બીડેલાં દ્વાર/13. સખી સાંપડી

13. સખી સાંપડી


વિચાર કરતો અજિત તો વળી પાછો ફરીથી પોતાના ‘વિશ્વક્રાંતિ’ના કામમાં પડી ગયો, અને પોતાના આત્માના એકાંતે પ્રભાએ પોતાનું અંતર તપાસી જોયું : ‘ખરેખર શું હું પ્રભાગૌરી ઊઠીને મારા પતિ સિવાયના અન્ય પુરુષની અંદર ઊંડો રસ ધરાવી રહી છું!’

આ પ્રશ્નની સામે પોતે ઝાઝી ઘડી ટટ્ટાર ન ઊભી શકી. એના અંતરમાં ચોક્કસ પ્રકારની ભડક હતી. છબીલને ફરીવાર હરકોઈ પળે પ્રેમપૂર્વક મળવાનો એના મનનો, તલસાટ અછતો ન રહ્યો. થોડાક દિવસ રહીને એક સંધ્યાએ અજિતને પ્રભાએ નવા જ ખુશખબર આપ્યા “અજિત! વહાલા! મને એક અદ્ભુત દોસ્તી મળી ગઈ.” અજિત ભડક્યો. છબીલભાઈની મૈત્રીને એ ભૂલ્યો નહોતો. પ્રભાએ ચલાવ્યું : “તમને તો નવાઈ લાગશે પણ મને જ હજુ નવાઈ મટી નથી કે અમે બેઉ આટલાં જલદી એકબીજામાં દૂધ ને સાકર જેવાં ઓતપ્રોત થઈ જ કેમ શક્યાં!” “પણ કોણ છે એ?” અજિતનું કાળજું ફડક ફડક થતું હતું. “એનું નામ સાવિત્રી છે. આજે હું બાબાને લઈ ફરતી ફરતી મંદિર તરફ ગઈ હતી ત્યાં એ એક પીપળાનું પૂજન કરતાં હતાં. ત્યાં ને ત્યાં અમારાં તો બેનપણાં બંધાઈ ગયાં.” પીપળાનું પૂજન કરતાં સાવિત્રીબાઈ સાથે પોતાની આ નવવિચારક અને કટ્ટર ધર્મવિરોધી પત્નીનાં બહેનપણાં સાંભળીને અજિત જેટલો અજાયબ બન્યો તેટલો એ છૂપો છૂપો રાહત પણ અનુભવવા લાગ્યો. ઠીક છે. કોઈક એવી ધર્મપ્રેમી સ્ત્રીનો સત્સંગ સાંપડી જાય તો પ્રભા પોતાના પતિદેવનો વિશેષ આદર કરતી થાય ને છબીલભાઈઓની છબીઓ એના અંતરમાંથી અળગી રહે ખરી! “કાલે સવારે અહીં આવવાનાં છે સાવિત્રીબેન, જોજો ને! શાં એનાં તપતેજ છે ને શી એની વિભૂતિ છે!” પ્રભાએ ઉશ્કેરી મૂકેલા એ કુતૂહલ પર શાંતિભેર રાત વિતાવવી જરા આકરી હતી. વળતા દિવસે સાવિત્રીદેવી જ્યારે ઉંબરામાં આવી ઊભાં રહ્યાં ત્યારે અજિત આભો બન્યો. આ બાઈના મસ્તક પર મૂંડો હતો. એનાં કપડાં નખશિખ સફેદ અને જાડાં હતાં. અને એના લાલચોળ ચમકતા ચહેરાને આ સફેદ અને જાડાં કપડાંમાંથી વધુ ચમક મળતી હતી. સાવિત્રીબાઈની અવસ્થા થોડી લાગી. આવી ચોખ્ખી આંખો, આવી સ્વસ્થ અને ચિંતનશીલ આંખો કોઈક કોઈક માનવીના મોં પર જ મળી આવે છે. એ દેખાતી હતી સાચોસાચ સંસારત્યાગી સાધ્વી સરીખી. એણે ઓરડામાં પ્રવેશ કર્યો તે પણ સાચવતે સાચવતે. અજિત સાથે એણે પહેલો શબ્દોચ્ચાર પણ અદબપૂર્વક અને કોઈ મરજાદીની જતનાથી કર્યો. પણ પ્રભા સાથેનું સાવિત્રીનું એ મંદ મંદ હસવું એટલી મધુરી ભાત પાડતું હતું કે એને પ્રથમ નજરે જોતાં મીરાંબાઈ સાધુડી વેરાગણનો જે ભાવ અજિતને થયેલો તે વિરમી ગયો. બેશક, પ્રભા આવી વેરાગણની સોબતમાં પડી જુનવાણી રૂઢિઓને પૂજતી થાય તેવો ભય એના મનમાંથી સાવ નાબૂદ ન થયો. પ્રભાને આવી વેરાગણ સાથે દિલ-શું-દિલ જોડવાનું પ્રેરણાતત્ત્વ કયું હતું તે પણ અજિત કલ્પી ન શક્યો. એકંદર એ મુલાકાત જ્યારે પૂરી થઈ ત્યારે અજિત નારાજ કરતાં રાજી વધારે થયો. પ્રભાને એણે સુરક્ષિત બનેલી કલ્પી. પ્રભા જે રીતે એના પર લળતી હતી તે રીત જોઈને એણે સાવિત્રી ગયા બાદ પ્રભા પર થોડો વિનોદ પણ છાંટ્યો : “મને તો બીક લાગતી હતી કે હમણાં જ જાણે તું એને બાઝી પડીશ, પ્રભા!” “સાચું કહો છો.” પ્રભા આનંદનો જાણે ઊંડો ઘૂંટડો પીતી બોલી ઊઠી, “મને એને ભેટી પડવા મન થતું હતું. કાલે સવારે હું પણ એ સૌ સ્ત્રીઓને ગૌરીપૂજા કરાવે છે ને એવરત-જીવરતની વારતા કહે છે તે સાંભળવા જવાની.” “ક્યાં?” “શિવમંદિરમાં. એ ત્યાં ઊતરેલ છે.” “કોને ઘેર?” “પૂજારી છે ત્યાંના, એની એ સગી થાય છે.” “હું પણ આવીશ.” કુતૂહલનો માર્યો અજિત પણ વળતા દિવસના પ્રભાતે પ્રભાની સાથે શિવમંદિરે ગયો. ત્યાં એણે પુરાણું ધરમઘેલછાનું વાતાવરણ નિહાળી તિરસ્કારયુક્ત વિનોદ અનુભવ્યો. છતાં એણે મન વાળ્યું કે, ઠીક છે. વ્રતોપૂજનોમાં પ્રભા પણ થોડી થોડી પડી જાય તો એના મનને પ્રવૃત્તિ મળશે, ને એનો જીવ ઠેકાણે રહેશે. બેશક, એ વિચારમાં છબીલભાઈની આકૃતિ આલેખાયા વગર રહી નહિ. “પ્રભાબહેનને આજે એવરત-જીવરતનું જાગરણ કરવા અહીં આવવા દેશો ને?” સામનો ન કરી શકાય એવા સ્મિત સહિત સાવિત્રીએ અજિતની સામે આવીને કહ્યું. “તમે એને શું કરી નાખવા ધારો છો?” અજિતે એ સ્મિતનો જવાબ સ્મિતભર્યા શબ્દે દીધો. “એ તો તમને પણ ફરીવાર જનોઈ પહેરતા કરવા માગે છે.” પ્રભાએ અજિતને કહ્યું : “જોઈ રાખજો.” “એ મને જનોઈ પહેરાવશે કે હું એના માથા પર પાછા કેશ ઉગડાવીશ તે તો કોને ખબર છે!” અજિતે પ્રભાને હળવેથી કહ્યું અને પછી બેઉ ઘર તરફ પાછાં ફર્યા ત્યારે સાવિત્રીનો પૂરો પરિચય પ્રભાએ કરાવ્યો : “એ વિધવા નથી, પણ બ્રહ્મચારિણી છે. એણે પોતાની જાતે જ વાળ કઢાવી નાખેલ છે. ગુજરાતના એક ગામડામાં એ રૂઢિચુસ્ત સ્ત્રીઓની અંદર જ સેવાકાર્ય કરી રહ્યાં છે. લોકો પાસે રેંટિયા ફેરવાવે છે અને સૌને ધર્મોપદેશ આપે છે.” ‘પોતે સ્વભાવે તો જરીકે શુષ્ક નથી જણાતાં’. અજિતે એના માથાનો મૂંડો વગેરે દીદારને ઉદ્દેશીને વિચારવા માંડ્યું. કેવી સ્વાભાવિક આત્મસ્ફુરણાથી ને સ્વતંત્ર અદાથી વર્તે છે! “પણ વિચારો બધા જ આપણાથી ઊલટા. ચુસ્ત જ્ઞાતિભેદ પાળે છે. આપણે ઘેર ચા પણ ન પીએ.’ “વિચારભેદ બહુ અગત્યનો નથી.” અજિતે કહ્યું : “હું તો જોઉં છું આંતરિક પ્રકૃતિના ઉમદાપણાની જરૂર.” “પણ તમને જનોઈ પહેરતા કરશે તો!” “કાંઈ ચિંતા નહિ. ઉપરથી શુષ્ક દેખાય છે, પણ વિનોદી છે, રસજ્ઞ જણાય છે.” “એ જો સાથે રહે ને, તો તમામ વ્યથાઓને જીતી જાઉં.” “આપણે એને મનાવશું.” “પણ એ તો કહે કે મારે ગામડાંની સેવા છોડવી જ નથી.” “એને હું વટલાવીશ.” “વળતા દિવસે સાવિત્રી મળવા આવી. આજે એ એકલી નહોતી, એક પુરુષ સંગાથી પણ હતો. “આ મારા ભાઈ છે. સંસ્કૃતના શાસ્ત્રી છે.” સાવિત્રીએ ઓળખાણ આપી : “વસઈમાં એક પાઠશાળા ચલાવે છે.” શરમાળ અને સભ્ય, વિનય અને મૃદુતાની મૂર્તિ સમો એ માનવી હતો. એની ચામડીનો રંગ છોકરીશાઈ હતો. એના માથે જુલ્ફાંને બદલે છેક જ ઝીણા કતરાવેલા વાળ હતા ને જાડી ચોટલી હતી. ધાર્મિક શિક્ષણનો ઉપાસક હતો. તે દિવસના મેળાપમાં આખો સમય એક શબ્દ પણ બોલ્યા વગર એ સાવિત્રી અને અજિત વચ્ચેનો વાર્તાલાપ સાંભળતો જ બેઠો રહ્યો. ઊઠતે ઊઠતે અજિતને એણે ફક્ત એટલું જ કહ્યું, “આપના આ નવીન વિચારો ને નવયુગી કાવ્યો મારાં બાળકોને સંભળાવવા એક વખત વસઈ આવશો?” “પણ મારા વિચારો બહુ જલદ છે. રાવણને દસ માથાં હોવાની કે રામચંદ્રજી પૂર્ણપુરુષ હોવાની વાત હું માનતો નથી. એમણે જબરી નબળાઈઓ બતાવી હતી.” “જે લાગે તે કહેજો.” એવી સારી છાપ પાડીને એ ચાલ્યો ગયો. એનું નામ દીવેશ્વર. બન્ને સ્ત્રીઓ વચ્ચે મિત્રતાની જ્યોત ચેતાઈ ગઈ ને તેની શિખા જલતી રહી. પછી તો સાવિત્રી વારંવાર છેક વસઈથી પ્રભાને મળવા આવતી હતી, ને પ્રભા પણ સાવિત્રીના ભાઈ દીવેશ્વરને ઘેર વારંવાર જતી-આવતી થઈ. બેઉ પરસ્પર પોતાના અંતરની ગુપ્તમાં ગુપ્ત વાતો પ્રગટ કરતાં, અને સાંજે આવીને એ અજિતને કહેતી : “વહાલા! તમારે વારતા લખવામાં કામ લાગે એવું ઘણું બધું મને તો ત્યાંથી મળે છે. એના જીવનના આ રહસ્યમય પ્રસંગો પરથી તમે અદ્ભુત કથા સરજાવી શકશો. આ સાવિત્રી કદી કોઈના પ્રેમમાં પડી જ નથી. કદી કોઈ પુરુષ પ્રત્યે એને આકર્ષણ જ નથી થયું. એની તો બસ એક જ ધૂન છે : ગામડાંની સ્ત્રીઓને ને બાળકોને કેળવવાની ને સુધારવાની — ને એનો ભાઈ બાપડો! એ એનો સગો ભાઈ નથી, ધર્મભાઈ છે. એ બાપડો ક્યાંક મનભંગ થયો છે. પણ એને ને સાવિત્રીને તો શુદ્ધ ભાઈબહેનનો જ સ્નેહ છે.” વાતોમાં પ્રાર્થનાની વાત પણ નીકળી પડી : “ભાઈબહેન બેઉ સાંજે પ્રાર્થનામાં બેસે છે. મને પણ કોણ જાણે કેમ પણ, પ્રભુ અને ધર્મ વગેરેમાં શ્રદ્ધા ન હોવા છતાં તેમની પ્રાર્થનામાં બેસવાથી મનની શાંતિ ખૂબ મળી, આપણે તો પ્રાર્થનાને હસનારાં. આપણને એમાં કશી જ શ્રદ્ધા નથી. આ તો અમસ્તી એક આનંદની વાત છે.”