બે દેશ દીપક/રાજદ્વારે સંન્યાસી

રાજદ્વારે સંન્યાસી

પરંતુ શ્રધ્ધાનંદના તો સંન્યાસની પણ એક અપૂર્વ જ તવારીખ લખાવાનું સરજાયું હતું. ભગવાં વસ્ત્રો માનવ જાતને માટેના રાજપ્રકરણી યુદ્ધમાં પણ સ્વાર્પણનો કેવો રૂડો વાવટો ફરકાવી શકે તેની ખાત્રી આ સંન્યાસીને હાથે દુનિયાને થવી નિર્માયેલી હતી. પાંચ વર્ષો સુધી એ વૈરાગ્યની સાધનામાં જગતની નિર્જનતાને ખોળે દટાઈ રહ્યા. પાંચ વર્ષ સુધી હિમાચળનાં શિખરો સાથે આ વિશ્વના ભેદોની ગુપ્ત વાત ચલાવી. બ્રહ્મચર્યપાલન અને આચારશુદ્ધિરૂપી સાચા આત્મિક સ્વરાજના સંદેશા વડે ગામેગામ ભરી દીધાં, ધોળપુરના મુસ્લિમ દીવાને એક મંદિરનો ભાગ તોડાવી ત્યાં જાહેર પાયખાનાં કરવાનો ઈરાદો રાખેલ ત્યાં સફળ સત્યાગ્રહ કરી દીવાનની અક્કલ ઠેકાણે આણી, ગઢવાળમાં દુષ્કાળનિવારણનું કામ કર્યું. અને છઠ્ઠા વર્ષની પ્હો ફાટતાં તો રણશીંગાના ધ્વનિ એના કાન પર અથડાયા. અંચળો ખંખેરીને સંન્યાસીએ નિર્જનતાને સલામ કરી. શાંતિનાં પાથરણાં સંકેલી લીધાં, સૃષ્ટિસૌંદર્યનો વૈભવ એને વસમો થઈ પડ્યો, એકાંત આકરી બની, કેમકે પોતાની જન્મભૂમિના દેહ પર એણે રાઉલેટ કાયદા રૂપી ફણીધરને ભરડો લેતો ભાળ્યો. ૧૯૧૯નું એ યાદગાર સંવત્સર : આખા દેશમાં પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો છે, ચાહે તેવા નિરપરાધી પ્રજાજનને પણ, અરધી રાતની સુખભરી નિદ્રામાંથી, વિના વાંકે, કેવળ રાજદ્રોહના સાચા યા બનાવટી શક ઉપરથી જ ઢંઢોળીને સરકારની પોલિસ પલકારાની અંદર બેડીઓ પહેરાવી ઉઠાવી જઈ શકે, અદાલતમાં એના પર આરોપ સાબિત થયા વગર પણ વર્ષોનાં વર્ષો સુધી એને પોલિસ કરાવાસમાં પૂરી રાખી શકે, તેવા એ કાળા કાયદા સામે કરોડો માતાઓ, પત્નીઓ બહેનભાઈઓ અને બાળકોના વિલાપસ્વર સંભળાયા. અને મહાત્મા ગાંધીજીએ એ કાયદા સામે સત્યાગ્રહનો મહાદંડ ઉગામ્યો. એ સત્યાગ્રહની અંદર સંન્યાસીએ પોતાના દેહને રમતો મેલી દીધો. પોતે જ લખી ગયા છે – ‘લાંબા કાળથી હું જેલની વાટ જોતો હતો. રૌલટ બિલ વડી ધારાસભામાં રજૂ થયું અને સમસ્ત હિંદમાં હીલચાલ મચી ગઈ. ગુરૂકુલના એક સ્નાતકને આશીર્વાદ આપીને મેં દિલ્હીમાં ‘વિજય' નામનું દૈનિક પત્ર શરૂ કરાવ્યું. એમાં ત્રણ મુખ્ય લેખ ક્રમાનુસાર નીકળ્યા. એનું મથાળું હતું ‘અમારી છાતી પર પિસ્તોલ.' એ લેખોએ પ્રાંતેપ્રાંતમાં ધૂમ મચાવી. દિલ્હીમાં એની એટલી માંગ વધી કે સાત હજાર પ્રતો છાપવા પછી પણ સેંકડો ઉત્સુક મનુષ્યો નિરાશ બની પાછા ગયા.*[૧] ઉર્દુ રાણીના પાટનગર દિલ્હીમાં હિન્દી દૈનિકની આટલી ખપત! દરેક આર્ય નારીને ‘વિજય' એટલું વહાલું હતું કે, રાયબહાદુરની પત્નીઓ પણ પતિ ‘વિજય'નો તાજો અંક હાથમાં લઈને ઘેર ન આવે તો ઘરમાં પગ મૂકવા ન દેતી. ‘આંદોલન તો પ્રચંડ બન્યું. એ જ સમયે મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહની ઘોષણા કરી, હું એ આંદોલનમાં કઈ રીતે શામિલ થયો એની કથા કેટલીયે વાર બહાર આવી ગઈ છે. મારા પરમ મિત્ર સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેના મુખ્ય શિષ્ય મિસ્ટર શ્રીનિવાસ શાસ્ત્રી (મિસ્ટર અને શાસ્ત્રી એ બેનો મેળ મળતો નથી પણ એમને તો એ જ મંજૂર છે.) ને હું પં. માલવિયાજીની પ્રેરણાથી મળવા ગયો. મારા

* આજે આપણને સાત હજાર પ્રત તો મામૂલી લાગે છે.

મળવાનો ઉદ્દેશ એ હતો કે રાઉલેટ-ખરડાને મંજૂર કરાવવા નોકરશાહી ખડે પગે તત્પર થઈ રહી છે, અને હિન્દી સભાસદો પોતાની નારાજી બતાવવા એ સભામાંથી ઊઠી જાય તો શાસ્ત્રીજીએ પણ એમની સાથે ઊઠી જવું. મેં શાસ્ત્રીજી સાથે આ ચર્ચા ઉપાડી અને એમણે મને કહી દીધું કે પોતે તો ગાંધીજીની જાહેરાતની વિરૂદ્ધ કલમ ઉપાડનાર છે. મેં કહ્યું કે જો પોતે ગાંધીજીના અભિપ્રાય કે કૃત્યો માટે જવાબદાર નથી તો નાહક કુહાડીના હાથા બનવાથી શો લાભ છે? એ કશું જ કાને ન ધરતાં જ્યારે એમણે કહ્યું કે ‘વિરૂદ્ધ અવાજ ઊઠાવવો એ મારી ફરજ છે' ત્યારે મેં જવાબ દીધો કે ‘તો પછી સત્યાગ્રહની પ્રતિજ્ઞા પર સહી કરવાની મારી પણ ફરજ છે.' એ રીતે મારે માટે સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર પર સહી મૂકવાનું આવશ્યક બન્યું.' શાસ્ત્રીજીને મળીને પાછાં વળતાં તુરત એમણે ગાંધીજીને તાર કર્યો, ત્રીજે જ દિવસે ગાંધીજી દિલ્હી આવ્યા, એટલે સ્વામીજીએ તા. ૫ કે ૬ માર્ચ ૧૯૧૯ ના રોજ પહેલી જ વાર રાજનૈતિક આંદોલનમાં ભાગ લેવાની જાહેરાત કરી. પંદર દિવસ ગાંધીજી સાથે મુંબઈ, સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે ઠેકાણે ઘૂમીને પાછા દિલ્હી આવ્યા. અને એમના હાથમાં એક સરકારનો ખાનગી પત્રવ્યવહાર આવ્યો. એ હતો તે વખતના વાઈસરોય લોર્ડ ચેમ્સફર્ડનો, હિન્દી વજીર મિ. મોન્ટેગુ પર સાંકેતિક ભાષામાં ગયેલો તાર. એમાં લખ્યું હતું:– ‘આંદોલન સખત ચાલી રહ્યું છે, મહાત્મા મુન્શીરામ, કે જેમણે સ્વામી શ્રદ્ધાનંદ એવું નામ ધારણ કર્યું છે, તેણે ગાંધી સાથે સહકાર કર્યો છે. ઘણા ય કાળથી એ પ્રસિદ્ધ ધાર્મિક નેતા રહ્યા, અને સામાજીક સુધારામાં પણ એણે બહુ ખ્યાતિ મેળવી છે. હવે જણાય છે કે એને રાજકીય આંદોલનમાં પણ મશહુર બનવું છે. જોવું છે કે એનામાં સહન કરવાનું કેટલું પરાક્રમ છે. એનો મેાટો છોકરો થેાડો સમય બ્યુનોએરીસ નગર (દક્ષિણ અમેરિકાના એક પ્રજાતંત્રની રાજધાની)માં પ્રસિદ્ધ વિપ્લવકાર …….…….નો મહેમાન પણ બની આવ્યો છે. ને એનો નાને દીકરો દિલ્હીમાં સરકાર વિરોધી ઉગ્ર હિન્દી દૈનિક ચલાવે છે. જોઈએ શું બને છે!'