાકાર તરીકે એણે કુદરતની આ અજોડ કરામતશક્તિ ને કસબનવેશી ઉપર સાચા હૃદયનું આફરીન વરસાવ્યું : વાહ રે, કલાવિધાત્રી! તારું કલાવિધાન અજોડ છે! ‘આ તો હજુ પહેલું જ જવનિકા-છેદન છે, બચ્ચા!’ પ્રકૃતિના નાટ્યાલયમાંથી એને અવાજ સંભળાયો : ‘હજુ તો મારો સૂત્રધાર ઈશ્વરસ્તુતિ ગાય છે. હજુ તો મારે કૈંક પાઠ પહેરવા બાકી છે. અત્યારથી આટલો આકુળવ્યાકુળ કાં થાય છે?’