બીડેલાં દ્વાર/17. નવી સમસ્યા

17. નવી સમસ્યા


ત્રણ અઠવાડિયાં પછી એ પાછો આવ્યો ત્યારે એના હૃદયનો કટોરો પ્રભાને માટે પ્રેમ અને સહાનુકમ્પાએ છલકતો હતો. ઘેર જઈ પ્રભાને પોતાનાં સાહસોની વાતો કરી. પોતાની નવી આશાઓના ખજાના પ્રભા પાસે ખુલ્લા મૂકવા હતા.

વસંતની પગલીઓ ચાલીની આગળ-પાછળનાં વૃક્ષોને પાંદડે પાંદડે પડી રહી હતી. વાયુમાં વસંતનો સુગંધમય શ્વાસ લહેરાતો હતો. પથારીમાં બેઠેલી પ્રભાના ગાલોમાં પણ નવવસંતનો ગુલાબ પુરાતો હતો. એના સ્વાગત-સ્મિતની અંદર માર્દવ અને માધુરીની કટોરીઓ હતી. બાબાને રમાડતો રમાડતો અજિત પ્રભાને પાર વગરની વાતો કહ્યે જતો હતો, પણ થોડા જ વખતમાં એને સમજાયું કે પ્રભાના હૃદયમાં કશીક કહેવા જેવી વાત ઘોળાય છે. છેવટે બાબાને બહાર રમવા મોકલી દઈને પ્રભાએ અજિતને કહ્યું : “કહેવા જેવી એક વાત બની છે.” “હા, કહોને.” “બહુ જ મહત્ત્વની છે.” “એમ?” “મને સમજ નથી પડતી કે કેવી રીતે શરૂઆત કરું? ગુસ્સે તો નહિ થાઓને?” “અત્યારે તો ગુસ્સે થવાનો ખ્યાલ સરખોયે હું કરી શકતો નથી.” પણ આટલું બોલ્યા પછી એને આગલો એક પ્રસંગ યાદ આવ્યો, જે પ્રસંગે પણ વાતની શરૂઆત પ્રભાએ આવી જ રીતે કરેલી. એટલે એણે પૂછ્યું : “છબીલભાઈ તો હમણાં ક્યાંય મળ્યા કર્યા નથી ને?” એના એ શબ્દો તરફ રોષ-ભ્રૂકુટિ ચડાવી પ્રભાએ કહ્યું : “એ વાત શીદ કરવી પડે છે? હું કાંઈ મશ્કરી કરવા નથી બેઠી.” એને ઉશ્કેરાયેલી દેખીને અજિત ચૂપ રહ્યો. “તમને કહેતાં મેં ઘણો વખત આંચકો ખાધો… પણ તમારે એ જાણવું જ જોઈએ. તમને કહી દેવું એ હું ઉચિત ધારું છું.” “ખુશીથી કહો.” “વાત તો લાંબી છે. છેક મારા પહેલા ઑપરેશનના સમયથી માંડીને મારે કહેવી પડશે.” એ પછી પ્રભાએ દીવેશ્વરને લગતા પોતાના ક્લોરોફોર્મ સૂંઘતી વખતના અનુભવો કહ્યા. તે પછીના પોતાના ઉશ્કેરાટોની ને દીવેશ્વર પાસે કરેલી પ્રેમકબૂલાતોની વાતો કહી. એણે વાત પૂરી કરી ત્યારે એનો આંખો દેહ કમ્પતો હતો ને એનું મોં તથા ગળું લાલ લાલ થઈ ગયાં હતાં. થોડીવાર ગંભીર વદને ચૂપચાપ બેસી રહ્યા પછી અજિત બોલ્યો : “સમજ્યો.” “મારા પર તમે ગુસ્સે છો ને?” “ના, ગુસ્સે નથી. પણ હવે મને કહી દે, તે પછી આગળ શું શું બની રહ્યું છે?” “દીવેશ્વર મને મળવા અહીં આવ્યા કરે છે. મારે એની મદદની જરૂર હતી એટલે એ ના ન પાડી શક્યા. અહીં આવવાની એની ફરજ થઈ પડી.” “હાં-હાં, પછી?” “મને એમ લાગેલું કે આ બધું મારી માંદગીમાંથી જ ઊભું થયેલું તૂત હતું, ને હું સાજી થઈ જઈશ એટલે શમી જશે.” “ને શમી ગયું છે ખરું?” આંખો પતિની સામે ચોડીને પ્રભા બેસી રહી. એનો અવાજ તદ્દન હળવો પડી ગયો. એ બોલી : “ના — નથી — નથી શમ્યું.” “એને ખબર છે?” “એ બધું જ જાણે છે. મારે એને કહેવાની જરૂર રહી નથી.” “પણ તેં એની સાથે એ વિશે વાતો કરી છે?” “સહેજસાજ. એટલે એમ કે મારે એને બધું સમજાવવું પડેલું. મેં ઇસ્પિતાલમાં જે કરેલું તેની માફી માગવી પડેલી. મારે એને સમજાવવું પડ્યું કે જો હું માંદી ન હોત તો મેં એને એ બધું કહ્યું ન હોત.” “સમજ્યો.” “ને તમને પણ મારે સમજાવવું હતું કે તમારે એને દોષ ન દેવો. કેમકે એ બાપડા તો બિલોરી કાચ જેવા છે. ને મને જે કાંઈ થઈ રહ્યું છે તે બાબતમાં હું જેટલી લાઇલાજ છું તેટલા જ લાચાર એ પણ એને જે થયું છે તે બાબત હશે ને! એટલું તો તમારે જાણવું જ જોઈએ ને, વહાલા! કે આનો કશો ઇલાજ નહોતો?” “હું જાણું છું, પ્રભા.” “એ તો બાપડા એટલા બધા સજ્જન અને ખાનદાન છે! એ તો તમારો જ વિચાર કરી રહ્યા છે. તમારું તો એ શબ્દમાત્રથીયે બૂરું ન કરે તેવા છે. આ વાત એણે મને ફરી ફરી કહી છે. એને તો ફાળ જ એ પડી ગઈ છે કે અમારાં બેમાંથી એકાદની કદાચ કશી ભૂલ થઈ બેસે. એ એટલા બધા લાગણીપ્રધાન છે — દરેક વાતને એ જેટલા ગંભીર અર્થમાં લે છે તેટલું બીજું કોઈ લેતું નહિ હોય.” “એ તો હું સમજ્યો.” એટલું કહીને થોડી વાર થંભી ગયા પછી અજિતે કહ્યું : “પણ હવે આનું છેવટ શું છે?” “એટલે? તમે શું કહો છો?” “તું હવે શું કરવા માગે છે?” “લે! કરવાનું વળી આમાં શું હોય? કરી યે શું શકાય?” “પણ તું એની સાથે કાયમ પ્રેમસંબંધ ચાલુ રાખવા માગે છે કે કેમ?” “હું એ કેમ કરીને કહી શકું, અજિત! એમાં કાંઈ વાંધો છે?” “ના. બીજું તો કાંઈ નહિ,” અજિતે સ્મિત કરતે કરતે કહ્યું, “પણ એ પ્રેમ તો પછી આગળ વધે ને! એવું ઘણીવાર બને છે.” “ના, પણ દીવેશ્વરે કહ્યું છે કે અમારે ફરીથી આ બાબત શબ્દ પણ ન ઉચ્ચારવો. ને મને એમ લાગે છે કે એ સાચું કહે છે. એણે કહેલું છે કે અમે બેઉએ પરસ્પરના આત્માને પ્રીછેલ છે, એટલે અમારાં જીવન હંમેશાં સમૃદ્ધ બનતાં રહેશે. અમને ઉન્નત જીવન જીવવામાં મદદ કરશે.” “સમજ્યો! પણ શરૂઆતમાં તો મારા જેવા માણસને એ લગાર મૂંઝવવા જેવું થશે. એને ટેવાઈ જવા માટે પણ મારે થોડો સમય જોશે ને!” પ્રભા બોલી : “દીવેશ્વરભાઈ તો તમને હજુ વિશેષ ગાઢ પરિચયથી ઓળખવા ઉત્સુક છે, પણ એ તમારાથી ડરે છે. તમે એટલા બધા સીધાસટ અને તડફડ કરી નાખનારા, એક ઘા ને બે કટકા કરનારા છો ખરા ને!” “હાં — હાં — ખરું — હું એ કલ્પી શકું છું.” “ને એ ડરે છે કે તમને એમના તરફ વિશ્વાસ નથી, કેમકે એ જૂના વિચારના છે. પણ, અજિત, હું ખરું કહું છું કે એ જુનવાણી નથી.” “હશે.” વળતે દિવસે બપોરે દીવેશ્વર શાસ્ત્રી મળવા આવ્યા, ત્રણેય જણાં વાતો કરતાં બેઠાં. અજિતે તો ચિત્રપટ કંપનીની અંતર્ગત બાજુ જોઈ હતી તે પરથી સમાજવાદ ને ક્રાંતિનો વિષય એને હોઠે ચડવો સ્વાભાવિક હતો. બાકીના કોઈ વિષય પર એ વાત કરી શક્યો નહિ. સંકોચ અને વ્યાકુળતા એના વર્તાવમાં સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. કેમકે સગી સ્ત્રીના આશક સાથે કેવી રીતે વર્તવું તેની એને ખબર નહોતી. એટલે એ બીજે મળવા જવાનું બહાનું બતાવી ત્યાંથી ચાલ્યો ગયો. સાંજે જ્યારે દીવેશ્વર જવાની તૈયારીમાં હતો ત્યારે એ આવી પહોંચ્યો ને એણે જોયું કે દીવેશ્વરના મોં પર દુઃખ અને દર્દ હતાં. વાળુ વખતે જોયું તો પ્રભા પણ બેચેન હતી. “કેમ, તમારી ગોઠવણમાં કાંઈ વિઘ્ન ઊભું થયું છે કે શું?” અજિતે પ્રભાને પૂછ્યું. પ્રભાએ જવાબ દીધો : “દીવેશ્વરને લાગે છે કે હવે એણે અહીં કદી ન આવવું જોઈએ.” “કદી ન આવવું જોઈએ? એ વળી શું?” “એમ કે હવે હું સાજી થઈ ગઈ છું એટલે એની મદદની કશી જરૂર નથી. ને એને એમ પણ લાગે છે કે હવે ઠીક પણ ન કહેવાય. આવતાં એને બીક લાગે છે.” એક અઠવાડિયું વીતી ગયું. યુવાન શાસ્ત્રીજી આવતા દેખાયા નહિ. અજિત જોતો હતો કે પત્ની પણ ચૂપચાપ હતી. ને વાત કરતી ત્યારે દીવેશ્વરભાઈની જ વાતો વિશેષ પ્રમાણમાં કરતી. એને જેવી ને તેવી દુર્બળ દિલની ને રાંક દેખી અજિતનું દિલ ઓગળતું હતું. હજુ તો એ ચાલી પણ શકતી નહોતી. તેમ એને જે વીતકોમાંથી પાર થવું પડ્યું હતું તે વીતકોએ એના મનને પણ ક્ષીણ કરી મૂક્યું હોવાની એ ફરિયાદ કરતી હતી. વિચાર તો એ જરીયે કરી શકતી નહોતી, ને જે જ્ઞાન હતું તે પણ એ ભૂલી ગઈ હતી. કેટલીક બાબતોમાં એનું મન પાણી વગરના માટલા જેવું ખાલીખમ બની ગયું હતું. પુસ્તકોના ને ક્રાંતિના વિચારો અભરાઈએ ચડ્યા. અજિતની સામે નવી સમસ્યાનાં બીડેલાં દ્વાર દેખાયાં, કે આ પત્નીના ઉરસંતાપનો શો ઇલાજ? જીવનને આ વમળમાંથી કાઢી લેવાની કઈ કરામત? રાતદિવસના આ લોહીઉકાળાનું છે કોઈ ઔષધ?