બીડેલાં દ્વાર/કડી બીજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડી બીજી


આજે બે કલાક ઉપર પ્રસૂતિગૃહમાં પોતે પોતાની પત્ની પ્રભાની સુવાવડ દીઠી છે. અત્યારે તો એ શાંતિમાં સૂતી છે; પણ એક પહોર પહેલાં એ કયા નરકનો વાસ ભોગવી રહી હતી? ગઈ આખી રાત પ્રભાને કેવા કાળરાક્ષસની સાથે બાથંબાથા સંગ્રામ કરવો પડેલો! એની માના કહેવાને વશ બની જો મેં એને પિયરમાં પ્રસૂતિ કરવા મોકલી હોત, તો અત્યારે પ્રભા હયાત હોત કે નહિ? જીવતા રહેવું — ન રહેવું એ જુદી વાત છે; ત્યાંયે સરખી સંભાળ લેવાઈ હોત, તો ત્યાં પણ એને કસોટીમાંથી પાર કરી શકાઈ હોત, પરંતુ હું આ દૃશ્યોને જોઈ સાક્ષી ન જ થઈ શક્યો હોત ને ! અને નજરે જોયા વિના તુચ્છ, બીભત્સ, અશ્લીલ કે અસભ્ય કોઈ પરિહાસનો જ પ્રસંગ ગણી બેઠો હોત ને !

આઠ મહિના પહેલાં જ શું મને મારા સ્નેહીઓ આ ગર્ભાધાનની ઠઠ્ઠામશ્કરી કરીને રંજન નહોતા કરાવતા? મેં કોઈ વીરતા કરી નાખી હોય તેમ શાબાશી દઈ દઈ સ્નેહીઓ મહેફિલ માગતા હતા. અને પ્રભાના વધી ગયેલા પેટની પણ હાંસી ઉડાવતા હતા. તે દિવસોએ અજિતને યાદ આવી એનાં નેત્રોને સજળ કરી મૂક્યાં. અજિત એક લેખક હતો, અને પોતે કવિ પણ હતો, એવી એને ભ્રમણા પણ થઈ હતી. (તે કારણે એણે જુલફાં પણ વધારેલાં.) જગતમાં માનવી માનવી વચ્ચેની વિષમતાની દીવાલોને ભેદી નાખવા માટે કલમની સુરંગો પર સુરંગો ચલાવવા એનો પુણ્યપ્રકોપ સળગતો હતો. જેને ‘મૌલિક’ શબ્દે ઓળખવામાં આવે છે, એવી કૈંક કવિતાની હસ્તપ્રતો અને સામાજિક અત્યાચારોની નવલોના થોકડા બાંધીને એ પ્રકાશકો પાસે આંટા મારતો હતો, વિદ્વાનો એની ‘મૌલિક વિચારણા તથા સંકલના અને પાત્રાલેખન તથા વસ્તુગૂંથણી’ વગેરે ઉપર ફિદાગીરી દાખવતા; પરંતુ આજનો સમાજ આવા નગ્ન વિચારોને સાંખી નહિ શકે, પરિણામે ખપત નહિ થાય એવો જવાબ અજિતના કાનમાં ફૂંકાતો. પરબીડિયાં બગલમાં નાખીને અજિત પાછો ફરતો. માબાપ મરી ગયાં હતાં. સાસુ-સસરાની સંમતિ વિરુદ્ધ તેઓની સુંદર કન્યાને, — કોઈ અમીર ઘર શોભાવવા સર્જાયેલી પ્રભાને — અજિત પોતાની કાવ્યરચનાના કારણે વશ કરી છાનોમાનો પરણી બેઠો હતો. એટલે પ્રભાનાં માવતર જમાઈ ઉપર દાંત કચકચાવતાં હતાં. ‘મૌલિક રચનાઓ’ના વેચાણમાંથી કો જાદુઈ ખજાનો હાથ લાગવાની આશાએ જે વેળા અજિત પોતાની અંધારી ઓરડીમાં દિવસો પછી દિવસો ધકેલ્યે જતો હતો, ચા પીવાના જે બે જ કપ રહ્યા હતા તેમાં પણ છેલ્લી તરડ પડી ચૂકી હતી. પ્રભાનાં છેલ્લાં બે છાયલ ધોવાઈ ધોવાઈને કૂણાશ પકડી ઝીણાં બનવાની સાથે જીર્ણ પણ બની ગયાં હતાં. અરીસામાં પડેલી ચિરાડને ‘જોયું પ્રભા, આપણા ઘરમાં બે અરીસા બની ગયા’ એવું સુંવાળું હાસ્ય કરીને અજિત નભાવતો હતો, તે અરસામાં એક વાર એણે પ્રભાનું મોં અત્યંત ચિંતાતુર દીઠું. પૂછ્યું : “કંઈ માંદી છે તું? કંઈ બેચેની?”