બીડેલાં દ્વાર/કડી ત્રીજી

કડી ત્રીજી

પ્રભા તે વખતે નિરુત્તર રહેલી.

પછી તો કંઈ કંઈ વિનવણાંને અંતે એણે કબૂલ કર્યું : “હું આ મહિને કોરે બેઠી નથી. દિવસો પૂરા થઈ ગયા.” અંતર પર પડેલી ઊંડી ચિંતાની વાદળીને ખેસવવા પ્રયત્ન કરતો અજિત આશ્વાસન દેવા લાગેલો : “કંઈ નહિ, એ તો અકસ્માત હશે. અગાઉ પણ મહિના ખાલી ગયા હતા ને?” બીજો મહિનો પણ હાથતાળી દઈને હસતો હસતો જાણે કે ઉગારની વાટ જોઈને ઊભેલી પ્રભાને ઊંડા ગર્તમાં ધકેલતો રવાના થયો. એમ એક દિવસ, બે દિવસ, ત્રણેય દિવસો ચોરડાકુઓની પેઠે સરકી ગયા. પ્રભાના અંતરમાં ભયનું કોઈ વરુ જાણે ભરાઈ બેઠું. પ્રભા દોડી હતી દાક્તરની પાસે. મૌલિક કૃતિઓ ઉપર મદાર બાંધીને બેઠેલો અજિત પોતાના કંગાલ ઘરમાં એક કુટુંબીની કાળરૂપ વૃદ્ધિ થવાની ચિંતાએ વાળ વીંખતો હતો. દાક્તરે તો કહ્યું હતું, કે ગર્ભાધાનને અટકાવી શકાય છે. ઘણા એ ઇલાજો સેવે છે; પણ કોણ જાણે શા કારણે અજિતનું કલેજું એવા ઉપચારની સામે બળવો કરી ઊઠ્યું. આવી હાલતમાં બાળક કેમ સાચવી શકાય? હજી તો બાપડી નિશાળિયા જેવી પ્રભા સંતાનના ઉછેરમાં શું સમજી શકશે? તે વખતે બારણું ઊઘડ્યું અને પ્રભાના ચહેરા ઉપર અજિતે પોતાના ભાગ્યલેખ વાંચ્યા. અબોલ પ્રભા અંદર આવીને પથારી પર ઢગલો થઈ પડી. “કાં? શું ઠર્યું!” અજિતે પૂછ્યું. “આપણી બીક સાચી ઠરી.” “શું બોલ્યા દાક્તર?” “કે બે’ન, તારી શરીરસંપત્તિ બહુ જ ફક્કડ છે ને ખૂબ નીરોગી છે. તને નમણું બાળક સાંપડશે.” જીવનસંગ્રામનું કઠોર સત્ય એ વેળાએ અજિતની સન્મુખ પૃથ્વી ફાડીને ભભૂકેલા કોઈ જ્વાલામુખી જેવું હાજર થઈ ગયું. આ વિપત્તિની સરખામણીમાં તો આજ લગીનાં અન્ય સંકટો સાથેનો મુકાબલો છોકરાંની રમતો સમાન ભાસ્યો. બન્નેએ એકબીજાની આંખોમાં ભયની ભૂતાવળો નિહાળી. પ્રભાનો ચહેરો કોઈ અચાનક શોષાઈ ગયેલા મહાસાગરના અતલ અંધારા ગર્ત જેવો બની ગયો. એના ગાલની સુરખી ઊડી ગઈ. રૂની પૂણીઓ જેવા હોઠે એને એક-બે કલાકમાં તો ઘરડી ડોશી કરી મૂકી. જીવનનું, યૌવનસુખનું સ્વપ્ન ભાંગી ગયા પછીની જાગૃતિ-વેદના બન્નેને દિઙ્મૂઢ બનાવી રહી. આટલી બધી ઝડપે, આટલું ઓચિંતાનું એ ત્રણ માસનું દાંપત્યપંખી પાંખો પસારી ઊડી ગયું. એના ફફડાટ સુધ્ધાં ન સંભળાયા. “અજિત! વહાલા!” ઊંડે સ્વરે પ્રભાએ કહ્યું : “આ તો સત્યાનાશ થશે આપણું.” “સાચે જ.” અજિત ભાવિના કૂપમાં દૃષ્ટિ લંબાવતો હતો. “ના, ના, તે પહેલાં તો હું મારા જ જીવનનો અંત આણીશ. તમને હું એ સત્યાનાશના દરિયામાં નથી ખેંચી જવા માગતી.” અજિતની જીભ અવાચક રહી. “સાંભળો, અજિત, એક જ વાત વિચારવાની રહે છે. હવે મારે ગર્ભનો નિકાલ જ કરવો જોઈએ.” “નિકાલ શી રીતે?” “એ હું નથી જાણતી, પણ સ્ત્રીઓ અનેક વાર એ કરે છે.” “મેં પણ એ વાત સાંભળી છે, પણ એ તો બહુ ભયંકર પ્રયોગ છે ને?” “છો રહ્યો ભયંકર, મને એની પરવા નથી.” “પ્રભા, એવા અડબૂત ઇલાજમાં ઊતરવા કરતાં દાક્તર કને જ કાં ન જઈએ?” “દાક્તર કને? ના રે, ના. એને પૂછવામાં હવે કશો જ સાર નહિ કાઢીએ.” “કેમ નહિ?” “કેમકે એને — એને આ સત્યાનાશી વાતની ગમ નથી. એ તો એ બાબતની વિટંબણાનો વિચાર જ કરી શકતા નથી. એને તો છોકરાં ગમે છે. એનો એ ધંધો છે.”